અમરેલી : વડા પ્રધાને જ્યાં ચેકડૅમનું ઉદ્ઘાટન કર્યું એ દુધાળા ગામે પાણીની સમસ્યા કઈ રીતે ઉકેલી?

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, information department gujarat

ઇમેજ કૅપ્શન, 28 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુધાળા ગામે બાંધવામાં આવેલા ભારતમાતા સરોવર નામના ચેકડૅમનું ઉદ્ઘાટન કર્યું હતું
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, દૂધાળા, અમરેલીથી

અમરેલી જિલ્લામાં કવિ કલાપીની નગરી તરીકે ઓળખાતા લાઠી શહેરથી અમરેલી શહેર તરફ જવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-F પર આગળ વધો એટલે લાઠી શહેરની વાયવ્ય ભાગોળે એક નદી દેખાય. નદીમાં કૉમન વોટર હાયસિંથ નામની પાણીમાં ઊગતી વનસ્પતિ કે જેને લોકો ગાંડી વેલ કહે છે તે પથરાઈ ગયેલી છે.

થોડાં ભગતડાં (common coot) પક્ષી તરતાં દેખાય છે. કાંઠા પર કેટલાંક બગલા, કાળી કાંકણસાર અને ટીટોડીઓ આંટા મારે છે.

નદીના પુલની જમણી તરફ ધનજીદાદા સરોવર નામના ચેકડૅમ પરથી છલકાઈને પાણી ખળખળ વહે છે. પુલ ઓળંગીએ એટલે ડાબી તરફ ફંટાતા દુધાળા ગામના રસ્તા અને ધોરીમાર્ગના કાટખૂણે બાંધેલું હરિકૃષ્ણ પક્ષીઘર સૌનું ધ્યાન ખેંચે છે. આ પક્ષીઘર પર તીરનાં નિશાન દર્શાવે છે કે દુધાળા તરફ હરિકૃષ્ણ સરોવર આવેલું છે.

28 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાઠીથી ચાર કિલોમીટરે આવેલા દુધાળા ગામે બાંધવામાં આવેલા ભારતમાતા સરોવર નામના ચેકડૅમનું ઉદ્ઘાટન કરવા આવીને સૌનું ધ્યાન ખેંચ્યું.

જોકે વડા પ્રધાને લાઠી શહેર ખાતે યોજાયેલ જાહેર સમારંભમાં કુલ 4800 કરોડનાં વિકાસકામોનાં ઉદ્ઘાટન કે ખાતમુહૂર્ત કર્યાં પણ મુખ્ય હાઇલાઇટ તો દુધાળા ગામ પાસેથી વહેતી ગાગડિયો નદી પરના ભારતમાતા સરોવર નામના ચેકડૅમનું ઉદ્ઘાટન જ હતી.

કાર્યક્રમના આયોજકો સ્વીકારે છે કે નરેન્દ્ર મોદી કોઈ ચેકડૅમનું ઉદ્ઘાટન કરવા આવે તે થોડી અચરજ પમાડે તેવી બાબત તો ગણાય જ. તો પછી આ પ્રોજેક્ટની કઈ એવી ખાસિયત છે કે તેનું ઉદ્ઘાટન કરવા દેશના વડા પ્રધાન પોતે એવી જાય?

દુધાળા ગામમાં લહેરાતા ખેતીપાકો

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ઓઘડભાઈ શિંગાળા તેમના કપાસના ખેતરમાં

ઑક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં દુધાળા ગામની વાડીઓમાં કપાસનો પાક મનમોહક લાગે છે, ક્યાંક કપાસનાં કાલાં ખૂલી ગયાં છે અને વીણવા માટે કપાસ તૈયાર છે, ક્યાંક ભરાવદાર જિંડવાંના વજનથી કપાસના છોડ નમી ગયા છે, તો ક્યાંક કપાસના છોડ પર ઝૂલતાં આછાં-પીળાં અને ગુલાબી ફૂલોનો મઘમઘાટ છે. ક્યાંક કપાસ વીણવાનું ચાલુ છે, કોઈ ખેડૂતો કપાસના પાકને પિયત આપી રહ્યા છે. ક્યાંક વળી મગફળી ઉપાડી લીધા બાદ સુકાઈ રહી છે તો ક્યાંક આ તેલીબિયાં પાક હજુ પાક્યો ન હોવાથી જેમનો તેમ ઊભો છે.

