ગુજરાતમાં એક પછી એક બહાર આવી રહેલાં GST કૌભાંડો ખરેખર કેવી રીતે થઈ રહ્યાં છે?

ગુજરાત, જીએસટી કૌભાંડ, નાણાંવ્યવહાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાત પોલીસના દાવા પ્રમાણે હાલમાં રાજ્યમાં એક મોટુ GST કૌભાંડ બહાર આવ્યું છે
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતનાં અખબારોમાં છાશવારે જીએસટી કૌભાંડ અને તે મામલે પડી રહેલા દરોડાઓના સમાચાર ચમકતા રહે છે.

હાલમાં જ ગુજરાતમાં જીએસટીના સંદર્ભના વિવિધ ગુનાઓની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

આ કેસ સંદર્ભમાં પોલીસે હજી સુધી કુલ નવ લોકોની ધરપકડ કરી છે, અને હજુ બીજા લોકોની પણ આવનારા દિવસોમાં ધરપકડ થઈ શકે છે.

જોકે, આ જીએસટી કૌભાંડ શું હોય છે, અને તે કેવી રીતે પાર પાડવામાં આવતું હતું અને સરકારી તિજોરીમાંથી આ પૈસા કેવી રીતે ઇનપુટ ટૅક્સ ક્રૅડિટના નામે લેવામાં આવતા હતા?

ગુજરાતના આ જીએસટી કૌભાંડ વિશે વિવિધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

શા માટે જીએસટીનો કાયદો લાવવામાં આવ્યો હતો?

સીધી રીતે સમજવા જઇએ તો કહેવાય કે સરકારની તિજોરીથી ઇનપુટ ટૅક્સ ક્રૅડિટના નામે ગેરકાયદેસર રીતે પૈસા લઈ લેવાના આ કૌભાંડને જીએસટી કૌભાંડ કહી શકાય છે.

જોકે, આ કૌભાંડને સમજતા પહેલાં જીએસટીના કાયદાને સમજવાની જરૂર છે.

આ કાયદો આવ્યો તે પહેલાં કોઈ એક ઉત્પાદન પર અલગ-અલગ રીતે સરકાર દ્વારા અપ્રત્યક્ષ કર વસૂલવામાં આવતા હતા.

આ તમામ કરની જગ્યાએ એક જ કર આપવા માટે 2017માં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ વિવિધ અપ્રત્યક્ષ ટૅક્સની જગ્યાએ એક જ ટૅક્સ અથવા તો ઇન્ડાયરેક્ટ ટૅક્સ લાગુ કરવાનો હતો.

જીએસટીના કાયદાની સરળ સમજણ માટે બીબીસી ગુજરાતીએ જીએસટીના ઍક્સપર્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઍસોસિયેશનની જીએસટી ટીમના ચૅરમૅન, બિસન શાહ સાથે વાત કરી હતી.

તેઓ કહે છે કે, “જીએસટી લાગુ થયું તે પહેલાં વિવિધ ટૅક્સ પરના ‘કાસ્કેડિંગ ઇફેક્ટ’ એટલે કે ટૅક્સને કારણે એક વ્યવસાયની અસર બીજા પર અને પછી ત્રીજા પર આમ પડતી રહેતી હતી, તેને દૂર કરવા માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો.”

કેવી છે GSTના કાયદાની છટકબારીઓ?

ગુજરાત, જીએસટી કૌભાંડ, નાણાંવ્યવહાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોલીસ માને છે કે GST કૌભાંડમાં સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જીએસટીમાં ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ એક મહત્ત્વનું પાસું છે. આ એ ટૅક્સ છે કે જે વ્યવસાયો તેની ખરીદી પર ચૂકવે છે અને પછીથી જ્યારે તે વેચાણ કરે છે ત્યારે તેની ટૅક્સ જવાબદારીને સરભર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

એટલે કે કોઈ પણ વ્યવસાય તેની ખરીદીઓ પર ચૂકવેલ જીએસટી માટે ક્રૅડિટનો દાવો કરીને તેમના ટૅક્સ ભારણને ઘટાડી શકે છે અથવા તો ક્રૅડિટ સ્વરૂપે નાણાં પાછાં મેળવી શકે છે.

