કંદહાર હાઇજેક કાંડ : અપહરણ કરાયેલા ભારતીય વિમાનમાં બેઠેલો એ 'કરન્સી કિંગ' કોણ હતો?

કંદહાર હાઇજેક કાંડ, IC-814: ધી કંદહાર આઇજેક, વિમાન અપહરણ, ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઍરબસ એ300બી2-101 પ્રકારનું આઈસી-814 વિમાન ભારતની હવાઈ સીમામાં હજી પ્રવેશ્યું જ હતું કે હોબાળો મચી ગયો
    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

વાત એમ બની કે હિમાલયના હાડ ગાળી નાખતા ઠંડા પવનોને ચીરતું ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન આઈસી-814 કાઠમંડુથી દિલ્હી જવા ઊડ્યું હતું.

આ વાતને ચોવીસ વર્ષોનાં વહાણાં વહી ગયાં છે. 1999ના ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન બનેલી એ ઘટનાએ ભારતના ઇતિહાસમાં હંમેશાં માટે 'કાળું પ્રકરણ' ઉમેરી દીધું હતું.

24 ડિસેમ્બરનો એ શુક્રવાર હતો અને 'વીક એન્ડ'ની તૈયારી કરવામાં વ્યસ્ત થઈ ગયેલા દિલ્હીના સરકારી બાબુઓની કચેરીમાં રજાનો માહોલ છવાઈ ગયો. એ અરસામાં એકાએક એવી ઘટના બની જેણે અધિકારીઓને દોડતા કરી દીધા.

ઍરબસ એ300બી2-101 પ્રકારનું આઈસી-814 વિમાન ભારતની હવાઈ સીમામાં હજી પ્રવેશ્યું જ હતું કે હોબાળો મચી ગયો.

વિમાનમાં બેઠેલા ઉગ્રવાદીઓએ વિમાનનું અપહરણ કરી લીધું અને વાયા પાકિસ્તાન અફઘાનિસ્તાનના કંદહારમાં લઈ જવાયું.

એ વખતે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને તેમના પર મુસાફરોને મુક્ત કરાવવા માટે તેમના પરિવારજનો દ્વારા ચારેય બાજુથી દબાણ ઊભું કરાયું.

જોકે, વિમાનમાં એક એવો રહસ્યમયી મુસાફર પણ સવાર હતો કે જેની મુક્તિ માટે તેમના પરિવારજનો નહીં પણ એક દેશની સરકાર ભારત પર દબાણ કરી રહી હતી.

સ્વિત્ઝરલૅન્ડની સરકાર એ 'સુપર હૉસ્ટેજ'ની મુક્તિ માટે ભારત પર 'ભયાનક દબાણ' કરી રહી હતી.

આખરે કોણ હતો એ 'સુપર હૉસ્ટેજ' અને સ્વિત્ઝરલૅન્ડ જેવો દેશ ભારત પર એની મુક્તિ માટે શા માટે દબાણ કરી રહ્યો હતો?

ઉગ્રવાદીઓ માટે 'જૅકપૉટ'

કંદહાર હાઇજેક કાંડ, IC-814: ધી કંદહાર આઇજેક, વિમાન અપહરણ, ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉગ્રવાદીઓ પોતાના સાથીઓ ઉપરાંત ભારત સરકાર પાસેથી 20 કરોડ અમેરિકન ડૉલરની માગ પણ કરી રહ્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અપહરણ કરાયેલા વિમાનમાં કુલ 180 લોકો સવાર હતા. પણ ઉગ્રવાદીઓમાંથી ભાગ્યે જ કોઈને ખ્યાલ હતો કે એ મુસાફરો સાથે એક 'જૅકપૉટ' પણ બેઠો હતો.

ઉગ્રવાદીઓ પોતાના સાથીઓ ઉપરાંત ભારત સરકાર પાસેથી 20 કરોડ અમેરિકન ડૉલરની માગ પણ કરી રહ્યા હતા.

રસપ્રદ વાત એ હતી કે અપહ્રતોમાં સામેલ અને ઇકૉનૉમી ક્લાસમાં બેઠેલો પેલો 'સુપર હૉસ્ટેજ' ત્યાં જ બેઠાબેઠા આટલી રકમનો ચેક ઉગ્રવાદીઓને લખી આપવા સક્ષમ હતો.

