કોનોકાર્પસ : ભારત અને પાકિસ્તાનને ખતરામાં મૂકનારું વૃક્ષ

- લેેખક, પ્રવીણ શુભમ
- પદ, બીબીસી માટે

- હરિયાળી માટે મદદરૂપ છે કોનોકૉર્પસ વૃક્ષો
- મૂળ અમેરિકાનાં વૃક્ષો હરિયાળી માટે જ ભારતમાં લવાયા હતા
- જોકે, આ વૃક્ષોથી રોગ પણ થતા હોવાનો પર્યાવરણવિદોનો દાવો
- હૈદરાબાદમાં પ્રશાસન દ્વારા કોનોકૉર્પસ ન રોપવા માટે લેખિતમાં ફરમાન

આ એક એવા વૃક્ષની કહાણી છે જેનાથી દેશો અને સરકારોને પરેશાન કરી છે અને આ પરેશાની સતત વધારી રહ્યું છે. આ વૃક્ષ છે કોનોકૉર્પસ.
મોટા ભાગે લીલાછમ, સુંદર અને આકર્ષક 'કોનોકૉર્પસ' વૃક્ષ રસ્તાની વચ્ચે ડિવાઇડર પર જોવા મળે છે. ઘણા દેશોએ શહેરોમાં હરિયાળી વધારવા માટે આ વૃક્ષોને અપનાવ્યાં છે.
ભારત, પાકિસ્તાન, આરબ અને મધ્ય પૂર્વના દેશોમાં આ વૃક્ષોનો રસ્તા, બાગ-બગીચામાં તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમોમાં રોપવામાં આવે છે. જોકે, બાદમાં સંબંધિત સરકારો પોતાના નિર્ણયને પાછો ખેંચતી જોવા મળી રહી છે.
વૃક્ષો અને પર્યાવરણ નિષ્ણાતો ચિંતિત છે કે કોનોકૉર્પસ પર્યાવરણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે. જેના લીધે તેનો વિરોધ થવાનું શરૂ થયું.
ગુજરાતમાં પણ આ વૃક્ષને રોપવામાં આવેલાં છે તેમાં અમદાવાદના રિવરફ્રન્ટનો પણ સમાવેશ થાય છે.
તેલંગાણા સરકારે તાજેતરમાં જ ગ્રામ પંચાયતો દ્વારા સંચાલિત 'હરિતા વનમ્' નર્સરીમાં કોનોકૉર્પસ ન ઉગાડવાનો લેખિત આદેશ આપ્યો છે. ભૂતકાળમાં બ્યુટિફિકેશનના ભાગરૂપે હૈદરાબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં આ વૃક્ષો વાવવામાં આવ્યાં હતાં.

કોનોકૉર્પસ ક્યાંથી ક્યાં આવ્યું?

કોનોકૉર્પસ મૂળ અમેરિકાના તટિય ક્ષેત્રોનું મૅંગ્રોવ વૃક્ષ છે. મોટા ભાગે ફ્લોરિડા અને તેની આસપાસમાં ઊગતું આ વૃક્ષ દેખાવમાં લાંબું અને લીલુંછમ હોય છે.
શરૂઆતમાં આ વૃક્ષો વ્યાપક રીતે આરબ અને મધ્ય-પૂર્વના દેશોમાં રણ અને ગરમ હવાઓથી ધૂળ અને વંટોળને અટકાવવા માટે લગાવાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વનસ્પતિવિજ્ઞાનના પ્રૉફેસર ઈ. નરસિમ્હા મૂર્તિએ બીબીસીને જણાવ્યું, "આ વૃક્ષ શંકુ આકારમાં વધે છે. જેના લીધે ભારતના વનસ્પતિ વિશેષજ્ઞો તેને અહીં લાવ્યા. અહીં મૂળ સ્વરૂપે પાલિકાઓ દ્વારા શહેરી વિસ્તારમાં તેને રોપવામાં આવે છે."
"આ આપણા ક્ષેત્રનું મૂળ નિવાસી નથી અને પર્યાવરણીય દુષ્પ્રભાવોનું કારણ બને છે. આ સિવાય કોનોકૉર્પસ શ્વસન રોગો અને વિભિન્ન ઍલર્જીનું કારણ બને છે."
તેલંગાણાની સાથેસાથે મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોનોકૉર્પસ પર વ્યાપક ચર્ચા થઈ. મહારાષ્ટ્રમાં સ્થાનિક પર્યાવરણવિદોએ સરકારને પુણે નગર નિગમ દ્વારા સંચાલિત સાર્વજનિક પાર્કોમાં કોનોકૉર્પસ વૃક્ષો ન રોપવા આગ્રહ કર્યો છે.

