ગુજરાતમાં વરસાદ બાદ કપાસના ખેડૂતોને પજવતો રોગ 'સુકારો' શું છે, તેનાથી કપાસને કેવી રીતે બચાવવો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતમાં આ વખતે વરસાદ ખૂબ સારો થયો છે પણ સુરેન્દ્રનગરના સડલા ગામના ખેડૂત ગણપતભાઈને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. તેમણે 20 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું. તેમના ખેતરમાં પાક તો છે, પણ એ કોઈ કામનો રહ્યો નથી. તેમના કપાસમાં 'સુકારો' બેસી ગયો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગણપતભાઈએ કહ્યું, “પુષ્કળ વરસાદ થવાથી ખેતરમાં પાંચેક દિવસ પાણી ભરાયેલું રહ્યું હતું. મારા ખેતરમાં બબ્બે ફૂટનો કપાસ થઈ ગયો હતો. એમાં હવે સુકારો બેસી ગયો છે. ધીમે ધીમે કપાસના લીલા છોડ ઉપરથી સુકાવા માંડ્યા હતા, પછી આખે આખો છોડ સુકાઈ ગયો હતો. હવે તો ડૂંડાં રહી ગયાં છે. મારા તો વીસે વીસ વીઘાનો સોથ વળી ગયો છે. અમે રાહ જોઈએ છીએ કે સર્વે કરવા માટે અધિકારી ક્યારે આવે છે.”
કપાસ લાંબા ગાળાનો પાક છે. સૌરાષ્ટ્રમાં કપાસનું વિપુલ વાવેતર થાય છે. ગુજરાતમાં વર્ષ 2022-23માં 25.54 લાખ હૅક્ટરમાં 94.97 લાખ ગાસડી કપાસનું ઉત્પાદન થયું છે. હૅક્ટર દીઠ સરેરાશ 632 કિલોગ્રામ કપાસનું ઉત્પાદન થયું હતું.
કપાસ ઉત્પાદનમાં દેશનાં ટોચનાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આ વખતે પડેલા વ્યાપક વરસાદને લીધે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી વગેરે વિસ્તારોમાં ઘણે ઠેકાણે કપાસમાં સુકારો બેસી ગયો છે.
સુકારામાં છોડ મૂળથી નહીં પણ ટોચથી કરમાઈ જાય

ઇમેજ સ્રોત, Getty Images
સુકારામાં છોડ ધીમે ધીમે સૂકાઈ જાય છે. તેની શરૂઆત પણ ઉપરથી એટલે કે છોડની ટોચથી થાય છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિવૃત પ્રાધ્યાપક તેમજ હાલમાં કૃષિ સલાહકાર તરીકે વિવિધ કંપનીઓમાં કાર્યરત ઘનશ્યામભાઈ પટેલ કહે છે, “વધારે સમય મૂળ પાણીમાં રહે તેને લીધે ત્યાં હવાની અવરજવર ન થાય એટલે સુકારો આવે છે. ઓક્સિજનની કમીને કારણે મૂળમાં પોષણ ન મળે તેથી છોડ લંઘાવા માંડે છે.”
તેમણે વધુમાં કહ્યું, “વરસાદ વધારે પડે ત્યારે જ આ સ્થિતિ આવે એ જરૂરી નથી. વરસાદનું પાણી જમીનમાં લાંબો સમય સુધી ભરાયેલું રહે એને કારણે પણ આવું થાય છે. આ એક ફીઝીયોલોજિકલ કન્ડિશન છે. જેમાં પંદર દિવસ કે દોઢ બે મહિનાનો છોડ પાણીના ભરાવાથી ગૂંગણામણને લીધે સૂકાઈ જાય છે.”
