આ રાજ્ય વાંદરા મારવા માટે આપી રહ્યું છે પૈસા

- લેેખક, પંકજ શર્મા
- પદ, બીબીસી ગુજરાતી માટે, શિમલાથી
હિમાચલ પ્રદેશમાં વાંદરાનો આતંક એટલો વધી ગયો છે કે તેની અસર ખેતી પર પડી રહી છે. અહીંના ખેડૂતોએ વાંદરાથી કંટાળીને ખેતી છોડવાનો નિર્ણય કરી લીધો છે.
વાંદરાના આતંકને જોઈને સરકારે તેને મારવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ લોકો ઘણાં કારણોસર તેને મારવા તૈયાર નથી.
વર્ષ 2014માં કૃષિ વિભાગના એક રિપોર્ટ મુજબ વાંદરાને કારણે વાર્ષિક 184 કરોડ રૂપિયાના પાકને નુકસાન થઈ રહ્યું છે.
હિમાચલ કિસાન સભાના અધ્યક્ષ ડૉ. કુલદીપ સિંહ તંવરે બીબીસીને જણાવ્યું, "ખેતીને લઈને પહેલાંથી ઘણી સમસ્યાઓ છે. ક્યારેક પાણીનો પ્રશ્ન છે, તો ક્યારેક વરસાદનો. પરંતુ હવે વાંદરાને કારણે નવી મુશ્કેલી ઊભી થઈ."
"અહીં ખેડૂતો માટે વાંદરા સૌથી મોટી સમસ્યા બની ગયા છે. ખેડૂતોની સમગ્ર તાકત પાકને બચાવવામાં વેડફાઈ રહી છે."
તેઓ ઉમેરે છે, "દર વર્ષે હિમાચલ પ્રદેશના કૃષિ ક્ષેત્રમાં વાંદરાને કારણે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે કરોડો રૂપિયાના પાકને નુકસાન થઈ રહ્યું છે. અહીં લગભગ 6.5 લાખ હેક્ટર જમીન છે જેમાં લગભગ 75 હજાર હેક્ટર જમીન લોકોએ વાંદરા અને અન્ય જંગલી પ્રાણીના ત્રાસથી છોડી દીધી છે."

ઇમેજ સ્રોત, PANKAJ SHARMA/BBC
બિલાસપુર જિલ્લાના બડ઼ોગ ગામના ખેડૂત ચેંગુ રામ ઠાકરુ જણાવે છે કે સામાન્ય માણસની સાથે પાકને પણ નુકસાન પહોંચી રહ્યું છે.
તેઓ કહે છે, "વાંદરા પાકને ખાઈ જાય છે. વાંદરાઓને કારણે અમારે સતત ઘરથી દૂર ખેતરોમાં નજર રાખવી પડે છે. એટલા માટે અમે જમીનને છોડી દીધી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઠાકુર જણાવે છે, "એક દિવસ અમારા ખેતરમાં 40-50 લંગૂરો આવ્યા અને નજીક આવેલા એક ટાવર પર ચડી ગયા. તેઓ આખી રાત ત્યાં જ રહ્યાં અને અમારા પાકને ખતમ કરી નાખ્યો."
"સાથે જ ભૂંડની પર સમસ્યા છે પરંતુ અમે તેમને પહોંચી વળીએ છીએ. અમે જંગલ નજીકના વિસ્તારમાં ખેતી કરવાનું છોડી દીધું છે."

વાંદરાઓની સંખ્યા ઘટતી નથી?

ઇમેજ સ્રોત, PANKAJ SHARMA/BBC
હિમાચલ પ્રદેશના મુખ્ય વન સંરક્ષક ડૉ. રમેશ ચંદ કંગનું માનવું છે કે શહેરમાં ઘન કચરાનો નિકાલ સારી રીતે ન થવાને કારણે કચરાના ઢગલાં પાસે વાંદરા મળી આવે છે.
તેઓ કહે છે, "વાંદરાં જંગલ છોડીને શહેરોમાં વસી ગયાં છે. તે 20-25નાં ટોળાંમાં જ હોય છે. અહીં ખુલ્લી કચરાપેટી અને મંદિરોમાં ખાવાનું નાખવું મુખ્ય સમસ્યા છે."
તમે આ વાંચ્યું કે નહીં?
ગામની સ્થિતિ અંગે તેઓ જણાવે છે, "પહેલાં લોકો હળીમળીને ખેતી કરતા હતા અને પ્રાણીઓથી પાકને બચાવવા માટે એકબીજાની મદદ કરતા. પરંતુ આજે ખેતી કરવાની પદ્ધતિ બદલી ગઈ છે."
"વાંદરા એવી જગ્યાએ જઈને પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે, જ્યાં પાકની ઓછી દેખરેખ હોય."

