કૂતરું માણસને કરડશે એવો સંકેત ક્યારે મળે અને પાછળ પાછળ આવે તો શું કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કલૈવણી પનીરસેલ્વમ
- પદ, બીબીસી તમિલ માટે
સોમવારે સુપ્રીમ કોર્ટે ડૉગ બાઇટ અને રૅબીઝની વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતાં દિલ્હી અને એનસીઆરમાં તમામ રસ્તે ફરતાં કૂતરાંઓને ડૉગ શૅલ્ટરમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ માટે અધિકારીઓને આઠ અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે આપેલા આ આદેશનો પશુપ્રેમીઓએ વિરોધ કર્યો છે. પશુ અધિકાર સંસ્થા પેટા ઇન્ડિયાએ કહ્યું છે કે કૂતરાંઓને દૂર કરવાં ન તો વૈજ્ઞાનિક રીત છે અને ન આ સમસ્યાનું સ્થાયી સમાધાન છે.
રાજકોટમાં અગાઉ એક ચાર વર્ષની બાળકી પર શ્વાનોએ હુમલો કરતાં બાળકીનું મૃત્યુ થયું હતું. જંગલેશ્વર વિસ્તારમાં સાંજે પરપ્રાંતીય પરિવારની આ બાળકી જ્યારે ઘરની નજીક હતી ત્યારે શ્વાનોનાં ટોળાંએ તેની પર હુમલો કરી દીધો હતો. બાળકને શ્વાનોના હુમલામાં ખૂબ ઈજાઓ થઈ હતી.
શ્વાનોના કરડવાની ઘટનાઓ અવનારનવાર સાંભળવા મળે છે.
આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો આઠમા ધોરણનો વિદ્યાર્થી સબેશ ગયા મહિને રમવા માટે ઘરની બહાર નીકળ્યો હતો. સબેશને કૂતરાં બહુ ગમતાં હતાં. તેથી તે રાબેતા મુજબ પૉમેરિયન ડોગ સાથે રમી રહ્યો હતો ત્યારે જ તે કૂતરાએ સબેશના પગમાં બચકું ભરી લીધું હતું.
સબેશને ડર હતો કે આ વાત માતા-પિતાને કહેશે તો તેઓ તેને ઠપકો આપશે અને મારશે. તેથી તેણે હળદરનો ભુક્કો લઈને પોતાના પગ પર કૂતરો કરડ્યો હતો એ ભાગ પર લગાવી દીધો હતો અને કોઈને કશું જણાવ્યું ન હતું.
એક મહિના પછી પહેલી સપ્ટેમ્બરે સબેશ વિચિત્ર વર્તન કરવા લાગ્યો હતો. તે કશું ખાતો ન હતો અને પાણીને જોતાં જ દૂર ભાગતો હતો.
માતા-પિતાએ કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે તેને એક મહિના પહેલાં કૂતરો કરડ્યો હતો. એ પછી સબેશને નજીકની એક હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. જિંદગી માટે સબેશ દિવસો સુધી લડતો રહ્યો હતો, પણ આખરે મૃત્યુ પામ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતાના ખોળામાં સૂતેલા અને જીવન માટે તરસી તથા રડી રહેલા સબેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, આ ઘટના દર્શાવે છે કે કૂતરો કરડે એ સાપ ડંખ મારે તેના જેટલી જ ખતરનાક બાબત છે અને તેની તત્કાળ સારવાર કરવી જોઈએ.
જોરદાર તરસ લાગી હોય છતાં પાણીથી ડરવું એ ભયંકર બાબત છે. તેથી જ હડકવાને તમામ ચેપી રોગોમાં સૌથી વધુ પીડાદાયક અને ભયાનક માનવામાં આવે છે.

