અફઘાનિસ્તાન : તાલિબાન છૂટાછેડા લીધેલી મહિલાઓને તેમના પૂર્વ પતિ પાસે કેમ મોકલી રહ્યા છે

અફઘાનિસ્તાન.
ઇમેજ કૅપ્શન, નાઝદાના કહે છે કે અદાલતમાં ન્યાયતંત્રના અધિકારીઓએ તેમની વાત જ ન સાંભળી, તેમને અદાલત ન આવવાનું કહેવાયું હતું કારણ કે તેઓ એક મહિલા છે.
    • લેેખક, મામૂન દુર્રાની
    • પદ, બીબીસી અફઘાન સર્વિસ
    • દ્વારા રિપોર્ટિંગ, કાબુલથી
    • લેેખક, કાવૂન ખામૂશ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
    • દ્વારા રિપોર્ટિંગ, કાબુલથી

તાલિબાન સત્તામાં પાછા ફર્યાના ત્રણ વર્ષ પછી તેમણે અફઘાનિસ્તાનની કાયદાકીય વ્યવસ્થામાં કરેલા ફેરફારની લોકોના જીવન પર ઊંડી અસર પડી રહી છે.

તાલિબાન કહે છે કે તેમના કટ્ટર ન્યાયમૂર્તિઓ માત્ર વર્તમાન કાયદાને જ સમર્થન આપતા નથી, પરંતુ ભૂતકાળ સુધી પહોંચવા અને અગાઉના ચુકાદાઓને ઊલટાવવા આકરી મહેનત કરી રહ્યા છે.

એક મોટા ઉપક્રમમાં સામાન્ય લોકોને ફ્રી અપીલ ઑફર કરવામાં આવી રહી છે. તેને કારણે તાલિબાનના પોતાના શરિયા (ઇસ્લામિક કાયદા) હેઠળ હજારો જૂના કેસ ફરીથી ચલાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને મહિલાઓને તેની માઠી અસર થઈ રહી છે.

જૂના શાસન દરમિયાન આપવામાં આવેલા કેટલાક છૂટાછેડાને અમાન્ય ઠેરવવામાં આવી રહ્યા છે, મહિલાઓને અનિચ્છનીય લગ્નો માટે દબાણ કરવામાં આવે છે અને મહિલા ન્યાયાધીશોને કાયદાકીય પ્રણાલીમાંથી બાકાત રાખવામાં આવી છે.

"મહિલાઓ ન્યાય તોળવા માટે લાયક નથી, કારણ કે અમારા શરિયા સિદ્ધાંતોમાં ન્યાયતંત્રના કામકાજ માટે ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા લોકો જરૂરી છે."

કોર્ટના સમન્સ

પૂર્વ પતિ સાથે નાઝદાનાની તસવીર
ઇમેજ કૅપ્શન, પૂર્વ પતિ સાથે નાઝદાના

તાલિબાન સત્તામાં આવ્યાના દસ જ દિવસ પછી 20 વર્ષીય બીબી નાઝદાના તેમનાં માતાને રસોડામાં મદદ કરી રહ્યાં હતાં ત્યારે તેમના પિતા ઘરે પાછા ફર્યા હતા.

અત્યંત વ્યથિત નાઝદાના, તેમના મોટાભાઈને તેમના પિતા શું કહેતા હતા તે સાંભળવા માટે કાન સરવા કર્યાં હતાં.

નાઝદાના કહે છે, "મેં મારું નામ સાંભળ્યું ત્યારે મારું હૈયું ધડકવા લાગ્યું હતું અને હું રડી પડી હતી."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નાઝદાનાના વતન ઉરુઝગાનમાંની તાલિબાન કોર્ટ તેમનો કેસ ફરીથી ખોલી રહી હતી. નાઝદાનાને એક પુરુષ સાથેના તેમના છૂટાછેડાનો બચાવ કરવા માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યાં હતાં. નાઝદાના એ પુરુષ સાથે ક્યારેય લગ્ન કરવા ઇચ્છતાં ન હતાં.

