એ કારણ જેના લીધે વરસાદમાં બિલાડીના ટોપ ફૂટી નીકળે છે

વરસાદમાં બિલાડીના ટોપ કેમ ફૂટી નીકળે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં સામાન્ય રીતે કોઈ ચીજ જે તે વિસ્તારમાં વધુ પડતી જોવા મળે તો એવો શબ્દપ્રયોગ થાય છે કે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યું છે.

ગુજરાતમાં ચોમાસાએ માજા મૂકી છે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

હવે જેવો વરસાદ થંભશે કે વરસાદી ફૂલ-ઝાડ અને અવનવી જીવાત જોવા મળશે.

આપણે બધાએ જોયું હશે કે ચોમાસા પછી ઠેર ઠેર બિલાડીના ટોપ પણ ફૂટી નીકળે છે, પરંતુ આ બિલાડીનો ટોપ ક્યાંથી આવતા હશે એ સવાલ ચોક્કસ થાય.

ઘણી વાર આ બિલડીના ટોપ અત્યંત સુંદર દેખાતા હશે અને ઘણી વાર ન ગમે તેવા હશે.

તો ચાલો સમજીએ કે આ બિલાડીના ટોપ શું હોય છે, તે કેવી રીતે ફૂટે છે અને તે પર્યાવરણમાં શું ભાગ ભજવે છે?

બિલાડીના ટોપ શું હોય છે?

બિલાડીના ટોપ શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images

સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે, બિલાડીના ટોપ ફંગસથી બને છે અને ફંગસ ત્યાં બને છે જ્યાં ભેજ પ્રમાણમાં વધુ હોય.

જોકે, તમામ બિલાડીના ટોપ માટે કોઈ એક ખાસ ફૂગ જવાબદાર નથી. વિવિધ પ્રકારની ફૂગ તેનાં વિવિધ કદ, આકાર અને રંગો ઉત્પન્ન કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક અહેવાલ પ્રમાણે, બિલાડીના ટોપની ગણતરી છોડમાં નથી થતી, પરંતુ ફંગસમાં થાય છે.

બિલાડીના ટોપને વિજ્ઞાનિક ભાષામાં બેસિડિયોમાયસેટિસ કહેવામાં આવે છે.

બિલાડીના ટોપ છોડ નથી, કારણ કે તે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા (છોડ ખોરાક બનાવવા માટે પ્રકાશ સંશ્લેષણનો ઉપયોગ કરે છે). ફૂગનો ભૂભાગ અન્ય પદાર્થોને "પચાવવા" માટે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે જેનો તે ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે.

ફર્ઝીન પરાબીઆ સુરતમાં આવેલી વીર નર્મદ યુનિવર્સિટીના શ્રી બાપાલાલ વૈદ્ય બૉટનિકલ રિસર્ચ સેન્ટરમાં બાયૉસાયન્સ વિભાગમાં સહાયક પ્રોફેસર છે.

તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "બેસિડિયોમાયસેટિસમાં પણ ઘણા પ્રકારના બિલાડીના ટોપ આવે. પરંતુ જે લાલ રંગના બિલાડીના ટોપ છે, જે ગમે ત્યાં જોવા મળે છે અને દેખાવમાં પણ સરસ લાગે છે, તે ખૂબ જ ઝેરી ટોપ હોય છે અને તેને જો ભૂલથી ખાવામાં આવે તો માણસનું મૃત્યુ થઈ શકે છે. પરંતુ એવા બીજા બિલાડીના ટોપ પણ છે જે ખાવાલાયક હોય છે."

તેઓ કહે છે કે, “ફંગસ દરેક જગ્યાએ હોય છે. જેવી રીતે ફ્રીઝમાં, ઍરટાઇટ ડબ્બામાં મૂકેલી બ્રૅડને ફંગસ લાગી જાય છે, તેવી રીતે આ બિલાડીના ટોપ છે, જે ગમે ત્યાં ઊગી શકે છે. તેને ઊગવા માટે કોઈ ખાસ પ્રકારના વાતાવરણની જરૂર નથી હોતી."

બિલાડીના ટોપ કેવી રીતે ઊગે છે?

બીલાડીના ટોપ કેવી રીપે ઉગે છે?

ઇમેજ સ્રોત, BBC/Getty Images

રિસર્ચ ગેટ નામની પ્રતિષ્ઠિત જર્નલમાં 'વરસાદ પછી બિલાડીના ટોપ શા માટે ઊગે છે' નામનું સંશોધન પેપર પ્રકાશિત કરવામાં આવ્યું છે.

તે મુજબ, બિલાડીના ટોપ એ અમુક ફૂગ દ્વારા ઉત્પાદિત પ્રજનન રચના છે.

બિલાડીના ટોપ બે ભાગમાં વહેંચાયેલા હોય છે. મિસિતંતુ અને ફળકાય. બીજકણ નાના હોય છે, પણ પ્રજનન માટે જરૂરી કોષો છે, જે સામાન્ય રીતે માઇક્રોસ્કૉપથી જોવામાં આવે છે.