એ 'સુપર હૉસ્ટેજ'નું નામ રૉબર્તો જિયોરી(એ વખતે ઉંમર વર્ષ 58)હતું અને વિશ્વ તેને 'કરન્સી કિંગ' તરીકે ઓળખતું હતું.

રૉબર્તોની કંપની 'દે લા રૂ' ચલણી નાણાંના પ્રિન્ટિંગ મશીનના વ્યવસાયમાં ઇજારો ધરાવતી હતી અને દુનિયાના 150 કરતાં વધુ રાષ્ટ્રોની ચલણી નોટો છાપતી હતી.

રૉબર્તોની ગણના સ્વિત્ઝરલૅન્ડના સૌથી પૈસાદાર લોકોમાં થતી હતી. પોતાનાં મદદનીશ અને જોડીદાર કાલાબ્રેસી સાથે ભારતની બિઝનેસ ટ્રીપ પર આવેલા રૉબર્તો થોડો સમય કાઢીને રજા ગાળવા નેપાળ ગયા હતા. ત્યાંથી દિલ્હી પરત ફરી રહ્યા હતા કે વિમાનના અપહરણની આ ઘટના બની હતી.

સ્વિત્ઝરલૅન્ડ અને ઇટાલીનું એમ બેવડું નાગરિકત્વ ધરાવતા રૉબર્તોને પણ અન્ય બિઝનેસ ક્લાસ મુસાફરોની સાથે અપહરણકર્તાઓએ ઇકૉનૉમી ક્લાસમાં મોકલી દીધા હતા.

ખેલ ખતમ?

કંદહાર હાઇજેક કાંડ, IC-814: ધી કંદહાર આઇજેક, વિમાન અપહરણ, ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિમાનમાં 'સુપર હૉસ્ટેજ' હતો જેનું નામ રૉબર્તો જિયોરી(એ વખતે ઉંમર વર્ષ 58)હતું અને વિશ્વ તેને 'કરન્સી કિંગ' તરીકે ઓળખતું હતું

વિમાનનું અપહરણ કરાયા બાદ ઈંધણ ભરવા માટે એને થોડા સમય પૂરતું અમૃતસર ઉતારાયું હતું અને ત્યાંથી સીધું જ પાકિસ્તાન હંકારી જવાયું હતું.

પહેલાં તો ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધોને જોતાં પાકિસ્તાને વિમાનને લાહોર ઍરપૉર્ટ પર ઉતરાણની મંજૂરી પાઠવી નહીં અને ઍરપૉર્ટની લાઇટોને પણ ઓલવી નાખી.

આ બાજુ વિમાનનું ઈંધણ તળિયાઝાટક થઈ ગયું હતું અને તેને ઇમરજન્સી લૅન્ડિંગ કરવાની નોબત આવે એમ હતું. પાઇલટે વિનંતી કરી એટલે ઍરપૉર્ટ પર ફરીથી લાઇટો ચાલુ કરવામાં આવી.

'ટાઇમ' મૅગેઝિનના જણાવ્યા અનુસાર રૉબર્તોએ બાદમાં કહ્યું હતું, "લાઇટો બંધ હતી અને રનવે દેખાઈ નહોતો રહ્યો. પ્લેનમાં ઇંધણ પણ નહોતું બચ્યું. એવામાં પાઇલટ ઓછા પ્રકાશ વચ્ચે વિમાનને ઉતારવા પ્રયાસ કરી રહ્યો હતો. મને લાગ્યું કે ખેલ ખતમ થઈ જશે."

જોકે, થોડીવારમાં વિમાનને લાહોરથી વાયા દુબઈ કંદહાર લઈ જવાયું અને ત્યાં એ સાત દિવસ સુધી પડી રહ્યું.

આ દરમિયાન મુસાફરોની મુક્તિ માટે ભારત સરકાર તો પ્રયાસ કરી જ રહી હતી પણ સ્વિત્ઝરલૅન્ડ સરકાર પણ હરકતમાં આવી ગઈ હતી.

