હમીરસર: કચ્છના 450 વર્ષ જૂના તળાવની કહાણી જેને કારણે રણપ્રદેશ પાસે આવેલું હોવા છતાં ભુજમાં પાણીની તંગી વર્તાતી નહોતી

હમીરસર તળાવ, કચ્છ, ભુજ, પાણી, ચોમાસું, કચ્છી માડુ, લાડુ, અષાઢી બીજ, બીબીસી ગુજરાતી ન્યૂઝ, સમાચાર, ગુજરાત, ગુજરાતી, કચ્છી

ઇમેજ સ્રોત, Prashant Gupta

ઇમેજ કૅપ્શન, લગભગ 450 વર્ષ પહેલાં કચ્છના ભુજમાં બનાવવામાં આવેલું હમીરસર તળાવ જળસંચય અને જળવ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો છે
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

લગભગ 450 વર્ષ પહેલાં કચ્છના ભુજમાં બનાવવામાં આવેલું હમીરસર તળાવ જળસંચય અને જળવ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો છે, જેના કારણે રણપ્રદેશ પાસે આવેલું શહેર હોવા છતાં ત્યાં પાણીની તંગી વર્તાતી નહોતી.

જેના કારણે ન કેવળ સ્થાનિકો, પરંતુ અન્યત્ર વસતા કચ્છીઓ હમીરસર તળાવ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

20મી સદીના અર્થશાસ્ત્રીએ આપેલા જળસંચયના સિદ્ધાંતની ઉપર ભારત સહિત અનેક દેશો અમલ કરે છે, પરંતુ કચ્છના રાજવીએ 19મી સદીની શરૂઆતમાં તેનો અમલ હમીરસર તળાવ ખાતે કર્યો હતો.

ઇતિહાસની આરસીમાં જોવામાં આવે તો ભુજને કદાચ ચાર ભાગમાં વહેંચી શકાય, જેમાં ચોથો તબક્કો હમીરસરના વ્યવસ્થાપનમાં અવરોધ ઊભા કરશે એવી આશંકા સેવાઈ રહી છે.

રાવ ખેંગાર અને ભુજ

હમીરસર તળાવમાં પક્ષીઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હમીરસર પહોંચેલાં યાયાવર પક્ષીઓની ફાઇલ તસવીર

કચ્છમાંથી જામ રાવળના સૌરાષ્ટ્ર-હાલાર તરફ નિર્ગમન પછી રાવ ખેંગારે લખિયારવીરા, બારાતેરા પરગણા સહિત છૂટીછવાઈ જાગીરોને પોતાની આણ નીચે લાવી.

હવે, રાવ ખેંગાર તથા તેમના રાજ ઉપર કોઈપણ પ્રકારનું સંકટ હતું નહીં અને તેમણે રાજકાજ તેમજ પ્રજાકાર્યો ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

'કચ્છનો સર્વાંગી ઇતિહાસ' (પન્નું 130) ઉપર ઉલ્લેખ પ્રમાણે, સમગ્ર રાજ્ય ઉપર કેન્દ્રવર્તી રીતે શાસન કરી શકાય, સુરક્ષિત હોય તથા પાણીની પૂરતી વ્યવસ્થા હોય તેવા વિચાર સાથે રા' ખેંગારે સંવત 1605 (ઈ.સ. 1549)ના માગશર સુદ છઠના દિવસે નવા પાટનગરની સ્થાપના કરી.

રાવ ખેંગારે નગરસ્થાપન માટે ધાર્મિકવિધિ કરાવનારા પુરોહિતને નવા શહેરના નામ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે નગરસ્થાપનાની ખીલી ભુજંગની (સર્પ) ફેણ ઉપર ખોડી હોવાથી 'ભુજંગનગર' નામ રાખવું યોગ્ય ગણાશે.

આગળ જતાં તે અપ્રભંશ થઈને 'ભુજનગર' અને પછી ટૂંકાણમાં માત્ર 'ભુજ' તરીકે ઓળખાય છે.

