ઑસ્ટ્રેલિયામાં એક લાખથી વધુ લોકો બેઘર, તંબુ તાણીને રસ્તા પર રહેતા લોકોની કહાણી

- લેેખક, કૅટી વૉટસન
- પદ, ઑસ્ટ્રેલિયા સંવાદદાતા
મૅરીએ જેવાં સપનાં જોયાં હતાં તે પ્રમાણે તેમનું સેવાનિવૃત્તિનું જીવન નથી.
મૅરી એક દાયણ તરીકે કામ કરતાં હતાં. તેમણે પોતાના પતિ સાથે ઉત્તર-પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના છેવાડે આવેલી એક પશુશાળામાં વર્ષો વિતાવ્યાં. તેમની બારીની બહાર એક વિશાળ અને ખાડાટેકરાવાળો કિમ્બરલી વિસ્તાર દેખાતો હતો.
જોકે, 71 વર્ષીય મૅરી હાલમાં દિવસ અને રાતનો મોટા ભાગનો સમય પોતાની તૂટેલી ગાડીમાં પસાર કરે છે. તેમનું વર્તમાન દૃશ્ય પર્થ શૉપિંગ સેન્ટરના એક સાર્વજનિક શૌચાલયનો એક બ્લૉક છે.
મૅરી તેમનું સાચું નામ નથી. મૅરી નથી ઇચ્છતાં કે તેમના ઓળખીતા લોકોને ખબર પડે કે તેઓ આ રીતે રહે છે.
દેશના આંકડાકીય બ્યૂરોએ આપેલી માહિતી પ્રમાણે, મૅરી એવા એક લાખ 22 હજાર લોકો પૈકીનાં એક છે જે ઑસ્ટ્રેલિયામાં બેઘર છે.
સરકારના એક હાલના અહેવાલ પ્રમાણે ઓછી આવકવાળા 40 ટકા ભાડવાત લોકો પણ બેઘર થઈ શકે તેવો ખતરો છે.
મૅરી સાથે પણ આ જ થયું. મૅરીના મકાનમાલિકે ગયા વર્ષે પોતાના મકાનને થોડાક સમય માટે ભાડા પર આપવાનો નિર્ણય કર્યો અને મૅરીને એ ફ્લૅટમાંથી બહાર કરવામાં આવ્યાં. ત્યારબાદ મૅરીને પોતાના સરકારી પેન્શનમાં રહેવા માટે કોઈ સસ્તી જગ્યા ન મળી.
મૅરીના પતિ તેમની મદદ કરી શકતા નથી, કારણ કે તેઓ અલ્ઝાઇમરના પીડિત છે અને હાલમાં એક કેર હોમમાં દાખલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅરીએ કહ્યું, “તેમને (મૅરીના પતિ) જાણ થશે તો તેઓ એકદમ ભયભીત થઈ જશે અને શરમ અનુભવશે.”
મૅરીની 4X4 ગાડી પોતાના સામાનથી ભરેલી છે. ગાડીના પાછળના ભાગે એક વૉકિંગ ફ્રૅમ અને કપડાંનો ઢગલો પડ્યો છે. પૅસેન્જર સીટ પર ચોખાની ખીરનો એક ડબ્બો રાખેલો છે.
મૅરીના હાથ ડબ્બો ઉઠાવતી વખતે ધ્રૂજી રહ્યા હતા. તેમણે ડબ્બો ઉઠાવતા કહ્યું, “આ મારું રોજ સાંજનું ભોજન છે.”
મૅરીને ક્યારેક આશ્રયસ્થાનમાં ઊંઘવા માટે પથારી મળે છે, પરંતુ મૅરી મોટા ભાગે શહેરમાં એવા સ્થળે રાત વિતાવે છે જ્યાં વધારે પોલીસકર્મીઓ આસપાસ રહે છે. તેમણે જણાવ્યું કે તેમની સાથે ચાર વખત મારપીટ થઈ ચૂકી છે અને તેઓ હવે કોઈ જોખમ લેવા માગતાં નથી.