ઑક્ટોબરનો તડકો આકરો છે પણ 65 વર્ષના ખેડૂત ઓઘડભાઈ શિંગાળા દુધાળાના વખાર સીમ વિસ્તારમાં આવેલી પોતાની 20 વીઘા વાડીમાં કપાસના પાકને જોઈને મલકાય છે.

"મારા કૂવા અને બોરમાં પાણી સાવ ઉપર સુધી ભર્યાં છે અને કપાસના પાકમાં આ વર્ષે ગુલાબી ઇયળનો ઉપદ્રવ કંઈ ખાસ દેખાતો નથી. કપાસમાં વીઘે વીસ મણથી વધારે ઉત્પાદન મળશે તેમ લાગે છે. શિંગ (મગફળી) કાઢીને ઘઉં વાવીશું અને પાણી પૂરતું હોવાથી ઘઉંનો ઉતારો વીઘે 40થી 50 મણ મળશે." ઓઘડભાઈ પછી ઉમેરે છે, "લગભગ વીસ વર્ષ પહેલાં ગોવિંદકાકા (શ્રી રામકૃષ્ણ ઍક્સપૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન અને હાલના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા)એ આ નેરુ ખોદાવી ત્યારથી અમારે પાણીનું સુખ થઈ ગયું છે અને ખેતી સારી છે. હવે વધારે ડૅમ બંધાયા છે અને વધારે ફાયદો થયો છે."

ખારાપટમાં મીઠું પાણી

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ગાગડિયો નદી પર બાંધવામાં આવેલો ચેકડૅમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત સરકારના આંકડા મુજબ લાઠી તાલુકામાં આ વર્ષે ચોમાસા દરમિયાન 24 ઇંચ વરસાદ નોંધાયો છે જે છેલ્લાં 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ 92 ટકા જેટલો થાય.

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વાર્ષિક સરેરાશ 25 ઇંચ વરસાદ પડે છે જે જિલ્લાના 11 તાલુકામાં સૌથી ઓછો છે. ધારી પછી નંબર આવે છે લાઠીનો જ્યાં વાર્ષિક સરેરાશ 26 ઇંચ વરસાદ પડે છે.

લાઠી તાલુકાનાં મોટાં ભાગનાં ગામોમાં જમીન કાળી અને ગોરાડુ છે જે કપાસ, ઘઉં, ચણા વગેરે પાકો માટે ઉત્તમ મનાય છે. પરંતુ દુધાળાની પૂર્વ અને દક્ષિણ સીમમાંથી વહેતી ગાગડિયા નદીના કાંઠાળ વિસ્તારને ખારોપટ કહે છે, કારણ કે ત્યાં ગોરમટી (એક પ્રકારની ચીકણી માટી જે જૂના જમાનામાં મકાનોની દીવાલ ચણવા વપરાતી) અને સૂંઠિયો પ્રકારની માટી છે જે પાણીને જલદી સુકાવા તો નથી દેતી, પણ તેમાં ફ્લોરાઇડ તત્ત્વનું પ્રમાણ હોવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે જે નદી-નાળાંના અને ભૂગર્ભજળને ખારું, ભામ્ભરું કે મોળું કરી નાખે છે.

આવા પાણીથી પાકને પિયત આપવાથી જમીનની ફળદ્રુપતા પર લાંબે ગાળે અવળી અસર થઈ શકે છે. વળી, ગોરમટી અને સૂંઠિયાવાળી જમીન ફળદ્રુપ હોતી નથી તેથી ઉપજાઉ પણ નથી હોતી.

પરંતુ દુધાળાના લોકોએ મહેનત, આયોજન અને ઊંડી સમજણ દાખવી ઉદ્યોગપતિઓ અને સરકારના સહયોગથી વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી આ કુદરતી વિષમતાનો તોડ શોધી કાઢ્યો છે.

