'સિંહણ આવી અને મારા બાળકને લઈ ગાયબ થઈ ગઈ', ગુજરાતમાં સિંહ-દીપડાના માણસો પર હુમલા કેમ વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
"ખારા બાજુથી સિંહણ આવી. તે મારી સાથે ભટકાઈ. તેનો પગ માથે હતો. હું ભાગ્યો પણ મારા નાના બાળકને લઈને તે જતી રહી અને તેનું મૃત્યુ નિપજાવ્યું. હું બચાવવાનો પ્રયત્ન કરું ત્યાં સુધીમાં તો એ ગાયબ થઈ ગઈ અને ક્યાં ગઈ એ ખબર જ ન પડી."
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ખારા ગામના નિવાસી ભાવેશ પોતાના પાંચ મહિનાના બાળકના મોતનું વર્ણન કરતાં ભાવુક થઈ જાય છે. ભાવેશ ખારા ગામમાં એક ઝૂંપડામાં રહે છે. રાત્રે સિંહણે તેમના ઘરે હુમલો કરીને તેમના બાળકનું મૃત્યુ નિપજાવ્યું હતું.
બીજા એક બનાવમાં સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામે ત્રણ વર્ષના બાળકને દીપડાએ મૃત્યુ નિપજાવ્યું હતું.
આવા જ એક અન્ય બનાવમાં રવિવારે રાજુલા રેન્જના કાતર ગામે બે વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો હતો.
જોકે હુમલો કરનારા આ બંને દીપડા પાંજરે પૂરાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
આમ છતાં અમરેલી જિલ્લામાં તાજેતરમાં સિંહ અને દીપડાના હુમલામાં કુલ ત્રણ બાળકોનાં મોત થતાં લોકોમાં ભય વ્યાપી ગયો છે.
લીલીયાના રેન્જ ફૉરેસ્ટ ઑફિસર (આરએફઓ) બી. જી. ગલાણી આ બનાવ બાદ તુરંત જ તેમની ટીમ સાથે ગામ પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું, “લોકોને અપીલ છે કે ખુલ્લામાં ન સૂવું અને વન્ય પ્રાણીને છંછેડવાં નહીં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે સિંહણ બાળકને ઉપાડી ગઈ હતી તેને લઈને વિગતો આપતાં તેઓ કહે છે, “અમે દસ ટીમ બનાવીને સિંહણને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી રહ્યા છીએ.”
બીજી તરફ, તાજેતરમાં અમરેલીના જ બગસરાના ભાજપના એક નેતા પ્રદીપ ભાખર દ્વારા મારણ કરતા સિંહોને દર્શાવતી સેલ્ફી લેવાયાના આરોપ થયા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. પ્રદીપ ભાખરે કથિતપણે તેમની કાર સિંહો પાછળ દોડાવીને તેની પજવણી કરી હોવાનાં દૃશ્યો પણ ખૂબ વાઇરલ થયાં હતાં.
જાણકારોનું કહેવું છે કે આ પ્રકારની પજવણીને કારણે પણ વન્ય પ્રાણીઓ માણસો પર હુમલો કરી રહ્યાં છે.