મૅરી વાવાઝોડામાં ફસાયાં હતાં અને તેમને ન્યુમોનિયા થયો હતો. આ કારણે તેમને વારંવાર ઉધરસ આવે છે. કારની બૅટરી ખતમ થઈ ગઈ હતી અને બારીઓ નીચે હતી. મૅરી પાસે ગાડીને રિપૅર કરાવવા માટે રૂપિયા ન હતા.
"લોકોને ખબર પડે કે તમે બેઘર છો ત્યારે તમને વ્યક્તિ ગણતા નથી"

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૅરીએ કહ્યું, “એવું લાગે છે કે જેવી લોકોને ખબર પડે કે તમે બેઘર છો તો તેઓ તમને એક વ્યક્તિ તરીકે ગણતા નથી. લોકોના જીવનમાં હવે તમારું કોઈ મહત્ત્વ નથી.”
ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય આવાસ કટોકટીની વચ્ચે બેઘરો માટે સેવાની માગણીમાં ઉછાળો જોવા મળ્યો હતો. મદદ માગનાર લોકોની સંખ્યામાં મહિલાઓ અને બાળકોની સંખ્યા સ્પષ્ટપણે વધારે છે. સ્વેદશી ઑસ્ટ્રેલિયન લોકોનું પ્રતિનિધિત્વ પણ વધારે છે.
ઑસ્ટ્રેલિયામાં હાલનાં વર્ષોમાં ઘરોની રેકૉર્ડ કિંમત, સામાજિક આવાસ યોજનામાં ઓછું રોકાણ, મકાનોની અછત અને ભાડામાં ભારે વધારાને કારણે લોકોને રહેવા માટે ઘર શોધવા માટે મુશ્કેલી વેઠવી પડે છે.
પર્થમાં મકાન ભાડું સૌથી વધારે વધ્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ભાડામાં 20 ટકાનો વધારો જોવા મળ્યો. અમે થોડાક દિવસો તે શહેરમાં હતા અને દરેક પાસે પોતાની એક કહાણી હતી.
હેલી હૉકિન્સે મને જણાવ્યું કે તેઓ અને તેમની દીકરી ટેસિશા લગભગ ચાર વર્ષથી સોફા અને ટૅન્ટમાં રહે છે. ટેસિશાનું મોટા ભાગનું જીવન ટૅન્ટમાં જ વીત્યું છે. તેઓ સામાજિક આવાસ મેળવવાપાત્ર છે પરંતુ વેઇટિંગ લિસ્ટ ઘણું લાંબું છે.
તેમણે આંસુ રોકવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “એક સમયે મારી પાસે એટલા રૂપિયા હશે કે હું એક સારું ઘર ખરીદી શકીશ. મારું અને મારી દીકરીનું પેટ ભરી શકીશ.”
સૅન્ટ પેટ્રિક સમુદાય મદદ કેન્દ્રનાં પ્રમુખ માઇકલ પિયુએ કહ્યું, “અમે દરેક વર્ગના લોકો જેવા કે યુવાઓ, વૃદ્ધો, કામકાજ કરતા પરિવાર અને વ્યક્તિઓને પણ મદદ કેન્દ્ર પર જોયા છે.”
તેમણે કહ્યું કે, “એક કારણ જ લોકોને બેઘર બનાવવા માટે પૂરતું છે અને લોકો પાસે વિકલ્પ ખૂબ જ ઓછા છે. તેમને ખબર નથી કે શરૂઆત ક્યાંથી કરવી.”
શું રહેઠાણ એક માનવ અધિકાર છે?

રહેઠાણને લગતા સંકટની ચર્ચા હવે રાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે અને દેશની સંસદમાં પણ સ્થિતિ અલગ નથી.
પશ્ચિમ ઑસ્ટ્રેલિયા રાજ્યના સંસદસભ્ય વિલ્સન ટકર હમણાં જ બેઘર થવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. જોકે, તેઓ પોતાના ભ્રમણશીલ (નૉમેડિક) ગણાવે છે. તેમને ઘરમાંથી બેદખલ કરવામાં આવ્યા અને રાષ્ટ્રની સરેરાશ આવક કરતાં બમણી આવક હોવા છતાં તેમને રહેવા માટે બીજી કોઈ જગ્યા ન મળી.
