ક્ષત્રિય સંમેલનનો હેતુ એકતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં શક્તિપ્રદર્શન?

ઇમેજ સ્રોત, Shree Rajput VidhyaSabha Gujarat/Youtube
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્તિમતા મંચ'નું અમદાવાદના રાજપૂત સમાજભવન ખાતે સંમેલન મળ્યું હતું, જેમાં રાજ્યભરમાંથી અલગ-અલગ સામાજિક સંગઠનો અને પૂર્વ રાજવી પરિવારોના પ્રતિનિધિઓ એકઠાં થયાં હતાં.
સંમેલનમાં ભાવનગરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય વિજયરાજસિંહ ગોહિલને અધ્યક્ષપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય કાઠી, કારડિયા, ઠાકોર સહિત અલગ-અલગ સમાજના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
આયોજકો દ્વારા સંમેલન પહેલાં જ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેનો કોઈ 'રાજકીય હેતુ' નથી અને રાજપૂતો એક બને અને આગળ વધે એજ તેનો ઉદ્દેશ્ય છે.
સંમેલન દરમિયાન સમાજના આગેવાન પદ્મિનીબા વાળાને મંચ ઉપર સ્થાન આપવામાં નહોતું આવ્યું. જેને કારણે તેઓ નારાજ થયાં હતાં. આમ છતાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આ સંમેલનને રાજકીય રીતે જોવામાં આવે તે સ્વાભાવિક છે.
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપના નેતા પરશોત્તમ રૂપાલા દ્વારા પૂર્વ રાજવીઓ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના કારણે રાજ્યભરમાં ક્ષત્રિયો નારાજ થયા હતા અને સંમેલનો થયાં હતાં. એ સમયે પદ્મિનીબા ક્ષત્રિય નારી અસ્મિતા આંદોલનનો ચહેરો બની રહ્યાં હતાં.
આ સંમેલનમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પણ સામેલ થયા હતા.
શા માટે સંમેલન?

ઇમેજ સ્રોત, X/Jayveerraj Singh Gohil
રાજપૂત વિદ્યાસભા સાથે જોડાયેલા અશ્વિનસિંહ સરવૈયા અમદાવાદમાં ગોતા ખાતેના સંમેલનના મુખ્ય આયોજકોમાંથી એક છે. કાર્યક્રમ પહેલાં આયોજિત પત્રકારપરિષદમાં સરવૈયાએ કહ્યું હતું, "ક્ષત્રિયો અલગ-અલગ સમાજ અને સંગઠનોમાં વહેંચાયેલા છે. તેમની વચ્ચે સંકલન સ્થાપિત કરવા, તેમને એક કરવા તથા સમાજને સ્પર્શતા અલગ-અલગ મુદ્દા ઉપર વિચાર કરવા માટે 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ની સ્થાપના કરવામાં આવી છે."
"આ સંમેલનમાં સામેલ થવા માટે ગુજરાતના 250 જેટલા પૂર્વ રાજવી પરિવારના સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય ભાજપ, કૉંગ્રેસ ઉપરાંત અપક્ષ રાજપૂત નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ તેની પાછળ કોઈ રાજકીય હેતુ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંમેલન દરમિયાન ભાવનગરના પૂર્વ રાજવી પરિવારના વિજયરાજસિંહ ગોહિલને સંગઠનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ગુરુવારે યોજાયેલી પત્રકારપરિષદમાં તેમણે કહ્યું હતું કે મંચ પરથી કોઈ રાજકીય વાત નહીં થાય એ પૂર્વ શરત હતી.
દાંતાના પૂર્વ રાજવી પરિવારના રિદ્ધિરાજસિંહ પરમાર પણ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "ક્ષત્રિયો અલગ-અલગ સમાજમાં વિભાજિત છે, ત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજને સાથે લઈને ચાલવાની વાત છે. ક્ષત્રિયો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં એક થાય અને પ્રગતિ કરે તે અમારો હેતુ છે."
"ભવિષ્યમાં સંગઠનની કમિટી ગઠિત કરી નિયમો બનાવવામાં આવશે. હાલ જે સંગઠનો સમાજ માટે કામ કરી રહ્યાં છે, તેઓ પૂર્વવત્ રીતે કામ કરતા રહેશે. એમને જરૂર પડશે ત્યારે આ સંગઠન તેમની સાથે રહેશે. અમે સમાજના લોકોને આગળ લાવવા માગીએ છીએ."
આયોજકો અને અગ્રણીઓના ઇન્કાર છતાં આમંત્રણ પત્રિકામાં જણાવેલ ઉદ્દેશ્યો અને નિહિતાર્થને કારણે તેને રાજકીય દૃષ્ટિથી જોવામાં આવે છે.
