ભવિષ્યમાં આ પાંચ ક્ષેત્રોમાં જ હશે નોકરીની વધુને વધુ તકો

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિગ ડેટા, ક્લાઉડ કૉમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનૉલૉજીમાં તકો વધતી જશે.
    • લેેખક, ઓલેક કાર્પ્યાક
    • પદ, બીબીસી ન્યૂઝ યુક્રેનિયન

લેબર માર્કેટ પહેલાં કરતાં વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે અને આજની ઘણી નોકરીઓ ટૂંક સમયમાં અદૃશ્ય થઈ જશે.

વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના તાજેતરના અભ્યાસ મુજબ, પરિસ્થિતિને પલટાવનારાં બે પરિબળો નવી ટેકનૉલૉજી તથા ઑટોમેશન અને ગ્રીન ઇકોનૉમી (પર્યાવરણ પૂરક અર્થવ્યવસ્થા) તથા સાતત્ય સભરતા તરફની ગતિ છે.

બિગ ડેટા, ક્લાઉડ કૉમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી નવી ટેકનૉલૉજીમાં ઝડપી પ્રગતિ લેબર માર્કેટમાં ધરતીકંપ લાવશે એવી આગાહી છે.

સારા સમાચાર એ છે કે નવી ટેકનૉલૉજીનું આગમન સમગ્ર અર્થતંત્રને વેગ આપી રહ્યું છે અને કેટલીક નોકરીઓને ખતમ કરવાની સાથે બીજી ઘણી નોકરીઓનું સર્જન પણ કરી રહ્યું છે. આખરે તો ઓછા સંસાધનો વડે વધુ હાંસલ કરી શકાય ત્યારે જ બિઝનેસ દેખીતી રીતે વિકસતો હોય છે.

વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના સંશોધકોનું કહેવું છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન હાલના તમામ વ્યવસાયોના લગભગ એક ચતુર્થાંશ હિસ્સામાં ફેરફાર થશે.

તેથી વધુને વધુ સ્પર્ધાત્મક લેબર માર્કેટમાં સફળ થવા માટે વ્યક્તિએ સતત નવું કૌશલ્ય અને ક્ષમતાઓ હાંસલ કરવી પડશે.

ટોચનાં કૌશલ્યો

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના ક્ષેત્રમાં અનેક પ્રકારના નિષ્ણાતોની જરૂરિયાત ભવિષ્યમાં વધશે.

ટેકનિકલ સાક્ષરતા એ નવા લેબર માર્કેટમાં સ્પર્ધાત્મક બની રહેવા માટે જરૂરી મુખ્ય કૌશલ્ય છે.

તેનો અર્થ એ નથી કે બધાએ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ જાણવી જોઈએ અથવા તો મશીન લર્નિંગની જટિલતાઓને સમજવી જોઈએ.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

STEM નોકરીઓ ભવિષ્યમાં વધુ લોકપ્રિય બનશે, એવું માનવામાં આવે છે. STEM એટલે સાયન્સ (વિજ્ઞાન), ટેકનૉલૉજી, ઍન્જિનિયરિંગ અને મેથ્સ (ગણિત). STEM શબ્દનો ઉપયોગ વિજ્ઞાન, ટેકનૉલૉજી, ઍન્જિનિયરિંગ અને ગણિતની વિશિષ્ટ પરંતુ સંબંધિત શાખાઓને સમૂહ માટે કરવામાં આવે છે.

તેથી તમારા બાળકે સ્કૂલમાં કયા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, એવું તમે વિચારતા હો તો તેનો જવાબ છેઃ ગણિત, કમ્પ્યુટર સાયન્સ અને નેચરલ સાયન્સ.

બીજું કૌશલ્ય છે ઍનેલિટિકલ થિંકિંગ. આ કૌશલ્યને સુધારવા બનાવવા માટે વ્યક્તિએ પોતાની જ્ઞાનાત્મક ક્ષમતાઓને બહેતર બનાવવી પડે. બીજા શબ્દોમાં કહીએ તો મન અને પેટર્નને સમજવાની, તથ્યોને જોડવાની તથા લાગણીઓ અથવા વ્યક્તિગત પસંદગીઓના પ્રભાવથી મુક્ત તારણો કાઢવાની ક્ષમતા.

