આકાશમાં તરતી 2,000 કિલોમીટર લાંબી 'નદીઓ' ભારતમાં કેવી રીતે તબાહી મચાવી રહી છે?

કેરળમાં ભૂસ્ખલનમાં ભારે તબાહી મચી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેરળમાં ભૂસ્ખલનમાં ભારે તબાહી મચી હતી
    • લેેખક, નવીન સિંઘ ખેડકા
    • પદ, પર્યાવરણ સંવાદદાતા

દેશના અનેક ભાગોમાં તાજેતરના સપ્તાહોમાં ભારે વરસાદ પડ્યો છે અને પૂર આવ્યું છે, જેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા છે અને હજારો અન્ય વિસ્થાપિત થયા છે.

વર્ષના આ સમયગાળામાં દેશમાં અને દક્ષિણ એશિયામાં મોટા ભાગનો વરસાદ પડતો હોય છે ત્યારે પૂર આવવું એક કોઈ અસામાન્ય બાબત નથી, પરંતુ આબોહવા પરિવર્તનને કારણે ચોમાસામાં વરસાદ વધુ અનિયમિત બન્યો છે. ટૂંકા ગાળામાં જંગી વરસાદ પડે છે અને ત્યાર બાદ લાંબા સમય સુધી શુષ્કતા રહે છે.

વિજ્ઞાનીઓ હવે કહે છે કે ઍટમોસ્ફિયરિક રિવર એટલે કે વાતાવરણીય નદી તરીકે ઓળખાતું એક પ્રકારનું તોફાન, ગ્લોબલ વૉર્મિંગને કારણે ભેજમાં નોંધપાત્ર વધારા સાથે પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે.

‘ઊડતી નદી’ તરીકે પણ ઓળખાતું આ જંગી તોફાન દરિયાઈ પાણીના બાષ્પિભવનથી ગરમ મહાસાગરોમાં જન્મતી વરાળની વિશાળ અદૃશ્ય રિબન હોય છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

પાણીની વરાળ વાતાવરણના નીચેના ભાગમાં બેન્ડ અથવા સ્તંભ બનાવે છે, જે ઉષ્ણકટિબંધમાંથી ઠંડા અક્ષાંસો ભણી જાય છે અને વરસાદ અથવા બરફ સ્વરૂપે નીચે આવે છે. તે પૂર અથવા જીવલેણ હિમપ્રપાતનું કારણ બની શકે તેટલી વિનાશકારી હોય છે.

આ ‘આકાશી નદીઓ’ પૃથ્વીના મિડ-લેટિટ્યુડ્ઝમાં વિહરતી જળ વરાળના લગભગ 90 ટકા હિસ્સાનું વહન કરે છે. તેમાં વિશ્વની સૌથી મોટી નદી એમેઝોનના નિયમિત પ્રવાહ કરતાં લગભગ લગભગ બમણું પાણી હોય છે.

વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી જેમ જેમ ઝડપથી ગરમ થઈ રહી છે તેમ તેમ આ વાતાવરણીય નદીઓ લાંબી, પહોળી અને વધુ તીવ્ર બની રહી છે, જેના કારણે વિશ્વભરના લાખો લોકો પર પૂરનું જોખમ તોળાય છે.

હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં હિંદ મહાસાગર ગરમ થવાથી ઊડતી નદીઓ આકાર પામી છે, જે જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચોમાસાના વરસાદને પ્રભાવિત કરે છે.

ભારતમાં આવી કેટલી નદીઓ સર્જાઈ?

ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાયન્ટિફિક જર્નલ ‘ધ નેચર’માં 2023માં પ્રકાશિત એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે 1951થી 2020ની વચ્ચે ભારતમાં ચોમાસાની ઋતુમાં કુલ 574 વાતાવરણીય નદીઓ સર્જાઈ હતી. હવામાન સંબંધી આવી ઘટનાઓનું આવર્તન સમયાંતરે વધતું જાય છે.

આ અભ્યાસ જણાવે છે, "છેલ્લા બે દાયકામાં લગભગ 80 ટકા સૌથી તીવ્ર વાતાવરણીય નદીઓ ભારતમાં પૂરનું કારણ બની છે."

