જામનગરના મહારાજાએ કપરા કાળમાં પોલૅન્ડની મદદ કેવી રીતે કરી હતી?

પોલૅન્ડમાં ગુજરાતના તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાજંલિ અર્પણ કરી હતી

ઇમેજ સ્રોત, Naresh Singh Shekhawat FB/@narendramodi

ઇમેજ કૅપ્શન, પોલૅન્ડમાં ગુજરાતના તત્કાલીન જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુષ્પાજંલિ અર્પણ કરી હતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દેશની યાત્રાના પહેલા પડાવે પોલૅન્ડ પહોંચ્યા છે. લગભગ 45 વર્ષ પછી ભારતના વડા પ્રધાન પોલૅન્ડની મુલાકાત લઈ રહ્યા છે.

વડા પ્રધાને ત્યાં વસતા ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. આ સિવાય તેમણે કોલ્હાપુર તથા ગુજરાતના રાજવીની સ્મૃતિમાં નિર્મિત સ્મારકોએ પુષ્પચક્ર અર્પિત કર્યાં હતાં.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુજરાતના તત્કાલીન સ્ટેટ નવાનગરના રાજવી મહારાજા દિગ્વિજયસિંહ રણજિતસિંહ જાડેજાએ પોલૅન્ડનાં સેંકડો બાળકોને તેમના જીવનના કપરા કાળમાં આશરો આપ્યો. કૃતજ્ઞ પોલૅન્ડવાસીઓએ સમય આવ્યે, આ ગુજરાતી મહારાજાની સ્મૃતિમાં ચોક અને પછી પાર્કની સ્થાપના કરી.

સપ્ટેમ્બર-1939માં નાઝી જર્મનીએ પોલૅન્ડ પર હુમલો કર્યો અને આ સાથે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. જર્મની અને સોવિયેત સંઘે તેમની વચ્ચે પોલૅન્ડની ભૂમિ વહેંચી લીધી.

પહેલા વિશ્વયુદ્ધ બાદ લગભગ એક સદી પછી સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવેલું પોલૅન્ડ ફરી ગુલામ બની ગયું હતું.

પોલૅન્ડની સરકારનું પતન થયું અને નિર્વસનમાં વહીવટ ચલાવવાની ફરજ પડી. અહીંથી પોલૅન્ડવાસીઓ માટે યુદ્ધની વ્યથાકથા શરૂ થઈ, તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યા. કાતિનનાં જંગલોમાં સૈન્ય અધિકારી, અધિકારીઓ તથા નાગરિકોની હત્યા કરી દેવામાં આવી. હજારો લોકો મૃત્યુ પામ્યા તથા હજારો બેઘર બન્યા, તો અન્યોએ નિર્વાસિત થવું પડ્યું. સૌથી વધુ બાળકો આ વિભીષિકાનો ભોગ બન્યાં હતાં.

હજારો બાળકો અનાથ થઈ ગયાં. પશ્ચિમી રાષ્ટ્રો, પોલૅન્ડની નિર્વાસિત સરકાર, ખ્રિસ્તી ચર્ચ, સખાવતી સંસ્થાઓ તથા કેટલાક દાતાઓએ પોલૅન્ડના અનાથ તથા પરિવારજનોથી વિખૂટાં પડી ગયેલાં બાળકોને આશરો મળે તે માટે પ્રયાસો શરૂ કર્યા.

જોકે, આક્રમણકારીઓ દ્વારા આવા પ્રયાસોનો વિરોધ કરવામાં આવ્યો, કારણ કે જો પોલૅન્ડવાસીઓ તેમના તાબા હેઠળથી છૂટી જાય તો તેમના હત્યાકાંડ થાય છે, તેમની પાસે વેઠિયા મજૂરી કરાવવામાં આવે છે, વગેરે જેવા અત્યાચારની વાતો બહાર આવી જાય તેમ હતી.

નવાનગરે ખોલ્યા દરવાજા

સપ્ટેમ્બર-1942માં બ્રિટનના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચર્ચિલ (જમણે) તથા દિગ્વિજયસિંહ જાડેજા (વચ્ચે)ની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર-1942માં બ્રિટનના વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચર્ચિલ (જમણે) તથા દિગ્વિજયસિંહ જાડેજા (વચ્ચે)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટનમાંથી સંચાલિત પોલૅન્ડની નિર્વાસન સરકારના વડા પ્રધાન અને સશસ્ત્ર સેનાના કમાન્ડર ઇન ચીફ જનરલ સિકોર્સકીએ બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલને એક પત્ર લખ્યો હતો.

