યુપીએસ કઈ રીતે જૂની અને નવી પેન્શન સ્કીમથી અલગ છે? કર્મચારી યુનિયન અને નિષ્ણાતો શું કહે છે?

વિપક્ષ શાસિત કેટલાંક રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ લાગુ પણ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સામેલ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિપક્ષ શાસિત કેટલાંક રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ લાગુ પણ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સામેલ છે.
    • લેેખક, સંદીપ રાય
    • પદ, બીબીસી સંવાદદાતા

નૅશનલ પેન્શન સ્કીમ(એનપીએસ)માં સુધારણા માટે લાંબા સમયથી માગ ચાલી રહી હતી. શનિવારે મોડી સાંજે સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસને મંજૂરી આપી દીધી હતી.

કેન્દ્ર સરકારના ઇન્ફોર્મૅશન ટેકનૉલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેની જાણકાર આપતાં કહ્યું હતું કે, આ યોજના આવતા વર્ષે એક એપ્રિલથી લાગુ થશે. તેનો ફાયદો કેન્દ્ર સરકારના 23 લાખ કર્મચારીઓને થશે.

છેલ્લાં કેટલાંક વર્ષથી સરકારી કર્મચારી જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવાની માગ કરી રહ્યા હતા. કેટલાંક રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં વિપક્ષી પાર્ટીઓએ તેને મુદ્દો પણ બનાવ્યો હતો.

વિપક્ષ શાસિત કેટલાંક રાજ્યોમાં જૂની પેન્શન સ્કીમ લાગુ પણ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પંજાબ સામેલ છે.

આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યો – મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે.

આવો સમજીએ કે એનપીએસ અને ઓપીસ કરતાં યુપીએસ કઈ રીતે અલગ છે, અને નિષ્ણાતો તેમજ ટ્રેડ યુનિયન નેતાઓનું તેના વિશે શું કહેવું છે?

યુનિફાઇડ પેન્શન સ્કીમ શું છે?

હડતાળ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમની માગને લઈને આંદોલન કરતા આવ્યા છે
  • ઓછામાં ઓછા પચાસ ટકા પેન્શનની ગૅરંટી હશે.
  • જે કર્મચારીએ 10 વર્ષ સુધી નોકરી કરી હશે, તેને દર મહિને ઓછામાં ઓછું રૂપિયા 10 હજારનું પેન્શન મળશે.
  • નિવૃત્ત કર્મચારીના અવસાન પર પરિવારજનને 60 ટકા પેન્શન મળશે.
  • કર્મચારી અને ફેમિલી પેંશનને મોંઘવારી સાથે જોડવામાં આવશે.
  • ગ્રેચ્યુઇટી ઉપરાંત નોકરી છોડવામાં આવે ત્યારે એકસામટી રકમ આપવામાં આવશે.

યુપીએસ, એનપીસ કરતાં કઈ રીતે અલગ છે?

2004માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ)ની જગ્યાએ ન્યૂ પેન્શન સિસ્ટમ(એનપીએસ) લાવી ત્યારે એમાં નિશ્ચિત પેન્શનની જે જોગવાઈ હઠાવી દેવામાં આવી હતી.

તેની સાથે જ એમાં કર્મચારીઓનું અંશદાન અનિવાર્ય કરી દેવામાં આવ્યું હતું. એમાં કર્મચારી અને સરકાર માટે એકસરખી રીતે દસ ટકાના અંશદાનની જોગવાઈ કરવામાં આવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 2019માં એમાં સરકારી અંશદાનને બેઝિક પગાર અને ડીએનો 14 ટકા કરી દેવામાં આવ્યું હતું.

નવી જોગવાઈ અનુસાર નિવૃત્તિ પછી કર્મચારી જે કુલ રકમ બની છે એના 60 ટકા ઉપાડી શકે છે.

અન્ય 40 ટકા નાણાં જાહેર ક્ષેત્રની બૅન્કો, નાણાકીય સંસ્થા અને ખાનગી કંપનીઓ તરફ પ્રમોટ કરવામાં આવેલા પેન્શન ફંડ મૅનેજર્સની વિવિધ યોજનામાં લગાવવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે.