ગુજરાતમાં હાલમાં જે જીએસટીનું કૌભાંડ બહાર આવેલું છે, તે આ ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ આધારિત છે.

દરેક વ્યવસાયે પોતાનું જીએસટી દર મહિનાની 11મી તારીખે ભરવાનું હોય છે, અને તે પ્રમાણે જ તે પોતાની ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ મેળવી શકે છે. ગુજરાતના આ કૌભાંડમાં ટૅક્સ ભરવા માટે કાયદાની આ છટકબારીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

GST ભરવા અને ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ ક્લેઇમ કરવા માટે વિવિધ ફૉર્મ ભરવાનાં હોય છે.

બિસન શાહે બીબીસીને જણાવ્યું હતું કે, “કોઈ રજિસ્ટર્ડ કંપની, કોઇપણ પ્રકારનો વ્યવસાય કરતી હોય તો તેને જીએસટી ભરવા માટે પહેલાં GSTR-1 હેઠળ ટૅક્સ ભરવાની જાહેરાત કરવાની હોય છે, અને ત્યારબાદ ફૉર્મ-3B હેઠળ જીએસટી ભરવાનું હોય છે.”

“અગાઉ એવો નિયમ હતો કે કોઈ કંપની, જેની પાસે જીએસટી રજીસ્ટ્રેશન નંબર હોય તે જો સતત ત્રણ વખત સુધી GSTR-1નું ફૉર્મ ન ભરે, તો તેનું રજિસ્ટ્રેશન રદ્દ થઈ જાય છે. જોકે, હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને એક પણ વખત GSTR-1 ફૉર્મ ભરવાનું ચૂકી જનાર કંપનીનો નંબર તરત જ રદ્દ કરવામાં આવે છે.”

“ધારો કે કોઈ એક કંપનીએ GSTR-1 ના આધારે બીજી કંપનીને જીએસટીવાળું બિલ આપ્યું હોય તો તે (ખરીદનાર) કંપની તે બિલને આધારે ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ ક્લેઇમ કરી શકે છે. અને વેચનાર કંપની ત્યારબાદ 3Bનું ફૉર્મ ભરીને જીએસટી ભરી દે છે. એટલે સરકારી તિજોરીથી GSTR-1ને આધારે સરકારે ખરીદનાર કંપનીને ઇનપુટ ટૅક્સ ક્રૅડિટનાં નાણાં ચૂકવી દીધાં છે, ત્યાં બીજી તરફ 3B ફૉર્મ ભરાયા બાદ, વેચનાર કંપનીથી સરકારી તિજોરીને કર મળી રહ્યો છે.”

પોલીસે કેવી રીતે જોડ્યા તાર?

ગુજરાત, જીએસટી કૌભાંડ, નાણાંવ્યવહાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, અમદાવાદ પોલીસે તાજેતરમાં બહાર પાડેલા કથિત જીએસટી કૌભાંડમાં એક કંપની પાસે જીએસટી નંબર હતો, અને તે કંપની GSTR-1ને આધારે વિવિધ કંપનીઓને બિલ આપી રહી હતી. અને બિલ લેનાર કંપનીઓ GSTR-1ને આધારે જીએસટી ક્લેઇમ કરી રહી હતી.

પરંતુ જીએસટી નંબર ધરાવતી આ કંપનીએ ફૉર્મ 3-B ભર્યું ન હતું, અને કોઇપણ રકમ જીએસટી સ્વરૂપે સરકારી તિજોરીમાં જમા થઈ ન હતી.

