બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની છે અને તેના કારણે આગામી દિવસોમાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે.
બંગાળની ખાડીમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું હતું અને તે મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી સંભાવના છે.
આગામી બેથી ત્રણ દિવસોમાં આ સિસ્ટમ આગળ વધીને પશ્ચિમ બંગાળ અને ઝારખંડ પર પહોંચે તેવી શક્યતા છે, જે બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
બીજી તરફ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે અને હાલ કેરળની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યું છે, જે આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં હાલ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે અને ઑગસ્ટ મહિનાની શરૂઆત બાદથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ ઓછો થઈ ગયો છે.
હવે એક સાથે સર્જાઈ રહેલી બે સિસ્ટમોને કારણે ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલાવાની શક્યતા દેખાઈ રહી છે અને ઘણા વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં ફેરફાર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે.
એકસાથે બે સિસ્ટમ, ગુજરાતમાં વરસાદમાં કેવા ફેરફારો થશે?

ગુજરાતમાં હવામાન વિભાગે હાલ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પહેલાં વરસાદનું પ્રમાણ ઘટશે અને કેટલાક દિવસો બાદ ફરી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
16 ને 17 ઑગસ્ટની આસપાસ હજી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, પરંતુ તેમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે. કચ્છના વિસ્તારોમાં પણ આ બે દિવસોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં આગામી ચારથી પાંચ દિવસ સુધી છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે.
વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણથી ચાર દિવસો સુધી છુટાછવાયા વરસાદની શક્યતા છે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદનું થોડું વધારે જોર રહેવાની શક્યતા છે, જે બાદ વરસાદનું જોર ઘટી જશે.
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 16 અને 17 ઑગસ્ટના રોજ છુટોછવાયો હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે. જે બાદ અહીં વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે.
અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હજી આગામી ત્રણેક દિવસ સુધી છુટોછવાયો વરસાદ થઈ શકે છે, જે બાદ આ વિસ્તારોમાં પણ વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.
ગુજરાતમાં ફરીથી ક્યારે વધશે વરસાદનું પ્રમાણ?

બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજી બે કે ત્રણ દિવસ બાદ આગળ વધવાની સંભાવના દેખાઈ રહી છે, જે બાદ તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે એટલે ગુજરાતમાં તેની અસર કેટલાક દિવસો બાદ શરૂ થવાની છે.
હવામાનનાં કેટલાંક મૉડલો દર્શાવી રહ્યાં છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ તેમાં તે સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત પર પહોંચે તેવી શક્યતા ઓછી છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતા છે અને તેની વધારે અસર મહારાષ્ટ્ર અને કર્ણાટક પર થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 23 ઑગસ્ટ સુધી વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના છે તે બાદ ફરીથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના છે. 25 ઑગસ્ટ બાદ એટલે કે આ મહિનાના અંતમાં રાજ્યમાં ફરીથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
સૌથી પહેલાં ગુજરાત રીજનમાં વરસાદનું પ્રમાણ વધશે અને તે બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના હાલની સ્થિતિ પ્રમાણે દેખાઈ રહી છે.
ગુજરાતમાં 1 જૂનથી 16 ઑગસ્ટ સુધી સરેરાશ કરતાં 6 ટકા વધારે વરસાદ થયો છે, પરંતુ ગુજરાત રીજનમાં સરેરાશ કરતાં 6 ટકા ઓછો વરસાદ થયો છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 22 ટકા વધારે વરસાદ થયો છે.
રાજ્યમાં આ વર્ષે ઘણા જિલ્લાઓમાં સારો વરસાદ થયો હોવા છતાં 1જૂનથી 16 ઑગસ્ટ સુધી 24 જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે એટલે આ જિલ્લાઓમાં વરસાદની ઘટ છે.
સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકામાં થયો છે અને સરેરાશ કરતાં સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો છે. મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી પણ વરસાદની ઘટ છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












