પડી ગયેલા આંબાની કેરી ખાવાની ઇચ્છામાંથી જન્મેલી યુક્તિ વૃક્ષોને કેવી રીતે બચાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
નવા જમાનાનું નંદનવન એટલે કે બગીચો બનાવવો હોય તો આખા ગામે સહિયારા પ્રયાસ કરવા પડે. દક્ષિણ ભારતના રાજ્ય કેરળના કન્નાપુરમમાં રહેતા 42 વર્ષના પોલીસકર્મી શૈજુ મચાથીને આ વાત, તેમના ગામને કેરળ સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા 2020માં ‘સ્વદેશી કેરી માટેનો હેરિટેજ એરિયા’ જાહેર કરવામાં આવ્યો ત્યારે જાણવા મળી હતી.
આજુબાજુનાં શહેરો અને ગામોમાંથી મેળવેલી કેરીની 200થી વધુ સ્વદેશી પ્રજાતિઓ ઉગાડવા તેમના ગામના લોકોએ સાથે મળીને કામ કર્યું, લુપ્ત થવાના આરે આવેલી તેની વિવિધ વેરાઇટીને સંરક્ષિત કરી ત્યારે તેમને એ સન્માન મળ્યું હતું.
મચાથીનું કહેવું છે કે જે ટેકનિકને કારણે આ શક્ય બન્યું તે ગ્રાફટિંગ (કલમ પદ્ધતિ) સદીઓ પુરાણી કળા છે. કૃષિમાં કોઈ ઔપચારિક શિક્ષણ ન મેળવ્યું હોવા છતાં તેમણે જુલાઈ, 2016માં આ ટેકનિક સાથે પ્રયોગ શરૂ કર્યો હતો. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને કારણે કન્નાપુરમ ગામ ખળભળી ઉઠ્યું પછી તેની શરૂઆત થઈ હતી.
એક પાડોશીના ઘરમાં વેલ્લાથન નામનું 200 વર્ષ જૂનું વૃક્ષ હતું. તેણે એ વૃક્ષને કાપી નાખ્યું હતું. મચાથી કહે છે, “એ વૃક્ષમાં સૌથી મીઠી કેરી આવતી હતી. એનો સ્વાદ મેં માણ્યો હતો. તે સ્થાનિક વેરાઇટીની ઉત્તમ કેરી હતી, જે દુર્લભ હતી.” તેનું વૃક્ષ અત્યંત પુરાણું હતું અને તે વિશાળ વૃક્ષના કેટલાક હિસ્સા જમીન પર પડતા હતા. તે એટલું જોખમી બની ગયું હતું કે પોતાની માનસિક શાંતિ માટે પાડોશીએ તેને કાપી નાખવાનો નિર્ણય કર્યો હતો. મચાથી કહે છે, “એ વૃક્ષ અમારા મોટા થવાના વર્ષોનો, અમારા જીવનના પરિદૃશ્યનો એટલો મોટો હિસ્સો હતું કે તે રાતોરાત ગુમાવવાથી અમે સ્તબ્ધ થઈ ગયા હતા.”
બીજી સવારે વૃક્ષની કપાયેલી ડાળો જોઈને કશુંક ગુમાવ્યાનો અનુભવ કરતા મચાથીએ કેરળ સરકારમાં કૃષિ અધિકારી તરીકે કામ કરતા તેમના એક દોસ્તનો સંપર્ક કર્યો હતો. મિત્રએ તેમને જણાવ્યું હતું કે વૃક્ષને બચાવવાનો એક રસ્તો છે. ઝાડના હિસ્સાને મજબૂત મૂળ સાથેના આંબા પર તેની કલમ રોપી શકાય તો જૂના વૃક્ષને પુનર્જીવીત કરી શકાય અને એક દિવસ તેના પર ફરી ઉત્કૃષ્ટ કેરીઓ પાકશે.

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રાફટિંગની આ પ્રક્રિયામાં, મોટાભાગે એક જ પ્રજાતિના બે છોડના કાર્બનિક ટિસ્યૂને જોડીને નવો છોડ બનાવવાનો સમાવેશ થાય છે. અલગ જનીનો ધરાવતા અને વિવિધ પ્રજાતિના છોડને પણ કલમ કરી શકાય છે, પરંતુ ઘણા કિસ્સામાં તેનું પરિણામ નબળું અને અલ્પજીવી હોય છે. ક્યારેક તેમનું સંયોજન થતું નથી.