આ અભ્યાસમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી (આઈઆઈટી) અને યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓની એક ટીમ પણ સામેલ હતી. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે 1985થી 2020 વચ્ચેના ચોમાસામાં ભારતમાં આવેલા 10 સૌથી તીવ્ર પૂર પૈકીનાં સાત વાતાવરણીય નદીઓ સાથે સંકળાયેલા હતાં.

અભ્યાસ જણાવે છે કે હિંદ મહાસાગરમાં તાજેતરના દાયકાઓમાં બાષ્પીભવન નોંધપાત્ર રીતે વધ્યું છે. વાતાવરણ ગરમ થયું હોવાથી વાતાવરણીય નદીઓ અને તેના કારણે પૂરના આવર્તનમાં પણ તાજેતરમાં વધારો થયો છે.

ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થાના વાતાવરણીય વિજ્ઞાની ડૉ. રૉક્સી મૅથ્યુ કોલે બીબીસીને કહ્યું હતું, "ચોમાસાની ઋતુ દરમિયાન ભારતીય ઉપખંડ તરફના ભેજની પરિવર્તનશીલતામાં વધારો થયો છે."

"તેના પરિણામે, ગરમ સમુદ્રોમાંથી થોડા કલાકોથી થોડા દિવસોમાં ઉપર ચડેલો ભેજ વાતાવરણીય નદીઓ દ્વારા ટૂંકા ગાળામાં નીચે ફેંકવામાં આવે છે. તેના કારણે સમગ્ર દેશમાં ભૂસ્ખલન તથા અચાનક આવતા પૂરમાં વધારો થયો છે."

વાતાવરણીય નદીઓ કેટલી મોટી હોય છે?

પૂર

ઇમેજ સ્રોત, Getty Images

સરેરાશ વાતાવરણીય નદી લગભગ 2,000 કિલોમીટર લાંબી, 500 કિલોમીટર પહોળી અને લગભગ 3 કિલોમીટર ઊંડી હોય છે. જોકે, હવે તે વધારે પહોળી અને લાંબી થઈ રહી છે. કેટલીક નદીઓ તો 5,000 કિલોમીટરથી વધુ લાંબી હોય છે.

તેમ છતાં આ નદીઓને માણસો નરી આંખે જોઈ શકતા નથી.

અમેરિકાની નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વાતાવરણીય સંશોધક બ્રાયન કાહ્ને કહ્યું હતું, "આવી નદીને ઇન્ફ્રારેડ અને માઇક્રોવેવ ફ્રીકવન્સીઝ વડે જોઈ શકાય છે."

તેમણે ઉમેર્યું હતું, "તેથી જ વિશ્વભરની જળ વરાળ અને વાતાવરણીય નદીઓનું અવલોકન કરવા માટે સેટેલાઇટ ઑબ્ઝર્વેશન્શ બહુ ઉપયોગી છે."

પશ્ચિમી વિક્ષેપ, ચોમાસું અને ચક્રવાત જેવી અન્ય હવામાન પ્રણાલીઓ પણ પૂરનું કારણ બની શકે છે, પરંતુ વૈશ્વિક અભ્યાસો દર્શાવે છે કે વાતાવરણીય પાણીની વરાળમાં 1960ના દાયકાથી લગભગ 20 ટકા વધારો થયો છે.

દક્ષિણ એશિયામાં 56 ટકા સુધી જોરદાર વરસાદ (વર્ષા અને હિમવર્ષા)ને વિજ્ઞાનીઓ વાતાવરણીય નદીઓ સાથે સાંકળી રહ્યા છે. જોકે, આ ક્ષેત્રે મર્યાદિત અભ્યાસ થયો છે.

પડોશી દક્ષિણપૂર્વ એશિયામાં વાતાવરણીય નદીઓ અને ચોમાસા સંબંધી ભારે વરસાદ વચ્ચેની કડી વિશે વધુ વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો છે.

અમેરિકન જીયોફિઝિકલ યુનિયન દ્વારા પ્રકાશિત 2021ના એક અભ્યાસમાંં જાણવા મળ્યું હતું કે પૂર્વ ચીન, કોરિયા અને પશ્ચિમ જાપાનમાં ચોમાસાની શરૂઆતમાં (માર્ચ અને એપ્રિલ દરમિયાન) ભારે વરસાદની 80 ટકા ઘટનાઓ વાતાવરણીય નદીઓ સાથે સંકળાયેલી હોય છે.