કૂતરો માણસને શા માટે કરડે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૂતરો માણસને ક્યારે અને શા માટે કરડે? તેમનું વર્તન કેમ બદલાઈ જાય? બીબીસીએ આ મામલે કોઇમ્બતૂરસ્થિત શ્વાનના વર્તનનાં નિષ્ણાત શ્રીદેવી સાથે વાત કરી હતી.
શ્રીદેવીના જણાવ્યા મુજબ, કૂતરાને ભય લાગે અથવા તે પોતાને બચાવવા ઇચ્છતો હોય ત્યારે તેને લાગે છે કે સામેના માણસ કે પશુને બચકું ભરવાથી જ તે ખુદને બચાવી શકશે. પરિસ્થિતિનો સામનો કરતી વખતે તે ઉગ્ર બની જાય છે.
શ્રીદેવી કહે છે, “કેટલાક લોકો પણ ગુસ્સે થાય, લાગણીશીલ બની જાય કે લડવાનું નક્કી કરે ત્યારે આવું વર્તન કરતા હોય છે. કાં તો તેઓ બૂમો પાડે અથવા તો સામેની વ્યક્તિને મારવા લાગે. પ્રાણીઓ પણ આવું કરે છે. પહેલાં તેઓ ભસે છે અને પછી બચકું ભરે છે.”
આ બાબતમાં રખડતાં કૂતરાં અને પાળેલાં કૂતરાં વચ્ચે કોઈ ભેદ હોતો નથી. એ બધાં આખરે તો પ્રાણીઓ જ છે.

રખડતા કૂતરા અને પાળેલા કૂતરાની સમસ્યાઓ

ઇમેજ સ્રોત, SRIDEVI
રખડતાં કૂતરાંના સ્વભાવની વાત કરતાં શ્રીદેવી કહે છે, “કૂતરાંનું મુખ્ય ધ્યેય જીવતા રહેવા માટે ખોરાક શોધવાનું હોય છે. તેમને પૂરતું ખાવાનું મળી રહે તે જરૂરી હોય છે. રખડતાં કૂતરાંમાં પણ એક પ્રકારની વ્યવસ્થા હોય છે. તેમનો પોતાનો વિસ્તાર હોય છે. કોઈ બીજો કૂતરો ત્યાં પહોંચી જાય તો તે પોતાનું સામ્રાજ્ય જોખમમાં હોય એ રીતે ભસવા લાગે છે. ભસવાથી તેનાં સાથી કૂતરાંને ચેતવણીનો સંકેત મળે છે.”
બીજી તરફ પાળેલાં કૂતરાંને તેના માલિકો યોગ્ય સમયે ભોજન આપતા રહે છે, પરંતુ તેમની માનસિક તથા ભાવનાત્મક સમસ્યાઓ હોઈ શકે છે.
કંઈક થશે તેવા ડરની લાગણીથી તેઓ જેને જુએ તેની સામે ભસે છે, એમ જણાવતાં શ્રીદેવી ઉમેરે છે, “ઘણા લોકો ઘરે કૂતરાં પાળે છે. ક્યારેક તેઓ પાળેલાં કૂતરા પર ગુસ્સો કરે છે. કૂતરાની સંતુલિત સંવેદના માટે તેવું વર્તન અપમાનજનક હોય છે. તેના લીધે કૂતરો માણસ પ્રત્યેનો વિશ્વાસ અને આદર બન્ને ગૂમાવી દે છે. આ સ્થિતિ વકરે તો આગળ જતાં કંઈ પણ થઈ શકે છે.”
શ્રીદેવીના જણાવ્યા મુજબ, માણસો અને કૂતરાંની સમસ્યાનું કારણ આ છે.

પાળેલો કૂતરો હતાશ છે તેની ખબર કેવી રીતે પડે?
માણસને સતાવવામાં આવે તો પહેલાં તે ના કહેશે. પછી તે અવાજ ઉઠાવશે અને બરાડશે. તેને ફરી પરેશાન કરવામાં આવશે તો તે હાથ ઉઠાવશે. પોતાના હાથમાં આવશે તે વસ્તુનો ઘા કરશે. એ પછી પણ સતામણી ચાલુ રહેશે તો તે એવું વિચારશે કે ફટકો મારવો એ જ છુટકારો મેળવવાનો એકમાત્ર ઉપાય છે. કૂતરાંનું પણ એવું જ છે, એમ શ્રીદેવી જણાવે છે.
તેઓ ઉમેરે છે, પોતાનો કૂતરો કેવા વાતાવરણમાં અસ્વસ્થતા અનુભવે છે તેનું અવલોકન માલિકે કરવું જોઈએ અને તે જાણવું જોઈએ. સમાન પ્રકારની પરિસ્થિતિ વારંવાર સર્જાય તો કૂતરો પણ એવું વિચારશે કે આક્રમક વર્તન કરીશ તો જ માણસો મારી વાત સાંભળશે. પછી તે અણગમતી પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા ભસે છે અથવા બચકું પણ ભરી શકે છે.
શ્રીદેવીએ કહ્યું હતું, “ઘણીવાર લોકો કૂતરાને સમજી શકતા નથી. કૂતરો કરડતો હોવાથી તેને દૂર લઈ જઈને છોડી દે છે. તેને લીધે પણ કૂતરો માણસમાંથી ભરોસો ગૂમાવી બેસે છે અને અન્યોને પણ કરડે છે.”
જે કૂતરો એકવાર કરડ્યો હશે તે તેના માલિકમાં કે સમગ્ર માનવજાતમાંથી ભરોસો ગૂમાવી દેશે. એ ભરોસો પુનઃસ્થાપિત કરવાનું મુશ્કેલ છે.