જોકે, ટકરે શરૂઆતમાં એ વાત જણાવી ન હતી કે તેઓ મકાનમાલિક પણ છે.
તેમણે કહ્યું, “મેં મકાન તેમાં રહેતા ભાડવાત સાથે જ ખરીદ્યું હતું. અને હું આ “રેડ હોટ” પ્રોપર્ટી માર્કેટમાં ભાડવાતને ઘરની બહાર કાઢવા માગતો નથી.”
આ કારણે ટકર જ્યારે સંસદની બેઠક હોય છે ત્યારે ત્યારે હોટલમાં રહે છે. બાકીના સમયે તેઓ પોતાની 4x4 ગાડી અને રૂફ ટૅન્ટ સાથે રસ્તા પર રહે છે.
તેમણે બીબીસીને કહ્યું, “એવા ઘણા લોકો છે જેની પાસે આ વિશેષ અધિકાર નથી અને તેમને આ મુઠ્ઠીભર ઘરો માટે સંઘર્ષ કરવો પડે છે.”
ઑસ્ટ્રેલિયાની સંસદના ઍજન્ડામાં પણ રહેઠાણનો મુદો છે. સંસદસભ્યો રહેઠાણને કાયદા દ્વારા સુરક્ષિત માનવ અધિકાર બનાવવા પર વિચાર કરી રહ્યા છે.
બે સ્વતંત્ર સંસદસભ્યોએ ઑસ્ટ્રેલિયાના માનવ અધિકાર આયોગની વકાલતના આધારે આ મુદે એક બિલ રજૂ કર્યું છે. જોકે, સરકારના સમર્થન વગર આ બિલની પાસ થવાની કોઈ સંભાવના નથી.
વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝે નવાં મકાનોના બાંધકામની ઝડપ વધારવા માટે, મકાનભાડાં પર સબસિડી આપવા માટે અને પોસાય તેવાં રહેઠાણોની સંખ્યા વધારવા માટે આ વર્ષના બજેટમાં લગભગ ચાર બિલિયન ડૉલરની ફાળવણી કરી હતી.
દેશનાં અલગ-અલગ રાજ્યોએ પણ કેટલાંક પગલાં લીધાં, જેને કારણે આ તકલીફો ઓછી થાય તેવી આશા છે.
જોકે, બેઘરો માટે કામ કરતી સંસ્થાઓ વધતી માગણીઓને પૂરી કરવા માટે વધારાની મદદની માગ કરી રહી છે. વકીલોએ કહ્યું કે તાત્કાલિક સુધારાની જરૂર છે, જેમ કે રોકાણકારો માટે આકર્ષક ટૅક્સ છૂટને સમાપ્ત કરવી અને ભાડવાતની સુરક્ષામાં વધારો કરવો.
જ્યારે લોકો તંગીને કારણે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે મકાનમાલિકોએ ભાડામાં કરેલા વધારાને કારણે તેમની પણ ટીકા થઈ રહી છે. આ કારણે મકાનના ભાડાના વધારાના દરને લિમિટેડ કરવા માટે પણ ચર્ચા ચાલી રહી છે.
"મકાનમાલિકોને પણ નુકસાન થઈ રહ્યું છે"

જોકે, પ્રોપર્ટી ઉદ્યોગના લોકો કહે છે કે મકાનમાલિકોને પણ નુકસાન થઈ રહ્યું છે.
મે 2022માં વ્યાજનો દર ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સૌથી ઝડપથી વધવા લાગ્યો. વ્યાજદર 18 મહિનાની અંદર 13 વખત વધ્યો.
વૅસ્ટર્ન ઑસ્ટ્રેલિયાના રિયલ એસ્ટેટ ઇન્સ્ટિટ્યૂટના ચીફ એક્ઝિક્યુટિવ કેથ હાર્ટે કહ્યું, “મોટા ભાગના લોકો પાસે રોકાણ માટે એક જ સંપત્તિ છે. તે મિલકતોના મૉર્ગેજની ચુકવણી 50 ટકા સુધી વધી ગઈ છે.”