વન્ય પ્રાણીઓના હુમલામાં દસ વર્ષમાં 205 લોકોના જીવ ગયા

ઇમેજ સ્રોત, FARUKH KADRI
નોંધનીય છે કે વનવિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં આ પ્રકારે વન્ય પ્રાણીઓ દ્વારા થયેલા હુમલામાં 205 લોકોના જીવ ગયા છે. જ્યારે કે 1,400 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત આવા હુમલામાં થતાં ઢોરઢાંખરનાં મૃત્યુ કે ઈજાના બનાવોનો આંકડો 40 હજાર કરતાં વધુ છે.
ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ દ્વારા માનવ વસાહતો પર હુમલા કરવાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં વન્ય પ્રાણીઓ અને માનવો વચ્ચે થઈ રહેલા આ પ્રકારના ઘર્ષણ માટે વાઇલ્ડ લાઇફ નિષ્ણાતો વન્ય જીવોની સંખ્યામાં થયેલા વધારાની સામે જંગલોના વ્યાપમાં સ્થિરતાની સ્થિતિને કારણભૂત ગણાવે છે.
ગુજરાત વિધાનસભામાં આપવામાં આવેલી જાણકારી અનુસાર 31 ડિસેમ્બર, 2022 સુધી પાછલાં બે વર્ષમાં રાજ્યમાં સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવેલા હુમલામાં 34 વ્યક્તિઓનાં મોત થયાં છે. અને આ હુમલાઓમાં કુલ 229 વ્યક્તિ ઘાયલ થઈ છે.

રાજ્યમાં સિહો દ્વારા થયેલા હુમલામાં વર્ષ 2021માં બે મોત થયાં જ્યારે 2022માં આ મોતની સંખ્યા વધીને પાંચ થઈ હતી.
સિંહો દ્વારા થયેલા હુમલામાં વર્ષ 2021 અને 2022માં અનુક્રમે 21 અને 19 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બીજી બાજુ દીપડાના હુમલામાં વર્ષ 2021માં 105 લોકો ઘાયલ થયા, તેમજ 2022માં 84 લોકો ઘાયલ થયા હતા.
આ બે વર્ષ દરમિયાન દીપડાના હુમલામાં કુલ 27 લોકોનાં મોત થયાં હતાં.

સિંહો અને દીપડાના હુમલા વધવાનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વન્ય પ્રાણીઓ દ્વારા માનવ વસાહતો પર કરવામાં આવતા હુમલા પાછળનાં કારણો અંગે વાત કરતાં જાણકારો કહે છે કે ગુજરાત એ વન્ય પ્રાણીઓના સંવર્ધનમાં એક સક્સેસ સ્ટોરી મનાય છે પણ રાજ્યમાં વન્ય પ્રાણીઓની સંખ્યા વધારવાની સાથે આપણે વન્ય વિસ્તારો વધારી નથી શકાયા.
જાણકારોના મતે સામાન્ય રીતે સિંહ માણસો પર હુમલો કરતો નથી. ગીરના માલધારી અને સિંહોનું સહઅસ્તિત્વ જાણીતું છે.
સિંહ ડણક કરીને આગળ વધે છે. જ્યારે દીપડો છુપાઈને ચૂપચાપ હુમલો કરે છે. સિંહ સામી છાતીએ લડવાનું પસંદ કરે છે. તેથી સિંહોના માણસો પર હુમલાના બનાવો ઓછા છે, પરંતુ દીપડાના હુમલા વધી ગયા છે.
કેશોદમાં વન્ય પ્રાણી પર સંશોધન કરનારા રેવતુભા રાયજાદા કહે છે, “વન્ય પ્રાણીની વસ્તી વધે તો તે જંગલ બહાર જવાની જ. જંગલમાં પ્રાણીઓ વચ્ચે પણ વર્ચસ્વને લઈને સ્પર્ધા હોય છે.”
વાઇલ્ડ લાઇફ ઍક્સપર્ટ અને બીબીસીના સહયોગી હનીફ ખોખર જણાવે છે, “સિંહ રૉયલ પ્રાણી છે. સિંહો માનવો સાથે રહેવા ટેવાયેલા છે. પણ તેની કોઈ પજવણી કરે અથવા તો તે બીમાર હોય તો હુમલો કરે છે. બીમારીમાં તે મૂંઝવણમાં હોય છે.”
આ મુદ્દે વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ (ડબ્લ્યૂડબ્લ્યૂએફ) ગુજરાતના મૅનેજર મૌતિક દવેનું કહેવું છે કે રાજ્યમાં રીંછના હુમલા એટલા નથી વધ્યા જેટલા દીપડા અને સિંહના હુમલા વધ્યા છે.
આ વલણનું કારણ આપતા મૌતિક દવે કહે છે, “શેરડીનાં ખેતરો દીપડાને સંતાવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે. ત્યાં તે બચ્ચાંને જન્મ પણ આપે છે અને તેની સારસંભાળ પણ કરે છે. ત્યાં તેને ખોરાક માટે ડૉમેસ્ટિક પ્રાણી પણ સરળતાથી મળી રહે છે. તેને કારણે શેરડીનાં ખેતરોની આસપાસ માનવ અને દીપડાનો સંઘર્ષ વધ્યો છે.”
“ગીરના જંગલમાં પર્યટકોની રંજાડ વધી છે. કેટલાક લોકો ત્યાં બિનઆધિકારિક લાયન શૉ યોજે છે, સેલ્ફી લે છે તેથી સિંહની શાંતિમાં ખલેલ પહોંચે છે.”
દીપડા દ્વારા થતા હુમલા અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી આપતા હનીફ ખોખર કહે છે, “મહદંશે દીપડા મજૂરી માટે બહારથી આવેલા લોકો અને તેમનાં બાળકોને વધુ શિકાર બનાવે છે. તેઓ વાડીમાં ખુલ્લામાં રહે છે. કેટલાક લોકો જ્યારે તેમના વિસ્તારની આસપાસ માંસાહાર કરે અને પૂરતી જાળવણી રાખ્યા વગર કચરો ફેંકે તો આ વાત દીપડાને આમંત્રિત કરવા સમાન સાબિત થાય છે.”
જ્યાં સિંહણે પાંચ મહિનાના બાળક પર હુમલો કરી તેનું મૃત્યુ નિપજાવ્યું તે લીલીયા તાલુકાના ખારા ગામના ઉપસરપંચ નરેશભાઈ ગરણિયા જણાવે છે કે ગામમાં વીજળી નથી તેથી લોકો રાત્રે બહાર સૂવા માટે મજબૂર છે.
તેઓ કહે છે, “આવા બનાવો વારંવાર બને છે. તે ન બને તે માટે મારે સરકારને વિનંતી કે અમારા વાડી વિસ્તારમાં યોગ્ય વીજળી આપે. વીજળી હોય તો આવા બનાવો ન બને.”