કલમ કરવા માટેનો રોપો રુટસ્ટોક (અંકુર વડે ઉગાડવામાં આવેલા છોડના મૂળ) સાથે બાંધવામાં આવે છે. પ્રસ્તુત કિસ્સામાં વંશસૂત્રને, કાપી નાખવામાં આવેલા આંબાના અંકુરમાંથી કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યું હતું, જ્યારે રુટસ્ટોક પ્રમાણમાં ‘જુવાન’ કહી શકાય તેવા આંબાના બીજમાં હતું.
રુટસ્ટોક પર ફાચર પાડવામાં આવે છે. તેની સાથે મેળ ખાતો ત્રાંસો કટ વંશસૂત્રના છેડે બે બાજુ પર કરવામાં આવે છે. વંશસૂત્રને રુટસ્ટોકમાં દાખલ કરવામાં આવે છે અને એકસાથે બાંધી દેવામાં આવે છે. બંધાયેલા ભાગને “કલમ સંઘ” કહેવામાં આવે છે. વૃદ્ધિ માટે બન્નેનું એક થવું જરૂરી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મચાથી કહે છે, “અમે જૂના ઝાડના 50 ટકા હિસ્સાને મજબૂત મૂળિયામાં કલમ કરીને તેને સંપૂર્ણપણે નષ્ટ થતું અટકાવી શક્યા. એ બધાં વૃક્ષો આજે પણ ખીલી રહ્યાં છે. અમે દુર્લભ ખજાનો બચાવી લીધો હોય તેવું લાગે છે.”
કૃષિ સંશોધનના પ્રોફેસર અને કેરળ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ઍસોસિએટ ડીન નારાયણન કુટ્ટીના કહેવા મુજબ, ગ્રાફટિંગ અપનાવવાનાં ઘણાં કારણો છે. કુટ્ટી હવે ખાનગી કન્સલ્ટન્સી ચલાવે છે અને ખેડૂતો, માળીઓ તથા ઉદ્યમીઓને ગ્રાફટિંગ માટેની ટેક્નિકલ માહિતી આપે છે.
કુટ્ટી કહે છે, “કલમ બનાવવાથી ઇચ્છનીય છોડની ચોક્કસ આનુવાંશિક કોપી પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે રોપાઓમાંથી ઉગાડવામાં આવતા છોડમાં પણ મૂળ છોડની ચોક્કસ પ્રકૃતિ હોતી નથી. તે ફલનને વેગ આપી શકે છે, છોડના વ્યાવસાયિક મૂલ્યમાં વધારો કરી શકે છે.”
'સ્પેર પાર્ટ્સઃ અ સરપ્રાઈઝિંગ હિસ્ટ્રી ઓફ ટ્રાન્સપ્લાન્ટ્સ' પુસ્તકના લેખક અને સાંસ્કૃતિક ઇતિહાસકાર પોલ ક્રેડોકના જણાવ્યા મુજબ, વૃક્ષોમાં કલમની તકનીક ભારતમાં નવી નથી, છતાં હવે તેનું પુનરુત્થાન થઈ રહ્યું છે. ત્વચા પ્રત્યારોપણની તબીબી પ્રક્રિયા પણ ખેતીની કલમ બનાવવાની તકનીકથી પ્રેરિત છે, તેનું મૂળ ભારતમાં હતું. “સર્જીકલ ગ્રાફટિંગ વિશે ભારત બહાર પ્રથમ વખત લખવામાં આવ્યું ત્યારે તેનો ઉલ્લેખ ‘શરીરની ખેતી’ અને ‘માનવની ખેતી’ તરીકે કરવામાં આવતો હતો.”

ઇમેજ સ્રોત, Alamy
ગ્રાફટિંગ કુદરતી રીતે પણ થઈ શકે. ઉત્તર-પૂર્વનું મેઘાલય તેનાં જીવંત મૂળના પુલ માટે વિખ્યાત છે. કેટલાંક વૃક્ષોનાં મૂળ એકમેકની સાથે એટલા નજીકથી જોડાયેલાં છે કે તેના પરથી લોકો ચાલી શકે એટલો મજબૂત પુલ બની જાય છે. એ તેમને ઢોળાવ પર આગળ જવામાં મદદ કરે છે. ઇ
નોસ્ક્યુલેશન નામની સેલ્ફ-ગ્રાફટિંગ પ્રક્રિયા દ્વારા વૃક્ષોનાં મૂળિયાં કે શાખાઓ દાયકાઓ સુધી એકમેકની પાસે રહ્યા પછી જોડાય છે, પોતાની ક્ષતિનું જાતે નિવારણ કરે છે અને સમયાંતરે એક જ માળખા તરીકે વૃદ્ધિ પામે છે. આદિવાસી સમુદાયના સભ્યો ગ્રાફટિંગ દ્વારા જાતે જ મૂળની ગૂંથણી અને સુધારણા કરવા માટે જાણીતા છે.