કૂતરાઓ પણ અંતર્મુખી અને બહિર્મુખી હોય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માણસની જેમ કૂતરાં પણ અંતર્મુખી અને બહિર્મુખી હોય છે. કૂતરો બહિર્મુખી હોય તો તેને સોશિયલઈઝ કરી શકાય, પરંતુ કૂતરો ભયભીત અંતર્મુખ હોય તો તે કરડે તેવી શક્યતા વધારે હોય છે, એમ શ્રીદેવીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું, “માણસોની ઉત્ક્રાંતિ થઈ છે પણ પશુઓની થઈ નથી. કૂતરાં વરુમાંથી મૂળ સ્વરૂપ પામ્યાં હોવાનું આપણે સાંભળ્યું છે. માણસે કૂતરાં પાળવાનું શરૂ કર્યું તે પહેલાં કૂતરાં જંગલી પ્રાણીઓ હતાં. તેથી જંગલી પ્રાણીના જીન્સ આજે પણ તેમનામાં છે.”
અન્ય પ્રાણીઓની માફક કૂતરાં પણ જંગલમાં ઝૂંડમાં શિકાર કરતાં હતાં, એમ જણાવતાં તેઓ કૂતરાંને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરે છે.
ફ્રન્ટલાઇન કૂતરાંમાં નેતૃત્વ કરવાની, સ્વતંત્ર રીતે કામ કરવાની આવડત હોય છે. તેઓ પડકારોથી ડરતાં નથી અને ક્ષમતાવાન હોય છે. આ પ્રકારનાં કૂતરાં બહિર્મુખ હોય છે.
બીજા પ્રકારનાં કૂતરાંમાં પોતાને ભીડથી અલગ કરવાની આવડત હોય છે. તેઓ સંતુલિત મન સાથે આગળ વધે છે, જેથી તેમની પાછળનાં કૂતરાં વિચલિત ન થાય. તમે તેને ગમે તેટલો પ્રેમ કરો, પણ તેઓ ગણકારતાં નથી.
ત્રીજા પ્રકારનાં કૂતરાં તેમની પાછળ જરા સરખો અવાજ સંભળાય તો પણ હુમલો કરવા તૈયાર હોય છે. તેઓ ભાવુક હોય છે. તે કાયમ સતર્ક રહેતા હોવાથી આસાનીથી હુમલો કરી શકે છે. આ પ્રકારનાં કૂતરાં અંતર્મુખ હોય છે.
શ્રીદેવી કહે છે, “આપણે કૂતરાંને ભલે ગમે તેટલી સારી રીતે પાળીએ, પરંતુ તેનો મૂળ સ્વભાવ બદલાતો નથી, કારણ કે આખરે તો તે પ્રાણી જ છે. આપણા પરના જોખમનો આધાર તે ક્યારે ચિડાય છે તેના પર હોય છે.”

‘પાળેલો કૂતરો કરડે તો તેનો માલિક જવાબદાર’