ગુજરાતમાં સામાન્ય રીતે વાડી-ખેતરને શેઢે કાંસ કે વોકળા આવેલા હોય છે અને આવા વોકળા કે કાંસ વાટે વરસાદના પાણી ખેતરોમાંથી નદી તરફ વહેતા હોય છે. પણ દુધાળામાં આવા સામાન્ય કાંસ કે વોકળા દેખાતા જ નથી.

અહીં ગામની આખી સીમમાં પંદરથી વીસ ફૂટ ઊંડી ખાળો ખોદેલી છે અને તેમાં થોડા થોડા અંતરે ચેકડૅમ બાંધેલા છે.

સ્થાનિક ખેડૂતો આવી ખાળોને નહેર અને તેમાં બાંધેલ ચેકડૅમને બંધારા કહે છે. આ નહેરોના કાંઠે-કાંઠે વાડીઓ સુધી પહોંચવાના ગાડામારગ બનાવેલો છે. નહેરોની ઊંડાઈને કારણે બહારના માણસોને આવા રસ્તા પર વાહન ચલાવતી વખતે ભય જણાય તો નવાઈ નહીં.

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, અકાળા ગામની પોતાની વાડીમાં પાણીની ગુણવત્તા ચકાસતા નટુભાઈ વસોયા

ઓઘડભાઈની વાડીના પૂર્વ અને દક્ષિણ શેઢે એવી જ ઊંડી ખાળ ખોદેલી છે. તેમાં હાલ તો પાણીના માત્ર કેટલાક ખાડા જ ભરેલા છે.

"આ વર્ષે વરસાદ ઓછો થયો છે. નેરુ (નહેરો) એક જ વાર ભરાઈ'તી અને હમણાં વરસાદ નથી થયો એટલે તેમાં પાણી નથી. પણ નેરુ તો એક સાથે 10 ઇંચ વરસાદ વરસે તો જ છલકાય છે. એક વાર નેરુ ભરાઈ જાય એટલે અમારા બોર અને કૂવામાં શિયાળા સુધી ચાલે તેટલું પાણી એવી જાય છે," એમ ઓઘડભાઈ બીબીસીને જણાવે છે.

ગાગડિયો નદીના કાંઠે લાઠી-દુધાળા રોડ પર પોતાની પાંચ વીઘા અને ભાગમાં વાવવા રાખેલી 35 વીઘા જમીનમાં ખેતી કરતા 48 વર્ષીય ખેડૂત હિમ્મતભાઈ કાનાણી પણ છેલ્લાં આઠ વર્ષથી વધારે ખુશ છે.

પ્રાથમિક શિક્ષણ મેળવેલા હિમ્મતભાઈ બીબીસીને જણાવે છે, "પહેલાં ગાગડિયાકાંઠાના આખા પટ્ટામાં માત્ર જુવાર જ વવાતી, કારણ કે ભૂગર્ભમાં પાણી ટકતા નહીં અથવા બહુ ખારાં હતાં. પણ આઠ વર્ષ અગાઉ ગાગડિયો નદી પર નારણ સરોવર (મોટો ચેકડૅમ) બંધાયો એટલે પાણીની ખારાશ ઘટી અને પાણીનાં તળ ઊંચાં આવ્યાં. પાણી મીઠાં થતા મેં કપાસ વધારે વાવવાનું ચાલુ કર્યુ, કારણ કે પાણી મીઠું હોવાથી પિયતથી જમીન બગાડવાની બીક ના રહી અને મોલાત પણ સારી થવા લાગી."

દુધાળા પાણીવાળું ગામ કેવી રીતે બન્યું?

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ગાગડિયો નદીના કાંઠે બાંધવામાં આવેલા માટીના પાળા

સરકારી આંકડા મુજબ, ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આમ તો સરેરાશ 37 ઇંચ વરસાદ પડે છે. પણ આ પ્રાંતની ભૌગોલિક રચના ઊંધી રકાબી આકારની હોવાથી વરસાદના પાણી સમુદ્રમાં વહી જાય છે. તેથી, પીવાના અને સિંચાઈનાં પાણીની સમસ્યા કાયમી. જમીન ફળદ્રુપ હોવા છતાં સિંચાઈના પાણીનો અભાવ ખેતીનો વિકાસ જોઈએ તેવો થયેલો નહીં.