આજે સમગ્ર ભારતમાં બાગકામની ચળવળ તે સ્વદેશી જ્ઞાનને પુનર્જીવીત કરવામાં મદદ કરી રહી છે. જમીનની બગડતી ગુણવત્તા સુધારવા, જંતુઓ અને જમીનમાંથી જન્મતા રોગાણુઓના પ્રતિકાર, રસાયણોના ઉપયોગમાં ઘટાડા અને વધુ આબોહવા તથા ગરમી-પ્રતિરોધક છોડ બનાવવા માટે કલમની તકનીકનો ઉપયોગ થઈ રહ્યો છે, એમ કુટ્ટી કહે છે.
તેઓ ઉમેરે છે, “જમીનમાં પૂરની સંભાવના હોય અથવા તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય ત્યાં પૂર અથવા ક્ષારનો સામનો કરી શકે તેવા રુટ સ્ટોકનો ઉપયોગ કરવામાં આવે છે.”
દાખલા તરીકે ટામેટાંનો છોડ. ભારતમાં ટામેટાંની સોલેનમ લાઇકોપર્સિકમ પ્રજાતિઓ વ્યાપક પણ ઉગાડવામાં આવે છે. જોકે, જમીનમાં ક્ષારનું પ્રમાણ વધુ હોવાથી તેની વૃદ્ધિને માઠી અસર થાય છે. “તેની બીજી વેરાઇટી લાઈકોપર્સિકન ચીઝમાની છે. તે ક્ષારનો સામનો કરી શકે છે. અમે ક્ષારવાળી જમીનમાં વધારે પાક આપે તેવા ક્ષાર સહિષ્ણુ છોડ બનાવવા લાઇકોપર્સિકમ ચીઝમાનીમાં સોલેનમ લાઇકોપર્સિકમની કલમોનું આરોપણ કરી રહ્યા છીએ.”
ટામેટાં, રીંગણ અને મરચાં ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વ્યાપકપણે ઉગાડવામાં આવતા સોલેનેસિયસ પાક છે. કુટ્ટી કહે છે, “આવા પાક એસિડિક જમીનમાં ઉગાડવામાં આવે છે ત્યારે તેમાં બૅક્ટેરિયાની ગંભીર સમસ્યા સર્જાય છે.” આ બૅક્ટેરિયલ વિલ્ટ છોડના વિકાસના કોઈ પણ તબક્કે તેના પર આક્રમણ કરી શકે છે. ઊપજના 80થી 90 ટકા સુધીનો નાશ કરી શકે છે.
કોમર્શિયલ હાયબ્રિડ્સ સમાન ગુણવત્તા અને ઊપજ ધરાવતા હાઈ વિલ્ટ-પ્રતિરોધક પ્લાન્ટ્સ અત્યાર સુધી કોઈ ઉગાડી શક્યું ન હતું, પરંતુ કુટ્ટીએ તાજેતરમાં એ દિશામાં સફળતા મેળવી છે. તેઓ કહે છે, “અમે વિલ્ટ-પ્રતિરોધક રીંગણ રુટ સ્ટોક્સમાં ટામેટાંની કલમનું આરોપણ કરીએ છીએ.” આ રીતે વિલ્ટ-પ્રભાવિત જમીનમાં બૅક્ટેરિયલ વિલ્ટની સમસ્યા વિના ઉચ્ચ ઉપજ આપતા કોમર્શિયલ હાઈબ્રિડ્સ ઉગાડી શકાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
કુટ્ટીના જણાવ્યા મુજબ, આજે ભારતમાં ઉપલબ્ધ લગભગ દરેક પ્રકારની કેરી કલમની પ્રક્રિયા દ્વારા ઉગાડવામાં આવે છે. એક વૃક્ષમાં સામાન્ય રીતે ચારથી પાંચ વરાઈટીની કલમો લગાવી શકાય છે. કેટલાક લોકો તેનું પરીક્ષણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ મલિહાબાદમાં રહેતા 80 વર્ષના ખેડૂત કલીમ ઉલ્લા ખાન એક જ વૃક્ષ પર કેરીની 315 કલમનું આરોપણ કરવામાં સફળ થયા ત્યારે તેમની વૈશ્વિક સ્તરે ચર્ચા થઈ હતી. તેમના જણાવ્યા મુજબ, દરેક શાખાનું ટેક્સ્ચર અલગ છે અને વૃક્ષ પર કલમ લગાવવા માટે તેમણે દેશભરમાંથી દુર્લભ વરાઈટીઓ મંગાવી છે.