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીદેવીના જણાવ્યા મુજબ, “પાલતુ કૂતરાંના વર્તનને ધ્યાનમાં લઈને તેમનું રસીકરણ કરાવવામાં ન આવ્યું હોય ત્યારે એ કૂતરાંના વર્તન માટે તેના માલિકો જવાબદાર હોય છે. કૂતરાને બહાર લઈ જવામાં આવે ત્યારે હડકવાગ્રસ્ત અન્ય કૂતરો કરડે તો પાળેલા કૂતરાને પણ હડકવાનો ચેપ લાગી શકે છે. પાળેલા કૂતરાને રસી આપવામાં આવી હોય તો તે હડકવા સામે સલામત રહે છે. તેનાથી અન્યમાં હડકવા પ્રસરતો અટકે છે.”
એ ઉપરાંત પાળેલાં કૂતરાંનું ઘરમાં રસીકરણ કરવામાં ન આવ્યું હોય અથવા સરકાર કૂતરાની વસ્તીનું નિયંત્રણ કરવામાં નિષ્ફળ જાય તો શ્વાનની સંખ્યા વધવાથી હડકવાનું જોખમ પણ વધે છે.
કૂતરો કેવા મૂડમાં છે તેનું અર્થઘટન કરવા શ્રીદેવી તેની બૉડી લૅંગ્વેજનો પણ ઉપયોગ કરે છે.
સામાન્ય પરિસ્થિતિમાં કૂતરાનું વર્તન કેવું હોય?
- તે બગાસાં ખાય છે, જીભથી પોતાનું નાક લૂંછે છે.
- જમીન પર બેસીને જીભ વડે પોતાના પગ ચાટે છે.
- તે ગુસ્સે થયો હોય તો પોતાનું મસ્તક, શરીર આમતેમ ફેરવે છે.
- તેની નજીક જાઓ તો તે દૂર જાય છે.
મધ્યમ પરિસ્થિતિમાં કૂતરાનું વર્તન
- તેનું શરીર વળેલું હોય છે અને કાન પાછળ ખેંચાયેલા હોય છે.
- ઊભો હોય તો તેના શરીરનો પાછલો હિસ્સો ઊંચો અને વળેલો હોય. આગળનો હિસ્સો ફેલાયેલો હોય. તેની પૂંછડી પાછલા બે પગની વચ્ચે હોય.
- સૂતી વખતે પગ ઉંચકાયેલો હોય છે.
જોખમી ચિહ્નો
- કૂતરો સતત ઊભો રહે છે અને ચારે તરફ જોતો રહે છે.
- પોતાના દાંત વિકૃત રીતે દેખાડીને ઘુરકિયાં કરે છે.
- જોરથી ભસે છે.
- અચાનક દોડી આવે છે અને બટકું ભરે છે.
પરંતુ શ્વાન લોકોનો પીછો શા માટે કરે છે?
રખડતો કૂતરો એવું વિચારી શકે કે જે લોકો તેને ભગાડી મૂકે છે અને તેને પથ્થર મારે છે તેમની પાછળ એક વખત દોડીશું તો તેઓ ડરી જશે.
તેથી તેની આત્મસંરક્ષણ પદ્ધતિ જ ડર પર આધારિત છે, એમ જણાવતાં શ્રીદેવી ઉમેરે છે, કૂતરાં લોકોની પાછળ દોડે છે, કારણ કે કૂતરાંને દૂર ભગાડીને જ આપણે પોતાનું રક્ષણ કરી શકીએ તેવું કૂતરાં માણસ પાસેથી જ શીખે છે.

કૂતરો કરડવા આવે ત્યારે શું કરવું અને શું ન કરવું?

ઇમેજ સ્રોત, Getty Images
કૂતરો તમને કરડવા આવે ત્યારે તમારી પાસે જે વસ્તુ હોય તેનાથી તમારે ખુદનો બચાવ કરવો જોઈએ.
કૂતરો તમારા પ્રાઇવેટ પાર્ટની નજીક ન આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
કૂતરાં સામે બૂમો પાડશો નહીં. માણસની માફક કૂતરાંને પણ કોઈ તેમની સામે બૂમો પાડે તે ગમતું નથી. તમારાં બૂમબરાડા કૂતરાં માટે ઉન્માદનું કારણ બની શકે.
તમે ભયભીત નથી એવો ડોળ કરો. શાંતિથી ઊભા રહો. વિરોધ ન કરો, કારણ કે તમે ભયભીત હશો તો તમારા શરીર પર તમારું નિયંત્રણ નહીં રહે.
કૂતરો બચકું ભરે ત્યારે તેને ફટકો કે લાત મારવાથી તે વધારે ગુસ્સે થશે. તે જોરથી બચકું ભરશે તો તેના દાંત તમારા શરીરમાં ઊંડે સુધી જઈ શકે છે અને હડકવાના વાયરસ તમારા શરીરમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે.

