ગુજરાત : લુપ્ત થવાની અણીએ આવેલાં દસ વૃક્ષો-છોડ જંગલોમાં ફરી દેખાશે

ઇમેજ સ્રોત, INDIA BIODIVERSITY
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી સંવાદદાતા
કચ્છ જિલ્લાના લાઠેડી ગામમાં 104 વર્ષ બાદ પ્રથમ વાર ઑલ્કસ નાના (જેને ગુજરાતમાં સુડિયો કહેવામાં આવે છે) તે જોવા મળ્યું છે.
મૉંગાબૅ વેબસાઇટ પ્રમાણે આ વૃક્ષના કારણે ગામના લોકોએ જગ્યા પર વાડ કરી દીધી છે. સાલ 1910માં સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લી વખત આ વૃક્ષે દેખા દીધી હતી અને ત્યાર બાદ રાજ્યના વન વિસ્તારમાંથી ગાયબ થઈ ગયું હતું.
આજે જ્યારે ફરી આ વૃક્ષ મળી આવ્યાં છે ત્યારે ગામના લોકો તેની પૂરેપૂરી કાળજી લઈ રહ્યા છે. ટિસ્યૂ કલ્ચર થકી વૃક્ષની વસતી વધારવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ઑલ્કસ નામનું નાનું વૃક્ષ ફરી બચી જાય અને તે રાજ્યનાં જંગલોમાં જોવાં મળે તે માટે હવે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતનાં જંગલોમાં કેટલીક વનસ્પતિઓ માત્ર જૂજ કહી શકાય તેટલા પ્રમાણમાં બચી છે. રાજ્યમાં વિલુપ્ત થવાની આરે ઊભેલાં વૃક્ષો અથવા તો જે હવે રાજ્યનાં જંગલોમાં દુર્લભ બની ગયાં છે, તે નજીકના ભવિષ્યમાં ફરીથી જોવાં મળશે કે કેમ એની ચિંતા સતાવી રહી છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
ગુજરાતમાં મળી આવેલી આ કઈ પ્રજાતિઓ છે?

ઇમેજ સ્રોત, RITESH POKAR / SAHJEEVAN
ગુજરાતમાં રગતરોહિડો, ધવડો, પીળા ફૂલવાળો સીમાડો, મીઠો ગૂગળ, સેના, કઝાના, ઇન્ડિગોફેરા, દંતમૂળી, જંગળી આમલી અને સુડિયો એવી પ્રજાતિઓ છે જેની ગુજરાતમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ સંખ્યા છે.
ઉપરાંત એક ચોક્કસ વિસ્તાર સુધી વૃક્ષો સીમિત થઈ જતાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના જૈવિક વિવિધતામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આ વૃક્ષો લુપ્ત થવાની અણીએ પહોંચી જતા તેને બચાવવા માટે એક યોજના તૈયાર કરાઈ છે.
આ યોજના અંતર્ગત આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીમાં દસ વૃક્ષોનું સંરક્ષણ કરવામાં આવશે. અહીં તેનો ઉછેર કરીને નવા રોપા તૈયાર કરવામાં આવશે અને ગુજરાતના વિવિધ વનવિસ્તારમાં રોપણી કરવામાં આવશે.
ડૉ. કલ્પેશ ઇશનાવા સરદાર પટેલ યુનિવર્સિટીમાં બૉટની વિભાગમાં પ્રોફેસર છે. તેમની આ પ્રોજેક્ટ માટે મુખ્ય સંશોધક તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, ''અમારા બૉટનિકલ ગાર્ડનમાં આ વૃક્ષની જાતને સાચવવામાં આવશે અને ત્યાર બાદ રોપા તૈયાર કરવામાં આવશે. આ વૃક્ષોની ઘટતી જતી સંખ્યાને જોઈને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા છ દાયકા અમે આ પ્રકારનું કામ કરીએ છીએ.''
કેન્દ્ર સરકારે યુનિવર્સિટીને 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે જેનો ઉપયોગ ગુજરાતના વન અને રેતાળ પ્રદેશમાં લુપ્ત થવાની અણી પર ઊભેલાં વૃક્ષોના સંરક્ષણ માટે કરવામાં આવશે.