આ કૌશલ્ય કેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને એકાગ્રતા કેળવવી પડે, કારણ કે ગેજેટ્સ, સોશિયલ નેટવર્ક્સ, ઑનલાઇન ગેમ્સ અને જાહેરાતો આપણું ધ્યાન સતત આકર્ષતાં રહે છે તથા કશુંક ચૂકી જવાના ભયને ઉત્તેજિત કરે છે.

વિશ્લેષણાત્મક કૌશલ્યોમાં જિજ્ઞાસા અને જાતને સતત શિક્ષિત કરતા રહેવાનો સમાવેશ થાય છે. સતત શીખતા રહેવા માટે, બહેતર કૌશલ્ય કેળવવા માટે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત તમે સક્ષમ હો તે જરૂરી છે.

ઉચ્ચ સ્તરનું અંગ્રેજી શીખવું એ પણ પ્રાપ્ત કરવા જેવું ખૂબ જ મૂલ્યવાન કૌશલ્ય છે.

એ ઉપરાંત સર્જનાત્મકતા પણ જરૂરી છે. વિજ્ઞાન, ઍન્જિનિયરિંગ, ડિઝાઇન અથવા કળામાં જે વ્યક્તિ સર્જનાત્મકતાનું સંયોજન ટેકનિકલ સાક્ષરતા સાથે કરી શકે તેને સર્વોચ્ચ બઢતી મળશે.

ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં કમ્યુનિકેશન અને તાદાત્મ્ય (ઍમ્પથી) મૂલ્યવાન કૌશલ્યો હશે.

મશીનો ભલે ગમે તેટલી ઝડપથી વિકસે, લોકોને લોકોની જરૂર કાયમ પડશે અને જીવંત માનવ ધ્યાન, ટીમવર્ક, સાંભળવાની ક્ષમતા, કથાકથનની ક્ષમતા, સમર્થન અને સહાનુભૂતિ વધારે મૂલ્યવાન હશે.

પ્રોફેશનલ્સ માટેના સોશિયલ નેટવર્ક પ્લૅટફૉર્મ લિંક્ડઇન પર 2020માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આજની જૉબ માર્કેટમાં કમ્યુનિકેશન પહેલાંથી જ સૌથી વધુ માંગ ધરાવતું કૌશલ્ય બની ગયું છે.

વર્કપ્લેસ ટૅલેન્ટ અને ઍન્ગેજમેન્ટ નિષ્ણાત ડેન નેગ્રોની કહે છે, "કાર્યસ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા રોબોટિક્સના વધતા ઉપયોગ, રિમોટ વર્કફોર્સ અને ટેકનૉલૉજીને લીધે આપણે વિશ્વભરના લોકો સાથે જોડાઈ શકીએ છીએ. એકમેકની સાથે કેવી રીતે વાત કરવી, એકમેકને કેવી રીતે સાંભળવા અને કનેક્શન સ્થાપિત કરવાં એ આજના જેટલું અગાઉ ક્યારેય મહત્ત્વનું ન હતું."

નવી ટેકનૉલૉજી

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સાથે વિવિધ પ્રકારનાં કામ જેમકે તેની સાથે કૉમ્યુનિકેશનના નિષ્ણાતોની માગ રહેશે.

ઇન્ફોર્મેશન ટેકનૉલૉજી અને ન્યૂ ટેકનૉલૉજી નજીકના ભવિષ્યમાં સૌથી વધુ આશાસ્પદ ઉદ્યોગો પૈકીના એક હશે તે આશ્ચર્યજનક નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો વિકાસ આકર્ષક તકોનું નિર્માણ કરશે.

આ ક્ષેત્રમાં ભાવિ આશાસ્પદ ભાવિ પ્રોફેશનલ્સમાં એક પ્રોમ્પ્ટ ઍન્જિનિયર હશે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોડેલ સાથે કમ્યુનિકેશનમાં નિષ્ણાત હશે. તે માંગના યોગ્ય ઘડતરમાં મદદ કરશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા લોકો વચ્ચે એક પ્રકારના મધ્યસ્થી તરીકે કામ કરશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંબંધિત અન્ય સંભવિત નોકરીઓમાં નીતિશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. તે એવી વ્યક્તિ છે, જે નીતિશાસ્ત્ર, સિક્યૉરિટી ઍન્જિનિયર્સ અને હ્યુમન-મશીન ઇન્ટરઍક્શન માટેના યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસીસના ડેવલપર્સમાં નિષ્ણાત છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કિસ્સામાં સામાન્ય રીતે વિવિધ વ્યવસાયોના લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેને સ્પર્ધક નહીં, પરંતુ ભાગીદાર ગણે અને તેને કેવી રીતે સહકાર આપવો તે સમજે.