કૂતરા સાથે કેવું વર્તન કરવું અને કેવું ન કરવું?
તમે ડોગ બ્રિડરને ત્યાં જાઓ ત્યારે તેના માલિકને પહેલો સવાલ એ કરો કે કૂતરો કરડે છે કે નહીં.
તમે કૂતરાને મળી શકશો કે નહીં તેનો નિર્ણય કૂતરો કરશે. તે મળવા ઇચ્છતો હશે તો પૂંછડી હલાવતો તમારી પાસે આવશે. તમને સુંઘશે. તમારી પાસે આવીને બેસી જશે, એમ જણાવતાં શ્રીદેવી ઉમેરે છે, આવા સંકેત મળે પછી જ તમારે કૂતરા સાથે ઇન્ટરએક્ટ કરવું જોઈએ.
તમે અચાનક કોઈ અજાણી વ્યક્તિને ભેટી પડો તો એ તમને દૂર ધકેલી દેશે. કૂતરો પણ તેવું જ કરશે. તમને કૂતરાં ગમતાં હોય તે સારી વાત છે, પરંતુ કૂતરાની મરજી વિના તેને સ્પર્શ કરવો ન જોઈએ. તેને ઊંચકવો ન જોઈએ.
કૂતરો કરડે તે કેટલું જોખમી?
કૂતરો માણસને કરડે તો શું થાય, તેની માહિતી એક પબ્લિક વેલ્ફેર ડૉક્ટર અમલોપ્પ અનંતને આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે હડકવાગ્રસ્ત કૂતરો માણસને કરડે તો હડકવાના વાયરસ શરીરમાંના લોહીના પ્રવાહમાં ભળી જાય, જ્ઞાનતંતુઓ મારફત મગજ સુધી પહોંચી જાય અને માણસ મૃત્યુ પામે.
તેમણે કહ્યું હતું, “વાયરસ નસમાં અટકી જાય તો તેને બહાર કાઢવાની કોઈ દવા હજુ સુધી શોધાઈ નથી. માણસને હડકવા થાય તો તેને તેમાંથી મુક્તિ અપાવવી બહુ જ મુશ્કેલ છે.”
હડકવા જંગલી શિયાળ, કૂતરા, ચામાચીડિયાં, બિલાડીઓ અને ઉંદર મારફત ફેલાય છે, પરંતુ 97 ટકા કિસ્સામાં તેનો પ્રસાર કૂતરાં મારફત જ થાય છે.
કોઈ કૂતરાને હડકવા થયો છે કે કેમ તે કેવી રીતે જાણવું?
ડૉ. અમોલપ્પ અનંતનના જણાવ્યા મુજબ, એવાં કૂતરાં બહુ જ શાંત અથવા તો બહુ આક્રમક થઈ જાય છે. કૂતરાંના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળે તો તેની પાસે ન જવું જોઈએ.
તેમણે કહ્યું હતું, “હડકવાથી સંક્રમિત કૂતરાંને યોગ્ય સલામતી સાથે પશુચિકિત્સક પાસે લઈ જવો જોઈએ. તેને માઉથ ગાર્ડ પહેરાવવું જોઈએ અને ડોગ હેન્ડલર્સની મદદ લેવી જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું, “તમે કૂતરો દત્તક લેવા ઇચ્છતા હો તો પણ તમારે સૌપ્રથમ હડકવા માટે કૂતરાની લાળનું પરીક્ષણ કરાવવું જોઈએ. પછી દર વર્ષે સમાન તારીખે કૂતરાને હડકવાવિરોધી રસી અપાવવી જોઈએ. એ બાબતે બેદરકાર રહેવું ન જોઈએ.”
ડૉ. અમોલપ્પ અનંતને જણાવ્યું હતું કે પાલતુ કૂતરો વૅક્સિનેટેડ હોય તો પણ તે કરડે ત્યારે તેના દાંતથી ચામડી ફાટી જાય છે. તેથી માણસોએ પણ રસીકરણ કરાવવું જોઈએ.