પરંતુ આ વૃક્ષો કેમ લુપ્ત થવાની આરે આવી ગયાં?
નિષ્ણાતોના મતે આ માટે ત્રણ કારણો મુખ્ય છે – વૃક્ષોનાં બીજ મોટાં થતાં ન હોય, વૃક્ષોના વિસ્તારો નષ્ટ થઈ ગયા હોય અને પૂરતાં પ્રમાણમાં બીજ ઉત્પન્ન થતાં ન હોય. જળવાયુ પરિવર્તન અને જંગલોમાં વધતા દબાણની પણ અસર થાય છે.
ડૉ. કલ્પેશ ઇશનાવા કહે છે કે, ''કેટલાંક વૃક્ષો ચોક્કસ વિસ્તારમાં ઊગી શકે છે. હવે જો વૃક્ષના પ્રાકૃતિક વિસ્તારમાં અસંતુલન સર્જાય તો તેની અસર વૃક્ષ પર થવાની. ક્યારેક વૃક્ષમાં જર્મિનૅશન (અંકુર ફૂટવો)માં ગરબડ થવાથી વૃક્ષની સંખ્યામાં જોઈએ એવો વધારો થતો નથી. જમીનની ગુણવત્તા અને વાતાવરણ પણ મોટો ભાગ ભજવે છે.''
પ્રાકૃતિક ઉપરાંત માનવીય કારણો પણ એટલાં જ જવાબદાર છે. મહત્ત્વનાં કારણો વૃક્ષોનું જરૂર કરતાં વધુ ઉપયોગ અને નવી રોપણી માટે પ્રયત્નો ન કરવા સામેલ છે.
પાટણની સેઠ એમએન વિજ્ઞાન કૉલેજમાં બૉટની વિભાગના વડા નરેન્દ્રકુમાર પટેલ કહે છે કે, ''એક સમય મીઠો ગૂગળ સમગ્ર ગુજરાતમાં જોવા મળતું હતું. વૃક્ષનાં ફળ, પાંદડાં અને અન્ય ચીજોની માગ વધતા લોકો વૃક્ષ જ કાપવાં લાગ્યા, જેની સીધી અસર તેની સંખ્યા પર પડી છે. આવી જ સ્થિતિ સફેદ કેસૂડાની છે. એક સમય આ ફૂલ રાજ્યના દરેક જિલ્લામાં હતું પરંતુ આજે જવલ્લે જ જોવા મળે છે.''
''જે વૃક્ષો માત્ર ચોક્કસ વિસ્તારમાં જ થતાં હતાં તેની સ્થિતિ સૌથી ખરાબ થઈ ગઈ એના કારણે વિસ્તારની બહાર તેઓ ઊગી ન શકે. ધીમે-ધીમે તેઓ લુપ્ત થઈ ગયાં. કચ્છમાં મળી આવેલ સુડિયો તેનો તાજો દાખલો છે. એ સારી વાત છે કે લોકોમાં હવે જાગૃતિ આવી છે અને તેઓ આ બાબતે સજાગ થયા છે.''