આઝાદી પહેલાં અને આઝાદી પછીના શાસનકર્તાઓએ શેત્રુંજી, ભાદર, મચ્છુ-2 જેવા મોટા ડૅમ બાંધી આ સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો હતો.

હાલ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સિંચાઈ માટે 141 જેટલા નાના અને મધ્યમ કદના ડૅમ છે. પણ સૌરાષ્ટ્ર એક ઉચ્ચપ્રદેશ હોવાથી આવા ડૅમની ક્ષમતા માર્યાદિત રહી છે. તેથી 1990ના દાયકામાં રાજ્ય સરકાર અને હીરાઉદ્યોગના અગ્રણી મથુર સવાણી સહિતના લોકોએ મથુર સવાણીએ સ્થાપેલા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના માધ્યમથી ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રોકાય અને તેના કારણે ભૂગર્ભજળના સ્તર ઊંચા આવે તેવા આશયથી ગામોમાં વોકળા, ઝરણાં અને નાની નદીઓ પર ચેકડૅમ બાંધી, તેમાં વરસાદનું પાણી સંગ્રહી ભૂગર્ભજળના સ્રોતોને રિચાર્જ કરવાની ઝુંબેશ ઉપાડી.

બીબીસી સાથે વાત કરતા મથુર સવાણી જણાવે છે, "મારા હીરાના બિઝનેસને કારણે 1980ના દાયકાથી મારે અવારનવાર ઇઝરાયલ જવાનું થતું હતું. ત્યાંની વોટર મૅનેજમૅન્ટ (જળવ્યવસ્થાપન) મેં જોયું અને નિરીક્ષણ કર્યું કે ઓછો વરસાદ પડતો હોવા છતાં ત્યાં ખેતી બહુ સારી થતી હતી, જ્યારે ગુજરાતમાં વરસાદ ઘણો પડતો હોવા છતાં યોગ્ય વોટર મૅનેજમૅન્ટના અભાવે સિંચાઈ અને પીવાના પાણીની તંગી રહેતી. પણ ભૂગર્ભજળના સ્રોતોને રિચાર્જ કરવા તરફ કંઈ ખાસ ધ્યાન અપાતું નહોતું. પાણીનાં તળ ઊંડાં ને ઊંડાં જવાં લાગ્યાં."

"ઉત્તર ગુજરાતમાં તો 2000 ફૂટ સુધી ઊંડા બોરેવેલ થવા લાગ્યા. બૅન્કમાં પૈસા ડિપૉઝિટ કર્યા વગર ઉપાડયે જ કરવા જેવો આ ઘાટ હતો. આ સ્થિતિ સુધારવા મેં મારા ગામ ખોપાળા (તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ)માં 1998માં 200 ચેકડૅમ અને 10 તળાવ બંધાવ્યાં. આ કામ માટે અમે ખેડૂતો પાસેથી વીઘા દીઠ રૂપિયા 300 ઉઘરાવ્યા અને બાકીના પૈસા અમે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ આપ્યા. ખોપાળામાં અમારો પ્રયોગ સફળ રહેતા આ પ્રકારના ચેકડૅમ અને તળાવ બાંધવા માટે તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનો અમે સહયોગ માગ્યો અને તે મળતા અમે જળક્રાંતિ માટે ગામેગામ ચેકડૅમ બાંધવાનું જળઅભિયાન શરૂ કર્યું. આ માટે સુરત, મુંબઈ અને અન્ય શહેરો અને વિદેશમાં રહેતા ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓને અમે હાકલ કરી કે તમારા ગામમાં જળસંચયના કામમાં સહયોગ આપી તમારા વતનનું ઋણ ચૂકવો."