વનવિભાગની કાર્યવાહી

ઇમેજ સ્રોત, FARUKH KADRI
જોકે વનવિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ કહે છે કે પાછલા કેટલાક સમયથી આવા હુમલાની સંખ્યામાં ઝાઝો ફરક દેખાયો નથી.
છતાં વનવિભાગે આપદા સમય માટેનો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. લોકો 1926 નંબર ડાયલ કરીને વનવિભાગની મદદ માગી શકે છે.
જૂનાગઢ ખાતેનાં વાઇલ્ડ લાઇફ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (સીસીએફ) આરાધના સાહુ વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી અને માનવ વચ્ચે ઘર્ષણના સંજોગોમાં લેવાતાં પગલાં વિશે જણાવે છે કે, “આવી સ્થિતિ અંગે અમારી ટીમને જાણકારી મળે એટલે તે તરત જ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયાસ કરે છે. જરૂર જણાય તો ટ્રાંક્વલાઇઝેશન (પ્રાણીને બેભાન કરવા અપાતું ઇન્જેક્શન) કરીને અથવા તો તેને પાંજરામાં પૂરવાની પ્રક્રિયા હાથ ધરાય છે.”
“જો પ્રાણી માનવરક્ત ચાખી ગયું હોય તો તેને અમારા રેસ્ક્યૂ સેન્ટરે લઈ જવામાં આવે છે અને ત્યાં ડૉક્ટરની ટીમ દ્વારા તપાસ કરાયા બાદ સક્કરબાગ ઝૂમાં રાખવામાં આવે છે.”
આ સિવાય વનવિભાગ દ્વારા આ ઘર્ષણ અને હુમલાના કિસ્સા ટાળવા માટે કરાઈ રહેલા પ્રયાસો અંગે જાણકારી આપતાં તેઓ કહે છે કે, “વનવિભાગ દ્વારા જાગૃતિ કેળવવા માટેના કૅમ્પો પણ આયોજિત કરાઈ રહ્યા છે.”
જોકે વનવિભાગના અન્ય એક અધિકારી એ વાત કબૂલે છે કે તેઓ બધાને એક સાથે જાગૃત ન કરી શકે અને ઘણી વાર જાગૃતિના અભાવે આવા બનાવો બનતા હોય છે.
ઉપરાંત વનવિભાગના અધિકારીઓ જંગલની આસપાસ રહેતા લોકોને વન્ય પ્રાણીઓ સાથે યોગ્ય વર્તનને લગતી તાલીમ પણ આપે છે.
આરાધના સાહુ કહે છે, "નાનાં બાળકો હોય તો કેવી રીતે રહેવું, વન્ય પ્રાણી દેખાય તો શું કરવું, તેમની સાથે કઈ રીતે વર્તવુ? આ તમામ વાતો અંગે અમે લોકોને માહિતગાર કરીએ છીએ.”