આ પત્રમાં તેમણે બાળકોનું રક્ષણ કરવા તેમજ તેમને સ્વચ્છ આબોહવા ધરાવતા અને જ્યાં યુદ્ધની પરિસ્થિતિ ન હોય તેવા દેશમાં લઈ જવાની વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું.

જામનગર એ વખતે નવાનગર તરીકે ઓળખાતું હતું. નવાનગરના મહારાજા દિગ્વિજયસિંહ જાડેજા ચેમ્બર ઑફ ઇન્ડિયન પ્રિન્સૅસની આગેવાની કરતા હતા અને બ્રિટિશ ઇમ્પિરિયલ વૉર કૅબિનેટના સભ્ય પણ હતા.

જામસાહેબને માલૂમ પડ્યું કે બાળકોની દશા ખૂબ ખરાબ છે અને તેમને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની તજવીજ ચાલી રહી છે, ત્યારે તેમણે 500 બાળકોને સ્પૉન્સર કરવાની તૈયારી દાખવી. જેમ-જેમ યુદ્ધ આગળ વધતું ગયું, ત્યારે આઠસો બાળકો માટે જોગવાઈ કરવાનું કહેવામાં આવ્યું.

દિગ્વિજયસિંહ દ્વારા જામનગરથી 32 કિલોમીટર દૂર બાલાચડી ખાતે આ બાળકો માટે રહેવાના કૅમ્પની વ્યવસ્થા કરવામાં આવી. અહીં એક ટેકરી પર જામસાહેબનો ઉનાળુ પૅલેસ હતો. આ વિસ્તાર પાક્કા રસ્તે જોડાયેલો હતો અને ત્યાં ટેલિફોન કનૅક્શન પણ હતું.

આ સિવાય બોર, કૂવા તથા નજીકમાં આવેલા મીઠા પાણીના સરોવરને કારણે પાણીની વ્યવસ્થા થઈ શકે તેમ હતી. તે વ્યવસ્થા મંજૂર થતા બાળકોને ત્યાં લાવવાની કામગીરી શરૂ થઈ. બાળકોનો પહેલો સમૂહ બાલાચડી પહોંચે તે પહેલાં પરિસ્થિતિ પલટાઈ અને દિગ્વિજયસિંહે 800 બાળકોને આશરો આપવાની તૈયારી દાખવી.

જામનગરનું બાલાચડી બન્યું સમન્વયનું માધ્યમ

વીડિયો કૅપ્શન, જ્યારે જામનગરના મહારાજાએ પૉલૅન્ડના અનાથ બાળકોને આશ્રય આપ્યો

'પૉલ્સ ઇન ઇન્ડિયા 1942-1948' નામના પુસ્તકમાં પાંચમું પ્રકરણ વિસ્લૉ સ્તાયપુલાએ લખ્યું છે, જેઓ પોતે બાલાચડી ખાતે આ કૅમ્પમાં રહ્યાં હતાં. તેમણે બાળકોના પ્રવાસ અને નિવાસ વિશે લખ્યું છે.

વિસ્લૉ લખે છે કે (વર્તમાન સમયના) ઉઝબેકિસ્તાન, તુર્કી અને તઝાકિસ્તાન તાસ્કંદથી આસ્ખાબાદ લાવવામાં આવ્યાં. અહીંથી ઈરાનના મેસાદના અનાથાલયમાં ત્રણ અઠવાડિયાં સુધી રખાયા બાદ તાડપત્રીવાળા મિલિટરી ટ્રકમાં બાળકો તથા તેમના બહુ થોડા સંરક્ષકોએ ભારતની મુસાફરી શરૂ કરી.