ભારતમાં ઘણા ફળો અને શાકભાજીમાં માટીજન્ય રોગોના પ્રસાર સામે સંરક્ષણ, નિયંત્રણ અને શમનમાં ગ્રાફટિંગે ઘણી મદદ કરી છે. દેશભરના માળીઓ આ પ્રક્રિયામાં જોડાતા હોવાથી જ્ઞાન, બીજનાં સેમ્પલ્સ અને સ્વદેશી જાતિના નમુનાઓ સામાન્ય બાબત બની રહ્યા છે. કેટલીકવાર વિનાશના આરે પહોંચેલી વેરાઇટીઝને એવા સ્થળે લઈ જવામાં આવે છે, જ્યાં તે ખીલી અને વિકસી શકે.
70 વર્ષના ટોમ ઇનાસિયો સિક્વેરા એક સમયે મસ્કતમાં ઑટોમોબાઇલ કંપનીમાં કામ કરતા હતા. નિવૃત્તિ પછી તેમણે છોડ માટેના તેમના શોખને અનુસરવાનું નક્કી કર્યું હતું. છેલ્લાં છ વર્ષમાં તેમણે કલમ બનાવવાની તકનીકોના પ્રયોગ કર્યા છે. સ્થાનિક સમુદાયમાં જાગૃતિ લાવ્યા છે અને ભારતની દક્ષિણ પશ્ચિમે ગોવામાં આવેલી તેમની અઢી એકરની વડીલોપાર્જિત મિલકત 'ધ ફાર્મ - ગોવા' પર ધ્યાન આપવા ભેગા કર્યા છે.
તેમના પુત્ર ટોસ્વેલ સિક્વેરા આઈટી પ્રોફેશનલ છે અને સપ્તાહાંતે ફાર્મની સંભાળ રાખે છે. તેઓ કહે છે, “અમે કેરી, જેકફ્રૂટ અને સાપોટા (ચીકુ - જે સાપોડિલા તરીકે પણ ઓળખાય છે. તેનું વૃક્ષ કેરી જેવા બ્રાઉન ફળનું ઉત્પાદન કરે છે. તેનો સ્વાદ કેરેમલ જેવો હોય છે)ની કલમો બનાવીએ છીએ. તે મહારાષ્ટ્ર અને ગોવા તથા કેટલાક કિસ્સામાં ગુજરાતની વિશ્વસનીય નર્સરીઓમાંથી મેળવીએ છીએ.”

ઇમેજ સ્રોત, Alamy
તેમનું આ સાહસ એક સામુદાયિક પ્રકલ્પ બની ગયું છે. ગ્રાફટિંગ દ્વારા પુનર્જીવીત કરી શકાય અને ખેતી કરી શકાય તેવી વરાઈટીઝમાં માટે ઉત્સુક સ્થાનિક લોકોને તેમાં નોંધપાત્ર રસ પડ્યો છે. સિક્વેરા કહે છે, “અમે લોકોને ફળ આપતા ગ્રાફટેડ હાઈબ્રિડ વૃક્ષો સાથે વાવવા પ્રોત્સાહિત કરીએ છીએ અને વાવેતર, છોડ વ્યવસ્થાપન અને ખાતરની પ્રક્રિયા સમજાવીએ છીએ.”
સ્થાનિક લોકો 'ધ ફાર્મ ગોવા'માંથી નજીવી કિંમતે સારી ગુણવત્તાવાળા કલમી રોપા ખરીદી શકે છે. સિક્વેરા કહે છે, “અમે પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને વૃક્ષો સારી રીતે વિકાસ પામે છે. અમે તેના સિયન અને રુટ સ્ટોકનો અભ્યાસ કરીએ છીએ, જેથી બંને એકમેકને સુસંગત છે તેની ખાતરી કરી શકાય. કલમી વિસ્તાર સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં ન આવે અને છોડને વધારે પડતું પાણી ન આપવામાં આવે તે પણ અમે સુનિશ્ચિત કરીએ છીએ.” કલમી વિસ્તારનું લગભગ 30થી 45 દિવસ સુધી નિરીક્ષણ કરવામાં આવે છે.