ઇમેજ સ્રોત, PANKAJ SHARMA/BBC
શિમલા સિવાય હિમાચલના કુલ 75 પ્રાંતો અને 34 ઉપપ્રાંતમાંથી 53માં વાંદરાને વર્મિન કૅટેગરીમાં સામેલ કરવામાં આવ્યાં છે. આ શ્રેણીમાં એવાં પ્રાણીઓને મૂકવામાં આવે છે જેમનાથી સંપત્તિને નુકસાન, બીમારી ફેલાવવાનો ભય અને માનવજીવન માટે ખતરારૂપ હોય.
આ અંગે વર્ષ 2016માં જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આજે પણ વાંદરા આ જ કૅટેગરીમાં છે.
આ અંતર્ગત વાંદરાને મારવાનો અધિકાર છે. તત્કાલિન પર્યાવરણ મંત્રી ઠાકુર સિંહ ભારમૌરીએ વર્ષ 2016માં વાંદરાને મારવા પર ખેડૂતોને 500 રૂપિયા (પ્રતિ વાંદરું) ઇનામ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ નસબંદી માટે વાંદરા પકડનારને 700 રૂપિયા આપવાનું સૂચવ્યું હતું.
શિમલા નગર નિગમનાં મેયર કુસમ સદરેટ જણાવે છે કે સરકારે પૈસા આપવાની જાહેરાત કરી, પરંતુ લોકોએ એકપણ વાંદરો માર્યો નહીં.
તેઓ જણાવે છે, "વાંદરાને હિંદુ ધર્મમાં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. લોકોનું માનવું છે કે તે ધાર્મિક છે. આ કારણે પણ વાંદરાની સંખ્યા ઘટતી નથી."
શિમલાના વાઇલ્ડ લાઇફ વિભાગના અધિકારી ડૉ. સંજય રતન જણાવે છે કે વાંદરાને વર્મિન કૅટેગરીમાં મૂક્યા બાદ પણ તેમની સંખ્યા ઘટી નથી.
રતન જણાવે છે, "સરકારે દરેક પ્રયાયો હાથ ધર્યા બાદ પણ અત્યાર સુધીમાં માત્ર પાંચ વાંદરા મારવામાં આવ્યાં છે."

વાંદરાની સંખ્યાને કાબૂ કરવાના પ્રયાસ

ઇમેજ સ્રોત, PANKAJ SHARMA/BBC
ડૉ. સંજય રતન જણાવે છે કે વર્ષ 2015માં કરવામાં આવેલા એક સર્વે અનુસાર હિમાચલ પ્રદેશમાં વાંદરાની સંખ્યા લગભગ 2.07 લાખ હતી.
છેલ્લા 12 વર્ષથી વાંદરા પર સંશોધન કરી રહેલા ડૉ. સંજય રતનનું કહેવું છે કે વાંદરાની સંખ્યા ઓછી કરવા વર્ષ 2007માં સૌથી પહેલું નસબંદી અભિયાન હાથ ધરાયું હતું.
તેઓ જણાવે છે, "આ પહેલાં વાંદરાની વસ્તીનો વૃદ્ધિ દર લગભગ 21.4 ટકા હતી. એક વાંદરાનું સરેરાશ આયુષ્ય લગભગ 25થી 30 વર્ષ હોય છે. નસબંદી બાદ તેમની સંખ્યા ઘણી ઘટી છે. માત્ર હિમાચલમાં વાંદરાના માસ સ્ટેરિલાઇઝેશનનો કાર્યક્રમ હાથ ધરાયો હતો."
"અમે અત્યાર સુધી 4.43 લાખ વાંદરાની નસબંદી કરી છે. જો આવું કરવામાં ના આવ્યું હોત તો, તેમની સંખ્યા છ મહિનામાં સાત લાખ સુધી પહોંચી ગઈ હોત."

