દાહોદ વિદ્યાર્થિનીની રેપના પ્રયાસ બાદ હત્યાનો આરોપી કથિત રીતે ભાજપ સાથે જોડાયેલો હોવાનો વિવાદ શો છે?

ઇમેજ સ્રોત, PARTHIVRAJ KATHVADIYA
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
દાહોદમાં છ વર્ષની બાળકીના બળાત્કારના પ્રયાસ અને તેની હત્યાના કેસમાં પોલીસ તપાસ ચાલુ છે પણ સાથે આ મામલે રાજનૈતિક આરોપો લાગવાનું પણ શરૂ થઈ ગયું છે.
વિપક્ષી પાર્ટીએ આ કેસનો આરોપી ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો હોવાનો આરોપ લગાવ્યો છે. તો સામે ભાજપે વિપક્ષના આરોપો ફગાવતા કહ્યું છે કે ગુજરાતની પ્રજાએ તેમને સ્વીકાર્યા નથી તેથી તેઓ ભાજપ સામે મનઘડત આરોપો મૂકીને તેમની છબી બગાડવાનો પ્રયાસ કરે છે.
પોલીસનું કહેવું છે કે તેઓ હાલ આ કેસની તપાસ કરી રહ્યા છે અને કોઈ આરોપી કયા પક્ષ સાથે જોડાયેલો છે તેની અમારી તપાસ પર કોઈ અસર પડતી નથી.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, PARTHIVRAJ KATHVADIYA
દાહોદ જિલ્લાના લિમખેડા તાલુકાના એક ગામમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરૂવાર 19 તારીખે ગુમ થઈ ગઈ હતી. છોકરી શાળાએ ગઈ હતી, પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.
તેના પરિવારો બાળકીને શોધતાં શોધતાં શાળામાં પહોંચ્યા ત્યારે તે શાળાના ઓરડાઓ અને કંપાઉન્ડની દિવાલની વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી.
પરિવારના સભ્યો બાળકીને લિમખેડા સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી.
પોલીસે આ ઘટનામાં શાળાના આચાર્ચ ગોવિંદ નટની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે તેમની તપાસમાં બહાર આવ્યું છે કે આચાર્યે બાળકીને પોતાની કારમાં બેસાડ્યાં બાદ છેડછાડ કરતાં તે બૂમો પાડવા લાગી હતી. બાળકીને બૂમો પાડતી અટકાવવા માટે તેમણે તેનું મોઢું દબાવી દીધું હતું, જેના કારણે તે ગૂંગળાઈને મૃત્યુ પામી હતી.
પહેલાં જ્યારે આ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ તેમાં જણાવવામાં આવ્યું હતું કે તે શાળાના આયાર્ય સાથે સ્કૂલ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાહોદના જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ બીબીસીને જણાવ્યું, “શરૂઆતમાં આયાર્ય બાળકીને સમયસર શાળામાં લાવ્યા હોવાની વાતને વળગી રહ્યા. અમે વેશ બદલીને શૈક્ષણિક સહાયક અને એનજીઓના કાર્યકર બનીને સ્કૂલમાં ગયા. બાળકો સાથે દોસ્તી કરી તો ખબર પડી કે આ બાળકી તે દિવસે પ્રાર્થનાસભામાં કે મધ્યાહનભોજન વખતે દેખાઈ જ નહોતી. ત્યારે અમારી શંકા મજબૂત બની કે આ કાંડમાં આચાર્યનો હાથ છે. અમે જ્યારે સીસીટીવી ફૂટેજ તપાસ્યા તો સંયોગિક પુરાવા મળ્યા. આ પુરાવા સાથે જ્યારે આચાર્યની પૂછપરછ કરી તો તેમણે ગુનાની કબૂલાત કરી. ત્યારબાદ અમે તેમની ધરપકડ કરી તપાસ હાથ ધરી.”
આરોપી ભાજપ અને વીએચપી સાથે સંકળાયેલો હોવાનો કૉંગ્રેસનો આરોપ

ઇમેજ સ્રોત, PARTHIVRAJ KATHVADIYA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ મામલે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. આ કાંડનો આરોપી ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો હોવાનો આરોપ કૉંગ્રેસે કર્યો છે.
કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ કેટલીક તસવીરો રજૂ કરતા આરોપ લગાવ્યો, “આ ગોવિંદ નટ(આરોપી) ભાજપ અને વિએચપી સાથે સંકળાયેલો હોવાના અમારી પાસે સજ્જડ પુરાવાઓ છે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સાથે બેઠક કરતા હોય અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજર હોય તેવી તસવીરો અમારી પાસે છે.”
પાર્થિવરાજસિંહે વધુમાં આરોપ લગાવતા કહ્યું, “આરોપી વિશ્વ હિન્દુ પરિષદમાં હોદ્દા પણ ધરાવતો હતો. જ્યારે તેમની આ હોદ્દા પર નિમણૂક કરવામાં આવી ત્યારે સોશિયલ મીડિયામાં તેમને અભિનંદન આપતા સંદેશાઓ પણ લોકોએ આપ્યા હતા. આ આરોપીના સોશિયલ મીડિયા પર ત્રણ એકાઉન્ટ હતા. જેમાં અચાનક ફોટા અદૃશ્ય થઈ ગયા એ વાત શંકા ઉપજાવે તેવી છે.”
કૉંગ્રેસે આરોપ લગાવતા કહ્યું કે આરોપી આ વિસ્તારમાં ધાર્મિક હોવાની છાપ ઊભી કરીને લોકોને ગેરમાર્ગે દોરતો હતો.
કૉંગ્રેસ પ્રવક્તાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું, “અગાઉના અનેક કેસોમાં આરોપીઓની ભાજપ સાથેની સંડોવણી બહાર આવી છે. ભાજપ આવા નેતાઓને છાવરી રહી છે.”
ભાજપ અને આરએસએસએ આરોપો ફગાવ્યા

