આપણે કયું મીઠું ખાવું જોઈએ, હિમાલયન પિન્ક સૉલ્ટ કે રસોડામાં વપરાતું મીઠું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આન્દ્રે બિરનથ
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ
તાજેતરનાં વર્ષોમાં સુપરમાર્કેટમાં મસાલાઓ અને ખાસ કરીને મીઠામાં અનેક વેરાઇટી જોવા મળે છે.
રસોઈમાં વપરાતા રિફાઇન્ડ મીઠા અને બરછટ મીઠા ઉપરાંત હિમાલયન પિન્ક સૉલ્ટ તથા લાઇટ સૉલ્ટ અથવા લો-સોડિયમ સૉલ્ટ જેવી અનેક પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવી છે.
સામાન્ય રીતે આ બધાં આરોગ્યપ્રદ હોવાની અને હાયપરટેન્શન સામેની લડતમાં સહયોગી બનવાની ખાતરી આપે છે. હાયપરટેન્શન એક અત્યંત સામાન્ય રોગ છે, જેને હાર્ટઍટેક, અન્ય હૃદયરોગ સબંધીત બીમારી અને મૃત્યુ સાથે પણ સંબંધ છે.
સવાલ એ છે કે આ બધા વિકલ્પો જેની ગૅરંટી આપે છે તે સાચી છે ખરી?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ન્યૂઝે આ સંદર્ભે નિષ્ણાતો સાથે વાત કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મીઠાના પ્રકાર કરતાં તેનો સીમિત માત્રામાં ઉપયોગ કેવી રીતે કરવો તે મામલે જાગૃત રહેવું જરૂરી છે.
સામાન્ય શબ્દોમાં સમજીએ તો લાઇટ અથવા લો સોડિયમ સૉલ્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવાના પુરાવા છે.
જોકે, હિમાલયન પિન્ક સૉલ્ટ અથવા બરછટ મીઠાની બાબતમાં આવું કહી શકાય નહીં.
અભ્યાસો દર્શાવે છે કે તેમાં સોડિયમનું પ્રમાણ ખાવાના મીઠામાં હોય છે તેટલું જ હોય છે અને પરંપરાગત મીઠાને બદલે કોઈ વ્યક્તિ આ મીઠાનો ઉપયોગ કરે ત્યારે તેના બ્લડ પ્રેશરમાં કોઈ ફેરફાર થતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવા પ્રકારના મીઠા વચ્ચેના તફાવત અને હૃદય અથવા રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડ્યા વિના તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ જાણવું જરૂરી છે.
કિચન સૉલ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રાઝિલિયન સોસાયટી ઑફ કાર્ડિયોલૉજીના પ્રમુખ ડૉ. વેઇમર બરોસો મજાક કરતાં જણાવે છે કે હવે સોડિયમ શોધી કાઢવામાં આવશે તો પણ તેને માનવ વપરાશ માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
મીઠું આપણા શરીરની કામગીરી માટે એક મહત્ત્વપૂર્ણ તત્ત્વ છે. આપણે તેને અનેક ફૂડ પ્લાન્ટ્સ અને પશુઆહારના અનેક ખાદ્ય પદાર્થોમાં ઓછી પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પૂરતી માત્રામાં જોઈ શકીએ છીએ.
ભોજનનો સ્વાદ વધારવા અને માંસ તથા માછલી જેવી કેટલીક પ્રોડક્ટ્સને જાળવી રાખવા માટે પણ માનવજાત સદીઓથી મીઠાનો ઉપયોગ કરતી રહી છે.
આપણી રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે તેનું ટૅક્નિકલ નામ સોડિયમ ક્લોરાઈડ છે, જેનો અર્થ એ છે કે તેમાં ક્લોરિન અને સોડિયમનું મિશ્રણ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને નક્કી કરેલી મર્યાદા મુજબ, રોજ માત્ર પાંચ ગ્રામ નમકનો ઉપયોગ કરવો જોઈએ.
હકીકત એ છે કે નિષ્ણાતો જેને સ્વીકાર્ય ગણે છે તેના કરતાં બમણી માત્રામાં મીઠાનો ઉપયોગ આપણે કરીએ છીએ, પરંતુ આપણે ખોટું શું કર્યું છે?
