ગુજરાત : ભીમા દુલા કોણ છે અને પોરબંદરની ગૅંગવૉરનો શું છે ઇતિહાસ?

ભીમા દુલા ઓડેદરા, પોરબંદર, ગુજરાત ગૅંગવૉર, ગુજરાતનો ગુનાહિત ઇતિહાસ, ગુજરાત પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gujarat Police/Laxman Odedara

ઇમેજ કૅપ્શન, ભીમા દુલા ઓડેદરાની 18મી ઑક્ટોબરના રોજ ધરપકડ કરાયા બાદ 20મી ઑક્ટોબરે જામીન પર મુક્ત થયા હતા
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના દરિયાકિનારે આવેલા શહેર પોરબંદરનું નામ મહાત્મા ગાંધીની સાથે સાથે એક સમયે આ વિસ્તારમાં થયેલા 'ગૅંગવૉર'ની યાદ પણ અપાવી દે છે.

પોરબંદરમાં એક સમયે એક તરફ ગૉડમધર સંતોકબહેન જાડેજાની ગૅંગ, તો બીજી બાજુ ભીમા દુલા ઓડેદરાની ગૅંગની ખૂબ ચર્ચા થતી.

આ ગૅંગવૉરનો અંત આવ્યાને લગભગ ત્રણ દાયકા પસાર થઈ ગયા છે, તેમ છતાંય એ વીતેલા દશકોના ગૅંગવૉરના પડઘા હજી અવારનવાર સંભળાતા રહે છે.

જોકે, પોરબંદરના સ્થાનિકો હવે આ વિસ્તારમાં ગૅંગવૉર પણ ન હોવાનું અને નવી પેઢી ગૅંગવૉર કે ગૅંગના અસ્તિત્વ હોવા બાબતે પણ અજાણ હોવાનું જણાવે છે.

એક સમયે ભીમા દુલા સામે હત્યા, બેવડી હત્યા, ખનીજચોરી, પોલીસને જાનથી મારી નાખવાની કોશિશ, મારપીટ, ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવા જેવા 48 જેટલા ગુનામાં સંડોવણી હતી.

જોકે તેમના પરિવારજનોનું કહેવું છે કે 2006 બાદ તેમની પર કે તેમના પરિવાર પર કોઈ પોલીસ ફરિયાદ નથી કે તેમની કોઈ ગુનામાં સંડોવણી હોવાની વિગતો બહાર આવી નથી.

કોણ છે ભીમા દુલા ઓડેદરા અને શું છે તેમનો ઇતિહાસ?

ભીમા દુલા ઓડેદરા, પોરબંદર, ગુજરાત ગૅંગવૉર, ગુજરાતનો ગુનાહિત ઇતિહાસ, ગુજરાત પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gujarat Police

ઇમેજ કૅપ્શન, ભીમા દુલા ઓડેદરાની ધરપકડ બાદની તસવીર

ભીમા ઓડેદરા હાલ 72 વર્ષના છે. 1984માં જ્યારે તેઓ આશરે 30 વર્ષના હતા, ત્યારથી પોરબંદરની ગૅંગવૉરમાં તેમનું નામ ચર્ચાવા લાગ્યું હતું. જોકે તે પહેલાં તેમની પર નાની મોટી તકરાર, તેમજ મારામારીના કેસ થયા હતા.

તેમની ગૅંગને નજીકથી જોનારા અનેક લોકો સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.

એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું, "1984માં પોતાના એક સંબંધી સહિત ચાર લોકોની હત્યાના આરોપમાં જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારબાદ તેઓ ચર્ચામાં આવી ગયા હતા. તેમની ગણતરી પોરબંદરના ગૅંગસ્ટરોમાં થવા માંડી હતી."

તેમની ઉપર પ્રથમ ફરિયાદ 1975માં નોંધાઈ હતી, જેમાં મારામારીના એક કેસમાં તેમની ધરપકડ થઈ હતી. તેમની પર છેલ્લી ફરિયાદ 2011માં નોંધાઈ હતી. તેમની નજીકના લોકો પ્રમાણે ત્યારબાદ તેઓ એકાંતમાં જીવન વ્યતીત કરે છે.

તેમના ભાઈ કરસન ઓડેદરા 1999, 2002, અને 2007માં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

બીબીસી ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને હાલના પોરબંદર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના સંબંધી મૂળુ મોઢવાડિયાની હત્યાના આરોપમાં ભીમા ઓડેદરા લગભગ સાડા આઠ વર્ષ સુધી જેલમાં હતા.

જોકે આ કેસમાં તેઓ કોર્ટમાં છૂટી ગયા હતા. જ્યારે ઇસ્માઇલ ટીટી અને તેમના દીકરાની હત્યાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે તેમને આજીવન કારાવાસની સજા કરી હતી, પરંતુ તેઓ સુપ્રીમ કોર્ટમાં છૂટી ગયા હતા.