સુરતમાં રહેતા હીરાઉદ્યોગપતિઓએ વતન તરફ દૃષ્ટિ કરી

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, દુધાળામાં ગાગડિયો નદીના કાંઠે બનાવેલા અમૃતવનમાં સવજીભાઈ ધોળકિયા

આ અભિયાનમાં દુધાળાના વતની અને સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ ગોવિંદ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ ઍક્સપૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન) અને તેમના ભત્રીજા સવજી ધોળકિયા (હરેકૃષ્ણ ગ્રૂપના સ્થાપક અને ચૅરમૅન) પણ જોડાયા. તેમણે 2001ની સાલમાં દુધાળામાં વરસાદી પાણીના સંગ્રહ માટે લગભગ 45 કિલોમીટર લાંબી નહેરોનું નેટવર્ક અને તેમાં અંદાજે 75 બંધારા બનાવડાવ્યા.

ગોવિંદભાઈની વેબસાઇટ પર લખ્યું છે, "2001માં છૂટાછવાયા વરસાદને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં દુષ્કાળને કારણે ખેડૂતો પોતાના માલ-ઢોર અને સૂકી જમીનો છોડી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો તરફ હિજરત કરવા લાગ્યા. એ વખતે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના માધ્યમથી ગોવિંદ ધોળકિયાએ આખા સૌરાષ્ટ્રમાં ચેકડૅમ બાંધવા માટે એક મોટું અભિયાન આદર્યું. લોકોની સખત મહેનતના કારણે ટૂંકા સમયમાં જ 100 ચેકડૅમનું નિર્માણ થયું અને ભૂગર્ભજળના સ્તર ઉપર આવ્યા."

પરંતુ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા 65 વર્ષીય સવજીભાઈ કહે છે કે "2001માં દુધાળામાં થયેલા જળસંચયના કામથી તેમને સંતોષ ન હતો. મારો કૉન્સેપ્ટ એ હતો કે આપણે ગામમાં એક એવું સરોવર બનાવીએ કે જેમાં બારેય મહિના પાણી રહે. આ નહેરુ કરીને, લોકોની જમીન કાપીને ચોમાસામાં પાણી રાખવાનો કોઈ પર્પઝ (હેતુ) નથી. અમે બહુ બધા પ્રયાસો કર્યા, પણ એ વખતે હું નાનો હતો... મારું કદ નાનું પડ્યું અને આગેવાનોએ મારી વાત ધ્યાનમાં ન લીધી અને નહેરુ કરી. નો ડાઉટ, એમાં પણ પરિણામ તો આવ્યાં, પણ જે સરોવરમાં બારેય મહિના પાણી રહેવું જોઈએ તે નહેરમાં રહેતું નથી. તેથી વાત તો એવડી ને એવડી જ રહી. પાછું આપણે સરોવર પર જવું પડ્યું."

ગાગડિયો નદી પર ચેકડૅમની હારમાળા બંધાણી

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, દુધાળા ગામે બાંધવામાં આવેલું ભારતમાતા સરોવર

સવજીભાઈ કહે છે કે નહેરો દ્વારા જળસંચયના કામથી તેમને સંતોષ ન થતા 2007માં તેમણે દુધાળામાં ગાગડિયો નદી પર પાંચ મોટા ચેકડૅમ બંધાવ્યા અને તેમના વિચારનો સાકાર નમૂનો રજૂ કર્યો.

તેઓ કહે છે, "આ પાંચ સરોવરોનું મેં 10 વર્ષ સુધી પરિણામ જોયું. અમારા ગામમાં ત્યારે ખેતીમાં પાંચ લાખની અવાક નહોતી થતી. અત્યારે પાંચ-પાંચ કરોડની આવક થવા લાગી છે. આ સારાં પરિણામ જોઈ 2017માં ગાગડિયાનું આ કામ ચાલુ કર્યું."

ગાગડિયો નદી અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામથી ઉદ્ભવે છે અને 55 કિલોમીટર લાંબી છે.

ઉત્તરથી દક્ષિણ દિશાએ વહી તે બાબરા અને લાઠી તાલુકામાંથી પસાર થઈ લીલીયા તાલુકાના ક્રાકચ ગામે શેત્રુંજી નદીમાં ભળી જાય છે.