શક્યતાઓનું બીજું ક્ષેત્ર નેટફ્લિક્સ જેવા ઑનલાઇન પ્લૅટફૉર્મ્સથી માંડીને હેડ્રોન કોલાઇડર અથવા કન્ટ્રોલ સિસ્ટમ્સના બિગ ડેટાનું, માહિતીની વિશાળ શ્રેણીનું વિશ્લેષણ છે.

સાયબર સિક્યૉરિટી નિષ્ણાતો માટે કામની ચોક્કસપણે કોઈ અછત નહીં હોય, કારણ કે આજુબાજુ વધારે સંવેદનશીલ માહિતી હશે.

ફાઇનાન્શિઅલ ટેકનૉલૉજીના નિષ્ણાતો, બિઝનેસ ઍનાલિસ્ટ્સ અને બ્લૉકચેઇન સિસ્ટમ્સના ડેવલપર્સની પણ જરૂર પડશે.

પર્યાવરણ-પૂરક નોકરીઓ

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્બન પ્લાનર્સ, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને સ્માર્ટ હાઉસ ડેવલપર્સની જરૂરિયાત વધશે.

વર્લ્ડ ઇકોનૉમિક ફોરમના 2023ના ફ્યુચર ઑફ જૉબ્સ રિપોર્ટ અનુસાર, તમામ ક્ષેત્રો અને ઉદ્યોગોમાં ગ્રીન જૉબ્સ એટલે કે પર્યાવરણ-પૂરક નોકરીઓની માંગ ઝડપથી વધી રહી છે.

આ અહેવાલ કહે છે, "વૈશ્વિક સ્તરે, ગ્રીન ટ્રાન્ઝિશન 2030 સુધીમાં ક્લીન ઍનર્જી, કાર્યક્ષમતા અને ઓછા ઉત્સર્જનની ટેકનૉલૉજીસમાં ત્રણ કરોડ નોકરીઓનું સર્જન કરી શકે છે."

હાલ ગ્રીન ઍનર્જી અને સાતત્યસભર વિકાસની નવી નોકરીઓની તક માટેના અગ્રણીઓમાં પશ્ચિમના દેશો અને જાપાન છે. ચીન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.

આ નોકરીઓ બિઝનેસ, વિજ્ઞાન, રાજકારણ અથવા સીધા પર્યાવરણમાં અને અક્ષય ઊર્જા કે ન્યૂ ઍનર્જી સ્રોત તથા બેટરીના વિકાસ ક્ષેત્રે, લુપ્તપ્રાય પ્રજાતિઓની જાળવણી, બિઝનેસ કન્સલ્ટિંગ (જેમ કે કાયદાકીય સલાહ) અને પર્યાવરણીય સંરક્ષણ કાયદામાં ફેરફાર સંબંધિત ક્ષેત્રોમાં હોઈ શકે છે.

અર્બન પ્લાનર્સ, આર્કિટેક્ટ્સ, ડિઝાઇનર્સ અને સ્માર હાઉસ ડેવલપર્સની જંગી જરૂરિયાત હશે.

હેલ્થ પ્રોફેશનલ્સ

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભવિષ્યમાં હેલ્થકેર પ્રોફેશનલ્શની માંગ વધુ રહેશે

વિશ્વની વસ્તી વૃદ્ધ થઈ રહી છે અને આયુષ્યકાળ લંબાઈ રહ્યો છે. લોકોની સારસંભાળ અને સારવારની વધુ જરૂર પડશે.

તેથી નજીકના ભવિષ્યમાં હેલ્થકેર પ્રોફેશનલ્શની માંગ હજુ પણ મોટી રહેશે. દર્દીને માત્ર દવા જ નહીં, પરંતુ નૈતિક ટેકો આપે તેવા મેડિકલ વર્કર્સ મૂલ્યવાન હશે.

ડૉક્ટર્સ અને આરોગ્ય નિષ્ણાતોએ નિદાન તથા સારવારની નવી પદ્ધતિઓ સતત શીખતા રહેવું પડશે તેમજ અનુકૂલન કરવું પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ મદદરૂપ થશે.