તેમની ગૅંગને નજીકથી જોનારા એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે કહ્યું કે, "આ કેસ બાદ તેઓ નિષ્ક્રિય થઈ ગયા છે અને લગભગ 2006 પછી તેઓ ક્યારેય આવા કોઈ પણ પ્રકારના ગુનામાં સામેલ રહ્યા નથી."

તેમણે વધુમાં જણાવ્યું, "જોકે તેઓ પોરબંદરમાં પોતાનું વર્ચસ્વ જમાવીને એક સમયે લાઇમસ્ટોનના ખનનમાં સૌથી મોટું માથું ગણાતા હતા. પોરબંદરનું આદિત્યાણા ગામ લાઇમસ્ટોન માટે ખૂબ જાણીતું છે અને આ ગામમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલતી આવી છે."

તેમણે કહ્યું, "ભીમાભાઈની એટલી ધાક હતી કે લાઇમસ્ટોનના ધંધામાં તેમના સિવાય બીજા કોઈ વધારે સમય સુધી ટકી ન શકે. પોતાના કેટલાક ધંધાકીય ભાગીદારો સાથે મળીને તેમણે આ ખનનનો ગેરકાયદેસર વેપાર વર્ષો સુધી ચલાવ્યો છે."

પોરબંદરની ગૅંગવૉર પાછળ ખનન ચોરીએ હંમેશાંથી ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. તેમાં અનેક લોકોને જાનહાનિ થઈ છે. ભીમા દુલા ગૅંગ અને સંતોકબહેન જાડેજા ગૅંગ આ વ્યવસાયી હિતોને કારણે અનેક વખત આમને-સામને આવી હતી.

પોરબંદરના ભીમા દુલા ફરી કેમ ચર્ચામાં આવ્યા?

ભીમા દુલા ઓડેદરા, પોરબંદર, ગુજરાત ગૅંગવૉર, ગુજરાતનો ગુનાહિત ઇતિહાસ, ગુજરાત પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Laxman Odedara

ઇમેજ કૅપ્શન, પોરબંદરમાં એક સમયે ગૉડમધર સંતોકબહેન જાડેજાની ગૅંગ અને બીજી બાજુ ભીમા દુલા ઓડેદરાની ગૅંગની ખૂબ ચર્ચા થતી

24મી સપ્ટેમ્બર 2024ના રોજ દાના ચાવડા નામની એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી કે અમુક અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કરીને તેમને માર માર્યો છે. પોલીસે પોતાની તપાસ બાદ જયમલ કારાવદરા, વનરાજ ઓડેદરા અને મસરી ઓડેદરા એમ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

જોકે ત્યારબાદ આ કેસના ષડ્યંત્રકાર તરીકે ભીમા ઓડેદરાનું નામ બહાર આવ્યું હતું. પોલીસની પ્રેસનોટ પ્રમાણે દાનાભાઈને માર મારવા માટે ભીમા દુલાએ પોતાના માણસોને આદેશ આપ્યો હતો અને તેનું ષડ્યંત્ર રચ્યું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ ભીમા ઓડેદરાના ઘરે દરોડો પાડીને તેમના ઘરમાંથી લાકડીઓ, કુહાડીઓ, ધારિયાં, પરવાનાવાળી બંદૂકો, તેમજ પરવાનાવાળી રિવૉલ્વર વગેરે જપ્ત કરી હતી. તેમજ દારૂની ત્રણ બૉટલ પણ જપ્ત કરી હતી.

પોલીસે તેમની પર પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો હતો. જોકે કોર્ટે તેમના પોલીસ રિમાન્ડ ન આપતા તેઓ બીજા દિવસે જામીન પર છૂટી ગયા હતા.

ભીમા દુલાના પરિવારનું અને પોલીસનું શું કહેવું છે?

ભીમા દુલા ઓડેદરા, પોરબંદર, ગુજરાત ગૅંગવૉર, ગુજરાતનો ગુનાહિત ઇતિહાસ, ગુજરાત પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Laxman Odedara

આ વિશે બીબીસી ગુજરાતીએ ભીમા ઓડેદરાના પુત્ર લક્ષ્મણ ઓડેદરા સાથે વાત કરી હતી. તેમનું માનવું છે કે કોઈ ષડ્યંત્ર હેઠળ તેમના પરિવારને પરેશાન કરવામાં આવ્યો છે.

લક્ષ્મણ ઓડેદરાએ કહ્યું, "ફરિયાદીએ પોતાની ફરિયાદમાં મારા પિતાનું નામ લીધું નહોતું, પરંતુ ઘટનાના ઘણા દિવસો બાદ પોલીસે અચાનક જ મારા ઘરે રાત્રે રેડ પાડીને મારા પિતાની ધરપકડ કરી હતી."