આ કંપનીઓ તરફથી રજૂ થયેલી સ્કીમોમાં લઘુતમથી લઈને મહત્તમ જોખમના આધારે પસંદગી કરી શકાય છે.

પરંતુ સરકારી યુનિયનોનું કહેવું છે કે જ્યારે એનપીએસને લાગુ કરવામાં આવી હતી ત્યારે એને ઓપીએસ કરતાં બહેતર દર્શાવવામાં આવી હતી, પણ 2004 પછી ભરતી થનારા જે નિવૃત્ત થઈ રહ્યા છે તેમને મામૂલી પેન્શન મળી રહ્યું છે.

આ ઉપરાંત કર્મચારીઓએ પોતાનું અંશદાન પણ આપવું પડે છે, જ્યારે કે ઓપીએસમાં પેન્શન એ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી સામાજિક સુરક્ષા યોજના પર સંપૂર્ણ રીતે નિર્ભર હતું.

કર્મચારીઓનું કહેવું છે કે જે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ લાવવામાં આવી છે તેમાં કર્મચારીના પોતાના અંશદાનને ઉપાડવા માટે કોઈ સ્પષ્ટ જાણકારી નથી.

જોકે, યુપીએસમાં ગ્રેચ્યુઇટી ઉપરાંત નોકરી છોડવામાં આવે ત્યારે એકસામટી રકમ આપવામાં આવશે.

જેની ગણતરી કર્મચારીની છ મહિનાની નોકરીના મૂળ વેતન અને મોંઘવારી ભથ્થાના દસમા ભાગરૂપે હશે.

સરકારના નિવેદનથી કર્મચારી યુનિયનના નેતા સહમત નથી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

શનિવારે અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, "વડા પ્રધાને પૂર્વ નાણાસચિવ ડૉ. સ્વામીનાથનની અધ્યક્ષતામાં આ અંગે વિચાર કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું હતું. જેણે લગભગ દરેક રાજ્ય, શ્રમિક સંગઠનો સાથે વાત કરી હતી."

"આ ઉપરાંત તેમણે અન્ય દેશોમાં પ્રવર્તમાન સિસ્ટમને પણ સમજી હતી. એ પછી તેમણે યુપીએસની ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી."

પરંતુ કેટલાંય યુનિયન નેતાઓએ તેમના આ દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, યુપીએસ મુદ્દે તેમની સાથે કોઈ વાતચીત થઈ નથી.

નૅશનલ મૂવમેન્ટ્સ ફૉર ઓલ્ડ પેન્શન સ્કીમ(એનએમઓપીએસ)ના રાષ્ટ્રીય પ્રમુખ વિજય કુમાર બંધુએ સવાલ કર્યો હતો કે, "સમિતિની ભલામણો ક્યારે રજૂ થઈ અને ક્યારે તેના પર ચર્ચા થઈ તે કોઈને ખબર નથી. સમિતિનો રિપોર્ટ શું છે તે પણ કોઈને ખબર નથી."

તેમણે બીબીસીને કહ્યું હતું કે, "બધા જાણે છે કે અમે સમગ્ર દેશમાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાનું આંદોલન ચલાવી રહ્યા છીએ, પણ યુપીએસ લાવતાં પહેલાં અમારી સાથે વાત કરવાનું સરકારે યોગ્ય ન સમજ્યું."

તેઓ કહે છે કે, "મેં વડા પ્રધાન મોદીને ચાર પત્રો લખ્યા હતા, પણ કોઈનો જવાબ ન મળ્યો. સરકારનો દાવો છે કે યુપીએસ, ઓપીએસ જેવી જ છે, જો એવું જ હોય તો ઓપીએસ લાગુ કરવામાં શું વાંધો છે?"

બંધુએ કહ્યું હતું કે, "નવી યોજના હેઠળ કર્મચારીને તેની નિવૃત્તિ પહેલાંના છેલ્લા 12 મહિના દરમિયાનના સરેરાશ બૅઝિક પગારના 50 ટકા રકમ મળશે. આ ઉપરાંત એનપીએસ હેઠળ જે કર્મચારીનું દસ ટકા અંશદાન હશે તે નહીં મળે. આનો મતલબ એ થયો કે કર્મચારીને ઓપીએસ પણ ન મળ્યું અને એનપીએસમાં પણ ન રહ્યો. તે તો અદ્ધરતાલ જ લટકી ગયો."

જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારી એનપીએસ અને યુપીએસમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે.

25 વર્ષની વયસીમા નક્કી કરવામાં આવી

યુપીએસમાં 25 વર્ષની નોકરીના સમયગાળા વિશે વિજયકુમાર બંધુએ કહ્યું હતું કે, "યુપીએસમાં ફુલ પેન્શન માટે 25 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. અર્ધસૈનિક બળના કર્મચારી 20 વર્ષમાં નિવૃત્ત થઈ જાય છે, મતલબ કે તેઓ આ યોજનાથી બાકાત થઈ ગયા. આવા અન્ય ઘણા ક્ષેત્ર છે. તેથી યુપીએસ ખોટનો સોદો છે, ફક્ત નામ બદલવામાં આવ્યું છે.”

નૅશનલ મિશન ફૉર ઓલ્ડ પેન્શન સ્કીમ(ભારત)ના રાષ્ટ્રીય પ્રમુખ મંજિત સિંહ પટેલે બીબીસીને જણાવ્યું હતું કે, "એનપીએસમાં બે સમસ્યા હતી. પહેલી તો એ કે નોકરી દરમ્યાન કર્મચારીનો પોતાના પૈસા પર અધિકાર ન હતો. બીજી એ કે નિવૃત્ત થાય ત્યારે નિશ્ચિત ટકાવારીરૂપે પેન્શનની ગેરંટી નહોતી અને ડીએ પણ સામેલ નહોતું."

"પણ એનપીએસમાં એક ફાયદો હતો કે કર્મચારીની જમા રકમ તેને અથવા તો તેના પરિવારને મળી જતી હતી અને એક નિશ્ચિત હિસ્સો શેર માર્કેટમાં રોકાણ થતો હતો. તે પૈસા સરકારમાં જતા નહોતા."

તેમણે કહ્યું હતું કે, "અમારી માગણી હતી કે કર્મચારીઓના નાણાં તેમને પરત કરવામાં આવે અને સરકાર જે અંશદાન કરે છે તેને તે પરત લઈ લે અને એની અવેજીમાં જૂનું જે પેન્શન હતું એને સમકક્ષ પેન્શન આપે."

તેઓ કહે છે, "યુપીએસ તો એનપીએસ કરતાંય ખરાબ નીકળ્યું. સૌથી મહત્ત્વની વાત એ છે કે એનપીએસમાં નિયમ છે કે નોકરી દરમ્યાન કર્મચારીનું મોત થાય તો તેના પરિવારજનને જૂની પેન્શન યોજના મુજબ પગારના પચાસ ટકા પેન્શન રૂપે મળે છે, પણ યુપીએસમાં તો એવી પણ જોગવાઈ નથી."

ટ્રેડ યુનિયનો પાસેથી સલાહસૂચનો લેવાયાં હતાં?

સરકારી કર્મચારી યુનિયનોનું કહેવું છે કે યુપીએસ વિશે સરકારે તેમની સાથે વાત નહોતી કરી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરકારી કર્મચારી યુનિયનોનું કહેવું છે કે યુપીએસ વિશે સરકારે તેમની સાથે વાત નહોતી કરી.

દેશની દશ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોના મંચમાં સામેલ સીટૂના જનરલ સેક્રેટરી તપન સેને પણ બીબીસી સાથે વાતચીતમાં એ સ્વીકાર્યું કે સરકારે આ મામલે તેમની સાથે કોઈ સલાહસૂચન લીધાં નથી.

તેમણે કહ્યું કે, "મોટા ભાગનાં કર્મચારી સંગઠનોએ સરકારને ભારપૂર્વક કહ્યું હતું કે ઓલ્ડ પેન્શન સ્કીમને કોઈ પણ ફેરફાર વગર લાગુ કરો. અમે કહ્યું હતું કે આ વિશે ચર્ચા - મુલાકાત કરવામાં આવે, પણ તેનો કોઈ નિવેડો આવ્યો નહતો."