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે કૉંગ્રેસે લગાવેલા આરોપો ફગાવી દીધા છે.
શ્રદ્ધા રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “ભાજપ કોઈ આરોપીને બચાવવાનો પ્રયાસ નથી કરતો.”
તેમણે પોતાના બચાવમાં કહ્યું, “ભૂતકાળમાં આ પ્રકારે નાની બાળકી સાથે અત્યાચારો થયા છે ત્યારે ગુજરાત સરકારે આરોપીને સજા અપાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે અને તેને માટે ભાજપની સરકાર પ્રતિબદ્ધ છે.”
શ્રદ્ધા રાજપૂતે વધુમાં જણાવ્યું, “ભાજપના નેતાઓ સાથે કોઈએ તસવીર પડાવી હોય અને પછી તે કોઈ ગુનામાં પકડાય તો તેની સામે કડક કાર્યવાહી ભૂતકાળમાં પણ થઈ છે અને ભવિષ્યમાં પણ થશે. હવે ભાજપના નેતાઓ સાથે સેંકડો લોકો તસવીરો પડાવે છે અને જો કોઈ નેતા ના પાડે તો લોકો તેમને અભિમાની ગણે છે. ભાજપનો વ્યાપ એટલો મોટો છે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ પક્ષનો કાર્યકર્તા બની શકે છે.”
આરોપી ભાજપ સાથે સંકળાયેલો હોવાના આરોપ વિશે શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું, “અમે આંતરિક તપાસ કરાવી રહ્યા છે પણ છતાં જો તે પક્ષ સાથે સંકળાયેલો હોય કે ન હોય તેની સામે કાયદાકિય પગલાં લેવાશે. ભાજપ ક્યારેય આવા લોકોને છાવરતો નથી.”
આરોપી વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલો હોવાના આરોપ પર તેમણે કહ્યું, “વિશ્વ હિન્દુ પરિષદે બે વર્ષ પહેલાં જ તેને સસ્પેન્ડ કર્યો હતો.”
કૉંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, “તેમને ગુજરાતની પ્રજા સ્વીકારતી નથી તેથી આ પ્રકારના ખોટા આરોપો મૂકીને ભાજપની છબી બગાડવાનો તે પ્રયાસ કરે છે.”
વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલે આ મામલે નિવેદન બહાર પાડીને આરોપોને રદિયો આપ્યો હતો.
અશોક રાવલે શુક્રવારે બહાર પાડેલા આ નિવેદનમાં જણાવ્યું, "ગોવિંદ નટ અમારી સાથે જોડાયેલા હતા પરંતુ છેલ્લા બે વર્ષોથી તેમના દાયિત્વથી મુક્ત હતા તેથી આ મામલે અમારા સંગઠનનું નામ સંડોવવું યોગ્ય નથી."
અશોક રાવલે પોલીસને અનુરોધ કરતા જણાવ્યું કે તે આ ઘટનાની યોગ્ય તપાસ કરે અને દોષિતને યોગ્ય સજા અપાવે.
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા ઇમેશ પરીખે બીબીસીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહને કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો.
સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આચાર્ય ગોવિંદ નટ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા હોય તેવા ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
સમગ્ર બાબતે ગુજરાત રાજ્યના સંઘ પ્રચારક શંભુ પ્રસાદ શુક્લએ બીબીસીના સહયોગી પત્રકાર દક્ષેશ શાહને જણાવ્યું હતું, "ગોવિંદ નટ અને તેમનાં બન્ને બાળકો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલાં છે. પંચમહાલ જિલ્લાના સંઘ પ્રચારક તરીકેનો તેમનો હોદ્દો છે. પણ પ્રચારક તરીકે યોગ્ય કાર્ય કરતા ન હોવાથી છેલ્લાં ત્રણ વર્ષથી તેમને સેવામાંથી નિવૃત્ત કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે."
પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
દાહોદ જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “આરોપી ગોવિંદ નટ રાજકારણ સાથે જોડાયેલો છે કે નહીં તે અમારી તપાસનો વિષય નથી.”
તેમણે કહ્યું, “અમારા માટે તે આરોપી છે અને અમારી તપાસ રાજકારણથી પર હોય છે. અમે આરોપોની તપાસ કરીએ છીએ તે સિવાય અમે અન્ય કારણોની તપાસ કરતા નથી. એ રાજકારણમાં હોય કે ન હોય તેનાથી અમારી તપાસ પર કોઈ અસર પડતી નથી.”
પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.
પોલીસ આરોપી ગોવિંદ નટને દુષ્કર્મના પ્રયાસનાં સ્થળથી શાળાએ લઈ જવામાં આવ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન શું કર્યું હતું તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.
રિકન્સટ્રક્શન ઉપરાંત લિમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આચાર્યના સ્પર્મ સહિતના અલગ-અલગ સૅમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. હાલ પોલીસ રિપોર્ટ આવવાની રાહ જોઈ રહી છે.
આ કેસમાં સજ્જડ પુરાવા મળે તે માટે પોલીસે ફૉરેન્સિક સાયન્સ એક્સ્પર્ટ અને ડૉગ સ્કવૉડની પણ મદદ લઈ રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