તેમણે વધુમાં કહ્યું, "એક સામાન્ય ઘટનાને પોલીસે અને મીડિયાએ ગૅંગવૉર જેવા શબ્દોનો ઉપયોગ કરીને અમારા પરિવારની બદનામી કરી છે. મારા પિતાની કોઈ ગૅંગ નથી કે મારા પરિવારનો કોઈ પણ સભ્ય કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં નથી. મારા પરિવારના કોઈ પણ સભ્ય પર 2006 પછી કોઈ ગુનો નોંધાયો નથી."

પોતાના પિતા વિશે વાત કરતા તેઓ કહે છે, "હાલમાં ભીમાભાઈ પોતાનો સમય સમાજનાં કાર્યો તેમજ ખેતી, બાગાયત અને ગૌશાળામાં વિતાવે છે. તેઓ પોતે ક્યારેય ચા, કૉફી વગેરે પીતા નથી, દારૂ સિગારેટ તો બહુ દૂરની વાત છે."

ભીમા ઓડેદરા વિશે કહેવાય છે કે તેઓ માત્ર પોતાની વાડીના કૂવાનું જ પાણી પીએ છે, અને જો બહાર જાય તો તે કૂવાનું પાણી સાથે લઈને જાય છે. તે વર્ષમાં એક જ વખત પોતાની બહેનના ઘરે જમે છે, બાકી ક્યારેય ઘરના ભોજન સિવાય બીજે ક્યાંય જમતા નથી.

લક્ષ્મણ ઓડેદરાએ વધુમાં જણાવ્યું, "ખેતી તેમજ બાગાયતમાં વિવિધ પાક, નાળિયેરી, આંબા વગેરે હોવાથી અમારા ઘરમાં ખેતીનાં ઓજારો હંમેશાં હોય છે, જેમ કે કુહાડી, દાતરડું, લાકડીઓ વગેરે. આ તમામ ઓજારોને પોલીસે હથિયારો તરીકે બતાવીને મારા પિતાના ફોટા પાડી મીડિયા સમક્ષ મૂક્યા છે. આ કેટલું યોગ્ય છે."

"અમે વાડીમાં રહીએ છીએ અને અનેક વખત જંગલી જાનવરો વગેરેનો પણ ખતરો હોય છે. એટલે અમારી પાસે પરવાનાવાળી પિસ્તોલ અને બંદૂકો છે, જેને પણ ગૅંગનાં હથિયાર તરીકે બતાવવામાં આવી છે."

જોકે લક્ષ્મણ ઓડેદરાએ પોલીસ પર મૂકેલા આરોપોને પોરબંદરના જિલ્લા પોલીસ અધીક્ષકે નકારી કાઢ્યા હતા.

આ વિશે પોરબંદર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ, ભગીરથસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “પોલીસને કોઈનાથી કોઈ જ અદાવત હોઈ ન શકે. પોલીસે તમામ કાર્યવાહી કાયદાના દાયરામાં રહીને, મળેલી ફરિયાદને આધારે અને ફરિયાદી દ્વારા મળેલી વિગતો પ્રમાણે છે. જો પોલીસે કંઈ ખોટું કર્યુ હોત, તો કોર્ટે પોલીસની કાર્યવાહી પર પણ ટકોર કરી હોત, પરંતુ એવુ કંઈ જ થયું નથી.”

શું પોરબંદરમાં હજી પણ ગૅંગવૉર ચાલે છે?

ભીમા દુલા ઓડેદરા, પોરબંદર, ગુજરાત ગૅંગવૉર, ગુજરાતનો ગુનાહિત ઇતિહાસ, ગુજરાત પોલીસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty/ Laxman Dula

આ સમગ્ર ઘટના વિશે બીબીસી ગુજરાતીએ પોરબંદરના પત્રકાર નીલેશ ગોંડલિયા સાથે વાત કરી હતી.

તેઓ કહે છે, "પોરબંદરનું નામ આવે ત્યારે ગૅંગવૉરનું નામ આવે – તે વાતો માત્ર મીડિયા અને ખાસ તો સોશિયલ મીડિયાએ ઊભી કરેલી વાતો છે. ખરેખર હવે પોરબંદરમાં કોઈ ગૅંગવૉર નથી."

તેમણે વધુમાં કહ્યું, "નવી પેઢીને તો હજી સુધી ખબર પણ નહોતી કે ભીમા દુલા કોણ છે? પરંતુ મીડિયા રિપોર્ટને આધારે હવે તેમને ખબર પડી છે કે પોરબંદરમાં પહેલાં આવી ગૅંગ હતી."

નીલેશ ગોંડલિયા માને છે, "હાલમાં પોરબંદરમાં વિકાસની જરૂર છે, નહીં કે ગૅંગવૉરના ડરની. કારણ કે હવે અહીંયાં ગૅંગવૉર જેવું કંઈ છે જ નહીં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.