ભારતીય કાગડાનો એવો કેર છે કે આ દેશ દસ લાખ કાગડાઓની કત્લેઆમ કરશે

કાગડા, કેન્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વ્યાક્લિફ મુઈઆ
    • પદ, બીબીસી ન્યૂઝ, મોમ્બાસા

"આક્રમક પરગ્રહવાસી પક્ષી" આ શબ્દો હોલીવૂડની બ્લૉકબસ્ટર ફિલ્મની કોઈ પંક્તિ જેવા લાગે છે, પરંતુ કેન્યાના તટીય વિસ્તારોમાં રહેતા લોકો માટે તે કાલ્પનિક બાબત નથી.

એ પ્રદેશના સત્તાવાળાઓ કાગડાઓના ઉપદ્રવથી એટલા ચિંતિત છે કે તેમણે દસ લાખ કાગડાઓને મારી નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

આ કાગડાઓએ સસ્પેન્સ ફિલ્મોના માસ્ટર તરીકે ઓળખાતા આલ્ફ્રેડ હિચકૉકની ફિલ્મ ‘ધ બર્ડ્સ’ની માફક મનુષ્યોને નિશાન બનાવ્યા નથી, પરંતુ તેમણે દાયકાઓથી વન્યજીવોનો શિકાર કરીને, પ્રવાસી વિસ્તારોમાં ઝુંડમાં ત્રાટકીને તેમજ પોલ્ટ્રી ફાર્મ્સ પર હુમલા કરીને વ્યાપક વિક્ષેપ સર્જ્યો છે.

આવા નિર્દય કાગડાઓને ખતમ કરવા માટે હવે કેન્યાનાં વાટામુ અને માલિદી નગરોમાં ઝેરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મહત્ત્વાકાંક્ષી ઝુંબેશનો હેતુ રાજધાની નૈરોબી ભણી કાગડાઓને આગળ વધતા રોકવાનો છે.

કેન્યાના તટીય વિસ્તારમાં કુંગુરુ અથવા કુરાબુ નામે ઓળખાતા આ પક્ષીઓનો ઉદ્ભવ ભારત અને એશિયાના અન્ય ભાગોમાં થયો છે, જે વેપારી જહાજો પર મુસાફરી કરીને અન્યત્ર ફેલાયા છે.

અલબત, 1890ના દાયકાની આસપાસ પૂર્વ આફ્રિકામાં તે સમયના બ્રિટિશ સંરક્ષિત ઝાંઝીબાર દ્વીપસમૂહ પર વધતી જતી કચરાની સમસ્યાને ઉકેલવા માટે કાગડાઓને ઇરાદાપૂર્વક લાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યાંથી કાગડાઓ મુખ્ય ભૂમિ અને દરિયાકિનારે કેન્યા સુધી ફેલાયા હતા.

કાગડાનું સૌપ્રથમ અસ્તિત્વ 1947માં મોમ્બાસા બંદરમાં નોંધાયું હતું. એ પછી તેમની સંખ્યામાં જબરો વધારો થયો છે, જે વધતી વસ્તી અને તેની સાથે વધતા કચરાના ઢગલાઓને આભારી છે. કાગડાઓના ખોરાક અને સંવર્ધન માટે કચરાના ઢગલાઓ આદર્શ વાતાવરણ પૂરું પાડે છે. કાગડાઓના કોઈ પ્રાકૃતિક શિકારી પણ નથી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

વિશ્વમાં સૌથી આક્રમક અને વિનાશક પક્ષીઓ પૈકીના એક કાગડા

કાગડો

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વમાં સૌથી આક્રમક અને વિનાશક પક્ષીઓ પૈકીના એક ગણાતા ધ ઇન્ડિયન હાઉસ ક્રો પ્રજાતિના કાગડાઓએ ઉત્તર તરફની તેમની યાત્રા સતત ચાલુ રાખી છે.

કેન્યાના વાટામુ ક્ષેત્રનો પ્રવાસ કરી રહેલા ડચ પક્ષી નિષ્ણાત જાપ ગિજ્સબર્ટસેને બીબીસીને કહ્યું હતું, "આ કાગડાઓ સ્થાનિક પ્રજાતિઓનો શિકાર કરે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ સ્તનધારી અને સરીસૃપોનો શિકાર પણ કરે છે. તેથી જૈવ વિવિધતા પર કાગડાઓનો પ્રભાવ વિનાશકારી છે."

સંરક્ષણવાદીઓનું કહેવું છે કે કાગડાઓએ આ ક્ષેત્રમાંના વીવર્સ અને વૈક્સબિલ્સ જેવાં નાનાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે, કારણ કે કાગડાઓ આ પક્ષીઓના માળાઓને નષ્ટ કરી નાખે છે અને ઈંડાં તેમજ ઊંદરડાઓને પણ પોતાનું નિશાન બનાવે છે.