અચાનક આવી પડેલી આ આફતને પહોંચી વળવા સ્વિસ રાજધાની બર્નમાં ખાસ સૅલ તૈયાર કરાયો હતો.

સ્વિસ સરકાર રૉબર્તોને મુક્ત કરાવવા માટે વાટઘાટ કરી શકે એ માટે ખાસ દૂતને પણ પણ કંદહાર ઍરપૉર્ટ મોકલ્યો હતો.

વિમાનમાં રૉબર્તો ઉપરાંત અન્ય ત્રણ સ્વિસ નાગરિકો પણ સવાર હતા અને એમની મુક્તિ માટે સ્વિસ સરકાર ભારત સરકાર પર સતત દબાણ કરી રહી હતી.

હિંદુધર્મનો ભાગ્યવાદ

કંદહાર હાઇજેક કાંડ, IC-814: ધી કંદહાર આઇજેક, વિમાન અપહરણ, ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાજપેયીની સરકારના વિદેશમંત્રી જસવંતસિહ ખુદ ત્રણ ઉગ્રવાદીઓને પોતાની સાથે લઈને કંદહાર પહોંચ્યા હતા

અપહરણકાંડનો સમય અન્ય મુસાફરોની માફક રૉબર્તો માટે પણ ભારે પીડાદાયક હતો. અપૂરતાં અન્ન-જળ અને ગંધાતાં ટૉઇલેટ મુસાફરોને ચીતરી ચડાવી રહ્યાં હતાં.

રૉબર્તોના જણાવ્યા અનુસાર ઉગ્રવાદીઓ તેમને ઇસ્લામ અને કાશ્મીરના અલગાવવાદ પર સતત ભાષણો આપતા હતા. ઉગ્રવાદીઓ તેમને એવું કહેતા, 'વિચારો, ભારતની જેલમાં અમારા ભાઈઓ કેટલા પીડાતા હશે.'

આ દરમિયાન સતત વધી રહેલા દબાણને વશ થઈને આખરે ભારત સરકારે ઉગ્રવાદીઓની માગ સ્વીકારી લીધી. એ વખતની વાજપેયીની સરકારના વિદેશમંત્રી જસવંતસિહ ખુદ ત્રણ ઉગ્રવાદીઓને પોતાની સાથે લઈને કંદહાર પહોંચ્યા.

છોડી દેવાયેલા ઉગ્રવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસુદ અઝહર, અમહદ ઝરગર અને શેખ અહમદ ઉમર સામેલ હતા.

આ બાજુ, ઉગ્રવાદીથીઓથી મુક્ત કરાયેલું વિમાન આઈસી-814 કંદહારથી દિલ્હી હંકારી જવાયું અને કરોડો લોકો ઉપરાંત ભારત અને સ્વીસ સરકારના શ્વાસ પણ હેઠા બેઠા.

રૉબર્તોએ એ ઘટનાને યાદ કરતા કહ્યું હતું, "એ લોકોને મરવા કે મારવાનો કોઈ છોછ નહોતો. હું એક લાખ ટકા સ્પષ્ટ છું કે તેઓ છેલ્લી ઘડી સુધી લડી લેત. તેઓ અત્યંત તાલીમબદ્ધ અને હાઇલી મૉટિવેટેડ હતા."રૉબર્તોએ એવું પણ ઉમેર્યું હતું કે જો ભારત સરકારે ઉગ્રવાદીઓની વાત ના માનીને મૌલાના મસુદ અઝહરની મુક્તિ ન સ્વીકારી હોત તો અપહરણકારોએ વિમાનને કંદહારની પહાડીઓમાં તોડી પાડ્યું હોત.

રૉબર્તોએ એવું પણ કહ્યું હતું, "વિમાનમાં થયેલા અનુભવોએ મને હંમેશાં માટે બદલી નાખ્યો હતો. મને ખબર નથી કે હિંદુ ધર્મ જે ભાગ્યવાદમાં વિશ્વાસ રાખે છે એ શું છે? પણ વિમાનમાં બાળકો સહિત મુસાફરો જે રીતે શાંત રહ્યાં હતાં એ ઉદાહરણનીય છે. જો વિમાન ઇટાલિયન કે ફ્રૅન્ચ લોકોથી ભરેલું હોત તો સ્થિતિ ખૂબ ખરાબ હોત."