અન્ય એક મત પ્રમાણે, પાસે આવેલા ભુજંગિયા ડુંગર પરથી નવા નગરનું નામ ભુજંગનર પડ્યું, જે આગળ જતાં ભુજનગર તથા ભુજ તરીકે પ્રચલિત થયા.

'શ્રીયદુવંશપ્રકાશ'ના (પેજ 169) ઉલ્લેખ પ્રમાણે, રાવ અમદાવાદ જેવા જાહોજલાલીવાળા શહેરમાં રહ્યા હોવાથી તેમણે તેવી જ ઢબના શહેર કચ્છમાં વસાવવાનાં શરૂ કર્યાં.

રાવ ખેંગારે પોતાના પાટવીકુંવર ભોજરાજજીની સ્મૃતિમાં 'ભોજનગર'નું તોરણ બાંધ્યું. વાગડની લખાણશૈલીમાં અક્ષરની સાથે કાનામાતર ઉમેરવાનો રિવાજ નહીં હોવાને કારણે 'ભોજનગર'ના બદલે 'ભજનગર' લખાતું. તેમાં સુધારો થતા-થતા તે 'ભુજનગર' તરીકે પ્રસિદ્ધ થયું. જે પાછળથી ભુજ તરીકે ઓળખાયું.

ભુજ શહેર, હમીરસર તળાવ

વીડિયો કૅપ્શન, Bhuj: ગુજરાતના રણછોડ પગી જેમણે ભારતીય સેનાને મદદ કરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતી ભાષામાં તળાવ કે સરોવર માટે નામ સાથે 'સર'નો શબ્દપ્રયોગ પણ થાય છે. કચ્છના પ્રાગસર, ટોપણસર, ઉમાસર, દેશળસર તથા હમીરસર આ નામપ્રણાલીનાં કેટલાંક ઉદાહરણો છે.

આમ તો 'કચ્છ' શબ્દનો મતલબ જ પાણીથી ભરપૂર એવો થાય, પરંતુ તેનો આકાર કાચબાની પીઠ જેવો છે, જેના કારણે જળસંગ્રહ થઈ નથી શકતો. નાનું-મોટું રણ પ્રદેશને સૂકો બનાવે છે. કાચબાને સંસ્કૃત ભાષામાં 'કચ્છ' કહેવાય છે એટલે પણ આ વિસ્તારને નામ મળ્યું હોવાનું મનાય છે.

જોકે, ભુજ પાસે હમીરસર તળાવ રકાબી જેવો આકાર રચે છે, જેના કારણે જળપ્રવાહનો સંગ્રહ સુગમ બને છે. તે જળસંચય અને વ્યવસ્થાપન માટે ઉત્તમ નમૂનો રજૂ કરે છે.

'કચ્છનો સર્વાંગી ઇતિહાસ, ભાગ-1' (પૃષ્ઠ 130) પરની નોંધ પ્રમાણે, રાવ ખેંગાર પહેલાએ પોતાના પિતાની સ્મૃતિમાં હમીરસર તળાવનું નિર્માણ કરાવ્યું હતું.

અહીં પહેલાં નાનકડી તળાવડી હતી અને હમીર નામનો માલધારી તેમાં પોતાનાં ઢોરને પાણી પીવડાવતો. રાવે આ તળાવડીને મોટી કરાવી હોવાની પણ અનુશ્રુતિ છે.

ભુજસ્થિત ઍરિડ કૉમ્યુનિટીઝ ઍન્ડ ટૅકનૉલૉજી કચ્છના વિવિધ ગ્રામીણ સમુદાયો તથા ગામડાંમાં ભૂગર્ભજળ સુધારવા માટે પ્રયત્નશીલ છે.