વન્ય પ્રાણીઓની સંખ્યા વધી

ઇમેજ સ્રોત, DAXESH SHAH
વનવિભાગ અનુસાર વર્ષ 2020માં કરેલી સિંહોની ગણતરી પ્રમાણે તેની સંખ્યા 674 થઈ છે.
જ્યારે કે છેલ્લે વર્ષ 2016માં કરેલી દીપડાની ગણતરી પ્રમાણે તેની સંખ્યા 1395 હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ તેની સંખ્યામાં પણ વધારો થયો હોવાનું અનુમાન છે. રીંછની સંખ્યા પણ વર્ષ 2016ની ગણતરી પ્રમાણે 343 છે. આ આંકડો પણ જૂનો છે એટલે તેમની સંખ્યામાં પણ વધારો થયો હોઈ શકે.
ગુજરાતનો કુલ વન વિસ્તાર 21876.45 ચોરસ કિલોમિટર છે. રાજ્યમાં કુલ ચાર નેશનલ પાર્ક છે જ્યારે કે 23 જેટલાં અભયારણ્યો આવેલાં છે.
એક સમયે માત્ર ગીરમાં જોવા મળતા સિંહો હવે ભાવનગરના મહુવા, દીવ, પોરબંદર, અમરેલી અને છેક રાજકોટના સીમાડે પણ જોવા મળે છે.
માનવ વસાહતોની સાવ નિકટ દેખાઈ આવતા સિંહોને હવે જંગલ તરફ પાછા વાળવા માટે વનવિભાગની ખાસ ટ્રેકર ટીમોને કામે લગાડાઈ છે.
પણ કેટલાક વિસ્તારોમાં આ ટીમ કાર્યરત્ ન હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
જોકે, માનવ વસાહતોની આસપાસ વન્ય જીવોની હાજરી હંમેશાં નુકસાનકારક હોવાની વાત સાથે કેટલાક અધિકારી સંમત નથી થતા.
બોટાદ સર્કલના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ અમિતભાઈ વાણિયા કહે છે, “ખેડૂતો તો કહે છે કે જો તેમના વિસ્તારોમાં સિંહ આવ્યો હોય તો તેમને ફાયદો થાય છે. કારણકે સિંહ નીલ ગાય અને ભૂંડનો શિકાર કરે છે. તેથી ખેડૂતોના પાકને નુકસાન કરતાં પ્રાણીઓથી તેમને છૂટકારો મળે છે.”
પોરબંદર વિસ્તારના સોશિયલ ફૉરેસ્ટ્રીના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (ડીસીએફ) અગ્નિશ્વર વ્યાસ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “સિંહ ટૅરિટોરિયલ પ્રાણી છે. વસતી વધે એટલે તે પોતાનો વિસ્તાર બનાવવા અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે.”
ભાવનગર વિસ્તારના સોશિયલ ફૉરેસ્ટ્રીના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (ડીસીએફ) સાદિક મુજાવર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, “અમે વન્ય પ્રાણીઓ માટે જંગલમાં જ તેમને ખોરાક-પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવીએ છીએ. અમુક વખત વનની બહાર ભટકતાં પાણીઓને પકડીને ફરી જંગલમાં છોડી દેવાની કાર્યવાહી પણ કરાય છે.”