સવજીભાઈ સંચાલિત ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 2017માં રાજ્ય સરકારના સહયોગથી વધારે ચેકડૅમ બાંધવાની અને નદીને પહોળી અને ઊંડી કરવાની શરૂઆત થઈ. ત્યારથી લઈને આજ દિન સુધી લાઠીથી ઉત્તરે આવેલા હરસુરપુર ગામથી લીલિયા તાલુકાના ક્રાકચ ગામ સુધી ગાગડિયો નદીની 29 કિલોમીટર લંબાઈમાં ધોળકિયા ફોઉન્ડેશન રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તળે નદીને ઊંડી અને પહોળી કરી રહ્યું છે.

કુલ રૂપિયા 35 કરોડના ખર્ચે નદી પર પાંચ નવા ચેકડૅમ બાંધવાંનું, હયાત પાંચ ચેકડૅમોને રિપૅર કરવા, નદીના કાંઠે માટીના પાળા બાંધવા સહિતનાં કામો થયાં છે.

આ નદી પર 30થી વધારે ચેકડૅમ બાંધવામાં આવ્યા છે તેમ ગુજરાત સરકારની એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બીબીસી સાથે વાત કરતા સિંચાઈ ખાતાના અમરેલી ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર અશ્વિન ચૌહાણ જણાવે છે કે ગાગડિયો નદીના પુનર્જીવિત થવાના કારણે ભૂગર્ભજળના સ્તર જે 400 ફૂટે હતાં તે 200 ફૂટે આવી ગયાં છે.

"નદીની પહોળાઈ જે સરેરાશ 60થી 70 મીટર હતી તે વધારીને 100થી 120 મીટર કરાઈ છે. નદીને દોઢથી ત્રણ મીટર ઊંડી પણ કરાઈ છે. જોકે ઊંચાઈના અભાવે ગાગડિયો નદીમાંથી કૅનાલ વાટે સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. પણ તેનો લાભ નદીના બંને કાંઠે ઓછામાં ઓછા એક કિલોમીટર વિસ્તારમાં થયો છે."

આટલું મોટું કામ કઈ રીતે શક્ય બન્યું?

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ગાગડિયો નદીમાંથી ખોદેલ માટીથી દુધાળા ગામે બનાવેલી ટેકરી

રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે ગાગડિયો નદીના જળવ્યવસ્થાપન સંબંધિત પ્રવૃતિઓ કરવા સપ્ટેમ્બર 2022માં થયેલા કરાર મુજબ ચેકડૅમ બાંધવા, હયાત ચેકડેમને રિપૅર કરવા, નદીને પહોળી અને ઊંડી કરવી, નદીકાંઠે પાળા બાંધવા, તળાવો ખોદવાં અને તેની નહેરો બનાવવી વગેરે ધોળકિયા ફાઉન્ડેશનની જવાબદારી રહેશે.

ત્રણ વરસ સુધી ચાલનાર આ પ્રોજેક્ટ પર સરકાર રૂપિયા 16 કરોડ અને ધોળકિયા ફાઉન્ડેશન ચાર કરોડ ખર્ચશે.

કરાર મુજબ આ કામગીરી માટે જો કોઈ જમીનનું અધિગ્રહણ કરવાનું થાય તો તે જવાબદારી પણ ધોળકિયા ફાઉન્ડેશનને શિરે છે.

સવજીભાઈ કહે છે કે મોટા પાયે માટીનું ખોદકામ કરવાનું હોવાથી આ ખોદેલી માટી કે જે ગોરમટી અને સૂંઠિયા પ્રકારની હતી તેને ક્યાં નાખવી તે મોટો પડકાર હતો, કારણ કે આજુબાજુના ખેડૂતો આવી માટી લેવા તૈયાર ન હતા. તેથી નદીકાંઠાની સેંકડો વીઘા જમીન તેમણે ખરીદી લીધી.