મનોચિકિત્સકો અને વ્યક્તિગત વિકાસના વિવિધ માર્ગદર્શકો અથવા આધ્યાત્મિક પ્રશિક્ષકો માટે પણ કામ ઉપલબ્ધ હશે.

હાથથી કામ કરનારા મજૂરો

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એવાં કામ જેમાં માનવોનું સ્થાન કોઈ ન લઈ શકે તેવાં કામના નિષ્ણાતોની માગ રહી શકે છે.

મિકેનિક્સ, રિપેરમેન, ઇલેક્ટ્રિશિયન અથવા બિલ્ડર્સ જેવા મેન્યુઅલ લેબર પ્રોફેશનલ્સની આગામી વર્ષોમાં પણ જરૂર પડશે.

ખેતીમાં નવા વ્યાવસાયિકોની માંગ પણ વધવાની શક્યતા છે.

વિવિધ સંજોગોમાં નાનાં અને ચોક્કસ કાર્યો કરવા જરૂરી હોય ત્યાં માનવનું સ્થાન કોઈ લઈ શકશે નહીં, પરંતુ પોતાની માંગ ટકાવી રાખવા માટે આ નિષ્ણાતોએ તેમના ટેક્નિકલ જ્ઞાનમાં સતત વધારો કરવો પડશે અને નવાં સાધનોના ઉપયોગમાં પ્રાવિણ્ય મેળવવું પડશે.

ખેતીમાં નવા વ્યાવસાયિકોની માંગ પણ વધવાની અપેક્ષા છે. પૃથ્વી પર વસ્તી વધી રહી છે અને ભોજન દરેક માટે જરૂરી છે, પરંતુ ભવિષ્યમાં ખેડૂતોને બદલે કુશળ ઍન્જિનિયરોની માંગ વધુ હશે.

કઈ નોકરી ગાયબ થશે?

નોકરીઓ, કૌશલ્ય, ટૅક્નોલૉજી, પ્રોફેશનલ્સ, માનવશ્રમ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માનવ અનુભવના પ્રસારણ સંબંધી કળા અને કોઈપણ સર્જનાત્મક કાર્ય પડકારો છતાં ટકી રહેશે.

ઘણી બધી નોકરીઓ બજારમાંથી ટૂંક સમયમાં ગાયબ થઈ જશે. આ એવાં કામ છે, જે વધારેને વધારે સ્વચાલિત બની રહ્યા છે.

લેબર માર્કેટમાંથી ટૂંક સમયમાં અદૃશ્ય થઈ શકે તેવી સંભવિત નોકરીઓની સૂચિ નીચે મુજબ છે.

  • કસ્ટમર સર્વિસ (કેશિયર્સ, વિક્રેતાઓ, સલાહકારો વગેરે)
  • ઑફિસ મેનેજમેન્ટ (તેનું કારણ છે રિમોટ વર્કિંગમાં થયેલો વધારો)
  • ડેટા ઍન્ટ્રી (સ્ટેટેસ્ટિક્સ, ફાઇનાન્સ, ટાયપિસ્ટ્સ, ટેક્નિકલ ટ્રાન્સલેટર્સના ક્ષેત્રમાં ક્લર્ક્સ)
  • ઍકાઉન્ટિંગ (ફેકટરીના કામદારો એકનું એક કામ વારંવાર કરી રહ્યા છે)
  • ફેકટરી મજૂરો

સ્ટોરીટેલિંગ

આ એક એવો વ્યવસાય છે, જેનો ઉલ્લેખ ભવિષ્યવાદીઓ દ્વારા ભાગ્યે જ કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસાય ભવિષ્યમાં જરૂરિયાત બની રહેશે અને તે છે કથાકથન.

માનવ અનુભવના પ્રસારણ સંબંધી કળા અને કોઈપણ સર્જનાત્મક કાર્ય પડકારો છતાં ટકી રહેશે.

તેની હજારો વર્ષો પહેલાં જરૂર હતી. માનવ અનુભવના પ્રસારણ સંબંધી કોઈપણ સર્જનાત્મક કામ મહત્ત્વનું બની રહેશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભલે આ ક્ષેત્રમાં નવા પડકારો લાવે, પરંતુ લેખકો, કવિઓ, દિગ્દર્શકો, અભિનેતાઓ, હાસ્ય કળાકારો, અન્ય કળાકારો અને સંગીતકારોની જરૂર નિશ્ચિત રીતે પડશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.