'ધ ફાર્મ ગોવા'ની સફળતાનો તાજેતરનો કિસ્સો જાણવા જેવો છે. તેમણે જેકફ્રૂટના ઝાડના એક તંદુરસ્ત સિયનને કાપ્યું હતું અને ગ્રાફટિંગ ટેપનો ઉપયોગ કરીને તેને બીજમાંથી અંકુરિત થયેલા પાંચ મહિનાના જેકફ્રૂટના રોપામાં ભેળવી દીધું હતું. સિક્વેરા કહે છે, “રોપામાંથી ઉગાડવામાં આવતી વૅરાઇટીમાં ગ્રાફટિંગ કરવામાં આવે ત્યારે વૃક્ષ વધારે મજબૂત બને છે.” આ પ્રોજેક્ટના 150થી વધારે કલમી છોડ પૈકીના 33 ટકામાં કેરીની 15 વૅરાઇટીનો સમાવેશ થાય છે. તેમણે અન્ય ફળો તેમજ ગોવામાં સામાન્ય રીતે જોવા ન મળતા રેમ્બુટાન્સ, જામફળ, પેશનફ્રૂટ અને પોમેલો સાથે પણ પ્રયોગ કર્યા છે.
ગ્રાફટિંગ સિવાય 'ધ ફાર્મ ગોવા'એ ટિસ્યૂ કલ્ચરના પ્રયોગ પણ કર્યા છે. ટિસ્યૂ કલ્ચર થોડી અલગ તકનીક છે, જેમાં દાતા છોડમાંથી ટિસ્યૂનાં નાના સેમ્પલમાંથી પ્રયોગશાળા જેવી પરિસ્થિતિમાં સંપૂર્ણપણે નવા છોડ ઉગાડવામાં આવે છે. તેમણે ગુજરાતની બાલતરુ નર્સરીમાંથી 2015માં લીંબુના છોડના ટિસ્યૂ મેળવ્યા હતા અને ચાર વર્ષ પછી એ છોડે લીલા-પીળા રંગનાં, બીજ વિનાનાં ફળનું ઉત્પાદન કર્યું હતું. અથાણામાં ઉપયોગ માટે તે આદર્શ છે. જોકે, ગ્રાફટિંગ કરતાં ટિસ્યૂ કલ્ચરમાં વધારે કુશળતાની જરૂર પડે છે અને સ્થાનિક સમુદાયો તેને આસાનીથી અપનાવતા નથી.

ઇમેજ સ્રોત, Alamy
કન્નાપુરમ પાછા ફરીએ. કેરીના પ્રાચીન વૃક્ષને પુનર્જીવીત કરવામાં મચાથીની સફળતાની જાણ અન્ય ગ્રામવાસીઓને થઈ ત્યારે તેઓ મૃતપ્રાય વૅરાઇટીઝને પુનર્જીવીત કરવામાં મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે ઘરે-ઘરે જઈને જિલ્લામાં ઉપલબ્ધ વિવિધ જાતોનું દસ્તાવેજીકરણ કર્યું હતું. તેમણે ટૂંક સમયમાં દેશી કેરીની 200 વેરાઇટીની કલમો એકત્ર કરી હતી અને તેને ઉગાડવામાં આખરે સફળ થયા હતા. મચાથીએ 2016માં નટ્ટુ મંચોટિલ શૈક્ષણિક અને સ્વદેશી ફળ છોડ સંરક્ષણ ટ્રસ્ટની રચના કરી હતી. નટ્ટુ મંચોટિલનો અર્થ “દેશી આંબાની નીચે” એવો થાય છે.
તેમની મહેનત ચાર વર્ષ પછી રંગ લાવી છે. તેમના ટ્રસ્ટને સરકારે પ્લાન્ટ જીનોમ સેવિયર કમ્યુનિટી ઍવૉર્ડથી નવાજ્યું હતું. આ સન્માન સામાન્ય રીતે કેરીની વિવિધ જાતોના સંવર્ધન માટે ખેડૂતોને આપવામાં આવતું હોય છે.
મચાથી કહે છે, તમારા પ્રયાસમાં સ્થાનિક સમુદાયને સામેલ કરો અને તેમને ઊંડાણપૂર્વક માહિતગાર કરો ત્યારે ગ્રાફટિંગ દ્વારા મૂળ વરાઈટીને પુનર્જીવીત કરવાનું કામ આસાન બની જાય છે. મચાથી કલમી વરાઈટીથી ભરપૂર આંબાવાડિયા બનાવવા માટે સમગ્ર કેરળમાં શાળાના વિદ્યાર્થીઓ અને નેશનલ સર્વિસ સ્કીમના સ્વયંસેવકો સાથે મળીને કામ કરી રહ્યા છે.
એક દિવસ મચાથીના કલમી વૃક્ષો 200 વર્ષ જૂના વેલ્લાથન જેવા વયના આદરણીય પડાવ પર પહોંચી પણ જાય અને વેલ્લાથનના આત્માને શાંતિ મળે એ શક્ય છે.














