‘કૉંગ્રેસના કાર્યકર્તાને ભાજપનો સભ્ય બનાવી દીધો’- ભાજપના સદસ્યતા અભિયાનમાં એક પછી એક વિવાદો

ગુજરાત, ભાજપ, નરેન્દ્ર મોદી, સદસ્યતા અભિયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CR Paatil/X

ઇમેજ કૅપ્શન, ભાજપનું સદસ્યતા અભિયાન
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રહેતા પ્રણવ સોની પાસેથી એમના પરિચિત એવા ભાજપના કાર્યકરે એક ઓટીપી માંગ્યો. પ્રણવભાઈએ મિત્રતાને ધ્યાનમાં રાખીને ઓટીપી નંબર આપ્યો અને બે મિનિટમાં તેઓ કૉંગ્રેસમાંથી ભાજપના સભ્ય થઈ ગયા.

પ્રણવ સોની હવે ભાજપના એ કાર્યકર્તા સામે કાનૂની કાર્યવાહી કરવાના છે.

તો વડનગરથી થોડે દૂર જ આવેલા વીસનગરની સરકારી હૉસ્પિટલમાં હડકવાનું ઇંજેક્શન લેવાં ગયેલાં વિરામભા દરબારનાં પત્ની પાસેથી વૉર્ડબૉયે ઓટીપી નંબર લીધો અને તેઓ ભાજપનાં મહિલા સદસ્યા બની ગયાં.

હવે, વિરામભા દરબાર પણ પોલીસ ફરિયાદ કરવા ગયા છે.

એ સિવાય ભાવનગરમાં પણ ભાજપના કાર્યકર્તા દ્વારા 100 સભ્ય બનાવવા પર 500 રૂપિયાનું ઇનામ આપવાની લાલચ આપતો કથિત વીડિયો વાયરલ થયો છે.

આમ, ભાજપના સદસ્યતા અભિયાન અંગે એક પછી એક વિવાદો સામે આવતા રહ્યા છે.

કૉંગ્રેસના કાર્યકર્તા કેવી રીતે ભાજપમાં સામેલ થઈ ગયા?

ગુજરાત, ભાજપ, નરેન્દ્ર મોદી, સદસ્યતા અભિયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, કેટલાક લોકોને ભાજપ તરફથી સભ્ય બન્યાનો મોબાઇલ પર મૅસેજ આવ્યો તેની તસવીર

આ અંગે કૉંગ્રેસના કાર્યકર્તા પ્રણવ સોનીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ હું અને મારું આખુંય કુટુંબ કૉંગ્રેસી છીએ. મારી પત્ની તો કૉંગ્રેસમાંથી કૉર્પોરેશનની ચૂંટણી લડી ચૂકી છે. અમારા વિસ્તારની સમસ્યા માટે અમે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રજૂઆત હોઇએ છીએ. અમારા વિસ્તારના ભાજપના કાર્યકર પુરોહિતભાઈ સાથે મારે સારા સંબંધો છે. મેં ઝાડ કાપવાની ફરિયાદ કરી હતી એટલે મને એમ કે એ કામ પૂરું થઈ ગયું હશે એટલે તેઓ ઓટીપી નંબર માગતા હશે. આથી મેં તેમને ઓટીપી નંબર આપ્યો હતો.”

તેઓ કહે છે કે, “તેમણે આ રીતે ઓટીપી માંગીને મારું ભાજપમાં રજિસ્ટ્રેશન કરી દીધું હતું. આ રીતે તેમણે મને ભાજપનો સદસ્ય બનાવી દીધો હતો. હું તેમની સામે કોર્ટમાં કેસ કરીશ.”

વીસનગરના વિરામભા દરબારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મારાં પત્નીને કૂતરું કરડ્યું હતું અને હડકવાનું તેમને ઇંજેક્શન અપાવવા માટે અમે સરકારી હૉસ્પિટલમાં ગયાં હતાં. ત્યાંના વૉર્ડબૉયે મારો ફોન નંબર લઇને કહ્યું કે ઓટીપી આવે એટલે આપો.”

તેઓ કહે છે, “અમને એમ હતું કે ઇંજેક્શન માટે કોઈ સરકારી નોંધણી હશે, પણ અમારા ફોન પર ભાજપના સદસ્ય બન્યાનો મૅસેજ આવ્યો.”

તેમનું કહેવું છે કે, “સરકારી હૉસ્પિટલમાં કોઈ પક્ષનું કામ થાય એ મને મંજૂર નથી. હું રાજકારણમાં નથી, પણ મારા વિરોધની કોઈને અસર ન થઈ એટલે હું પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો.”

ભાજપમાં ભૂતકાળમાં થયેલા વિવાદો

વરિષ્ઠ પત્રકાર પ્રફુલ ત્રિવેદીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “ભાજપમાં એક સમયે સદસ્યતા અભિયાન એક રૂપિયાની રસીદ આપીને થતું હતું. 2011માં પહેલી વાર મોબાઇલના મિસ્ડકૉલથી સદસ્યતા અભિયાન શરુ થયું હતું, એ સમયે પણ ખોટા મિસ્ડકૉલથી ભાજપના સભ્યો બનાવ્યાના વિપક્ષોએ આક્ષેપ કર્યા હતા, પણ કોઈ પુરાવા નહીં હોવાને કારણે કોઈ કાનૂની કાર્યવાહી થઈ ન હતી અને મામલો શાંત થઈ ગયો હતો.”