‘કૂતરાનું કરડવું અને સાપનો ડંખ એકસમાન’

ઇમેજ સ્રોત, AMALORPAVANATHAN
કૂતરો કરડવાના જોખમ વિશે વાત કરતાં ડૉ. અમોલપ્પ અનંતને જણાવ્યું હતું કે શેરીમાંનાં અજાણ્યાં કૂતરાં સાથે ન રમવા અને ગલુડિયાં હોય તો પણ તેને ન ઉંચકવાની ચેતવણી માતા-પિતાએ તેમનાં બાળકોને આપવી જોઇએ. એમ કરવાના પરિણામથી માહિતગાર કરવા જોઈએ.
તેમણે કહ્યું હતું, “કૂતરો કે બિલાડી બચકું ભરે ત્યારે માતા-પિતા ઠપકો આપશે એમ વિચારીને એ વાત માતા-પિતાથી નહીં છુપાવવા બાળકોને જાગૃત કરવાં જોઈએ.”
ડૉ. અમોલપ્પ અનંતને ભારપૂર્વક જણાવ્યું હતું કે કૂતરાએ ભરેલા બચકાને, સાપ દ્વારા ડંખ મારવા જેટલી જ ખતરનાક બાબત ગણવી જોઈએ, કારણ કે સાપનું ઝેર માણસને તરત મારી નાખે છે, જ્યારે હડકવાના વાયરસ માણસને ધીમેધીમે ખતમ કરે છે. બન્ને કિસ્સામાં માણસનું મરણ થઈ શકે છે.
તેમણે કહ્યું હતું, “કૂતરો કરડે પછી તરત જ શરીરના એ હિસ્સાને સાબુથી સારી રીતે ધોઈ નાખવો જોઈએ અને થોડા કલાકોમાં જ વૅક્સિન લઈ લેવી જોઈએ. આ રસી તમામ સરકારી હૉસ્પિટલો અને પ્રાથમિક આરોગ્યકેન્દ્રોમાં ઉપલબ્ધ હોય છે. હડકાયું કૂતરું કરડે તો મોટી હૉસ્પિટલમાં ઇમ્યુનોગ્લોબિનની સારવાર લેવી જોઈએ.”
કૂતરો કરડવાના કિસ્સામાં તમામ જરૂરી વૅક્સિનેશન થવું જોઈએ, એમ જણાવતાં ડૉ. અમોલપ્પ અનંતને ઉમેર્યું હતું કે એક ઇન્જેક્શન લઈ લીધું, ત્રણ ઇન્જેક્શન લઈ લીધાં. હવે અમારે કામ છે એટલં બાકીનાં પછી લઈશું એમ વિચારીને વૅક્સિનેશનની પ્રક્રિયા કોઈ પણ કારણસર મુલતવી રાખવા જોઈએ નહીં. ભલે ગમે તેવું કામ હોય, કૂતરું કરડે ત્યારે તત્કાળ ઇન્જેક્શન લેવું અનિવાર્ય છે.