સવજીભાઈ જણાવે છે, "જમીન જોઈએ, તેમાં ફૉરેસ્ટની જમીન આવતી હોય, ગૌચરની જમીન આવતી હોય, સરકારી જમીન આવતી હોય, ઘણાની પ્રાઇવેટ જમીન આવતી હોય. જેને નથી વેચવી, નથી કરવા દેવું અને માત્ર નડવું જ છે તેમને સમજાવી-પટાવી તેની પાસેથી પાંચ-પચીસ (રૂપિયા) મોંઘી લઈ લઈએ, તેનો ઇન્ટરેસ્ટ હોય એમાં હા-એ-હા કરી, કામ પર ફોકસ રાખ્યું અને ધીરે ધીરે સપોર્ટ અને રિઝલ્ટ મળતાં ગયાં. બધાને સહન કર્યાં. સાત-સાત વરસ રાહ હોઈ છે અને હજુ કામ ચાલુ છે. મેં બહુ ધીરજ રાખી છે. મારી જિંદગીમાં 50 વર્ષમાં હીરાના કામમાં એટલું સહન મેં ક્યારેય કર્યું નથી."

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, અકાળા ગામની એક વાડીના કૂવામાં પાણી ઉપર સુધી ભરેલું છે

જેમણે જમીન વેચવી પડી તેમાંથી કેટલાક કહે છે કે તેમને તો ફાયદો જ થયો છે.

દુધાળાના દુદાભાઈ બગડા, તેમના પાંચ ભાઈ અને પાંચ-છ પિતરાઈ ભાઈઓને તેમની 100 વીઘા જમીન ત્રણ વરસ પહેલાં વેચવી પડી.

દુદાભાઈ બીબીસીને કહે છે, "અમારી જમીન નદી વચ્ચે એક ટાપુ સ્વરૂપે હતી. નદીમાં પૂર આવતા અમારી વાડીમાં પાણી પડતાં અને ધોવાણ થતું. સવજીભાઈને માટી નાખવા જમીન જોઈતી હતી. તેમણે અમને 100 વીઘા જમીન અન્ય જગ્યાએ લઈ આપી અને ઉપરાંત થોડા પૈસા આપ્યા. તેથી અમે ગાગડિયોના કાંઠાની અમારી જમીન તેમને આપી દીધી અને આજે તેમણે ત્યાં આંબા વાવ્યા છે."

ભારતમાતા સરોવરની આજુબાજુ લગભગ 200 વીઘા જમીન ધોળકિયા પરિવારે આ રીતે વેચાતી લીધી છે અને તેના પર કૃત્રિમ ટેકરીઓ, બગીચા વગેરેનું નિર્માણ કર્યું છે.

'હેતની હવેલી' નામનું એક મોટું મકાન પણ ચણ્યું છે અને આ હવેલી ખાતે સવજીભાઈના દીકરા દ્રવ્યના લગ્નનો સમારંભ યોજાયો હતો અને 28 ઑક્ટોબરે વડા પ્રધાને આ નવદંપતીને આશીર્વાદ પણ આપ્યા હતા.

દુધાળા ગામના માજી સરપંચ ધનજીભાઈ શંકર કહે છે કે ગામલોકોએ અન્ય રીતે પણ સહયોગ આપ્યો. જ્યારે પણ જરૂર પડી ત્યારે ગામના ખેડૂતો પાવડા-તગારા લઈને શ્રમકાર્યમાં જોડાયા છે.

ધનજીભાઈ ઉમેરે છે, "જળસંચયના કારણે દુધાળા ગામની 4,000 વીઘા જમીનને ઓછામાં ઓછા બે પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળી રહે છે."

પીવાના પાણીની સમસ્યા કેવી રીતે દૂર થઈ?

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ગૌરીબહેન ગજેરા કહે છે કે તેમના ગામમાં પીવાના પાણીની સમસ્યા નથી રહી

દુધાળાની સામે ગાગડિયો નદીના સામે કાંઠે આવેલા અકાળા ગામમાં ખેડૂતો અને મહિલાઓ પણ ખુશ છે, કારણ કે 2017થી પીવાના અને સિંચાઈના પાણીની તંગી રહી નથી.