ઇમેજ સ્રોત, RITESH POKAR / SAHJEEVAN
દસ દુર્લભ વૃક્ષોનું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે તે કેમ મહત્ત્વનું છે તે વિશે ડૉ. કલ્પેશ ઇશનાવાએ વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ વૃક્ષો ઔષધીય ગુણો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી જે આ પ્રકારે છેઃ
- રગતરોહિડો - ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં જોવા મળે છે. હાલમાં બહુ મર્યાદિત સંખ્યામાં જોવા મળે છે. આ વૃક્ષની છાલ હૃદયની સારવારમાં ઉપયોગી થાય છે
- ધવડો - આ વૃક્ષ હવે નહિવત્ જેવી સ્થિતિમાં છે. માત્ર સૌરાષ્ટ્રમાં મળી આવતા આ વૃક્ષનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે
- પીળા ફૂલવાળો સીમાડો અથવા સીમૂલ - આ વૃક્ષની સંખ્યા ગુજરાતમાં ઝડપથી ઘટી રહી છે અને હાલમાં કેટલાક વિસ્તારોમાં જ મળી આવે છે. આ વૃક્ષની છાલ લીવરની બીમારીની સારવાર અને ઍન્ટીઑક્સિડન્ટ તરીકે ઉપયોગ થાય છે
- મીઠો ગૂગળ - માત્ર કચ્છ જિલ્લામાં મળી આવતું આ વૃક્ષની જૂજ સંખ્યા જ બચ્યું છે. આ ઔષધીય ગુણો ધરાવે છે અને કૉસ્મેટિક ઉદ્યોગમાં તેની ભારે માગ છે
- સનાઈ (સેના) – આ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મળી આવે છે. સનાયા (સેના) એક મહત્ત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિ છે, જેનો ઉપયોગ યુનાની અને અન્ય પરંપરાગત પ્રણાલીઓમાં કુદરતી ઉપચાર તરીકે થાય છે.
- કઝાના અથવા જંગળી તુવેર – આ તુવેરની પ્રજાતિ છે જે માત્ર ડાંગ જિલ્લામાં જ મળી આવે છે. આ પ્રજાતિ પણ મર્યાદિત સંખ્યામાં છે.
- ઇન્ડીગોફેરા – આ એક પ્રકારનો છોડ છે જે ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મળી આવે છે. આ છોડનાં પાંદડાં, બીજ અને ફૂલનો પેટની બીમારી અને હરસ-મસાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
- દંતમૂળી – સૌરાષ્ટ્ર વિસ્તારમાં મળી આવતું આ વૃક્ષ હાલ જોખમમાં છે. આ વૃક્ષ મર્યાદિત વિસ્તારમાં અને બહુ ઓછી સંખ્યામાં છે. આ વૃક્ષ જ્વેલરી અને ઔષધીય રીતે ઉપયોગમાં લેવાય છે.
- જંગલી આંબલી – માત્ર કપરાડા વિસ્તારમાં મળી આવતી જંગલી આંબલી ઔષધીય ગુણો ધરાવે છે. તે સર્પદંશના સારવાર માટેની અકસીર દવા છે.
- સુડિયો – કચ્છમાં એક સદી બાદ મળી આવેલો આ છોડ ઔષધીય ગુણો ધરાવે છે.
આ વૃક્ષો કેમ જરૂરી છે?

ઇમેજ સ્રોત, INDIA BIODIVERSITY
લુપ્ત થવાની આરે ઊભેલાં વૃક્ષો ગુજરાતની જૈવવિવિધતા માટે ખૂબ જ મહત્ત્વનાં છે. આ વૃક્ષો સ્થાનિક વાતાવરણ અને જીવજંતુઓ માટે જરૂરી છે.
ડૉ. કલ્પેશ ઇશનાવા કહે છે કે, ''જે દસ વૃક્ષો છે તે માત્ર ઔષધીય રીતે જ નહીં પરંતુ સ્થાનિક સ્તરે સૂક્ષ્મ સંતુલનને જાળવી રાખવામાં પણ મહત્ત્વની કડી છે. નાનાં જીવજંતુઓના વિકાસ અને સંવર્ધન માટે આ વૃક્ષો ખૂબ જ જરૂરી છે. સમાયંતરે જે સંશોધનો થયાં છે તેમાં પણ આ પુરવાર થયું છે અને એટલા માટે વૃક્ષોને બચાવવા માટે આ પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.''
નિષ્ણાતા કહે છે કે સ્થાનિક સ્તરે ખેતી અને અન્ય રોજગારી માટે પણ આ વૃક્ષો જરૂરી છે. દાખલા તરીકે મીઠો ગૂગળ પથરાળ તથા રેતાળ જમીનમાં પણ થઈ શકે છે. કચ્છ જિલ્લામાં આવી જમીન મોટા પ્રમાણમાં છે. પાણીમાં ઊંચું ટીડીએસ હોવા છતાં આ વૃક્ષને કોઈ નુકસાન થતું નથી. જળવાયુ પરિવર્તનની અસર ઘટાડાવામાં આ વૃક્ષની મહત્ત્વની ભૂમિકા હોય છે.