આ સંસ્થાના સ્થાપક ડૉ. યોગેશ જાડેજાના કહેવા પ્રમાણે, "હમીરસર તળાવનો જે કૅચમૅન્ટ વિસ્તાર છે, તે ભુજના રહીશો તથા ઢોરઢાંકર માટેની તત્કાલીન જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અપૂરતો હતો."

"તળાવો તથા કેનાલની વ્યવસ્થા દ્વારા વધારાના લગભગ સાડા છ ગણાં વિસ્તારનું પાણી તળાવોમાં એકઠું કરવામાં આવતું અને જરૂર પડ્યે તેને હમીરસર તળાવમાં છોડવામાં આવતું. ત્રણ કિલોમીટરની હરીપર કૅનાલ તૈયાર કરવામાં આવી હતી."

"ઉમાસર(હાલના) તળાવમાંથી લગભગ પોણા કિલોમીટરની અંડરગ્રાઉન્ડ ચૅનલ મારફત આ પાણી હમીરસર તળાવમાં પહોંચતું. વચ્ચે 22 કૂવા દ્વારા ટનલની સફાઈનું કામ થતું, એક રીતે તે 'મૅનહૉલ' જેવી ગરજ સારતા."

યોગેશ જાડેજા અનુસાર હમીરસર તળાવ ભુજ માટે પાણીનો મહત્ત્વપૂર્ણ સ્રોત બની ગયો હતો.

નગરમાં 40થી 60 ફૂટ ઊંડા કુલ્લે 330 જેટલા કૂવા ગાળવામાં આવ્યા છે, જે વપરાશ માટેનું પાણી તથા જળસ્તરને ઊંચું લાવવાનું પણ કામ કરે છે.

કાલખંડની દૃષ્ટિએ હમીરસર તળાવને રાવનો સમય, બ્રિટિશરાજ હેઠળ, સ્વતંત્રતા પછી અને વર્ષ 2001માં ભૂકંપ પછી એમ ચાર કાલખંડમાં વહેચી શકાય.

રાવના સમયમાં અને સ્વતંત્રતા સુધી કૅનાલોમાં જોડાણ મારફત વધારાના કૅચમૅન્ટ વિસ્તારોનું પાણી હમીરસર સુધી પહોંચે તેવા ઉમેરા થયા.

આ સિવાય સમયાંતરે તેમાં સફાઈ અને કાંપ કાઢવાના અભિયાન હાથ ધરવામાં આવ્યા છે.

ભૂકંપગ્રસ્ત ભૂજની તસવીર, ભુજ, કચ્છ, હમીરસર, તળાવ,પાણી, જળસંચય, ઇતિહાસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂકંપ બાદ ભુજનું નવનિર્માણ હાથ ધરાયું (ભૂકંપગ્રસ્ત ભૂજની તસવીર)

જોકે, વર્ષ 2001માં ભૂકંપ પછી 'નવું શહેર' વસાવવા માટે જમીનની જરૂર હતી, જેના કારણે જળપ્રવાહમાં અવરોધ ઊભા થયા છે.

જોકે, વરસાદમાં અસામાન્ય વૃદ્ધિ અને પાછેતરાં સુધારાને કારણે હમીરસર તળાવ ઑવરફ્લો થતું રહે છે.

માર્ચ-2023માં કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા 75 'વૉટર હૅરિટેજ સાઇટ'ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં હમીરસર ઉપરાંત કાંકરિયા તળાવ(અમદાવાદ), રાણીની વાવ(પાટણ), લોથલ ડૉક્સ (અમદાવાદ) અને સુદર્શન તળાવનો(જૂનાગઢ) સમાવેશ કરવામાં આવ્યો હતો.

હમીરસર છતરડીવાળા તથા રાજેન્દ્રબાગ એમ બે ભાગમાં વહેંચાયેલું તળાવ છે. કચ્છના રાજવીઓના અંતિમસંસ્કાર બાદ ત્યાં ભવ્ય સ્મારક બનાવવામાં આવતું, જેમાં કળા-સ્થાપત્યનું કામ થતું, જેને સ્થાનિક ભાષામાં 'છતરડી' તરીકે ઓખખાય છે.