તેલંગાણામાં પંચાયત રાજ અને ગ્રામવિકાસ કમિશનરે જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીઓને આપેલા ઑર્ડરમાં જણાવ્યું છે કે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી યોજના અંતર્ગત મોટી સંખ્યામાં આ વૃક્ષો રોપવામાં આવ્યાં છે. જોકે, આ વૃક્ષો પર્યાવરણ અને સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક હોવાથી હવે તેને રોપવામાં ન આવે.
જોકે, દર વર્ષે ચોમાસા દરમિયાન લાગુ કરવામાં આવતી 'તેલંગાણા ગ્રીન બૅલ્ટ' યોજના અંતર્ગત પહેલેથી રાજ્યભરમાં આ વૃક્ષો રોપવામાં આવી ચૂક્યાં છે અને હાલમાં તે પૂરઝડપે આગળ વધી રહ્યાં છે.
ગ્રામ પંચાયતના સરપંચો આદેશ પર પુનર્વિચાર કરી રહ્યા છે.
પેદ્દાપલ્લી જિલ્લાના નગરમ ગામના સરપંચ એશ મલ્લેશે બીબીસીને જણાવ્યું, "ભૂતકાળમાં અમારા ગામમાં મોટી સંખ્યામાં કોનોકૉર્પસના વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં અને હજી પણ 300થી વધુ છોડ વાવણીની રાહ જોઈ રહ્યાં છે."
તેમણે આગળ કહ્યું, "અમે સરકારના નવા આદેશથી મૂંઝાયા છીએ. અમે રાહ જોઈ રહ્યા છે કે આ વિશે કેવી પ્રતિક્રિયા આપી શકાય."

આરબ દેશો, ઇરાક અને પાકિસ્તાનનો અનુભવ

કોનોકૉર્પસ આરબ અને મધ્ય-પૂર્વના દેશોમાં 'દમન' નામથી ઓળખાય છે. આ દેશોમાં મોટી સંખ્યામાં આ વૃક્ષ ઉગાડવામાં આવે છે કારણ કે તે હરિયાળીની સાથેસાથે જળવાયુ નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે અને રણના વાતાવરણમાં ધૂળ, ગંદકી અને હવામાંથી ઉડતી રેતીને રોકે છે.
જોકે, કુવૈત, કતાર અને યુએઈ જેવા દેશોએ તેની આયાત પર અંકુશ કર્યો છે.
પ્રૉફેસર નરસિમ્હા મૂર્તિનું માનવું છે કે આ વૃક્ષ કૉંક્રિટનાં જંગલો વચ્ચે હરિયાળી તેમજ સાનુકૂળ વાતાવરણ લાવવામાં મદદરૂપ થાય છે. જે દેશો માટે તેના સમર્થનનું મુખ્ય કારણ છે."
તેમણે વધુમાં કહ્યું, "મૅંગ્રોવ વૃક્ષોના મૂળિયા ઘણા મજબૂત હોય છે. જેથી તેઓ જમીનમાં ઊંડે સુધી ઉતરીને પાઇપલાઇનોને પણ નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત આસપાસની દિવાલો અને બાંધકામને પણ કોનોકૉર્પસથી નુકસાન પહોંચવાની ભારે શક્યતા છે."
"આ વૃક્ષનાં ફળ અને ફૂલોનો કોઈ ઉપયોગ નથી અને પક્ષીઓ પણ તેનાં પર માળા બાંધતા નથી. આ વૃક્ષ મોટી માત્રામાં ભૂજળ શોષી લે છે. તેની ખામીઓ ઘણી છે અને ઉપયોગ માત્ર સુંદરતા અને આકર્ષણ માટે છે. તેથી અમે વનસ્પતિશાસ્ત્રી તરીકે સરકારને લીમડો, વડ જેવા સ્વદેશી વૃક્ષો રોપવાનું કહી રહ્યા છીએ."
'યુનિવર્સિટી ઑફ મિસન' દ્વારા ઇરાકના મિસન પ્રાંતમાં કોનોકૉર્પસની સ્થિતિ અને તેનાંથી થતા નુકસાન પર 2020ના એક અધ્યયનના પરિણામોના આધાર પર એક શોધપત્ર પ્રકાશિત કર્યું હતું. જેના મુજબ કોનોકૉર્પસના લીધે રહેણાક વિસ્તારોમાં પાણી તેમજ ડ્રેનેજની પાઇપલાઇનોને નુકસાન પહોંચ્યું હતું.
જોકે, આ વૃક્ષ હરિયાળીમાં યોગદાન આપે છે. જેથી આ શોધપત્રમાં સલાહ આપવામાં આવી હતી કે તેના મૂળિયાને રોજ પાણી આપવું જોઈએ. જેથી મૂળિયા ઊંડે ઉતરીને પાઇપલાઇનોને નુકસાન ન પહોંચાડે.