અહીંથી તેઓ બ્રિટનશાસિત ક્વૅટા (હાલ પાકિસ્તાન પહોંચ્યા) જ્યાં તેમને ઘણા દિવસે પેટ ભરીને ખાવાનું, સરબત તથા રમકડાં આપવામાં આવ્યાં. અહીંથી તેઓ દિલ્હી અને ત્યાંથી બૉમ્બે પહોંચ્યા. યુદ્ધનો સમય હોવાને કારણે ત્યાં મર્યાદિત સુવિધાઓ હતી. અહીં બીમાર બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી, અમુકની સર્જરી કરવામાં આવી તથા ઊંટાટિયાથી પ્રભાવિત બાળકોને પંચગીની મોકલવામાં આવ્યાં.

બૉમ્બેથી આ બાળકોએ બાલાચડીની ટ્રેનની મુસાફરી શરૂ કરી. પહેલો સમૂહ તા. 17 જુલાઈ 1942ના પહોંચ્યો. ત્રણેક સમૂહમાં બાળકો અહીં પહોંચ્યાં. તેમના માટે રહેવા, ભોજનાલય, શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમયાંતરે મહારાજા જાતે અહીં આવતા અને વ્યવસ્થાની સમીક્ષા કરતા અને બાળકોના ક્ષેમકુશળની ચિંતા કરતા.

લાંબી મુસાફરી, કુપોષણ, બીમારીને કારણે કેટલાંક બાળકો તેમની ઉંમર કરતાં ખૂબ જ નાનાં દેખાતાં, પરંતુ અહીં આવીને તેમનું સ્વાસ્થ્ય સુધર્યું હતું. તેમનો શારીરિક અને માનસિક વિકાસ ફરી પાટે ચઢ્યો.

બીજા દિવસે તત્કાલીન મહારાજા દિગ્વિજયસિંહ જાડેજા તેમને મળવા માટે પહોંચ્યા. ત્યારે કહ્યું, "તમારી જાતને અનાથ ન સમજશો. તમે નવાનગરવાસી છો. જેવી રીતે એમનો બાપુ છું, એવી જ રીતે તમારો પણ બાપુ છું."

પૉલિશ બાળકોના એક કાર્યક્રમમાં તત્કાલીન મહારાજા દિગ્વિજયસિંહ જાડેજાની તસવીર

ઇમેજ સ્રોત, caamresh/x

ઇમેજ કૅપ્શન, પૉલિશ બાળકોના એક કાર્યક્રમમાં તત્કાલીન મહારાજા દિગ્વિજયસિંહ જાડેજા

સ્થાનિક રસોઇયા દ્વારા બનાવવામાં આવતું ભોજન બાળકોને ખૂબ જ તીખું લાગતું એટલે તેમના માટે ગોવાથી રસોઇયા બોલાવવામાં આવ્યા હતા. જેઓ બાળકોના સ્વાદાનુસાર ભોજન બનાવતા.

આ સિવાય બાળકોને પૉલીશ ભાષાનું જ્ઞાન મળે અને પારકા મલકમાં પોતાના ધર્મથી વિમુખ ન થઈ જાય તે માટે દેવળ અને પાદરીની વ્યવસ્થા કરવામાં આવી. આ સિવાય ફૂટબૉલ અને સ્કાઉટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

કૅમ્પની મુખ્ય વ્યવસ્થા કમાન્ડન્ટ દ્વારા થતી, જેમને કામમાં બાળકોના સંરક્ષકો, રસોઇયા, તથા અન્ય સ્થાનિકોની મદદ મળી રહેતી. આ સિવાય સગીર અને સમજુ બાળકો તેમનાથી નાની ઉંમરનાં બાળકોના સંરક્ષક તરીકે વર્તતા અને તેમના ક્ષેમકુશળની પરવાહ કરતા. આ સિવાય કૅમ્પનાં નાનાં-મોટાં કામોમાં મદદ પણ કરતા.

દિગ્વિજયસિંહના સલાહકાર મેજર ક્લાર્કનાં પત્ની કૅથી કૅમ્પ તથા ભારતીય સત્તાધીશો વચ્ચે સંયોજકની ભૂમિકામાં હતાં. અને તેઓ જ કૅમ્પના બજેટ અને જરૂરિયાતોનું નિર્ધારણ કરતા.

બાળકો જ્યારે બાલાચડી આવી રહ્યાં હતાં, ત્યારે કેટલાક સાગરખેડુએ તેમને પોલૅન્ડનો રાષ્ટ્રધ્વજ આપ્યો હતો. બાળકો તેને બાલાચડી કૅમ્પના ચોકમાં ફરકાવતા અને રાષ્ટ્રગાન કરતાં અને એક દિવસ વતન પરત ફરવાની કામના કરતા.