ડૉ. બરોસોના કહેવા મુજબ, અહીં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉમેરવામાં આવતું સોડિયમ મુખ્ય વિલન છે.
ફેડરલ યુનિવર્સિટી ઑફ ગોઇયાસના પ્રોફેસર અને હૃદયરોગના નિષ્ણાત કહે છે, “આ વપરાશનો 80 ટકા હિસ્સો અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્ઝ અથવા સૉસમાં કેન્દ્રિત હોય છે, જ્યારે બાકીનો 20 ટકા હિસ્સો આપણે ભોજનનો સ્વાદ વધારવા માટે જે મીઠું નાખીએ છીએ તેનો હોય છે.”

ઇમેજ સ્રોત, Getty Images
પોષણ નિષ્ણાત કૅમિલા ક્રિસ્ટીના દા સિલ્વા સેન્ટોઝના જણાવ્યા મુજબ, માંસ અથવા બીન્સ રાંધવા માટે વપરાતી રેડી-ટુ-યુઝ કોન્સન્ટ્રેટેડ સિઝનિંગની એક જ ટૅબ્લેટમાં, એક વ્યક્તિએ દિવસ દરમિયાન જેટલું સોડિયમ આહારમાં લેવું જોઈએ તેટલું સોડિયમ હોય છે.
આખરે મીઠાની વધુ માત્રા ચિંતાજનક શા માટે છે અને આહારમાં વધારે નમક લેવાની શરીર પર શું અસર થાય છે?
ડૉ. બરોસો સમજાવે છે કે વધારે પ્રમાણમાં સોડિયમના આહારથી શરીરમાં ફ્લુઈડ રિટેન્શન જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે. તે કથિત વોલેમિયા, પરિભ્રમણમાં રક્તની માત્રામાં વૃદ્ધિનું કારણ બને છે.
તેના પરિણામે રક્તવાહિનીઓની દીવાલો પર વધારાનું અને બિનજરૂરી દબાણ આવે છે, જે લાંબા સમયે હાયપરટેન્શનનું કારણ બને છે.
ડૉ. બરોસો કહે છે, “વધારે પડતું સોડિયમ રેનિન-એન્જિયોટેન્સિન-એલ્ડોસ્ટેરોન સિસ્ટમને પણ પ્રભાવિત કરે છે. બ્લડ પ્રેશરના નિયંત્રણમાં આ સિસ્ટમ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવતી હોય છે.”
આ અનિયંત્રિત દબાણ શરીરમાંની રક્તવાહિનીઓની અંદરની દીવાલોને ‘ઈજા’ પહોંચાડી શકે છે. તેનાથી હાર્ટઍટેક અને સ્ટ્રોક જેવી બહુ ગંભીર તેમજ ઘાતક સમસ્યાઓ સર્જાય છે.
ઓછાં સોડિયમવાળું મીઠું

ઇમેજ સ્રોત, Getty Images
લો સોડિયમ મીઠામાં ફાઇનલ પ્રોડક્ટમાંના સોડિયમનું પ્રમાણ 50 ટકા ઓછું હોય છે. તેમાં અડધું સોડિયમ ક્લોરાઈડ અને અડધું પોટેસિયમ ક્લોરાઈડ હોય છે.
સોડિયમની ઓછી માત્રાવાળું મીઠું પણ ઉપલબ્ધ છે. સામાન્ય રીતે એવા મીઠાના પૅકેજિંગમાં “લાઇટ” અથવા “પોટેસિયમથી સમૃદ્ધ” એવા શબ્દો હોય છે.
ઑસ્ટ્રેલિયામાં હાથ ધરવામાં આવેલા અને જાન્યુઆરીના અંતે પ્રકાશિત કરવામાં આવેલા એક સર્વેક્ષણનું તારણ જણાવે છે કે હાયપરટૅન્શનના દર્દીઓને આ પ્રકારના મીઠાથી લાભ થઈ શકે છે.