તેમણે કહ્યું કે પરિસ્થિતિ પહેલાં કરતાં વધારે મુશ્કેલ છે. કોવિડ મહામારીએ દેખાડ્યું કે ભાડા વધારવાની લિમિટ અને ભાડવાતને બહાર કાઢવાની મનાઈ જેવા ઉકેલોને કારણે મકાનમાલિકો લાંબા ગાળે રેન્ટલ માર્કેટમાંથી બહાર નીકળી જશે.
“કોવિડ દરમિયાન આપણે જોયું કે ભાડા માટે સામાન્ય કરતાં 20 હજાર ઓછી પ્રોપર્ટીઓ ઉપલબ્ધ હતી. રોકાણકારોએ કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ છે.”
આ દરમિયાન રોજ રાત્રે અલગ-અલગ ચેરિટી સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોને મદદની ઑફર કરે છે.
પર્થ શહેરમાં સાંજે જ્યારે લોકો પોતાની ચમકતી ઑફિસોમાંથી બહાર નીકળે છે અને તેમાંથી જેમની પાસે રહેવા માટે જગ્યા નથી તે લોકો રેલવે ટ્રેકની નજીક એક ચોક પર ભેગા થાય છે.
ઑસ્ટ્રેલિયામાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. આ સમયે કપડાના દાનમાં સૌથી વધારે તેજી જોવા મળે છે. સુપરમાર્કેટમાં ખાવાનો સામાન દાન કરવામાં આવે છે. લૉન્ડ્રી સર્વિસ, મોબાઇલ ડૉક્ટર સર્જરી અને હેરડ્રેસર જેવી સુવિધા પણ છે.
પાદરીઓ આ ઉપરાંત રસ્તા પર ભોજન ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
મિશેલ રમબોલ્ડ તેમને મદદ કરવા માટે જોડાયાં હતાં. તેઓ એક રજિસ્ટર્ડ નર્સ છે, પરંતુ તેમને જ્યારે નોકરીમાંથી બેદખલ કરવામાં આવ્યાં અને તેમની ગાડીનો અકસ્મતા થયા બાદ તેમની પાસે કશું જ ન બચ્યું.
મિશેલે કહ્યું, “મેં પોતાની નોકરી માત્ર એટલા માટે ગુમાવી કે મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા ન હતી અને ગાડી પણ ન હતી.”
“હું બેઘર છું તે સમજવામાં લોકોને ઘણો સમય લાગ્યો, કારણ કે હું બેઘર દેખાતી ન હતી. તમને સમયની સાથે ધીમે-ધીમે રસ્તા પર રહેવાની આદત પડી જાય છે અને તમે પોતાને જ ગુમાવી દો છો. ”
મિશેલે કોઈ પણ રીતે અસ્થાયી રહેઠાણ મેળવ્યું અને ફરીથી પગભર થયાં. તેઓ એક જીપીની સર્જરીમાં કામ કરી રહ્યાં છે. તેઓ તેમ છતાં અહીં આવીને લોકોની મદદ કરવાનું પસંદ કરે છે.
તેમણે કહ્યું, “એક વખત અહીં આવ્યા પછી અહીંયાંથી જવું મુશ્કેલ છે. આ ઘણું વિચિત્ર છે, પરંતુ અહીંના લોકો તમારો પરિવાર બની જાય છે.”
જોકે, મિશેલ સિવાય મૅરી જેવી ઘણી મહિલાઓ સંઘર્ષ કરી રહી છે.
મૅરીને પોતાનું એકલાપણું સૌથી વધારે સાલે છે.
તેમણે કહ્યું, “તમારી પાસે ન કોઈ ટીવી છે, ન કોઈ પાડોશી જેની સાથે તમે વાત કરી શકો.”
“લોકો તમને એક તરફથી જુએ છે અને વિચારે છે ‘હે ભગવાન, વધુ એક નહીં’ અને ચાલ્યા જાય છે.”
(સીમોન અકિન્શનના ઇનપૂટ્સ સાથે)
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