હમીરસર તળાવ ખાતે આવી કલાત્મક છતરડીઓ આવેલી છે.

મેઘલાડુના મંડાણ

લાડુ ખાઈ રહેલી યુવતીની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક

તા. 28 /09/1970ના રોજ ગુજરાતની તત્કાલીન હિતેન્દ્ર દેસાઈ સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો, જે મુજબ હમીરસર તળાવ છલકાય એટલે ભુજ શહેરમાં રજા જાહેર કરવામાં આવે છે, જેની સત્તા કચ્છ જિલ્લાના કલેક્ટર પાસે હોય છે.

હમીરસર છલકાયે શહેરની શાળાઓ, કૉલેજો તથા રાજ્ય સરકાર હેઠળ આવતી અને મહત્ત્વપૂર્ણ સેવાઓ ન આપતી હોય તેવી સરકારી કચેરીઓમાં રજા આપવામાં આવે છે.

આ રજા નૅગોશિયેબલ ઇન્સ્ટ્રુમૅન્ટ ઍક્ટ હેઠળ નથી હોતી એટલે બૅન્કિંગના કામકાજ ચાલુ રહે છે.

વર્ષ 2024માં તા. 28 ઑગસ્ટના રાત્રે 11.15 કલાકે હમીસરસર તળાવ ઑવરફ્લૉ થયું હતું, જેના પગલે તા. 29ના રજા જાહેર કરવામાં આવી હતી.

ઇતિહાસકાર જોરાવરસિંહ જાદવ તેમના પુસ્તક 'ગુજરાતના લોકઉત્સવો'માં(પૃષ્ઠક્રમાંક 109) કે કચ્છ-ભુજમાં આવેલું હમીરસર તળાવ ઓગની જાય એટલે કે છલકાઈ જાય એટલે કચ્છીઓને ગોળનાં ગાડાં મળ્યાં, જેટલો આનંદ થાય. હરખનાં વધામણાં થાય અને કચ્છીઓ એકબીજાને ભેટીને આનંદ વ્યક્ત કરે.

કચ્છની લોકરૂઢિ અનુસાર, હમીરસર તળાવ છલકાય એટલે કચ્છીઓ તેમના ઘરે 'મેઘલાડુ' બનાવે. અગાઉ રાજવી પરિવાર દ્વારા નવાં નીરને લાડુ અને નાળિયેર વહેતું મૂકીને વધાવવામાં આવતાં, સ્વતંત્રતા પછી આ વિધિ નગરપાલિકાના સત્તાધીશો કરે છે.

ભુજવાસીઓ શુકનરૂપે પહેલો લાડુ તળાવના જળને અર્પણ કરે અને પછી તેઓ જમે.

ન કેવળ સ્થાનિકો પરંતુ હમીરસર પ્રત્યેની લાગણીને કારણે વતનથી દૂર દેશદેશાવરમાં વસતા કચ્છીઓ આ અવસરે, જ્યાં હોય ત્યાં 'મેઘલાડુ' બનાવી, તેને સાથે જમીને જળોત્સવ ઊજવે છે. આ સાથે તેઓ ગાય છે:

'મી આયો, માઘો આયો

ધરતી તોજો લાડો આયો.

ધાન પાણી લેતો આયો.'

હમીરસરમાં અર્થશાસ્ત્રના અ...બ...ક...

પ્રાગમહેલની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉપરોક્ત પ્રાગમહેલ ઉપરાંત આયના મહેલ જેવા બાંધકામો કચ્છના રાવોની દેણ

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા વર્ષ 1884માં 'દુકાળ વિશે નિબંધ' નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું, જેમાં એદલજી ખોરીએ અવિભાજિત ભારતમાં પડેલાં ભયંકર દુકાળો વિશે છણાવટ કરી હતી.

આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં એદલજી લખે છે કે વર્ષ 1825માં અંગ્રેજ લશ્કરની છાવણી ભુજમાં હતી. આ વરસે મોટી સંખ્યામાં લોકો બહારથી નાસી આવ્યા, છતાં કોઈ ભૂખ્યું મર્યું ન હતું.

દરબારી અનાજજથ્થામાંથી દર માણસને એક શેર, ખત્રી રતનશીના ઘરમાંથી દરેક માણસને અડધો શેર તથા મહેતા લક્ષ્મીદાસના ઘરમાંથી પણ અડધો શેર અનાજ આપવામાં આવતું.

જે લોકો હમીરસર તળાવ ખોદવા આવતાં તેમને રોજ અરધો શેર અનાજ આપવામાં આવતું. આ સિવાય કૂવા પણ ગાળવામાં આવ્યા હતા.

ઈ.સ.1839 અને ઈ.સ.1841- '42નાં વર્ષો તંગીનાં હતાં. આ સમયે રાવ દેશળજીએ નાણાં ધીરીને કેટલી વાડીઓ બંધાવડાવી.

આ સિવાય હમીરસર તથા દેશળસર ઊંડા કરાવ્યાં હતાં.

લગભગ બેથી ત્રણ હજાર લોકો કામે લાગ્યા હતા. એમાંથી મોટાને પાટી તથા નાનાને અડધી પાટી અનાજ આપવામાં આવતું. આ કામ ત્રણ વર્ષ ચાલ્યું હતું.

કચ્છ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ-ચાન્સૅલર તથા અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક ડૉ. તુષાર હાથીએ 'કચ્છનો સર્વાંગી ઇતિહાસ ભાગ-2'માં (પેજ 86-87) લખે છે કે અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ 'રાજ્યના અર્થકારણની નીતિ'નો જન્મ બ્રિટિશ અર્થશાસ્ત્રી કેઇન્સ પછી થયો હોવાનું મનાય છે.

કેઇન્સ દ્વારા અર્થતંત્રમાંથી મંદીને દૂર કરવા 'ખાડો ખોદો અને પૂરો'ની નીતિની હિમાયત કરવામાં આવે છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે પરંપરાગત રજવાડાંના અર્થતંત્રમાં આ પ્રકારની નીતિ સર્વસામાન્ય રીતે જોવા મળતી.

છેક વર્ષ 1825માં કચ્છના દુકાળ વેળાએ જળાશયો ખોદાવવાની તથા પરંપરાગત જળાશયોને ઊંડા કરવાની નીતિ અપનાવી હતી અને રાહત આપવાનો પ્રયાસ થયો હતો.

સ્વતંત્ર ભારતની 'કામ સાટે અનાજ' યોજનાના કે ગુજરાતમાં 'ચોકડી ખોદવાના રાહતકામ'ના મૂળમાં રજવાડાં સમયની યોજના હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે.

અંગ્રેજ ઇતિહાસકાર એલ. એફ. રશબ્રૂક વિલિયમ્સનું કચ્છ વિશેનું પુસ્તક 'કારા ડુંગર કચ્છજા' સ્વરૂપે ઉપલબ્ધ છે, જેમાં (પેજ 236) લખે છે કે મહારાવ પ્રાગમલે ભુજના હમીરસર તળાવની વચ્ચેથી અવરજવર થઈ શકે તે માટે પુલ બંધાવડાવ્યો હતો.

આ સિવાય તેમણે ચાડવા ડુંગર પર પ્રાગસર નામનું તળાવ બંધાવડાવ્યું હતું. હમીરસર છલકાય એટલે તેનું પાણી પ્રાગસરમાં એકઠું થાય, તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સિવાય ખારી નદી મારફત હમીરસરનું વધારાનું પાણી રૂદ્રમાતા ડૅમ સુધી પણ પહોંચે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.