તપન સેને કહ્યું હતું કે, "યુપીએસમાં કહેવામાં આવ્યું છે કે ડીએ હઠાવીને બેઝિક પગારનું અડધું પેન્શન આપવામાં આવશે. પરંતુ પાંચ વર્ષના ગાળામાં જ ડીએનો હિસ્સો સામાન્ય રીતે બેઝિક જેટલો કે એનાથી વધારે થઈ જાય છે. યુપીએસ મુજબ પેન્શન પણ અડધું થઈ જશે."

નિષ્ણાતો શું કહે છે?

બિઝનેસ સ્ટાન્ડર્ડનાં કન્સલ્ટિંગ એડિટર અદિતિ ફડણીસે બીબીસીને જણાવ્યું હતું કે, "ન્યૂ પેન્શન સ્કીમને લાવવાનું કારણ જ એ હતું કે કેન્દ્ર સરકારના પેન્શન બિલને સંતુલિત કરી શકાય."

તેઓ કહે છે કે, "એનપીએસમાં કર્મચારીઓની બચતનો એક હિસ્સો શેર માર્કેટમાં લગાવવાની જોગવાઈ કરવામાં આવી હતી. તેથી શેરબજારના ઉતારચઢાવના આધાર પર જે રિટર્ન મળશે તેના સંદર્ભે જ પેન્શન બનશે. તે ફિક્સ પણ હોઈ શકે છે અને ઉતારચઢાવવાળું એટલે કે પરિવર્તનશીલ પણ."

"જે લોકોએ એનપીએસની પસંદગી કરી હતી અને તેઓ હાલનાં વર્ષોમાં નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને પેન્શન મળવાનું શરૂ થઈ ગયું છે."

અદિતી કહે છે કે, "તે લોકોની ફરિયાદ છે કે તેમનું પેન્શન ક્યારેક સો રૂપિયા હોય છે તો ક્યારેક સવાસો. એ રીતે તેઓ પોતાનું જીવન કેવી રીતે વિતાવી શકે?"

વિજયકુમાર બંધુએ પણ એનપીએસમાં મળતા મામૂલી પેન્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. "બનારસમાં એક પ્રિન્સિપાલ હતા. તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમનો પગાર દોઢ લાખ હતો. જ્યારે પેન્શન આવવાનું શરૂ થયું ત્યારે 4044 જેટલા રૂપિયા હતું. તેમની સામે તો આજીવિકાનું સંકટ ઊભું થઈ ગયું હતું."

આ જ કારણ છે કે કર્મચારી તેને રદ કરવાની અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કરી રહ્યા છે.

દેશમાં સરકારી કર્મચારીઓની સંખ્યા સારી એવી છે અને તે એક વોટબૅન્ક પણ છે, જે સરકાર પર સતત દબાણ ઊભું કરી રહી છે.

ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ

અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગી ઊઠી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગી ઊઠી છે

હિમાચલ પ્રદેશ પહેલું એવું રાજ્ય હતું જ્યાંની સરકારે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરી હતી. 2022માં કૉંગ્રેસ સત્તા પર આવ્યા પછી મુખ્ય મંત્રી સુખવિંદર સુક્ખૂએ તેને મંજૂરી આપી હતી.

અદિતિ ફડણીસ કહે છે કે, "ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ થવાથી લોકો ભલે ખુશ થાય પણ આવનારા સમયમાં સતત વધી રહેલા કર્મચારીઓના પેન્શનનું બિલ પછી સરકારોએ ભોગવવું પડશે, જેમાં હિમાચલ પ્રદેશની સરકાર પણ સામેલ છે."

યુપીએસ અંતર્ગત સરકારે પોતાના તરફથી અંશદાનને વધારીને 18.5 ટકા કરવાની જોગવાઈ કરી છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસે પૂર્વ નાણા સચિવ ટીવી સોમનાથનને ટાંકતા કહ્યું કે, ઍરિયરના રૂપમાં સરકાર પર 800 કરોડ રૂપિયાનો બોજ પડશે અને એને લાગુ કરવાના પહેલા વર્ષે સરકારી ખજાના પર 6250 કરોડ રૂપિયાનો બોજ પડશે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ અનુસાર, કેન્દ્ર માટે પેન્શન બિલ 1990 – 91માં 3272 કરોડ રૂપિયા અને રાજ્યોનું પેન્શન બિલ 3131 કરોડ રૂપિયા હતું.