કેવો છે વાંદરાનો વ્યવહાર?

ઇમેજ સ્રોત, PANKAJ SHARMA/BBC
વન્યજીવ જાણકારોનું માનવું છે કે કચરાના ઢગ અને ઘરો પાસે સહેલાઈથી ખાવાનું મળી જવાને કારણે વાંદરાના વ્યવહારમાં મોટો ફેરફાર આવ્યો છે. હવે તે માણસો પર હુમલા પણ કરી રહ્યાં છે.
ડૉ. સંજય કહે છે, "વાંદરા હવે માત્ર જંગલમાં મળતાં ફળો નથી ખાતાં, પરંતુ તેઓ એ રાંધેલા ખોરાક પર નિર્ભર થવા લાગ્યાં છે જે તેમને કચરામાંથી મળે છે. તેની અસર તેમના શરીર પર પણ પડી રહી છે. તે જાડાં અને જલદી મોટાં થઈ રહ્યાં છે. તેમની પ્રજનન ક્ષમતા પણ નાની ઉંમરમાં વધવા લાગી છે."
શિમલા સ્થિત ઇન્દિરા ગાંધી મેડિકલ કૉલેજમાં વાંદરાનાં કરડવા અને હુમલાનો ભોગ બનેલા લોકો દરરોજ આવે છે.
અજય કુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે એક વખત તેઓ ખરીદી માટે બજાર ગયા હતા, ત્યારે વાંદરાએ તેમની પર હુમલો કર્યો હતો.
તેઓ જણાવે છે, "અચાનક થયેલા એ હુમલાથી હું એટલો ડરી ગયો હતો કે એકલા બહાર જતા પણ ડર લાગે છે."
મેડિકલ કૉલેજમાં મારી મુલાકાત 10 વર્ષના પારસ સાથે થઈ જે ધનુરનું ઇન્જેક્ષન લેવા આવ્યા હતા. તેમણે કહ્યું કે તે શાકભાજી લેવા ગયા હતા ત્યારે વાંદરાએ તેમની પર હુમલો કર્યો હતો.

વાંદરા પર રાજકારણ

ઇમેજ સ્રોત, PANKAJ SHARMA/BBC
હિમાચલ પ્રદેશમાં વાંદરાને લઈને હંમેશાંથી રાજનીતિ થતી આવી છે. ચૂંટણી દરમિયાન દરેક ઘોષણાપત્રમાં વાંદરાની મુક્તિના ઉપાયનો મુદ્દો હોય છે.
શિમલા નગર નિગમના મેયર કુસમ સદરેટ કહે છે કે શિમલામાં વાંદરાની સમસ્યા એક ગંભીર પડકાર છે.
તેઓ કહે છે, "નગર નિગમ આ અંગે સતત પ્રયાસશીલ છે કે લોકોને જાગૃત કરવામાં આવે. અમે લોકોને વાંદરાને ભોજન ન આપવાની સલાહ આપીએ છીએ સાથે જ કચરાપેટીમાં જલદી કચરો એકઠો કરવાના પણ પ્રયાસો કરીએ છીએ."
"વર્મિન કૅટેગરીમાં હોવા છતાં લોકો તેમને ખોરાક આપે છે અને તેમને મારતા નથી. આ કારણે વાંદરાની સંખ્યા ઘટવાને બદલે વધી રહી છે."
વર્ષ 2011ની વસ્તીગણતરી પ્રમાણે હિમાચલ પ્રદેશની વસ્તી 68.64 લાખ છે. અમારા મતે રાજ્યમાં વાંદરાની સંખ્યા 2 લાખ આસપાસ છે.
ગણતરી કરીએ તો વાંદરા અને માણસોનું પ્રમાણ 33:1 છે. આ આંકડા સમસ્યાની ગંભીરતા દર્શાવવા પૂરતા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