નાઝદાના માત્ર સાત વર્ષનાં હતાં ત્યારે, તેઓ કિશોરાવસ્થામાં પહોંચશે પછી એક પારિવારિક ઝઘડાના સમાધાન માટે તેમના લગ્ન કરવામાં આવશે, એ વાત સાથે તેમના પિતાજી સહમત થયા હતા. "ખરાબ લગ્ન" તરીકે ઓળખાતી આ પ્રથામાં પરિવારના "દુશ્મન" ને "દોસ્ત" બનાવવામાં આવે છે.

નાઝદાના અને તેમના ભાઈ શમ્સ કહે છે કે તેમણે જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું.

નાઝદાના 15 વર્ષનાં થયાં ત્યારે હેકમતુલ્લા "તેમની પત્નીને" પોતાના ઘરે લઈ જવા માટે આવ્યા હતા, પરંતુ નાઝદાનાએ તરત જ છૂટાછેડા માટે અરજી કરી હતી અને આખરે પોતાની સ્વતંત્રતા પાછી મેળવી હતી.

નાઝદાના કહે છે, "મેં કોર્ટને વારંવાર કહ્યું હતું કે હું તેની સાથે લગ્ન કરવા તૈયાર નથી."

"લગભગ બે વર્ષની લડાઈ પછી આખરે હું કેસ જીતી હતી. અદાલતે મને અભિનંદન આપ્યા હતા અને કહ્યું હતું કે હવે તમે મુક્ત થઈ ગયાં છો અને તમે ઇચ્છો તેની સાથે લગ્ન કરવા સ્વતંત્ર છો."

તેની ઉજવણી કરવા માટે ગામમાં એક મેળાવડો યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક મસ્જિદમાં દોસ્તો અને પાડોશીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું.

સત્તા બદલી, કિસ્મત બદલી

સુપ્રીમ કોર્ટમાં તાલીબાનના વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ રહેમાનની તસવીર
ઇમેજ કૅપ્શન, સુપ્રીમ કોર્ટમાં તાલીબાનના વિદેશ વિભાગના પ્રવક્તા અબ્દુલ રહેમાન

તેના એક જ વર્ષ પછી તાલિબાને સત્તા સંભાળી હતી અને સમગ્ર દેશમાં શરિયાનો કડક અમલ શરૂ કરાવ્યો હતો.

નાઝદાનાના ભૂતપૂર્વ પતિ અને હવે તાલિબાનના નવા સભ્ય હેકમતુલ્લાએ અગાઉની સરકાર હેઠળના છૂટાછેડાના નિર્ણયને રદ કરવા અદાલતને વિનંતી કરી હતી. આ વખતે નાઝદાનાને શરિયા મુજબ કાર્યવાહીમાંથી બાકાત રાખવામાં આવ્યાં હતાં.

નાઝદાના કહે છે,"કોર્ટમાં તાલિબાને મને જણાવ્યું હતું કે મારે કોર્ટમાં પાછા ન જવું જોઈએ, કારણ કે તે શરિયાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે કોર્ટમાં મારું પ્રતિનિધિત્વ મારાં બદલે મારા ભાઈએ કરવું જોઈએ."

નાઝદાનાના 28 વર્ષના ભાઈ શમ્સ કહે છે, "તેમણે અમને એમ પણ કહ્યું હતું કે અમે તેમની વાત નહીં માનીએ તો તેઓ મારી બહેનને બળજબરીથી હેકમતુલ્લાને સોંપી દેશે."

"નવા ચુકાદાથી મારી બહેનનું જીવન ગંભીર જોખમમાં મુકાશે" તેવી વિનંતી શમ્સે ન્યાયાધીશને કરી હોવા છતાં અદાલતે અગાઉના ચુકાદાને ઊલટાવી દીધો હતો અને નાઝદાનાને તેના ભૂતપૂર્વ પતિ હેકમતુલ્લા પાસે તત્કાલિક પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.

નાઝદાના પોતાનો દેશ છોડીને ભાગી જવા થોડો સમય મળે એ માટે ચુકાદા સામે અપીલ કરી હતી. આખરે તેઓ તેમના ભાઈ સાથે વતન છોડીને પાડોશી દેશમાં ભાગી ગયાં હતાં.