તેઓ કહે છે કે, “2014 અને 2017ના સદસ્યતા અભિયાનમાં ભાજપ ગુજરાત અને કેન્દ્રમાં સત્તા પર હતો એટલે લોકોએ સામેથી ભાજપની સદસ્યતા નોંધાવી હતી. પણ હવે 2024માં ભાજપે ગુજરાતમાં બે કરોડ સદસ્યો બનાવવાનું અભિયાન શરું કર્યું છે. ત્યારે ગુજરાતમાં પૂર મોંઘવારી જેવા મુદ્દાને કારણે સક્રિય સદસ્યતા અભિયાનમાં ઓછા લોકો જોડાઈ રહ્યા છે. જેના કારણે આવા વિવાદો થઈ રહ્યા છે."

ભાજપનું આ મુદ્દે શું કહેવું છે?

ગુજરાત, ભાજપ, નરેન્દ્ર મોદી, સદસ્યતા અભિયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, CR Paatil/X

ઇમેજ કૅપ્શન, ભાજપનો એક સમારોહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપમાં દર ત્રણ વર્ષે સદસ્યતા અભિયાન ચાલે છે અને દર 6 વર્ષે સક્રિય સદસ્ય હોય તો પણ ફરી નોંધણી કરાવવી પડે છે.

સદસ્યતા અભિયાન વિશે માહિતી આપતા ભાજપના મુખ્ય મીડિયા કન્વીનર યમલ વ્યાસે કહ્યું હતું કે, “આ અમારી સતત ચાલતી પ્રક્રિયા છે, ભાજપ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરીને હવે નવેસરથી દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવી રહ્યો છે. સામાન્ય સંજોગોમાં દર ત્રણ વર્ષે સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અને દર 6 વર્ષે જે સદસ્ય હોય એને સક્રિય સદસ્ય તરીકે ફરી નોંધણી કરાવવાની હોય છે. તેના માટે સૌપ્રથમ ભાજપના મુખ્ય હોદ્દેદારોને પ્રશિક્ષણ આપવામાં આવે છે, એ લોકો જિલ્લા અને તાલુકાના કાર્યકરોને કેવી રીતે પક્ષમાં વધુ સદસ્ય બનાવવા તેનું પ્રશિક્ષણ આપે છે. આ કાર્યકરો મંડલના કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કરે છે.”

તેઓ કહે છે કે, “2011માં મિસ્ડકૉલથી સદસ્યતા અભિયાન શરુ કરાયું હતું, અને એ સમયે ભાજપ દેશની સૌથી મોટો પક્ષ બની ગયો હતો. ત્યારબાદ 2014 અને 2017માં સક્રિય સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પણ ત્રણ વર્ષ પછી કોરોનાને કારણે 2020માં સદસ્યતા અભિયાન થયું ન હતું. ત્યારબાદ ચૂંટણી આવી હોવાથી સદસ્યતા અભિયાન 2024માં શરૂ કરવામાં આવ્યું છે. આ વખતે અમે મિસ્ડકૉલના બદલે તમામ ડેટા વ્યવસ્થિત રહે એટલે નવી ટૅક્નૉલૉજી સાથે ઓટીપી નંબર સાથે સદસ્યતા અભિયાન શરુ કર્યું છે.”

તેમણે કહ્યું હતું કે, “ભાજપ કોઇને બળજબરીથી ખોટી રીતે સદસ્ય બનાવતો નથી. એમને પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું છે, અમારી પાસે કોઈ ફરિયાદ આવી નથી પણ અમને આવી જાણકારી મળી છે અને અમે તેની સત્યતા ચકાસી રહ્યા છીએ. કદાચ કેટલાક અતિ ઉત્સાહી કાર્યકરોએ ભૂલ કરી હોય એવું બની શકે. નવા જોડાયેલા કાર્યકરો સક્રિય સદસ્ય બનાવવા માટે વધુ પડતા ઉત્સાહમાં અને કેટલાક કિસ્સામાં પરિચિતને સદસ્ય બનાવવામાં ભૂલ ના કરે એટલે ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી લઈ ફરીથી એમને પ્રશિક્ષિત કરશે અને ફરીથી કોઈ વિવાદ ન થાય તેની તકેદારી રાખશે."

વિપક્ષ આ મામલે શું કહે છે?

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. હેમાંગ રાવલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ભાજપથી લોકો વિમુખ થઈ રહ્યા છે. એમને અપાયેલા સદસ્ય બનાવવાના ટાર્ગેટને પૂરા કરી શકતા નથી એટલે લોકોને પૈસા આપીને, શિક્ષકોને કામ આપીને, સરકારી હૉસ્પિટલમાં ગરીબ અને અભણ લોકો પાસેથી ઓટીપી લઈને ખોટા સભ્યો બનાવાઈ રહ્યા છે. બીજી તરફ કૉંગ્રેસમાં તો લોકો સામેથી પૈસા આપીને સદસ્ય બની રહ્યા છે.”

“ભાજપ હવે પોતાનાં જૂઠ્ઠાણાં ચલાવવાં માટે લોકોને મૂર્ખ બનાવીને સદસ્ય બનાવી રહ્યો છે. લોકસભામાં બનાસકાંઠામાં તેમની હાર થઈ છે. નજીકના ભવિષ્યમાં સમયમાં ગ્રામપંચાયત અને તાલુકાપંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે લોકો ભાજપના સમર્થનમાં છે તેવી એક મનોવૈજ્ઞાનિક બઢત માટે લોકોને મૂર્ખ બનાવીને સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે. એના પૂરતા પુરાવા પણ છે.”

તેઓ કહે છે, “અમે હવે ભાજપનાં આ જૂઠ્ઠાણાં સામે પોલીસ કેસ કરીશું અને કોર્ટમાં તેને પડકારીશું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.