હડકવાના પીડિતની સારવાર કેવી રીતે કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અમોલપ્પ અનંતને જણાવ્યું હતું કે માણસને હડકવા થયો હોય તો તેની સારવાર જાતે ન કરવી જોઈએ.
તેમણે કહ્યું હતું, “એવી વ્યક્તિની લાળમાં હડકવાના વાયરસ હોય છે. તેમને સાંકળ સાથે બાંધવા કે મારવાને બદલે હૉસ્પિટલે લઈ જવી જોઈએ, કારણ કે વાયરસથી તેમની નર્વસ સિસ્ટમમાં ચેપ ફેલાઈ ગયો હોય છે. નર્વસ સિસ્ટમમાં વાયરસનું ઇન્ફેક્શન થયું હોવાથી ચેપગ્રસ્ત વ્યક્તિને પાણી પીવાથી ઉધરસ આવે છે. એને પાણી પીવાનો ડર લાગે છે અને એ પાણીથી દૂર ભાગે છે. આવો હાઇડ્રોફોબિયા થઈ જાય પછી જીવન ટકાવવું મુશ્કેલ બની જાય છે.”
તેથી કૂતરાંનું સંવર્ધન કરતા અને તેમને સામાજિક પ્રાણી બનાવવાના પ્રયાસ કરતા લોકોની જવાબદારી બહુ મોટી છે.
ડૉ. અમોલપ્પ અનંતનના જણાવ્યા મુજબ, હડકવાનો વાયરસ શરીરમાં પ્રવેશ્યાના સાતથી પંદર દિવસ પછી લક્ષણ દેખાવા શરૂ થાય છે. કૂતરાના દાંત શરીરમાં કેટલા ઊંડે ગયા છે અને તેની લાળ લોહીમાં કેટલા પ્રમાણમા ભળી ગઈ છે તેના આધારે એક મહિના પછી પણ હાઇડ્રોફોબિયા થઈ શકે છે. કૂતરાએ મગજથી દૂર, જેમ કે પગમાં બચકું ભર્યું હોય તો વાયરસને મગજ પર હુમલો કરવામાં જે સમય લાગે તે અલગ હોઈ શકે.
ભારત સરકારના 'નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ' અને 'વિશ્વ આરોગ્ય સંગઠને' સાથે મળીને નિષ્ણાતોનું એક જૂથ બનાવ્યું છે તથા હડકવાથી બચવા માટેની માર્ગદર્શિકા પ્રકાશિત કરી છે. તેમાં ચેતવણી આપવામાં આવી છે કે માત્ર કૂતરો જ નહીં, બિલાડી કરડે તો પણ હડકવા થઈ શકે છે.
કોઈ માણસની ત્વચા પર નાના ઘા હોય અને તે કૂતરાને હાથ વડે ખવડાવે અથવા કૂતરા તેના ચહેરાને ચાટે તેને લીધે પણ કૂતરાની લાળમાંનો વાયરસ ત્વચા પરના ઘામાંથી શરીરમાં પ્રવેશીને ફેલાઈ શકે છે. દાખલા તરીકે, દાઢી કરવાને લીધે ચહેરા પર કાપો પડ્યો હોય અને કૂતરો ચહેરાને ચાટે તો પણ તેની લાળથી વાયરસ શરીરમાં પ્રવેશી શકે છે.
કૂતરો કરડે ત્યારે શુ કરવું અને શું ન કરવું?
- કૂતરો કરડે અથવા છીંકે ત્યારે શરીરને તે વિસ્તારને વહેતા પાણીમાં સતત 15 મિનિટ સુધી સાબુ વડે સાફ કરવો જોઈએ. તેમ કરવાથી વાયરસને દૂર કરી શકાય છે.
- કૂતરો કરડ્યો હોય તે જગ્યાએ એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવવું જોઈએ. તે હડકવાના વાયરસને રાસાયણિક રીતે નિષ્ક્રિય કરે છે.
- કૂતરો કરડ્યો હોય તે જગ્યાની આસપાસ અને ઊંડે સુધી ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્ટ કરવું જોઈએ. તેનાથી વાયરસને મારવામાં મદદ મળશે.
- કૂતરા પર કમસેકમ 10 દિવસ સુધી ચાંપતી નજર રાખવી જોઈએ. હડકવાથી સંક્રમિત કૂતરાનું 10 દિવસમાં મોત થતું હોય છે.
- પહેલા, ત્રીજા, સાતમા અને એકવીસમા કે 28મા દિવસે વૅક્સિન લેવી જોઈએ.
- ગર્ભવતી સ્ત્રીને કૂતરો કરડે તો તેને તત્કાળ વૅક્સિન આપવી જોઈએ. અન્યથા ગર્ભમાંના બાળકને પણ હડકવાનો ચેપ લાગી શકે છે.
- કૂતરો કરડ્યો હોય તો ઘાને હાથથી સ્પર્શ ન કરવો જોઈએ.
- ઘા પર માટી તથા હળદર કે મરચાનો ભુકો ન નાખવો જોઈએ.
- તેના પર નાળિયેરના તેલનાં ટીપાં કે ઓસડિયાં કે સોપારીનાં પાન મૂકવાં ન જોઈએ.
- ઘામાં બળતરા થાય તો વાયરસ આસાનીથી ચેતાતંત્રમાં પ્રવેશી શકે છે.
- કૂતરો કરડ્યો હોય એ જગ્યાએ પાટો ન બાંધવો જોઈએ.
લાંબા સમયથી સ્ટેરોઈડ્ઝ લેતી હોય તેવી એચઆઈવી-એઈડ્સથી સંક્રમિત વ્યક્તિ કે કૅન્સર-વિરોધી દવા લાંબા સમયથી લેતી વ્યક્તિને હડકવા થાય તો હડકવા-વિરોધી રસી સંપૂર્ણપણે અસરકારક સાબિત ન થાય તે શક્ય છે, એમ ડૉ. અમલપ્પ અનંતને જણાવ્યું હતું.