એ લેખમાં લેખકે એવી દલીલ કરી છે કે આ ઘટક હાઈ બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટની ગાઇડલાઈન્સનો હિસ્સો છે અને ડૉક્ટરો તેમના દર્દીઓને લો-સોડિયમ (અથવા પોટેસિયમ સમૃદ્ધ) સૉલ્ટના ઉપયોગની ભલામણ કરે છે.
બીબીસી ન્યૂઝે જે નિષ્ણાતો સાથે વાત કરી હતી તેઓ આ અહેવાલ સાથે સહમત હોવા છતાં આ પ્રોડક્ટના વપરાશ સંદર્ભે એક મર્યાદા અને ચિંતાજનક મુદ્દાઓ પરત્વે ધ્યાન દોરે છે.
મર્યાદાને કિંમત સાથે સંબંધ છે. લાઇટ અથવા લો-સોડિયમ સૉલ્ટની કિંમત, સામાન્ય રિફાઇન્ડ સૉલ્ટ કરતાં બમણી કે ત્રણગણી હોય છે. તેથી ઘણા લોકો માટે તેનો સમાવેશ માસિક બજેટમાં કરવાનું મુશ્કેલ હોઈ શકે છે.
ડૉ. બરોસો સૂચવે છે કે “મેડિકલ સોસાયટીઝ તથા સરકારે આ મુદ્દો ધ્યાનમાં લેવો જોઈએ અને જાહેર આરોગ્યની વ્યૂહરચના તરીકે પોટેસિયમવાળા મીઠાની કિંમત ઘટાડવા વિચારવું જોઈએ.”
પહેલો ચિંતાજનક મુદ્દો આ પ્રોડક્ટના ઉપયોગ સંબંધી છે. આ સૉલ્ટ ઓછું ખારું હોવાથી ભોજન થોડું મોળું લાગે છે અને સ્વાદ વધારવા માટે વ્યક્તિ તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરે તે શક્ય છે.
આ પરિસ્થિતિમાં સોડિયમનું પ્રમાણ, સામાન્ય સૉલ્ટ જેટલું જ હશે અને તેનાથી સ્વાસ્થ્યને કોઈ લાભ થશે નહીં.
સાઓ પાઉલોમાં પોષણનિષ્ણાત તરીકે કાર્યરત્ લુઇસ ગુસ્તાવો મોતા કહે છે, “આહારમાં વધારે પડતું મીઠું લેવાઈ જાય તેવી તમામ શક્યતા હોય છે. તેથી આ વિકલ્પનો સંયમિત રીતે વપરાશ કરવામાં આવે તે જરૂરી છે.”
બીજો ચિંતાજનક મુદ્દો કિડનીની સમસ્યાથી પીડાતા દર્દીઓ સંબંધી છે.
લુઇસ ગુસ્તાવો મોતા કહે છે, “કિડનીની ક્રોનિક બીમારીના દર્દીઓએ પોટેસિયમની માત્રા પર ધ્યાન આપવું બહુ જરૂરી છે, કારણ કે તેનો સંચય, આ સંદર્ભમાં સૌથી કમજોર અંગોને વધુ નુકસાન કરી શકે છે.”
પિન્ક સૉલ્ટ અને બરછટ મીઠું

ઇમેજ સ્રોત, Getty Images
સારાં ખાનપાન અથવા સ્વાસ્થ્યના કારણોસર હિમાલયન પિન્ક સૉલ્ટ તાજેતરનાં વર્ષોમાં એક ક્રેઝ બની ગયો છે. રેસ્ટોરાં, માર્કેટ્સ અને ઍમ્પોરિયમ્સમાં તેને પ્રાધાન્ય મળવા લાગ્યું છે.
તે ગુલાબી રંગનું હોય છે અને તેને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા મીઠાના ખડકોમાંથી કાઢવામાં આવે છે.
આ વિકલ્પનો બચાવ કરતા લોકોની એક દલીલ એ છે કે પિન્ક સૉલ્ટમાં ખનીજો, આયર્ન અને તાંબુ પણ હોય છે.