રાજપૂત સંમેલનમાં રાજ 'કારણ'

ઇમેજ સ્રોત, Shree Rajput VidhyaSabha Gujarat/Youtube
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવી ચર્ચા છે કે ગુજરાતમાં ડિસેમ્બર મહિના આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે, ત્યારે રાજ્યમાં નોંધપાત્ર વસ્તી ધરાવતા રાજપૂતોનું આટલું મોટું સંમેલન યોજાતું હોય તેને રાજકીય રીતે જોવામાં આવી રહ્યું છે.
છેલ્લા લગભગ ત્રણ દાયકાથી સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર નજર રાખના જગદીશ આચાર્યના કહેવા પ્રમાણે, "રાજકોટની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના પૂર્વ રાજવીઓ વિશેના નિવેદનને કારણે ક્ષત્રિયો નારાજ થયા હતા. સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સંમેલન યોજાયાં હતાં અને લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે શક્તિપ્રદર્શન કર્યું હતું. આમ છતાં રૂપાલા ચૂંટાઈ આવ્યા હતા."
"ગુજરાતની 26માંથી 25 બેઠક ઉપર ભાજપને વિજય મળ્યો હતો એટલે ક્ષત્રિયોની નારાજગી ચૂંટણીપરિણામોને પ્રભાવિત કરી શકે છે તેવા દાવા ખોટા પડ્યા હતા. હવે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન રાજપૂતો પોતાની રાજકીય શક્તિ દેખાડવાનો પ્રયાસ કરે છે. લોકસભાની ચૂંટણીથી વિપરીત સંખ્યાબળને કારણે તેઓ અમુક ગ્રામ કે તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતની અમુક બેઠકો ઉપર અસર ઊભી કરી શકે છે."
આચાર્યનું માનવું છે કે કોઈ સંગઠન સામાજિક હોય તો પણ તેને રાજકીય નેતૃત્વ મળે તો જ તે સફળ થઈ શકે.
આચાર્યના મતે, "કોઈપણ આંદોલનને સફળ થવા, તેની અસર ઊભી કરવા કે તેના જુસ્સાને જાળવી રાખવા માટે સર્વસ્વીકૃત ચહેરાની જરૂર પડે.જોકે, લોકસભાની ચૂંટણી દરમિયાન રાજપૂતો પાસે આવો કોઈ ચહેરો ન હતો. જેના કારણે વિશાળ જનમેદનીઓ એકઠી થવા છતાં તે ચૂંટણીપરિણામોને પ્રભાવિત નહોતી કરી શકી."
"સંગઠનને રાજકીય નેતૃત્વ મળે તો જ તે સફળ થઈ શકે. તે લોકોને સંગઠિત રાખી શકે, રાજકીય સોગઠાં ગોઠવી શકે અને ધારી અસર ઊભી કરી શકે."

ઇમેજ સ્રોત, Social Media
રિદ્ધિરાજસિંહ પરમારના કહેવા પ્રમાણે, "એમના (રૂપાલા) નિવેદનને કારણે સમાજ એક થયો હતો અને હવે આ એકતા જળવાય રહે તે આ મંચનો હેતુ છે. સંગઠન સાથે જોડાયેલી વ્યક્તિગત રીતે રાજકારણ કરી શકે છે, પરંતુ આ મંચના નેજા હેઠળ નહીં."
ગત એક દાયકા દરમિયાન જાતિઆધારિત ઓળખ અને આંદોલનોએ ગુજરાતના રાજકારણને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સમાજઆધારિત રાજકારણમાંથી જ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જેવા રાજનેતા ઊભરી આવ્યા છે અને ધારાસભ્ય બન્યા છે.
ઓળખનું રાજકારણ, રાજકારણમાં ઓળખ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવવામાં અન્ય પછાત જ્ઞાતિઓએ (ઓબીસી) કરેલા મતદાને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, વિશેષ કરીને ઉત્તર પ્રદેશમાં.
છેલ્લા લગભગ પાંચ દાયકાથી ગુજરાતના રાજકારણના અભ્યાસુ મનીષી જાનીના કહેવા પ્રમાણે, "ગુજરાતમાં વ્યક્તિ અને સંગઠનકેન્દ્રિત રાજકારણ પ્રચલિત છે. દરેક જ્ઞાતિ કે સમાજ સંગઠિત થઈને રાજકારણમાં પોતાનો હિસ્સો મેળવવા માગે છે. ગોતા ખાતેનું સંમેલન એ 'આઇડૅન્ટિટી પોલિટિક્સ' સાથે પણ જોડાયેલું છે, કારણ કે ક્ષત્રિય સંપન્ન હોય, નાની જમીન ધરાવતો કે કદાચ ભૂમિવિહોણો. તે પોતાની ઓળખ પ્રત્યે સભાન છે અને તેના ઉપર ગર્વ કરે છે."