2020-21માં કેન્દ્રનું બિલ વધીને 1,90,886 કરોડ રૂપિયા અને રાજ્યોનું બિલ 125 ગણુ વધીને 3,86,001 કરોડ રૂપિયા થઈ ગયું હતું.

સરકારનું શું કહેવું છે?

અશ્વિની વૈષ્ણવે આ યોજનાને કર્મચારીઓની આર્થિક સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતાના ઉદાહરણ તરીકે દર્શાવી હતી.

તેમણે એક પસ્ટમાં લખ્યું હતું કે, "રાજ્ય સરકારોના એ 90 લાખ કર્મચારીને પણ લાભ મળશે જેમણે એનપીએસની પસંદગી કરી છે. હાલના તેમજ ભવિષ્યના કર્મચારી એનપીએસ અને યૂપીએસમાંથી વિકલ્પ પસંદ કરી શકે છે."

આ ઉપરાંત, યુપીએસમાં લઘુતમ 10 વર્ષની નોકરી પછી 10,000 પેન્શનની ગેરંટી આપવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ ઍક્સ પર લખ્યું હતું કે, દેશની પ્રગતિ માટે કઠોર મહેનત કરનારા તમામ સરકારી કર્મચારીઓ પર અમને ગર્વ છે.

તેમણે લખ્યું હતું કે, "યુનિફાઇડ પેન્શન સ્કીમ આ કર્મચારીઓની ગરિમા અને આર્થિક સુરક્ષાને સુનિશ્ચિત કરશે. આ પગલું તેમના કલ્યાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે અમારી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે."

કેન્દ્રીય ગૃહપ્રધાને આ યોજના લાવવા માટે વડા પ્રધાનનો આભાર પ્રગટ કરતાં કર્મચારીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સરકારની પ્રતિબદ્ધતાની વાત દોહરાવી હતી.

યુપીએસમાં સારું શું છે?

આર્થિક બાબતોના નિષ્ણાત અને વરિષ્ઠ પત્રકાર આલોક જોશીએ બીબીસીને જણાવ્યું હતું કે, "જો ઓલ્ડ પેન્શન સ્કીમ ચાલત તો આ બિલ આમ જ વધતું હોત. યુપીએસમાં સારી વાત એ છે કે કર્મચારી અંશદાનને ચાલુ રાખવામાં આવ્યું છે. ખરેખર તો એ 50 વર્ષ અગાઉ થઈ જવું જોઈતું હતું."

આલોક જોશી કહે છે કે, "યુપીએસમાં કર્મચારી પાસેથી દસ ટકા અંશદાન લઈને સરકારે પોતાનો બોજ ઓછો કર્યો છે. એક રીતે જોઈએ તો એનપીએસને નવા વાઘા પહેરાવાયા છે."

"પણ સારી વાત એ છે કે આમાં શેર બજારના ઉતાર-ચઢાવથી કર્મચારીઓને કવર કરવામાં આવ્યા છે. હજી સુધી તો એનપીએસના રોકાણ પર સારું રિટર્ન આવી રહ્યું છે. ભવિષ્યમાં કોઈ કુદરતી આફત કે મંદીને કારણે જો બજાર પડી ભાંગે તો એવી સ્થિતિમાં સરકાર એક નિશ્ચિત પેન્શનની ગેરંટી આપશે."

તેમણે કહ્યું કે, "ઓપીએસમાં કર્મચારી પાસેથી અંશદાન નહોતું લેવામાં આવતું. તેથી સરકાર પર એક મોટો બોજ હતો. જોકે, યુપીએસમાં નિવૃત્તિ પછી પૈસા મેળવવાની જોગવાઈ વિશે હજી કોઈ સ્પષ્ટતા નથી."