નરેન્દ્રકુમાર પટેલ કહે છે કે, ''દરેક વૃક્ષનું ઔષધીય મહત્ત્વ છે, જેના વૈજ્ઞાનિક પુરાવા છે. પ્રાકૃતિક સંપદાના કારણે જે તે વિસ્તારની ઓળખ બને છે, એટલે એક રીતે જોઈએ તો આ વૃક્ષો ગુજરાતની એક ઓળખ પણ છે. એક વૃક્ષ અન્ય વૃક્ષો અને છોડ માટે જરૂરી વાતાવરણ પૂરું પાડે છે અને જો તે ન હોય તો જે તે વિસ્તારની જૈવવિવિધતાને પણ ગંભીર અસર થાય છે.''
ગુજરાતમાં કેટલાં વૃક્ષો પર હાલ જોખમ છે?

ઇમેજ સ્રોત, eFloraofIndia
ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ અનુસાર ગુજરાતમાં વૃક્ષો, છોડ અને વેલની 16 પ્રજાતિ છે જેની પર હાલ અસ્તિત્વનું જોખમ છે. આમાં સીમૂલ, ઉરા અથવા દૂધલા, સફેદ ખાખરો, દૂધ કૂડી, ગોલ્દર, સુડિયો, કાયરી, મીઠો ગૂગળ, પલાસ વેલ અને માર્ચ પાંડો સામેલ છે.
કેટલાંક વૃક્ષો લુપ્ત થવાની અણીએ પહોંચી ગયાં છે તેની પાછળ ઘટતો જતો જંગલ વિસ્તાર એક મુખ્ય કારણ છે. ગુજરાતમાં જંગલ વિસ્તાર હવે 10 ટકા કરતાં પણ ઓછો થઈ ગયો છે.
ગુજરાત વનવિભાગના વાર્ષિક અહેવાલ ગુજરાત ફૉરેસ્ટ સ્ટેટિસ્ટિ્ક્સ 2022-23 પ્રમાણે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના માત્ર 9.05 ટકા વિસ્તારમાં જંગલ છે.
ગુજરાતનું કુલ ક્ષેત્રફળ એક લાખ 96 હજાર 244 ચોરસ કિલોમીટર છે, જેમાં 14 હજાર 926 ચોરસ કિલોમીટરમાં સંરક્ષિત જંગલ વિસ્તાર છે. રાજ્યમાં 378 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાઢ જંગલો છે, પાંચ હજાર 032 ચોરસ કિલોમીટર વિસ્તારમાં મધ્યમ ગાઢ જંગલો અને નવ હજાર 516 ચોરસ કિલોમીટર વિસ્તારમાં અન્ય જંગલ વિસ્તારો છે.
બે હજાર 828 ચોરસ કિલોમીટરનો વિસ્તાર એવો છે જ્યાં મર્યાદિત સંખ્યામાં વૃક્ષો છે. રાજ્યના કુલ વિસ્તારનો આ 1.44 ટકા છે.
રાજ્યમાં પાંચ હજાર 489 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિવિધ વૃક્ષો છે, જે રાજ્યના કુલ વિસ્તારનો 2.80 ટકા છે. પરંતુ આ જંગલ વિસ્તારો નથી.
આ વૃક્ષો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં છે. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં ‘ટ્રી કવર’ એટલે કે વૃક્ષોની ધરાવતા વિસ્તારની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે.
વર્ષ 2019માં કરવામાં આવેલી ગણતરીમાં રાજ્યના કુલ ક્ષેત્રફળના 3.52 ટકા વિસ્તારમાં ‘ટ્રી કવર’ હતું જે હવે વર્ષ 2021માં 2.80 ટકા પર આવી ગયું છે.
રાજ્યના 13 જિલ્લામાં પાંચ ટકા કરતાં પણ ઓછો જંગલ વિસ્તાર છે. અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાઓમાં શહેરીકરણના કારણે જંગલ વિસ્તાર ઝડપથી ઘટી રહ્યો છે.












