હજારો વર્ષો સુધી ટકી રહેલાં આ વૃક્ષોનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?

બાઓબાબ એ વિશ્વના સૌથી નોંધપાત્ર વૃક્ષો પૈકીનું એક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાઓબાબ એ વિશ્વના સૌથી નોંધપાત્ર વૃક્ષો પૈકીનું એક છે
    • લેેખક, હેલન બ્રિગ્સ
    • પદ, પર્યાવરણ સંવાદદાતા, બીબીસી

વૈજ્ઞાનિકોએ પ્રાચીન બાઓબાબ વૃક્ષોની ઉત્પત્તિનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે.

એક ડીએનએ અભ્યાસ મુજબ આ વૃક્ષોની ઉત્પત્તિ 2.1 કરોડ વર્ષ પહેલાં મેડાગાસ્કરમાં સૌપ્રથમ વખત થઈ હતી.

ત્યારબાદ તેનાં બીજ સમુદ્રી પ્રવાહો મારફતે ઑસ્ટ્રેલિયા અને ખંડીય આફ્રિકા સુધી પહોંચ્યાં હતાં અને તેમાંથી વિવિધ પ્રજાતિઓ વિકસિત થઈ હતી.

સંશોધકોએ આ વૃક્ષોનું સંરક્ષણ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની હાકલ કરી છે. તેમનું કહેવું છે કે આ વૃક્ષો ધારણાં હતી તેનાં કરતાં વહેલાં લુપ્ત થવાને આરે પહોંચી ગયાં છે.

વૃક્ષો મોટાં સફેદ ફૂલો ઉત્પન્ન કરે છે જે સાંજના સમયે ખીલે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વૃક્ષો મોટાં સફેદ ફૂલો ઉત્પન્ન કરે છે જે સાંજના સમયે ખીલે છે

બાઓબાબનાં વૃક્ષોને તેમના વિચિત્ર આકાર અને લાંબા આયુષ્ય માટે "ધ ટ્રી ઑફ લાઇફ" અથવા "ઊલટાં વૃક્ષ" તરીકે ઓળખવામાં આવે છે. જળવાયુ પરિવર્તન અને જંગલો કપાઈ જવાના કારણે આ વૃક્ષો જોખમમાં છે.

ડૉ. ઇલિયા લેઇચ લંડનના ક્યૂ સ્થિત રૉયલ બોટાનિક ગાર્ડન્સ સાથે સંકળાયેલાં છે. તેમણે પોતાના પતિ પ્રોફેસર ઍન્ડ્ર્યુ લેઇચ સાથે એક સંશોધન કર્યું છે. તેઓ ઇંગ્લૅન્ડની ક્વીન મેરી યુનિવર્સિટીમાં કાર્યરત છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "અમને બાઓબાબ્સની ઉત્પત્તિનાં મૂળને ઓળખવામાં સફળતા મળી છે. આ એક મુખ્ય અને પ્રતિષ્ઠિત પ્રજાતિનાં વૃક્ષો છે જે વિવિધ પ્રાણીઓ અને છોડની સાથેસાથે મનુષ્યોને પણ પોષે છે."

આ વૃક્ષો હજારો વર્ષો સુધી જીવી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વૃક્ષો હજારો વર્ષો સુધી જીવી શકે છે

"જે ડેટા છે તેનાથી મહત્ત્વની નવી માહિતી મળી છે, જે આ વૃક્ષોના સંરક્ષણ અને તેના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક આધાર બની રહેશે."

સંશોધકોએ બાઓબાબની આઠ પ્રજાતિઓનો અભ્યાસ કર્યો હતો જેમાંથી છ મેડાગાસ્કરમાં જોવા મળે છે. એક પ્રજાતિ આફ્રિકામાં પ્રસરેલી છે અને બીજી ઉત્તર-પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

નિષ્ણાતોએ બે લુપ્તપ્રાય માલાગાસી પ્રજાતિઓ માટે વિશેષ પગલાં લેવા માટેની ભલામણ કરી છે. આમાં સૌથી વિશાળ અને સૌથી પ્રખ્યાત બાઓબાબ્સ વક્ષો 'ધ જાયન્ટ'નો પણ સમાવેશ થાય છે.

બાઓબાબ એ વિશ્વનાં સૌથી નોંધપાત્ર વૃક્ષો પૈકીનું એક છે. આ વૃક્ષ સ્થાનિક સંસ્કૃતિઓ અને પરંપરાઓ સાથે ઊંડે સુધી જોડાયેલાં છે.

અભ્યાસ મુજબ એકવીસ મિલિયન વર્ષ પહેલાં મેડાગાસ્કરમાં સૌ પ્રથમ વખત આ પ્રતિષ્ઠિત વૃક્ષો ઉભરી આવ્યાં હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અભ્યાસ મુજબ 2.1 કરોડ વર્ષ પહેલાં મેડાગાસ્કરમાં સૌપ્રથમ વખત આ વૃક્ષોની ઉત્પત્તિ થઈ હતી.

માલાગાસી ભાષામાં આ વૃક્ષોને "જંગલની જનની" તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત તેને "ઊલટાં વૃક્ષ" અને "ટ્રી ઑફ લાઇફ" પણ કહેવામાં આવે છે.

આ વૃક્ષો હજારો વર્ષો સુધી જીવી શકે છે. આ વૃક્ષો બહુ મોટા કદનાં હોય છે અને સૂકી ઋતુમાં ટકી રહેવા માટે તેમના થડમાં મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકે છે.

તેનાં ફળને સુપરફૂડ ગણવામાં આવે છે અને તેના થડનો ઉપયોગ રેસા બનાવવા માટે થાય છે, જેમાંથી દોરડાં કે કપડાં બને છે.

આ વૃક્ષમાં પક્ષીઓ માટે માળો બનાવવાની ઘણી જગ્યા હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ વૃક્ષમાં પક્ષીઓ માટે માળો બનાવવાની ઘણી જગ્યા હોય છે

વૃક્ષો મોટાં સફેદ ફૂલો ઉત્પન્ન કરે છે જે સાંજના સમયે ખીલે છે. ચામાચીડિયાં આ ફૂલોના રસ માટે લાંબા અંતરની મુસાફરી કરે છે અને વૃક્ષોનાં બીજને વિવિધ જગ્યાએ લઈ જાય છે. આ વૃક્ષોમાં પક્ષીઓ માટે માળો બનાવવાની ઘણી જગ્યા હોય છે.

આ સંશોધન વુહાન બોટાનિકલ ગાર્ડન (ચીન), રોયલ બોટાનિક ગાર્ડન્સ ઑફ ક્યૂ (યુનાઇટેડ કિંગડમ) અને ઍન્ટાનાનારીવો (મેડાગાસ્કર) યુનિવર્સિટી અને ક્વીન મેરી ઑફ લંડન કૉલેજ દ્વારા કરવામાં આવ્યું હતું.