પણ આલોક જોશી કહે છે કે, "પહેલાં પણ પેન્શન કમ્યુટિંગની જોગવાઈ હતી એટલે કે ઓપીએસમાં પોતાના પેન્શનનો એક ભાગ કર્મચારીઓ વેચી શકતા હતા. જો માગણી ઊઠે તો સરકાર એ જોગવાઈ સામેલ કરી શકે છે અને કરવી પણ જોઈએ."

યુપીએસને સરકારે મંજૂરી આપી તેનાં હાલનાં કારણો શું છે?

યુપીએસમાં લઘુતમ 10 વર્ષની નોકરી પછી 10,000 પેંશનની ગેરંટી આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુપીએસમાં લઘુતમ 10 વર્ષની નોકરી પછી 10,000 પેન્શનની ગેરંટી આપવામાં આવી છે.

વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસે કહ્યું હતું કે, "ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલપંડે બહુમતીથી દૂર રહી ગઈ તેનાં કેટલાંક કારણો પૈકીનું એક પેન્શન સ્કીમનો મુદ્દો પણ છે."

તેઓ કહે છે કે, "લોકસભા ચૂંટણી અગાઉ વિપક્ષી દળોએ તેને મુદ્દો બનાવ્યો હતો. કેટલાંક વિપક્ષી દળોએ એવો પણ દાવો કર્યો હતો કે સત્તામાં આવ્યા પછી તેઓ ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરશે. જેમાં કેટલીક ભાજપની પણ સરકાર હતી. જેમકે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસની સરકાર. હવે ચાર રાજ્યોમાં ચૂંટણી થવાની છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂટંણીની તારીખો પણ આવી ગઈ છે. એને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું લીધું છે."

આલોક જોશી કહે છે કે, "જમ્મુ કાશ્મીરમાં પણ સરકારી કર્મચારી મોટી સંખ્યામાં છે. હરિયાણામાં ભલે સંખ્યા ઓછી હોય પણ મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારી મોટી સંખ્યામાં છે. એમાં શંકા નથી કે ચૂટંણીને જોઈને આ સ્કીમની જાહેરાત કરવામાં આવી છે."

યુવાઓને અપરેંટિસ ભથ્થું આપવું

વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર તિવારીએ બીબીસીને જણાવ્યું હતું કે, "મોદી સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં વિપક્ષના મુદ્દા આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે. જેનું મોટું ઉદાહરણ એ છે કે બજેટમાં પ્રથમ વખત નોકરી મેળવનારા યુવાઓને અપરેંટિસ ભથ્થું આપવાની વ્યવસ્થા લાગુ કરવી."

તેઓ કહે છે કે, "યુવાઓને ભથ્થું આપવાનો વાયદો કૉંગ્રેસે લોકસભા ચૂંટણી વખતે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કર્યો હતો. ઓલ્ડ પેન્શન સ્કીમને નબળી કરવા યુપીએસ લાવવામાં આવી છે."

કૉંગ્રેસે પોતાના ઢંઢારામાં કહ્યું હતું કે, "ડિપ્લોમાધારકો કે 25 વર્ષથી ઓછી ઉંમરના ગ્રેજ્યુએટ થઈ ગયેલા યુવાઓ માટે એક વર્ષની અપરેંટિસની વ્યવસ્થા થશે."

છેલ્લા બજેટમાં નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં આવનારાં પાંચ વર્ષમાં એક કરોડ યુવાઓને ઇન્ટર્નશિપ આપવાની જાહેરાત કરી હતી. એ ઉપરાંત, પાંચ વર્ષમાં 20 લાખ યુવાઓને તાલીમ આપવાની વાત કહી હતી.

વિજયકુમાર બંધુનું કહેવું છે કે, "સરકારી કર્મચારી ઓલ્ડ પેન્શન સ્કીમ માટે આંદોલન કરતા હતા અને તેમને એ જ જોઈએ છે."

તેઓ કહે છે કે, "લોકસભા ચૂંટણી વખતે અમે વોટ ફૉર ઓપીએસની ઝુંબેશ ચલાવી હતી અને પરિણામ એ આવ્યું કે ભાજપ બહુમતથી છેટી રહી ગઈ. સરકાર હાલમાં એનપીએસથી યુપીએસ પર આવી છે. આગળ જતાં તેમણે ઓપીએસ પર આવવું પડશે."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.