અ રોચા કેન્ટા નામના એક સંરક્ષણ જૂથના સંશોધન વિજ્ઞાની લેનૉક્સ કિરાવે કહ્યું હતું, "સ્થાનિક પક્ષીઓની સંખ્યા ઘટી જાય છે ત્યારે પર્યાવરણને નુકસાન થવાની શરૂઆત થાય છે. પક્ષીઓનો શિકાર બનતા હાનિકારક જીવજંતુઓની સંખ્યામાં વધારો થઈ શકે છે."

ધ ઈન્ડિયન હાઉસ ક્રો પ્રજાતિના કાગડા
ઇમેજ કૅપ્શન, ધ ઈન્ડિયન હાઉસ ક્રો પ્રજાતિના કાગડા

કાગડાઓ પાક, પશુધન અને મરઘીઓને પણ નુકસાન કરે છે.

કિલિફી કાઉન્ટીના ટાકેય ગામના રહેવાસી યુનિસ કટાનાએ કહ્યું હતું, "કાગડાઓ મરઘીનાં બચ્ચાં પર તૂટી પડે છે અને પાગલની જેમ તેને ખાઈ જાય છે. આ કાગડાઓ સામાન્ય પક્ષીઓ નથી, તેઓ જંગલી વર્તન કરે છે."

લેનોક્સ કિરાવના જણાવ્યા મુજબ, કાગડાઓ પોતે મુશ્કેલીમાં હોય ત્યારે અથવા તેમને શિકાર મળી આવે ત્યારે ચોક્કસ પ્રકારનો અવાજ કાઢવા માટે જાણીતા છે.

આ કાગડાઓએ દીવાલો તથા છત પર ચરકી-ચરકીને મોમ્બાસામાંનાં ઘરોને વિકૃત કરી નાખ્યાં છે, જ્યારે લોકો કાગડાની ચરક પોતાની માથે પડશે એવા ભયથી લોકો વૃક્ષના છાંયડામાં બેસવાનું ટાળી રહ્યા છે.

મોમ્બાસાના રહેવાસી વિક્ટર કિમુલીએ બીબીસીને કહ્યું હતું, "આ કાગડાઓ વહેલી સવારથી જ સક્રિય થઈ જાય છે અને પરેશાન કરી મૂકતા અવાજ વડે અમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે."

કાગડાઓને ઝેર આપવાનો નિર્ણય

કાગડા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લેતાં અધિકારીઓને લાગ્યું હતું કે તેમણે કાર્યવાહી કરવી પડશે. તેથી તેમણે ઝેર આપીને ધ ઇન્ડિયન હાઉસ ક્રોની વસ્તી અડધી કરવાના અભિયાનનો પ્રારંભ મંગળવારથી કર્યો છે.

કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસે જણાવ્યું હતું કે પર્યાવરણ નિષ્ણાતો, સંરક્ષણવાદીઓ, સામુદાયિક નેતાઓ અને હોટેલ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે મહિનાઓ સુધી પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લેનૉક્સ કિરાવે કહ્યું હતું, "કાગડાઓની વસ્તી નિયંત્રિત કરી શકાય તેટલી કરવાના પ્રયાસ અમે કરી રહ્યા છીએ."

કલિંગ પ્રક્રિયામાં મહિનાઓ સુધી પ્રી-બેઇટિંગનો સમાવેશ થાય છે. તેમાં માંસ રાખીને પક્ષીઓને ઘરની નજીકનાં વિવિધ સ્થળોએ એકઠાં થવાં માટે લલચાવવામાં આવે છે.

એ રોન્ચા કેન્યાના એક અધિકારી એરિક કિનોટીએ કહ્યું હતું, "અમે બેઇટિંગ સાઇટ્સ પર સંખ્યાબંધ કાગડાઓ એકઠા થાય પછી તેમને ઝેર આપીએ છીએ."

સ્ટારલીસાઇડ નામનું એવિયન પૉઇઝન (પક્ષીઓને અપાતું ઝેર) અત્યાર સુધીનો એકમાત્ર જાણીતો પદાર્થ છે, જે અન્ય પક્ષીઓ કે પ્રાણીઓને અસર કર્યા વિના કાગડાની સંખ્યા ઘટાડવામાં અસરકારક સાબિત થયો છે.

લિટલ કેન્યા ગાર્ડન્સ નામની કંપનીને ઝેરની આયાત કરવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. એ કંપનીના માલિક સેસિલિયા રૂટોએ જણાવ્યું હતું કે તેમની કંપની દ્વારા 2022માં કરવામાં આવેલા ઝેરની અસરકારકતા સંબંધી પરીક્ષણમાં લગભગ 2,000 કાગડાઓ માર્યા ગયા હતા.

સેસિલિયા રૂટોએ ઉમેર્યું હતું, "ધીમી ગતિનું ઝેર કાગડો મૃત્યુ પામે તે પહેલાં તેના શરીરમાં સંપૂર્ણપણે પચી જાય છે. તેનો અર્થ એ છે કે કાગડાનો આહાર કરતી કોઈ અન્ય પ્રજાતિ માટે ગૌણ ઝેરનું જોખમ ઓછું છે."