હજારો જૂના કેસ ખૂલ્યા

તાલીબાનની સુપ્રીમ કોર્ટની છાજલી ઉપર પડેલાં જૂના કેસો
ઇમેજ કૅપ્શન, તાલીબાનની સુપ્રીમ કોર્ટની છાજલી ઉપર પડેલાં જૂના કેસો

ઉરુઝગાનના ન્યાયમૂર્તિ મીડિયા સાથે વાત કરતા નથી. જોકે, અમે જવાબ મેળવવા માટે રાજધાની કાબુલમાં તાલિબાનની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચવામાં સફળ થયા હતા.

સુપ્રીમ કોર્ટના મીડિયા અધિકારી અબ્દુલ વાહિદ હકાની કહે છે, "અમારા ન્યાયાધીશોએ આ કેસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો છે અને હેકમતુલ્લાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હેકમતુલ્લા અને નાઝદાનાના લગ્ન રદ કરવાનો અગાઉના ભ્રષ્ટ વહીવટીતંત્રનો નિર્ણય શરિયત તથા લગ્નના નિયમોની વિરુદ્ધનો હતો, કારણ કે અદાલતમાં સુનાવણી વખતે હેકમતુલ્લા હાજર ન હતા."

અમે હેકમતુલ્લાનો પ્રતિભાવ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે તેમના સુધી પહોંચી શક્યા નથી.

નાઝદાનાનો કેસ એવા લગભગ 3,55,000 કેસો પૈકીનો એક છે, જેની પતાવટ પોતે ઑગસ્ટ 2021માં સત્તા સંભાળી એ પછી કરવાનો દાવો તાલિબાન કરે છે. તાલિબાન કહે છે કે તેમાંથી મોટાભાગના ફોજદારી કેસ હતા. અંદાજે 40 ટકા જમીન સંબંધી વિવાદના હતા અને વધુ 30 ટકા છૂટાછેડા સહિતના પારિવારિક વિવાદના હતા.

તાલિબાન સરકાર દ્વાંરા આપવામાં આવેલા આંકડાઓની ચકાસણી બીબીસી કરી શક્યું નથી.

ન્યાય પ્રણાલીમાં મહિલાઓ

ફૂટપાથ ઉપર નાઝદાનાની તસવીર
ઇમેજ કૅપ્શન, ફૂટપાથ ઉપર જીવન જીવવા મજબૂર છે નાઝદાના

તાલિબાન સત્તા પર પાછા ફર્યા ત્યારે તેમણે ભૂતકાળના ભ્રષ્ટાચારને દૂર કરવાનું અને "ન્યાય"નું વચન આપ્યું હતું. તેમણે તમામ ન્યાયમૂર્તિઓને વ્યવસ્થિત રીતે હટાવી દીધા હતા અને મહિલાઓને ન્યાયિક વ્યવસ્થામાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરી હતી.

તાલિબાનની સર્વોચ્ચ અદાલતમાં વિદેશી સંબંધો અને સંદેશાવ્યવહારના નિર્દેશક અબ્દુલ રહીમ રશીદ કહે છે, "મહિલાઓ ન્યાય કરવા માટે લાયક નથી, કારણ કે અમારા શરિયતના સિદ્ધાંતોમાં ન્યાયતંત્ર માટે કામ કરવા ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા લોકો જરૂરી હોય છે.

તાલિબાન દ્વારા દૂર કરવામાં આવેલી મહિલા ન્યાયાધીશોમાં અફઘાન સર્વોચ્ચ અદાલતનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ ફૌઝિયા અમીનનો પણ સમાવેશ થાય છે. તેઓ જણાવે છે કે બીબી નાઝદાના જેવી મહિલાઓને કાયદા હેઠળ રક્ષણ મળવું જ જોઈએ.

અમીની કહે છે, "કોઈ મહિલાએ તેના પતિને છૂટાછેડા આપ્યા હોય અને તેના પુરાવા તરીકે કોર્ટના દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો તે ફાઇનલ છે. શાસન બદલાય એટલે કાયદાકીય ચુકાદા બદલી શકાતા નથી."

અમીની ઉમેરે છે કે મહિલા ન્યાયાધીશોને હટાવી દેવાથી મહિલાઓને કોઈ નવી કાયદાકીય સલામતી મળતી અટકી જશે.