“આખરે તે એક પ્રકારનું મીઠું જ છે અને સુક્ષ્મ પોષકતત્ત્વોના વપરાશ સાથે તેને સાંકળવું તે એક ભૂલ છે. સુક્ષ્મ પોષકતત્ત્વો માટે બીજા યોગ્ય સ્રોતો પણ છે,” એમ કેમિલા ક્રિસ્ટીના દા સિલ્વા સેન્ટોસ કહે છે.
એ ઉપરાંત હિમાલયન પિન્ક સૉલ્ટમાં સોડિયમનું પ્રમાણ રિફાઇન્ડ સૉલ્ટમાં જોવા મળે છે તેટલું જ હોય છે.
લુઈસ ગુસ્તાવો મોતાના કહેવા મુજબ, “પિન્ક સૉલ્ટ અને સામાન્ય સૉલ્ટ ખાતા લોકોના બ્લડ પ્રેશર તથા પેશાબમાં સોડિયમના સ્તરની તુલના કરવામાં આવી હોય તેવા અત્યંત ભરોસાપાત્ર અભ્યાસ આપણી પાસે છે.”
“પિન્ક સૉલ્ટનો ઉપયોગ કરતા લોકોમાં બ્લડ પ્રેશર કે સોડિયમ ઓછું હોવા જેવા કોઈ ફાયદા જોવા મળ્યા નથી.”
આ જ વાત બરછટ મીઠાને પણ લાગુ પડે છે. સામાન્ય રીતે બાર્બેક્યૂ માટે વપરાતું આ મીઠું, તેમાં ટેબલ સૉલ્ટ કરતાં ઓછું સોડિયમ હોવાને કારણે પ્રસિદ્ધિ પામ્યું છે.
“બંનેમાં સોડિયમનું પ્રમાણ એકસમાન છે,” એમ ડૉ. બરોસો કહે છે.
માત્રાનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
હાયપરટેન્શન રોકવા કે નિયંત્રણમાં રાખવાના સંદર્ભમાં મહત્ત્વનો મુદ્દો રસોઈમાં વપરાતા મીઠાની માત્રાનો છે.
નવા સ્વાદના અનુભવ માટે લુઈસ ગુસ્તાવો મોતા એક સરળ રેસિપી સૂચવે છે. તેમાં તેઓ બરછટ મીઠા અને સૂકી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે. અલગ સ્વાદવાળો મસાલો તૈયાર કરવા તેઓ તેને બ્લૅન્ડર અથવા પ્રોસેસરમાં મિક્સ કરે છે.
તેઓ કહે છે, “આવા આઈડિયા ખોરાકનો સ્વાદ વધારી શકે છે અને સોડિયમનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે.”
કૅમિલા ક્રિસ્ટીના દા સિલ્વા સેન્ટોઝ પણ તેને જ અનુસરે છે. તેઓ વાનગીઓ બનાવવા માટે મરી, તુલસી, રોઝમેરી અને તમાલપત્ર જેવા અન્ય મસાલાના ઉપયોગનું સૂચન કરે છે.
તેઓ કહે છે, “આપણી પાસે ઘણા બધા તાજા અને સૂકા કુદરતી મસાલા છે, જે મીઠા કરતાં બહેતર છે. હું ઘણીવાર મજાક કરું છું કે આપણી પાસે ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીએ તો બીમાર પડીએ જ નહીં.”
નિષ્ણાતોના કહેવા મુજબ, ખાદ્યપદાર્થો તૈયાર કર્યા પછી ડાઇનિંગ ટેબલ પરના સૉલ્ટશેઇકરને હટાવી દેવું આસાન અને અસરકારક છે.
ડૉ. બરોસોના જણાવ્યા મુજબ, ઔદ્યોગિક, અલ્ટ્રા-પ્રોસેસ્ડ અને સૉસ પ્રોડક્ટ્સનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં જ કરવો જોઈએ, કારણ કે તેમાં મોટા પ્રમાણમાં સોડિયમ હોય છે.
તેઓ કહે છે, “આપણે ફૂડ લેબલ્સ વાંચવાની આદત પાડવી પડશે અને ઓછું સોડિયમ હોય તેવા વિકલ્પો પસંદ કરવા પડશે.”