વિમાન અપહરણ કરાયાના બે દિવસ બાદ એ વખતના સ્વિસ વિદેશમંત્રી જૉસેફ ડૅસે એ વખતના ભારતીય સમકક્ષ જસવંતસિંહ સાથે ફોન પર લાંબી વાત કરી હતી.

સ્વિસ અખબાર 'લે ટેમ્પસ' અનુસાર વાતચીતનો અર્થ સ્પષ્ટ હતો, 'મુસાફરોની મુક્તિ માટે બનતા પ્રયાસ કરી છૂટવા પણ પ્રવાસીઓની સુરક્ષા મામલે કોઈ બાંધછોડ કરવામાં ના આવે.'

સ્વિસ સરકારે અપહરણકાંડનો ઉકેલ લાવવા માટે રાજધાની બર્નમાં ખાસ સૅલ ઊભો કર્યો હતો. 'રિપબ્લિકા' અને 'કોરિયર દેલા સીરા' અખબાર અનુસાર રૉબર્તો સહીસલાતમ સ્વિત્ઝરલૅન્ડ પહોંચી ગયા બાદ પણ સ્વિસ સરકારના શ્વાસ હેઠા નહોતા બેઠા.

વિમાનના અપહરણકાંડમાં સામેલ કોઈ ઉગ્રવાદી રૉબર્તોનો સંપર્ક ન કરી શકે એ માટે સ્વિસ સરકારે તેમને ખાસ સુરક્ષા આપી હતી. તેમના તમામ સંપર્કો પર નજર રખાઈ રહી હતી અને તેમને મળનારી વ્યક્તિ અને તેમને આવતા ટેલિફોનની રજેરજની તપાસ કરાઈ રહી હતી.

200 વર્ષ જૂની કંપનીની માલિકી

કંદહાર હાઇજેક કાંડ, IC-814: ધી કંદહાર આઇજેક, વિમાન અપહરણ, ભારત, પાકિસ્તાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કંપનીના નામે એક હજાર પેટન્ટ્સ છે

રૉબર્તોની કંપની 'દે લા રૂ' અમેરિકાના ડૉલર, રશિયન રૂબલ, જર્મનીના માર્ક અને અન્ય યુરોપિયન દેશોનું ચલણ પણ છાપતી હતી.

'કોરિયર દેલા સીરા' અખબારે લખ્યું હતું કે 'જો આતંકવાદીઓને જાણ થઈ ગઈ હોત કે મુસાફરોમાં સામેલ રૉબર્તો કોણ છે, તો એનાં પરિણામ કેવાં આવ્યાં હોત એની કલ્પના કરવી મુશ્કેલ નથી.'

આંકડાઓમાં દે લા રૂ

  • દર વર્ષે સાત અબજ ચલણી નોટોનું છાપકામ
  • 142 દેશોનાં ચલણનું છાપકામ
  • 200 કરતાં વધુ વર્ષ જૂની કંપની
  • દર વર્ષે દોઢ કરોડ પાસપોર્ટનું છાપકામ
  • કંપનીના નામે એક હજાર પેટન્ટ્સ
  • અલગ-અલગ કચેરીઓમાં 700 પેટન્ટ્સ વિચારાધીન
  • કુલ 16 લાખ કિલોમિટરની સિક્યૉરિટી થ્રેડ (નોટની વચ્ચે મૂકવામાં આવતી પટ્ટી)નું છાપકામ
  • વર્ષ 2018 દરમિયાન 49.4 કરોડ પાઉન્ડ (અંદાજે રૂ. 4,389 કરોડ)ની આવક
  • વર્ષ 2018 દરમિયાન 123 મિલિયન પાઉન્ડ (અંદાજે રૂ. 1,092 કરોડ)નો નફો

(ઉપરોક્ત આંકડા દ લા રૂએ બહાર પાડેલા વર્ષ 2018ના એન્યુઅલ રિપોર્ટના આધારે.)

(અહેવાલ સૌપ્રથમ વર્ષ 2018માં પ્રકાશિત થયો હતો)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.