વરસાદ બાદ પાંખોવાળાં મકોડા અચાનક કેમ ફૂટી નીકળે છે, શું છે તેની પાછળનું કારણ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રુચિતા
- પદ, બીબીસી ગુજરાતી માટે
સમગ્ર ગુજરાતમાં પહેલો વરસાદ વરસી ચુક્યો છે અને વરસાદ સાથે જ મકોડાને અચાનક પાંખો આવવા લાગી છે. તે એક દિવસ માટે ઊડતા દેખાય છે અને પછી બીજા દિવસે તેમની પાંખો વેરવિખેર પડેલી જણાય છે.
આવા જ ઊડતા મકોડાઓના ઝુંડે 2018માં ઇંગ્લૅન્ડમાં વિમ્બલડન મૅચમાં અડચણ ઊભી કરી હતી. તેમનો ખતરો એટલો મોટો થઈ ગયો કે ખેલાડીઓ માટે ટેનિસ રમવું મુશ્કેલ થઈ ગયું હતું.
તો શું છે આ ઊડતા મકોડા જે પેહેલા વરસાદ બાદ જોવા મળે છે?
એવું શું થાય છે પહેલા વરસાદ પછી મકોડાને પાંખો ફૂટે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ વિશે બીબીસીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાનકેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક લલિત ગઢિયા સાથે વાત કરી. તેઓ કીટકશાસ્ત્રી પણ છે.
બીબીસી સાથે વાતચીતમાં તેઓ કહે છે કે, “ચોમાસાનો પહેલો વરસાદ ધીમેધીમે જમીન પર પડે ત્યારે માટીની અંદર માઇક્રોબાયલ પ્રવૃત્તિ શરૂ થાય. જેના કારણે જ માટીની મીઠી સુગંધ પણ આવે છે. આ માઇક્રોબાયલ પ્રવૃત્તિને કારણે જ મકોડાને પાંખો આવે છે.”
લલિત ગઢિયા વધુમાં જણાવે છે, "જો વરસાદ ધીમો ન હોય અને ઝડપથી આવે છે તો માઇક્રોબાયલ પ્રવૃત્તિ થતી નથી, માટીની મીઠી સુગંધ આવતી નથી અને મકોડાને પાંખો પણ આવતી નથી."
ચોમાસાનો પહેલો વરસાદ પડે ત્યારબાદ વાતાવરણમાં બફારો વધે છે અને જમીનમાં ગરમી વધે છે તેથી મકોડાઓ એક સાથે દરમાંથી બહાર આવે છે.
એનએસઓ જર્નલમાં એક અભ્યાસ પ્રકાશિત થયો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મકોડા ઠંડું વાતાવરણ પસંદ કરે છે. તેથી તે ગરમ વાતાવરણથી ઠંડા વાતાવરણ તરફ જવાના ભાગરૂપે શહેરી ગરમી છોડીને ગામડાં તરફ પ્રસ્થાન કરતા હોય છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તાર શહેરો કરતાં ઠંડા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચોમાસાનો પહેલો વરસાદ પડતાં જ બફારો વધે છે. એ જ રીતે જમીનમાં ગરમીમાં પણ વધારો થાય છે. એવામાં મકોડાઓ કે જીવડાં એક સાથે દરમાંથી બહાર આવે છે.
પ્રોફેસર ગઢિયા કહે છે કે, "ઊડતા મકોડાઓમાં રાણી, નર અને અન્ય માદા હોય છે. રાણીનું કામ ઈંડાં મૂકવાનું હોય છે, નરનું કામ રાણી સથે સમાગમ કરવાનું હોય છે અને અન્ય માદા મકોડાઓ કાર્યકરની ભૂમિકા ભજવે છે."
"તેમાં રાણી ઈંડાં મૂકે અને માદા કાર્યકરો એ ઈંડાં અને લારવાની દેખરેખ રાખે તથા ખોરાક ભેગો કરે."
બીજી તરફ, માદા મકોડા દરને મોટું કરવાનું કાર્ય કરે છે, અને એનું પણ ધ્યાન રાખે છે કે તેમનું દર વ્યવસ્થિત રીતે કામ કરે છે કે નહીં.
આ ઈંડાંમાંથી મોટા ભાગે આવા જ માદા કાર્યકર જન્મ લે છે. પરંતુ જયારે તેમનું ઝુંડ સંપૂર્ણપણે બની જાય જાય છે ત્યારે કુંવારી રાણી અને નરનો જન્મ થાય છે.
એક સમય પછી રાણી તેનાં ઝુંડથી નીકળીને બીજું ઝુંડ બનાવે છે. તેના માટે રાણીએ બીજા ઝુંડના નર સાથે સમાગમ કરવો પડે છે અને બીજી જગ્યાએ ફરીથી તેને રહેવા માટે નવું દર બનાવવું પડે છે. પરંતુ આવું રાણી ત્યારે જ કરી શકે જયારે તેને પાંખો આવે.
જ્યારે પાંખવાળા નર અને કુંવારી રાણી દરમાંથી બહાર નીકળે ત્યારે તે દર છોડી દે છે અને વિખેરાય જાય, જેથી કરીને તે બીજા ઝુંડના નર સાથે સમાગમ કરી શકે અને સંવર્ધન કરી શકે. આ પ્રક્રિયા વારંવાર થાય છે.
આ રીતે દર વર્ષે આ મકોડા તેમના દરમાંથી ઊડે છે. તે જયારે ઉડાણ ભરે છે ત્યારે તે સમાગમ માટે સાથી શોધી રહ્યા હોય છે.