આવી સ્થિતિને કારણે છોડની આંતરિક વિકાસ પ્રક્રિયા કેવી રીતે અવરોધાય છે તે વિશે બોટાદ જિલ્લાના નાયબ ખેતી નિયામક અને વિસ્તરણ અધિકારી બી.આર.બલદાણીયાએ બીબીસી સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, “ઓક્સિજનની કમીને કારણે પાકના અંતઃસ્ત્રાવો (હૉર્મોન)ની પેટર્નમાં ફેરફાર થાય છે. ઈથીલીન નામનો અંતઃસ્ત્રાવ વધવાથી છોડ પાકવાની અવસ્થાએ પહોંચવા ઉતાવળ કરે છે. જેનાં કારણે અપરિપક્વ જીંડવાં ફાટી જવાં, પાંદડાં ખરી પડવાં જેવી ઘટનાઓ બને છે. પાકની પાકતી અવસ્થા અને છોડનું તત્ત્વ ન ઉપાડી શકવાના કારણે છોડ મૂળિયાં મૂકી દે છે અને પાક લંઘાવાની એટલે કે પાંદડાં પીળા પડવાં, કરમાઈ જવાં, છોડ નમી જવા જેવાં લક્ષણો દેખાય છે. આવે વખતે તાબડતોબ ઉપાય ન કરવામાં આવે તો પાક નાશ પામે છે.”
સુકારાનો ઉપાય શું છે?

ઇમેજ સ્રોત, GANAPATBHAI KAVAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુકારો લાગી ગયો હોય અને પછી જો પાણી હઠાવી દેવામાં આવે તો પણ છોડને બચાવી નથી શકાતા.
સુકારો લાગી ગયા બાદ પાણી હઠાવી દેવાથી છોડ પાછો ઊભો રહી શકે? આ સવાલના જવાબમાં ઘનશ્યામભાઈ કહે છે, “ના, એવી શક્યતા હોતી નથી.”
જોકે, બી. આર. બલદાણીયા કહે છે કે, “સુકારો બેસી ગયો હોય પણ પાણી કાઢી નાખ્યું હોય અને જો વરાપ એટલે કે તડકો નીકળે તો છોડ પુનર્જીવન પામે છે. બોટાદ જિલ્લામાં તો તડકો સારો છે તેથી કપાસના સુકારામાં રીકવરી પણ સારી છે. બોટાદ જિલ્લામાં હવે કપાસમાં દશેક ટકા જેટલું જ નુકસાન જોવા મળી રહ્યું છે.”
સુકારો સામાન્ય રીતે રેતાળ જમીનમાં થતો હોય છે. સુકારાની શરૂઆત હોય તો પાકને બચાવી શકાય છે. એના માટેના કેટલાંક ઉપાય પણ છે.
ઘનશ્યામભાઈ કહે છે, “કપાસના થડ ઉપર નખ મારીને જોવામાં આવે અને જો એ લીલું હોય તો પાક બચાવી શકાય છે. કોબાલ્ટ ક્લોરાઇડ નામનું રસાયણ આવે છે. 100 લીટર પાણીમાં કોબાલ્ટ ક્લોરાઇડ 1.0 ગ્રામ ભેળવીને 10 દિવસના ગાળે બે વખત છાંટવાથી પાક બચી શકે છે.”
તેમણે વધુમાં કહ્યું, “આ સિવાય પાણીનો જે ભરાવો હોય તે કાઢીને જમીનમાં ઍમોનિયમ સલ્ફેટ આપવું પડે. એક વીઘામાં 10 કિલોગ્રામ ઍમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે તો પાક જળવાઈ શકે છે.”
પરંપરાગત પદ્ધતિ એ પણ છે કે પાકની આજુબાજુ કાણાં પાડી હવાની અવર જવર વધારવાથી પાકને બચાવી શકાય છે. બલદાણીયા કહે છે, “કાણાં પાડવાથી જમીનમાં હવાની અવર જવર થશે અને છોડને ઑક્સિજન મળશે. જેને લીધે પાકનું હૉર્મોનલ અસંતુલન અટકશે તેમજ છોડ તત્ત્વો ઉપાડવામાં પણ થોડો સક્ષમ બનશે અને પાક બચી જશે.”
બલદાણીયા જણાવે છે, “સુકારામાં ઈથીલીનની માત્રા વધવાથી પાક કટાણે પાકવાની અવસ્થાએ પહોંચી જાય છે તેથી ઈથીલીનની માત્રા સીમિત કરવી જરૂરી બને છે. કોબાલ્ટ અને સિલ્વર આ બે તત્વો છોડમાં ઈથીલીનની માત્રા અટકાવવામાં મદદરૂપ થાય છે.”