આવા ખોટા બિલને આધારે સરકારી તિજોરીમાંથી ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ મારફતે નાણાં વસૂલ કરનાર લગભગ 200 જેટલી કંપનીઓનો તાગ મળ્યો હતો. જેમાંથી અનેક કંપનીઓએ જીએસટી નંબર ધરાવતી આ કંપની સાથે વ્યાપાર કર્યો હોય તેવા બિલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યા છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક ઉચ્ચ અધિકારી સાથે વાત કરી હતી.

પોતાનું નામ ન આપવાની શરતે આ અધિકારી કહે છે કે, “વિવિધ કંપનીઓએ જીએસટી નંબર ધરાવતી આ કંપની પાસેથી માલ ખરીદ્યો છે, તેવા બિલ રજૂ કરીને જીએસટી ક્લેઇમ કર્યો છે. જ્યારે આ કંપની માત્ર કાગળ પર જ છે, અને કોઈ જ વસ્તુ વેચતી નથી. બીજી બાજુ અનેક ખર્ચાઓ બતાવીને આવી અનેક કંપનીઓ પોતે ભરવાની જીએસટી રકમથી પણ બાદ મેળવાતી હતી. આ બિલ ને સાચા બિલ તરીકે રજૂ કરીને ઇનપુટ ટૅક્સ ક્લેઇમ કરવામાં આવ્યું હતું.”

અધિકારીએ જણાવ્યું, “જીએસટી નંબર ધરાવતી આ કંપની માર્ચ 2023માં બની અને મે,2023માં આ કંપની બંધ થઈ ગઈ હતી. આ સમય દરમિયાન આ કંપનીએ રૂપિયા 13 કરોડથી વધુનાં બિલો બનાવ્યાં હતાં. જે ફોન નંબર અને પાનકાર્ડ આ કંપની બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. તે જ કાગળોને આધારે આવી બીજી ખોટી કંપનીઓ બનાવવામાં આવી હતી.”

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વિશે હજી સુધી ખોટી રીતે ચાલતી અથવા તો ખોટા બિલનો ઉપયોગ કરી ને આઇટીસી ક્લેઇમ કરનાર કંપનીઓને પોતાની તપાસમાં આવરી લીધી છે. હજી સુધી પોલીસે લગભગ 25 વિવિધ સ્થળો પર રેડ કરી છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સોમનાથ-વેરાવળ, વેગેરે જેવાં સ્થળોનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસ પ્રમાણે, હજી સુધી આ કંપનીના બૅન્કખાતાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત આવી બીજી પણ અનેક કંપનીઓ સામે આવી રહી છે, અને પોલીસની તપાસ તે દિશામાં આગળ વધી રહી છે.

કેવી રીતે થાય છે GSTનું કૌભાંડ?

સ્ટેપ 1 – કોઇ માણસ કોઇના આધાર કાર્ડ, પાનકાર્ડ, ભાડાકરાર વગેરેને આધારે એક કંપની બનાવે છે.

સ્ટેપ 2 – તે કંપની GST રજીસ્ટ્રેશન નંબર લઇ લે છે. મોટા ભાગના કિસ્સાઓમાં – આ કંપનીનું કોઇ હકીકતમાં અસ્તિત્વ રહેતું નથી, પરંતુ માત્ર કાગળ પર હોય છે.

સ્ટેપ 3 – આ કંપની GSTR1 ફોર્મ ભરીને, બીજી કંપનીઓને બિલ આપે છે.

સ્ટેપ 4 – આવી ખોટી કંપનીથી બિલ લેનાર કંપની ITCના નિયમ પ્રમાણે GST ક્લેઇમ કરે છે.

સ્ટેપ 5 – બિલ આપનાર કંપની કોઇ ટૅક્સ ભરતી નથી.

સ્ટેપ 6- બિલ લેનાર કંપનીને GST ક્રૅડિટ સ્વરુપે રૂપિયા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.