અમીની ઉમેરે છે, "અમે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. દાખલા તરીકે, 2009માં મહિલાઓ વિરુદ્ધની હિંસા નાબૂદીનો કાયદો અમારા સિદ્ધિઓ પૈકીનો એક હતો. અમે મહિલાઓના આશ્રયસ્થાનોના નિયમન, અનાથના વાલીપણા અને માનવ તસ્કરી વિરોધી કાયદાઓ માટે પણ કામ કર્યું છે."

તાલિબાન કોર્ટના નિર્ણયો

અફઘાન કાનૂની પ્રણાલીમાં ટોચ પર લગભગ એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યા પછી ન્યાયાધીશ અમીનીને તેમનો દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. તેઓ જણાવે છે કે તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારે, તેમણે અગાઉ જે પુરુષોને દોષિત ઠેરવ્યા હતા એ પુરુષો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગી હતી.

અમીની કહે છે, "અમારી નાગરિક સંહિતા અડધી સદી કરતાં વધારે પુરાણી છે. તાલિબાનની સ્થાપના થઈ તેના પહેલાંથી જ તેનો અમલ કરવામાં આવે છે. છૂટાછેડા સહિતની તમામ નાગરિક અને દંડ સંહિતા કુરાનમાંથી લેવામાં આવી છે."

હવે તાલિબાન કહે છે કે અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ શાસકો પૂરતા પ્રમાણમાં ઇસ્લામિક ન હતા.

શરિયાની વાત

અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને પુરુષોને માર મારી પરવાન પ્રાન્તમાં આઠ ડિસેમ્બર 2022ના સજા આપવામાં આવી તેની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને પુરુષોને માર મારી પરવાન પ્રાન્તમાં આઠ ડિસેમ્બર 2022ના સજા આપવામાં આવી તેની ફાઇલ તસવીર

તાલિબાનની સર્વોચ્ચ અદાલતમાં અમને એક નાનો ઓરડો બતાવવામાં આવ્યો હતો. તેમાં કોર્ટ કેસીસની સંખ્યાબંધ ફાઇલોના ઢગલા છાજલીઓ પર રાખવામાં આવ્યા હતા. ઓરડામાં અગાઉની સરકારના અને તાલિબાન દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ સાથે કામ કરે છે.

અમને જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગના કેસીસ અગાઉની સરકાર વખતના છે અને નવેસરથી અપીલો કરવામાં આવી એ પછી નવા ન્યાયતંત્રએ એ કેસીસની કાર્યવાહી નવેસરથી શરૂ કરી છે.

અબ્દુલ રહીમ રશીદ કહે છે, "અગાઉની સરકાર નાગરિક અને દંડ સંહિતાના આધારે નિર્ણય કરતી હતી, પરંતુ હવે તમામ નિર્ણય શરિયા પર આધારિત હોય છે."

તાલિબાનો મોટાભાગે હનાફી ફિક્હ (ન્યાયશાસ્ત્ર) ધાર્મિક કાયદાને આધાર માને છે. એ કાયદા આઠમી સદીના છે અને સમગ્ર ઇસ્લામિક વિશ્વમાં ઑટ્ટોમન સામ્રાજ્ય જેવા સ્થળોએ તેનો અમલ કરવામાં આવતો હતો અને આજ સુધી વિવિધ ઈસ્લામિક દેશોમાં તેનો અમલ કરવામાં આવે છે.

પોતાના દેશમાંથી ભાગીને પાડોશી દેશમાં ગયા પછીનું એક વર્ષ નાઝદાનાએ બે વ્યસ્ત રસ્તાઓ વચ્ચેની નાની ફૂટપાથ પરના એક ઝાડ નીચે પસાર કર્યું છે. તેઓ સારી રીતે બાંધવામાં આવેલા દસ્તાવેજોનું બંડલ ખોળામાં રાખીને બેસે છે. તે એક સ્વતંત્ર મહિલા તરીકેની તેમની ઓળખનો એકમાત્ર પુરાવો છે.

"મેં મદદ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતના અનેક દરવાજે ટકોરા માર્યા હતા, પરંતુ કોઈએ મારો અવાજ સાંભળ્યો નથી. સમર્થન ક્યાં છે? એક મહિલા તરીકે મને આઝાદીનો અધિકાર નથી?," નાઝદાના સવાલ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.