“100 લીટર પાણીમાં સિલ્વર નાઇટ્રેટ 1 ગ્રામ ઓગાળીને પાક પર છંટકાવ કરવો જોઈએ. પાક કરમાવાની શરુઆત થયાના 36 થી 48 કલાકમાં છંટકાવ કરવામાં આવે તો સારું પરિણામ મળી શકે છે. હૉર્મોન માત્રા ઘટાડવા સાથે આ તત્ત્વો જોડાયેલા હોવાથી વધુ માત્રામાં બિલકુલ ઉપયોગ કરવો નહીં. એનાથી અવળાં પરિણામો આવી શકે છે.”
“પાક પર 2% યુરિયાના દ્રાવણનો એટલે કે 15 લિટર પમ્પમાં 300 ગ્રામ યુરિયા ઓગાળી છંટકાવ કરી શકાય છે.”
ફૂગને લીધે થતો સુકારો

ઇમેજ સ્રોત, Getty Images
અત્યારે તો કપાસમાં જ સુકારો જોવા મળી રહ્યો છે. ઘનશ્યામ પટેલ કહે છે, “આ સિવાય દિવેલાં અને ટામેટાંમાં પણ ક્યારેક ક્યારેક સુકારો જોવા મળે છે.”
હાલ જે સુકારો જોવા મળી રહ્યો છે તે પાણીના ભરાવાને લીધે જોવા મળી રહ્યો છે. આ સિવાય ફૂગને લીધે પણ સુકારો થાય છે. જેમાં પાક પુનઃજીવન પામવાની શક્યતા નહીંવત્ હોય છે.
બલદાણીયા કહે છે કે, “જમીનજન્ય ફૂગને લીધે પણ સુકારો થાય છે. દર વર્ષે કપાસ એક જ ઠેકાણે વવાતો હોય તો એના કારણે જમીનની અંદર જ ફૂગ વિકાસ પામી હોય તો એ પ્રકારનો સુકારો થાય છે. તે આખા ખેતરમાં નથી થતો તેથી સમગ્ર પાકને નુકસાન કરતો નથી. તે મર્યાદીત વિસ્તારની જમીનના પાકને જ નુકસાન પહોંચાડે છે. એ જગ્યા પર પાકની ફેરબદલી ન થતી હોય તો પણ આવું થાય છે. જમીનના એ મર્યાદીત ભાગમાં ફૂગનાશક દવા છાંટી શકાય. પાકની ફેરબદલી કરવામાં આવે તો પણ એનું નિવારણ કરી શકાય છે.”
સુકારો ફૂગથી ઉપરાંત બૅક્ટેરિયાથી પણ થાય છે.
રાજ્યના ખેતીવાડી વિભાગના નિવૃત્ત સહનિયામક મધુભાઈ ધોરાજિયાએ બીબીસી ગુજરાતી સેવાના ઍડિટર દીપક ચુડાસમા સાથે વાત કરતાં જણાવ્યું, "કપાસમાં મૂળનો સુકારો ફૂગથી થતો હોય છે, આ ઉપરાંત પાનનો સુકારો બૅક્ટેરિયાથી થતો હોય છે. જેમાં આખે આખાં પાન સૂકાઈ જાય છે. જમીનનું તાપમાન વધી જતું હોય ત્યારે મૂળના સુકારાની ગુંજાઈશ રહે છે."
"બપોરના સમયે ખૂબ ગરમી હોય ત્યારે પિયત આપવામાં આવે તો જમીનના તાપમાનનું સંતુલન ખોરવાઈ જાય છે. કપાસનાં મૂળીયાં તે સહન કરી શકતાં નથી અને કોહવાઈ જાય છે, પછી તેમાં ફૂગ લાગે છે. જેને લીધે સુકારો બેસે છે. તેથી પિયત સવારે દશ પહેલા અથવા સાંજે ચાર પછી આપવું જોઈએ."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