કરાચીની હવાની ગુણવત્તા પર અસર
ભૂતકાળમાં સ્થાનિક પર્યાવરણવિદોએ પાકિસ્તાનમાં કરાચી અને રાજધાની ઇસ્લામાબાદમાં મોટી સંખ્યામાં ઉગાડવામાં આવેલાં આ વૃક્ષોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
કરાચી યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાન વિભાગના ઍરોબાયોલૉજીસ્ટે પર્યાવરણ પર કોનોકૉર્પસ તેમજ 32 અન્ય પ્રજાતિનાં વૃક્ષોની અસર પર સંશોધન કર્યું હતું.
તેનાંથી ખબર પડી કે કરાચીમાં અસ્થમાના દર્દીઓની સંખ્યા વધારે છે અને તેનું કારણ આ વૃક્ષો છે. સ્થાનિક પર્યાવરણવિદોએ પણ માત્ર સ્વદેશી વૃક્ષો ઉગાડવાની સલાહ આપી હતી.

શું વૃક્ષો માણસનાં સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે?

વનસ્પતિશાસ્ત્રીઓના દાવા મુજબ કોનોકૉર્પસ માણસનાં સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ દાવાની સાતત્યતા જાણવા બીબીસીએ કરીમનગરના એક શ્વસન રોગ વિશેષજ્ઞ ડૉ. ઉદુથા ચંદ્રશેખર સાથે વાત કરી.
તેમણે જણાવ્યું, "તમામ પ્રકારનાં વૃક્ષોથી એક સરખો અનુભવ થતો નથી. સંશોધનો મુજબ જુદાજુદાં વૃક્ષો માણસની ચામડી તેમજ શ્વસનપ્રક્રિયાને અસર કરે છે. સામાન્ય રીતે કેટલાક લોકોને પરાગરજોના સંપર્કમાં આવતાની સાથે જ ઍલર્જી થઈ જતી હોય છે."
"જો આપ જાણ્યા કે સમજ્યા વગર ગંધને લો છો, તો શ્વસનપથમાં કેટલાક રસાયણો નીકળે છે અને ફેફસાંમાં તકલીફ થવા લાગે છે. જેથી કફ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તીબીબી ભાષામાં તેને 'ઍલર્જિક બ્રૉન્કાઇટિસ', 'બ્રૉન્કિયલ હાઇપર-રિઍક્ટિવિટી' તરીકે ઓળખવામાં આવે છે."
"કેટલાંક પ્રકારનાં વૃક્ષો કે છોડ લોકોને પ્રભાવિત કરે છે. તે એ લોકોને વધુ પ્રભાવિત કરે છે જે પહેલેથી અસ્થમા અથવા તો ત્વચાની ઍલર્જી ધરાવે છે. આ પ્રકારની ઍલર્જીનો ઉપચાર તો છે પરંતુ તકેદારીના ભાગરૂપે તેમનાંથી દૂર રહેવું જ હિતાવહ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