"હાલ ગુજરાતના રાજકારણમાં અને ભાજપમાં પાટીદારોનો દબદબો છે. એવા સમયે સંપન્ન પરંતુ જ્ઞાતિનાં સમીકરણોમાં ફીટ નહીં બેસતાં સમાજ આ પ્રકારના સંગઠન રચીને પોતાનું શક્તિપ્રદર્શન કરીને રાજકારણમાં પોતાનો હિસ્સો મેળવવા માટે પ્રયાસ કરે છે."
ભાવનગરના પૂર્વ રાજવી પરિવારના વિજયરાજસિંહ ગોહિલને સંગઠનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા, ત્યારે પરિવારના જ અન્ય એક રાજવી જયવીરરાજસિંહ ગોહિલે ફેસબુક પોસ્ટ દ્વારા "રાજપૂત સમાજની કોઈપણ સમિતિ રાજકીય લાભ ખાટવા મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ / દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય" એવી આશા વ્યક્ત કરી હતી.
આ પોસ્ટમાં જયવીરરાજસિંહે રાજપૂતોની એકતાના હિમાયતી હોવાની વાત પણ કહી હતી.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સામેલ થવા માટેની સાર્વજનિક આમંત્રણપત્રિકામાં મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી ઉપરાંત ભાવનગરના તત્કાલીન મહારાજા કૃષ્ણકુમારસિંહની તસવીરો મૂકવામાં આવી છે.
પરશોત્તમ રૂપાલા વિવાદ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
પરશોત્તમ રૂપાલા ગત નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. તેઓ રાજ્યસભાના સંસદસભ્ય હતા, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા.
રૂપાલાને તેમના વતન અમરેલીના બદલે ભાજપ માટે 'વધુ સલામત' મનાતી રાજકોટ બેઠકની ટિકિટ આપવામાં આવી હતી. જેના આધારે એવા કયાસ કાઢવામાં આવી રહ્યા હતા કે જો ફરીથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનશે, તો તેમને કેન્દ્રમાં મોટી ભૂમિકા મળી શકે છે.
જોકે, એ પહેલાં તેમણે પૂર્વ રાજવીઓના વિશે નિવેદન કર્યું હતું, જેના કારણે ક્ષત્રિયો નારાજ થયા હતા. રૂપાલા અને સીઆર પાટીલે માફી માગીને વિવાદને શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા અમિત શાહે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકો કરીને વિવાદને શાંત પાડવા પ્રયાસ કર્યા હતા.
ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની જામનગરની યાત્રા દરમિયાન પૂર્વ રાજવી પરિવારના શત્રુશલ્યસિંહ જાડેજા સાથે મુલાકાત કરીને આડકતરો સંદેશ આપવા પ્રયાસ કર્યા હતા.
આમ છતાં ક્ષત્રિયોની નારાજગી યથાવત્ રહી હતી. ભાજપે બે બેઠક ઉપર તેના ઉમેદવાર બદલ્યા હતા, પરંતુ રાજકોટની બેઠક ઉપર રૂપાલાને યથાવત્ રાખ્યા હતા. જેના કારણે ક્ષત્રિયોએ ન કેવળ રાજકોટમાં, પરંતુ ગુજરાતભરમાં ભાજપને હરાવવા માટે કમર કસી હતી.
એ સમયે પણ 'સંકલન સમિતિ'ના નામે અલગ-અલગ રાજકીય સંગઠનોને એક કરવાના પ્રયાસ થયા હતા. અલગ-અલગ સ્થાનોએ 'ધર્મરથ' ફર્યા હતા, જેના ઉપર પણ શિવાજી અને મહારાણા પ્રતાપની તસવીરો હતી.
રૂપાલાનો ભારે વિરોધ છતાં ભાજપનો ગઢ મનાતી રાજકોટની બેઠક ઉપરથી તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ગઠબંધન સરકારની મજબૂરી તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નુકસાન ન થાય એ માટે ભાજપ દ્વારા રૂપાલાને કેન્દ્રીય કૅબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
પદ્મિનીબા વાળા ભાજપના નેતા રૂપાલા વિરૂદ્ધના આંદોલનનો ચહેરો બન્યાં હતાં. જોકે, શુક્રવારે તેમને મંચ ઉપર સ્થાન આપવામાં આવ્યું ન હતું. આથી, તેઓ નારાજ થયા હતા અને મીડિયાની હાજરીમાં જ આયોજકો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