વિસ્લૉ લખે છે કે યુદ્ધની વિભીષિકાને નજીકથી જોનારાં કેટલાંક બાળકો એટલી હદે ડરેલાં હતાં કે 'બીજા દિવસે ખાવાનું નહીં મળે તો?' એવા ભયે પોતાના તકિયાની નીચે બ્રૅડ છુપાવી રાખતાં.

એક અંત, અનેક આરંભ

વોર્સો ખાતેનું સ્મારક અને પાર્કની તસવીર

ઇમેજ સ્રોત, IndiaInPoland/FB

ઇમેજ કૅપ્શન, વોર્સો ખાતેનું સ્મારક અને પાર્ક

બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી પણ પોલૅન્ડમાં સ્થિરતા નહોતી આવી. સામ્યવાદી સરકારને કારણે હજારો લોકો અને બાળકો ત્યાં પરત ફરવા માગતાં ન હતાં. દિગ્વિજયસિંહ જાડેજા કૅમ્પ કમાન્ડન્ટ તથા બાળકોના સંરક્ષકની મરજી વિરુદ્ધનું કોઈ પગલું લેવા માગતા ન હતા.

એક તબક્કે ભારત સ્વતંત્ર થવાનું હતું, એટલે બ્રિટિશરો સહિત તમામ વિદેશીઓએ દેશ છોડવાનો હતો. નવેમ્બર-1946માં કૅમ્પ બંધ થયો, ત્યારે ત્યાં ત્રણસો જેટલાં બાળકો હતાં.

આવા સમયે બાલાચડીનાં બાળકોને મહારાષ્ટ્રના વલીવાડે મોકલવામાં આવ્યાં. ત્યાંથી બે વર્ષમાં લગભગ તમામ બાળકો ભારત છોડી ગયાં હતાં. એશિયા-આફ્રિકામાં આવેલા બ્રિટનના 22 સંસ્થામાં તેમને આશ્રય અપાયો હતો.

ત્યારબાદ યુકે, કૅનેડા, અમેરિકા સહિત પશ્ચિમના દેશોમાં રહેતા પોલૅન્ડવાસીઓ, ખ્રિસ્તી સખાવતી સંસ્થાઓ તથા અન્યોએ દત્તક લીધાં. કેટલાંક યુવાન થયાં, ત્યારે પત્રમિત્ર બનેલા કૅમ્પના સહનિવાસી સાથે લગ્ન કર્યું. જોકે, અમુક ભગ્ન પરિવારોના સભ્ય ફરી ભેગા થઈ શક્યા.

અલગ રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વમાં આવ્યું, ત્યારે જામનગર ખાતે સૈનિક સ્કૂલ શરૂ થઈ. વર્ષ 1965માં તેને બાલાચડી ખાતે ખસેડવામાં આવી. કેન્દ્રનું સંરક્ષણ મંત્રાલય તેનું આશ્રયદાતા છે.

પોતાની ઉદારવૃત્તિ બદલ મહારાજા દિગ્વિજયસિંહે ક્યારેય કશું માગ્યું ન હતું, પરંતુ પોલૅન્ડ સ્વતંત્ર થાય એટલે એક રસ્તા સાથે તેમનું નામ જોડવામાં આવે, એવો વિચાર તેમણે પોલૅન્ડની સેના જનરલ સમક્ષ રજૂ કર્યો હતો. જોકે, તત્કાલીન જામસાહેબની આ ઇચ્છા તેમના જીવનકાળ દરમિયાન પૂર્ણ ન થઈ.

વર્ષ 1989માં જ્યારે પોલૅન્ડમાં બિનસામ્યવાદી સરકારની સ્થાપના થઈ, ત્યારે રાજધાની વોર્સોના એક રસ્તાને દિગ્વિજયસિંહનું નામ આપવામાં આવ્યું.

વર્ષ 2013માં વોર્સોના નામ એક પાર્કને તેમનું નામ આપવામાં આવ્યું જે 'દોબરેગો મહારાદસી' એટલે કે 'દયાવાન મહારાજાના ચોક' તરીકે ઓળખાય છે. આ સિવાય પણ તેમના નામથી એક શાળા પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.