હુમલા રોકવાના ઉપાય

ઇમેજ સ્રોત, Getty Images
વાઇલ્ડ લાઇફ સાથે સંકળાયેલા તજજ્ઞો આ પ્રકારના સંઘર્ષો ટાળવા માટે જાગૃતિને અનિવાર્ય ગણાવે છે.
જાણકારો કહે છે કે વન્ય પ્રાણી વિશે જંગલની આસપાસ રહેતા લોકોને જાગૃત કરવાના વનવિભાગના પ્રયત્નો છતાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે.
મૌતિક દવે કહે છે, “સરકારે બિનઆધિકારિક લાયન શૉ પર તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવાની જરૂર છે. વનવિસ્તારમાં ઘણી જગ્યાએ ગેરકાયદે રેસ્ટોરાં, હોટલ ખૂલી ગયાં છે, આ બધાને કારણે વન્ય પ્રાણીઓને હેરાનગતિ થતી હોય છે, તેને રોકવાની જરૂર છે.”
“પ્રાણીઓની સંખ્યા વધવાને કારણે ટૅરિટોરિયલ મુદ્દા ઊભા થયા છે. તેમના તેમની જ પ્રજાતિનાં પ્રાણીઓ સાથેના સંઘર્ષોનું પ્રમાણ વધ્યું છે. વનવિભાગે આ સ્થિતિમાં યોગ્ય પગલાં લેવાની જરૂર છે.”
તો રાયતુભા રાયજાદા પ્રમાણે વનવિભાગે પણ સજ્જ થવાની જરૂર છે, કારણ કે તેમની પાસે યોગ્ય માનવસંસાધન અને અન્ય સંસાધનોનો અભાવ છે.
રાયતુભા કહે છે, “જંગલ વિસ્તાર મર્યાદિત છે. જંગલોની સાથે જોડાયેલા વિસ્તારો પર માનવોએ દબાણ કર્યાં છે. જંગલને અડીને આવેલી જમીનોમાં ખાણકામ થાય છે, ટુરિઝમની પ્રવૃત્તિ છે, ઉદ્યોગો અને અન્ય પ્રવૃત્તિઓ થાય છે. આમ તેને કારણે પરોક્ષ રીતે વન્ય પ્રાણીઓને જ સહન કરવાનું આવે છે, કારણકે આ તેમનો કૉરિડૉર હોય છે.”
“આવા કૉરિડૉરમાં માનવ હસ્તક્ષેપ અટકાવવા માટે સરકારે પગલાં લેવાં જોઈએ. આવા વિસ્તારોને પણ રિઝર્વ ફૉરેસ્ટ જાહેર કરીને તેની જાળવણી થવી જોઈએ.”
હનીફ ખોખર કહે છે, “સિંહોની સંખ્યા વધવાની સાથે તેમને વધુ વિસ્તારની જરૂર પડશે. વિસ્તારોના વર્ચસ્વને લઈને પણ સિંહોનાં જૂથો અને દીપડાનાં જૂથો વચ્ચે સંઘર્ષો થઈ રહ્યા છે. તેમના એકમેક સાથેના સંઘર્ષો પણ વધ્યા છે. દરેક પ્રાણીને પોતાનું સામ્રાજ્ય જોઈએ છે.”
“છેલ્લી ગણતરી પ્રમાણે જંગલ બહારના વિસ્તારોમાં સિંહો જોવા મળ્યા. તેમનું પુનર્વસન કરવું પડશે અથવા તેમની સાથે અનુકૂલન સાધવું પડશે.”
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતમાં આ સંદર્ભે જણાવ્યું કે, “ વનવિભાગ દ્વારા હાલ સરવે ચાલી રહ્યો છે. અને જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે કે કયા કયા રહેણાક વિસ્તારોમાં આ પ્રકારે જંગલી પ્રાણીઓ ઘૂસી જાય છે. તેમનો ટ્રેક રેકર્ડ પણ રાખવામાં આવી રહ્યો છે.”
“સરવેનાં તારણો આવ્યાં બાદ અમે કાર્યવાહી કરીશું. રહેણાક વિસ્તારમાં જંગલી પ્રાણીઓ ન આવે તેવું સુનિશ્ચિત કરવાની કોશિશ ચાલુ છે.”