હાલ દેશમાં કુલ બે કિલોગ્રામ ઝેર છે, જે લગભગ 20,000 કાગડાઓને મારી નાખવા માટે પૂરતું છે, પરંતુ ન્યુઝીલૅન્ડથી એવું વધુ ઝેર આયાત કરવાની યોજના છે.

જોકે, ઝેરના ઉપયોગ સામે કેન્યાના પ્રાણી તથા પક્ષી અધિકાર કાર્યકરોએ નૈતિક સવાલ ઊભા કર્યા છે.

તેઓ દલીલ કરે છે કે કાગડાઓને ઝેર આપીને મારી નાખવા તે અમાનવીય છે અને એ માટે વૈકલ્પિક તથા બિન-ઘાતક પદ્ધતિ શોધી કાઢવી જોઈએ.

એક પર્યાવરણવાદી લિઓનાર્ડ ઓન્યાંગોએ કહ્યું હતું, "સામૂહિક ઝેર એ ટૂંકા ગાળાનો ઉપાય છે અને તે સમસ્યાના મૂળ કારણનું નિવારણ નથી."

તેમણે ઉમેર્યું હતું, "કાગડાની વસ્તીના નિયંત્રણ માટે ટકાઉ, માનવીય અભિગમ અપનાવવો જોઈએ."

આક્રમક પક્ષીઓની પ્રજાતિના નિયંત્રણની યોજના

કાગડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જોકે, કાગડાઓના નાશના કાર્યક્રમ સાથે સંકળાયેલા લોકો પ્રાણી-પક્ષીઓની મૂળ પ્રજાતિના રક્ષણ અને પર્યાવરણીય સંતુલન સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે.

કલિંગ કાર્યક્રમ સાથે સંકળાયેલા લેનોક્સ કિરાવે કહ્યું હતું, "આપણે અત્યારે પણ કશું નહીં કરીએ તો નુકસાન અનિવાર્ય બની જશે."

સરકારે આક્રમક પક્ષીઓની પ્રજાતિના નિયંત્રણની યોજના શરૂ કરી હોય તેવી આ પહેલી ઘટના નથી.

20થી વધુ વર્ષ પહેલાં કરવામાં આવેલા પ્રયાસમાં પક્ષીઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ બાદમાં સરકારે સ્ટારલીસાઈડની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.

કચરાના ઢગલાઓ ઉપરાંત પ્રવાસી હોટેલો પણ કાગડાઓનો મનપસંદ અડ્ડો બની ગઈ છે. હોટેલોમાં કાગડાઓ ડાઇનિંગ એરિયામાં ઊડતા રહે છે. ભોજનનો આનંદ માણતા મહેમાનો માટે વિક્ષેપ સર્જે છે, એવી ફરિયાદ હોટેલ માલિકોએ કરી છે.

કેન્યા એસોસિએશન ઑફ હોટેલકીપર્સ ઍન્ડ કેટરર્સના વડા મૉરીન અવુરે કહ્યું હતું, "ઉષ્ણકટીબંધીય દરિયાકિનારે ભોજનનો આનંદ માણવા અમારી હોટેલમાં આવતા મહેમાનો માટે કાગડાઓ ખરેખર મોટી સમસ્યા બની ગયા છે."

કેટલીક હોટેલો કાગડાઓને ફસાવીને ગૂંગળાવી નાખે છે, જ્યારે અન્યોએ કાગડાઓને ડરાવીને ભગાડી મૂકવા માટે ખાસ કર્મચારીઓ રાખ્યા છે.

કાગડાઓને ફસાવવાનું બિનઅસરકારક પુરવાર થયું છે, કારણ કે કાગડાઓ એટલા બુદ્ધિશાળી હોય છે કે અન્ય કાગડાઓને ફસાઈને મરતા જોયા હોય તેવા વિસ્તારમાં જતા જ નથી.

કાગડાઓને મોટી સંખ્યામાં મારી નાખવાની યોજના છે, પરંતુ અધિકારીઓને લાગે છે કે ખાસ કરીને કાગડાઓ દેશની અંદરના વિસ્તારોમાં ફેલાઈ શકે એવી ચિંતા હોવાથી તેમની પાસે બીજો વિકલ્પ નથી.

સંરક્ષણવાદીઓએ જણાવ્યું હતું કે કાગડાઓ રાજધાની નૈરોબીથી લગભગ 240 કિલોમીટર દૂર આવેલા ટિટો અંદેઈ વિસ્તારમાં જોવા મળ્યા હતા.

લેનૉક્સ કિરાવે કહ્યું હતું, "મારો સૌથી મોટો ડર એ છે કે અત્યારે કશું નહીં કરવામાં આવે તો કાગડાઓ નૈરોબી સુધી પહોંચી જશે. તેનાથી દેશના પક્ષીજીવન માટે અને ખાસ કરીને નૈરોબી નેશનલ પાર્ક માટે મોટો ખતરો સર્જાશે."