એક અલગ અભ્યાસનું નેતૃત્વ કરી ચૂકેલા જર્મનીની પોટ્સડેમ યુનિવર્સિટીનાં સંશોધક સારા એમ વાલેજો-બર્નલે કહ્યું હતું, "પૂર્વ એશિયામાં વાતાવરણીય નદીઓના આવર્તનમાં 1940થી નોંધપાત્ર વધારો થયો છે."

"અમને જાણવા મળ્યું છે કે તે આવર્તનો મેડાગાસ્કર, ઑસ્ટ્રેલિયા અને જાપાન પર વધુ તીવ્ર બન્યાં છે."

શું તેના કારણે પૂર આવે છે?

પૂર સમયની તસવીર (ફાઇલ તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

અન્ય પ્રદેશોના હવામાનશાસ્ત્રીઓએ પણ તાજેતરના કેટલાક મોટા પૂરને વાતાવરણીય નદીઓ સાથે સાંકળ્યા છે.

એપ્રિલ 2023માં ઇરાક, ઈરાન, કુવૈત અને જૉર્ડનમાં તીવ્ર ગાજવીજ, કરા અને પછી અસાધારણ વરસાદને કારણે પૂર આવ્યું હતું. બાદમાં હવામાનશાસ્ત્રીઓને જાણવા મળ્યું હતું કે સમગ્ર પ્રદેશ પરના આકાશમાં વિક્રમસર્જક પ્રમાણમાં ભેજની માત્રા હતી. તે 2005ની સમાન ઘટના કરતાં પણ વધારે હતી.

બે મહિના પછી ચિલીમાં માત્ર ત્રણ દિવસમાં 500 મિલિમિટર વરસાદ પડ્યો હતો. આકાશમાંથી એટલું પાણી વરસ્યું હતું કે એન્ડીસ પર્વતના કેટલાક હિસ્સામાંનો બરફ સુદ્ધાં ઓગળી ગયો હતો. જંગી પૂરના કારણે રસ્તાઓ, પુલો અને પાણી પુરવઠાનો નાશ થયો હતો.

રાજકારણીઓએ જેને ‘રેઇન બૉમ્બ’ કહેતા હતા તે એક વર્ષ અગાઉ ઑસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં ત્રાટક્યા હતા. તેને કારણે 20થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું.

વિનાશક પૂર અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં રાખીને વાતાવરણીય નદીઓને, વાવાઝોડાની માફક તેમના કદ તથા શક્તિને આધારે પાંચ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે.

તેની તીવ્રતા ઓછી હોય તો એ બધી નુકસાનકારક નથી.

તે લાંબા સમયથી દુષ્કાળગ્રસ્ત વિસ્તાર પર ત્રાટકે તો ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ આ ઘટના ઝડપથી ગરમ થતા વાતાવરણ સંદર્ભે એક મહત્ત્વપૂર્ણ યાદ અપાવે છે, જેમાં અગાઉની સરખામણીએ ઘણો વધારે ભેજ છે.

પૂર અને ભૂસ્ખલનના અન્ય પ્રમુખ કારણો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ કે ભારતીય ચક્રવાત જેવી અન્ય મોસમી ઘટનાઓની સરખામણીએ હાલ દક્ષિણ એશિયામાં આ બાબતે અપેક્ષાકૃત ઓછો અભ્યાસ કરવામાં આવ્યો છે.

આઈઆઈટી, ઈંદોરનાં એક રિસર્ચ સ્ટુડન્ટ રોઝા વી. લિંગ્વાએ કહ્યું હતું, "હવામાનશાસ્ત્રીઓ, જળ વિજ્ઞાનીઓ અને જળવાયુ વિજ્ઞાનીઓ વચ્ચે અસરકારક સહયોગ હાલ પડકારજનક છે, કારણ કે આ કન્સેપ્ટ નવો છે અને તેનો અમલ મુશ્કેલ છે."

તેમણે ઉમેર્યું હતું કે ભારતના કેટલાક હિસ્સામાં જોરદાર વરસાદ પડવાનું ચાલુ રહેશે. તેથી આ તોફાન તથા તેની વિનાશક અસરનો અભ્યાસ કરવો વધારે મહત્ત્વપૂર્ણ બન્યો છે.