અકળાના માજી સરપંચ નટુભાઈ વસોયા કહે છે, "પહેલાં અમારા ગામના ભૂગર્ભજળનું TDS (ટોટલ ડિઝોલ્વડ સોલિડસ એટલે કે ક્ષારની કુલ માત્રા) 1750 PPM (પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10 લાખ કણોમાંની સંખ્યા) હતું. પાણી ખૂબ મોળું હતું અને પીવા માટે સારું ન હતું. પરંતુ 2017 બાદ ગાગડિયોમાં સરોવર થવાથી TDS ઘટીને 450 PPM થઈ ગયું છે. આજે ગામના કૂવા અને બોરનાં પાણી પીવાલાયક છે."

અકળાનાં 54 વર્ષીય ગૃહિણી ગૌરીબહેન ગજેરા કહે છે કે તેમના ઘરે કરેલા બોરેવેલમાં પાણી સુકાઈ જતું, પણ 2017થી તે પુનર્જીવિત થયો છે.

ગૌરીબહેન કહે છે, "પહેલાં તો ઉનાળામાં અમારે કોઈના ઘરે ઊંડો બોર હોય ત્યાં પાણી ભરવા જવું પડતું અને આ પાણી ફ્લોરાઈડવાળું હોવાથી લોકોને હાડકાના સાંધા દુખાવાની ફરિયાદો રહેતી. પણ હવે મારા ઘરના બોરમાં ઉનાળામાં પણ પાણી રહે છે અને તે પાણી બારેય મહિના પીવાલાયક રહે છે. અમારે નર્મદાનાં પાણીની જરૂર રહેતી નથી."

એશિયાઈ સિંહો પર શું અસર થશે?

ગાગડિયો નદી, અમરેલી, દુધાળા ગામ, ભારતમાતા સરોવર, ચેકડૅમ, લાઠી, ગુજરાતમાં પાણીની સમસ્યા, ગુજરાતમાં જળવ્યવસ્થાપન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, ગાગડિયો નદીના કાંઠે વિકસાવેલી આંબાવાડી

ગાગડિયો નદીના કાંઠે છેલ્લાં કેટલાંક વર્ષોથી એશિયાઈ સિંહોની અવરજવર નોંધાઈ છે. વળી, ગાગડિયો નદીના પૂર્વ કાંઠે એક આરક્ષિત વન એટલે કે પ્રોટેકટેડ ફૉરેસ્ટ પણ આવેલું છે.

આ વન ગીર (પૂર્વ) વન્યપ્રાણી વિભાગની હદમાં છે અને સિંહોના વસવાટ માટે તે આદર્શ પુરવાર થઈ રહ્યું છે તેમ વનવિભાગના સ્થાનિક અધિકારીઓ બીબીસીને જણાવે છે.

અહીંથી સિંહો ભાવનગરના ગારિયાધાર તરફ પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. કેટલાક સ્થાનિક લોકો નામ ન લખવાની શરતે કહે છે કે ગાગડિયો નદીમાં બારેય મહિના પાણી ભરાઈ રહેશે તો સિંહોનું પૂર્વ બાજુ ભાવનગર જિલ્લા તરફનું વિસ્તરણ અટકશે. પરંતુ ગીર (પૂર્વ) વન્યપ્રાણી વિભાગના નાયબ વનસંરક્ષક રાજદીપસિંહ ઝાલા આ દાવાને તથ્યવિહોણો ગણાવે છે.

તેઓ કહે છે: "રાવલ ડૅમના ઊંડા અને મગરોવાળા પાણીમાં એશિયાઈ સિંહો તરતા દેખાય છે. તે જ રીતે સિંહો તરીને શેત્રુંજી ડૅમના ટાપુ પર પણ જતા હોવાના પુરાવા છે. તેથી એમ માની શકાય કે ગીર અને તેની આજુબાજુમાં રહેતા એશિયાઈ સિંહો પાણીમાં સારી રીતે તરી શકે છે અને તેથી, ગાગડિયો નદીમાં પાણી ભર્યાં રહે તો પણ સિંહોની મૂવમેન્ટ (વિચરણ) પર કોઈ અવળી અસર થશે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.