લંડન સ્થિત નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ મુજબ, ઊડતી વખતે મોટા કદની રાણી અને નાના કદના નર સાથે ઊડે છે. આ તેમની પહેલું વૈવાહિક ઉડાણ હોય છે.
પહેલા ઉડાણ પછી શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ મુજબ, એકવાર મકોડાએ ઉડાણ દરમિયાન સમાગમ કરી લીધું, ત્યાર બાદ નરનું કામ પૂરું થઈ જાય છે. સમાગમ બાદ રાણી તુરંત જ નરની પાંખ કાપી દે છે અને એક સુરક્ષિત જગ્યા શોધે છે જ્યાં તે દર બનાવી શકે અને નવું ઝુંડ બનાવી શકે.
વળી, એક દિવસના ઉડાણ બાદ રાણી પોતાની પાંખો પણ જાતે જ કાપી લે છે. તે પછી કદી ઉડાણ ભરતી નથી. તેથી, બીજા દિવસે તમે જોયું હશે કે મકોડાઓની પાંખો નીચે વેરવિખેર પડેલી હશે.
એ બાદ આખું વર્ષ તમને જે મકોડાઓ દેખાય છે તે કાર્યકર માદા મકોડાઓ હોય છે જે ઝુંડ માટે ખોરાક શોધતા હોય છે.
એક વાર પાંખો કપાયા બાદ, રાણી એક યોગ્ય જગ્યા શોધી લે છે અને ત્યાં તે દર બનાવે છે અને તેનાં ઈંડાં મૂકે છે. રાણી તેનું પુખ્ત જીવન ઈંડાં પાળવામાં વિતાવે છે. તે ઘણાં અઠવાડિયાં સુધી ખાતી નથી. પછી તે ત્યારે જ ખાવાનું શરૂ કરે છે જયારે તેની કાર્યકર પુત્રીઓ(માદા મકોડા) તેના માટે ખોરાક શોધી ન લાવે.
તેમની વૈવાહિક ઉડાણ દરમિયાન રાણીને જે શુક્રાણુઓનો સ્ટૉક મળ્યો હોય છે તેના દ્વારા તે ઈંડાં મૂકે છે અને જીવનભર તેને પાળે છે. તે વર્ષો સુધી ઈંડાં મૂકી શકે છે. તે ત્યાં સુધી ઈંડાં મૂકે છે જ્યાં સુધી તેમનું ઝુંડ હજારો મકોડાઓનું ન થઈ જાય.
જીવડાં એક સાથે ઝુંડમાં કેમ ઊડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
મકોડાઓ સૂકી જમીનમાં રહે છે. તેઓ કાં તો બગીચામાં અથવા પથ્થરોની નીચે અથવા ફૂલમાં રહે છે. મૂળભૂત રીતે દરેક જગ્યા જ્યાં શુષ્ક ખુલ્લો વિસ્તાર હોય અને સૂર્ય તે વિસ્તારને સ્પર્શતો હોય ત્યાં આ મકોડા જોવા મળે છે.
આ મકોડાઓનું ઝુંડ જમીનની બહાર નીકળે તે પહેલાં તમે જમીનને ફૂલેલી પણ જોઈ હશે.
મકોડાઓનું એક સાથે ઉડાણ ભરવાનું કારણ એ છે કે, એક સાથે રહેવાથી તે શિકારીથી બચી શકે છે. સાથે ઊડવાથી તે સુરક્ષિત રહે છે.
બીજું કારણ એ છે કે, સાથે ઊડવાથી પ્રજનન વધે છે. જયારે મોટી માત્રામાં મકોડાઓ કે જીવડાં સાથે ઊડે છે ત્યારે તેમને સમાગમ માટે દૂર નથી જવું પડતું. તેઓને સમાગમ માટે નજીકમાં જ સાથીદાર મળી રહે છે.
તેમના જીવનકાળમાં સમાગમનો એક સમયગાળો આવે છે, જેમાં રાણી અનેક ભાગીદાર સાથે સમાગમ કરે છે.
આ મકોડાઓનું જીવન કેટલું લાબું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર ગઢિયા કહે છે કે, "નરનો જન્મ બિનફળદ્રુપ ઈંડામાંથી થાય છે. તે દરમાં કોઈજ કામમાં મદદરૂપ નથી થતા. તે તેમની વૈવાહિક ઉડાણ બાદ અમુક દિવસોમાં મૃત્યુ પામે છે. તેમનું જીવન વધુમાં વધુ અમુક અઠવાડિયાંનું જ હોય છે. તેમના અસ્તિત્વનું કારણ જ એ છે કે તે રાણી સાથે સમાગમ કરી શકે."
"રાણી 15 વર્ષ સુધી જીવી શકે છે. પરંતુ તેમનું મોટા ભાગનું જીવન દરમાં જ વીતે છે. તે તેમના જીવનની અમુક જ પળ પાંખ સાથે જીવે છે. તેમના અસ્તિત્વનું ધ્યેય નવું ઝુંડ બનવવાનું હોય છે."
ઊડતા મકોડા માટીની ફળદ્રુપતા વધારે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ઊડતા મકોડાથી આપણે હેરાન થઈ જઈએ છીએ પરંતુ મકોડાઓનું ઝુંડ જ્યાં રહેતું હોય ત્યાં તમે જમીન ફૂલેલી પણ જોઈ હશે. તે જેવી રીતે જમીનને ખોદે છે તે માટીની ગુણવત્તા વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તે જયારે ઊડાણ ભરે છે ત્યારે પણ તે અમુક પંખીઓનો મુખ્ય ખોરાક બને છે.