બિલાડીના ટોપ સામાન્ય રીતે જમીનની અંદર હોય છે. વરસાદ પછી અચાનક દેખાય છે અને જમીનમાંથી બહાર આવે છે.

બિલાડીના ટોપની વૃદ્ધિ બે તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો ભૂગર્ભમાં થાય છે, જેને પૂર્ણ થવામાં અઠવાડિયા જેટલો સમય લાગે છે અને તેમાં પ્રોટો-મશરૂમ (બિલાડીના ટોપ) બને છે.

આ સમયગાળા દરમિયાન બિલાડીના ટોપ મિસિતંતુ સ્તરમાં નાના બટન જેવા દેખાય છે અને સામાન્ય રીતે ઘાસ, પાંદડાં અથવા મૃત વૃક્ષની છાલ નીચે છુપાયેલા હોય છે.

આ બટનો સંકોચાયેલા માળખાથી બનેલાં હોય છે અને જ્યારે પૂરતા પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે ઝડપથી વિસ્તરી શકે છે, સૂકા સ્પોન્જની જેમ.

બીજા તબક્કામાં તેની વૃદ્ધિ ત્યારે જોવા મળે છે જ્યારે તે પાણી શોષી લે છે અને તેમાં ભેજ ઉત્પન્ન થાય છે. તેની અંદરના મિસિતંતુ ખૂબ મોટી માત્રામાં પાણી શોષી લે છે અને તેથી તેમાં ફળ આવવાની શરૂઆત થાય છે.

આ વિશે ફર્ઝીન કહે છે કે, “જમીનની અંદર એક વાળથી પણ પાતળા ફાઇબર હોય જેને, કવકતંતુ કહેવાય છે. આવા ઘણા કવકતંતુ એકબીજાની અંદર ગૂંથાઈને મિસિતંતુ બનાવે છે અને ઘણા મિસિતંતુ બનીને ફૂગનું નિર્માણ કરે છે. આ બધી જ પ્રક્રિયા જમીનની નીચે થાય છે અને નરી આંખે નથી દેખાતી.”

“પરંતુ જ્યારે તેમાં વરસાદી ઋતુમાં પાણી અને ભેજ ભળે ત્યારે તેમાં બિલાડીના ટોપ નીકળે છે.”

તેઓ વધુમાં કહે છે, “બિલાડીના ટોપ બગાડવાની શરૂઆત કરે ત્યાર પછી જ તેમાં ફરીથી બીજ નીકળે અને બીજાણુ બને, જે બીજા વર્ષે ફરીથી પાકે અને નવા બિલાડીના ટોપ ઊગે.”

“જ્યારે આ બિલાડીના ટોપ પરિપક્વ થઈને બગડવાની શરૂઆત કરે ત્યારે તેમાંથી ફરીથી બીજાણુ બનાવે છે.”

“બીજકણમાં આરામનો સમયગાળો હોય છે અને તે તરત જ અંકુરિત નથી થતું. બીજકણ પણ પરાગની જેમ ઊડે છે અને કાર્બનિક સપાટીઓ જેમ કે લાકડું, છાણ, બગીચાનો કચરો વગેરે પર સ્થિર થાય છે અને તે ત્યાં અંકુરિત થવાનું શરૂ કરશે.”

નાના બિલાડીના ટોપ એક જ દિવસમાં ઊગી શકે છે, જ્યારે, મધ્ય અને મોટા બિલાડીના ટોપને જ્યારે ત્રણથી ચાર દિવસ સુધી થોડો થોડો ભેજ સતત મળતો રહે ત્યારે તે ઊગે છે.

તેમાં પણ, અમુક બિલાડીના ટોપને અમુક કલાક માટે જ જીવિત રહે છે, પરંતુ બીજાને અમુક અઠવાડિયા સુધી જીવિત રહી શકે છે.

બિલાડીના ટોપના ફાયદા

બિલાડીના ટોપના ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

ફર્ઝીન કહે છે કે, "દરેક ફંગસ વિઘટન તરીકે કામ કરે છે. આપણા આહાર શૃંખલાની ઇકૉસિસ્ટમમાં વિઘટન એ સૂક્ષ્મ જીવો છે જે મૃત અથવા ક્ષીણ થતી વસ્તુઓને પચાવે છે અને મૃત છોડ અને પ્રાણીઓને હ્યુમસમાં ફેરવે છે.”

“આપણે જ્યારે મનુષ્યને દફનાવીએ છે અથવા જ્યારે પશુ મરે છે, કચરો જમીનમાં ધીરે ધીરે ભળે છે ત્યારે આવા ફંગસ તેનું વિઘટન કરે છે. તે તેમને ફરીથી તેને ઇકૉસિસ્ટમ માટે ઉપલબ્ધ બનાવે છે.”

તેમનું કહેવું છે કે “અમુક બિલાડીના ટોપમાં એક પ્રકાશીય ગુણધર્મ છે જે ફ્લોરોસેન્સ દર્શાવે છે, જે રાત્રે ચમકે છે.”