સહાયમાં વધારાનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
નોંધનીય છે કે તાજેતરમાં સરકારના વનવિભાગે જંગલી પ્રાણીના હુમલામાં થતા માનવમૃત્યુના કિસ્સામાં મળતી સહાયમાં એક લાખ રૂપિયાનો વધારો કર્યો છે.
અગાઉ વન્ય પ્રાણીના હુમલામાં વ્યક્તિનું મૃત્યુ નીપજે તેવી સ્થિતિમાં ચાર લાખ રૂ.ની સહાય અપાતી હતી, હવે આ રકમ વધારીને પાંચ લાખ રૂ. કરી દેવાઈ છે.
ઉપરાંત આવા હુમલામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને 40-60 ટકા વિકલાંગતાના કિસ્સામાં અગાઉ મળતી 59,100 રૂપિયાની સહાયમાં વધારો કરીને એક લાખ રૂપિયા કરી દેવાઈ છે.
જ્યારે નવી જોગવાઈ પ્રમાણે 60 ટકા કરતાં વધુ વિકલાંગતાના કિસ્સામાં બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે.
ઉપરાંત આવા હુમલા બાદ વ્યક્તિએ ત્રણ દિવસ કરતાં વધુ સમય સુધી હૉસ્પિટલમાં સારવાર અર્થે રહેવું પડે તો તેવી સ્થિતિમાં દસ હજાર રૂપિયાની સહાય ચૂકવવાની જોગવાઈ કરાઈ છે. અગાઉ આવી કોઈ જોગવાઈ અમલી નહોતી.
આ સિવાય ગુજરાત સરકારે જંગલી પ્રાણીના પશુ પરના હુમલાની સ્થિતિમાં પણ વળતરના નવા દરો જાહેર કર્યા હતા.
જે મુજબ વન્ય પ્રાણીના હુમલાના કિસ્સામાં ઘરેલુ પશુનાં મૃત્યુના વળતર સ્વરૂપે ગાય-ભેંસના 60 હજાર, ઊંટ માટે 40 હજાર, ઘેંટાં-બકરા માટે પાંચ હજાર તેમજ બિનદૂધાળાં પશુઓ માટે 25 હજાર ચૂકવવામાં આવશે.
નોંધનીય છે કે નવા દરોનો અમલ 4 જાન્યુઆરીથી શરૂ થયો છે.
રેવતુભા રાયજાદા કહે છે, “વળતરથી માનવ જિંદગી પરત આવવાની નથી. પણ તેનાથી ફેર એ પડે કે જો પ્રાણીએ કોઈના દૂધાળા પશુ પર હુમલો કર્યો હોય તો તે તેને બચાવવા જતો નથી અને તેને જવા દે છે કારણકે હવે તેને ખબર છે કે તેને તેનું વળતર મળશે.”














