અમેરિકામાં ‘પટેલોનો દબદબો’ કેવી રીતે વધ્યો અને હોટલોના બિઝનેસમાં સામ્રાજ્ય કઈ રીતે સ્થાપ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
"અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક લેખ વાંચ્યો અને મને ફોન કર્યો કારણ કે હું એશિયન અમેરિકન હોટલ ઑનર્સ ઍસોસિયેશનનો સભ્ય હતો. તેમને લાગ્યું કે અમે સક્ષમ ઉત્પાદકો અને ઉદ્યોગસાહસિકો છીએ."
"મેં તેમને પૂછ્યું કે તમે અમને ફંડ રેઇઝિંગ માટે તો ફોન નથી કર્યો ને? ક્લિન્ટને હસતાં હસતાં કહ્યું કે આ તો રાષ્ટ્રપતિ તરીકે મારી છેલ્લી ટર્મ છે. હું ઇચ્છું છું કે તમે મારી સાથે ભારત આવો."
આ શબ્દો મહેશ (માઇક) પટેલના છે જેમણે 2016માં આ કિસ્સો સંભળાવ્યો હતો. માઇક પટેલ ત્યારે એશિયન અમેરિકન હોટલ ઑનર્સ એસોસિયેશન (AAHOA)ના રિજનલ ડાયરેક્ટર હતા.
બિલ ક્લિન્ટને ન માત્ર એક ગુજરાતી મૂળના ઉદ્યોગપતિને આ ફોન કર્યો હતો પરંતુ તેમણે 2001માં એશિયન અમેરિકન હોટલ ઑનર્સ એસોસિયેશનના વાર્ષિક કન્વેન્શનને સંબોધિત પણ કર્યું હતું.
અકસ્માતે જ અમેરિકામાં હોટલના ધંધામાં ઝંપલાવનારા ભારતીય સમુદાય માટે આ મોટી ક્ષણ હતી. ખાસ કરીને ગુજરાતી મૂળના પટેલો માટે, જેમણે પોતાની વર્ષોની મહેનતથી આ શક્ય બનાવ્યું હતું.
આજે અમેરિકાના અર્થતંત્રમાં ભારતીયોની માલિકીની મોટલે અને હોટલોનો કરોડો ડૉલર્સનો ફાળો છે.
"પટેલ મોટેલ" તરીકે લોકપ્રિય થયેલી ગુજરાતના પટેલોની ઉદ્યોગસાહસિકતાનો અમેરિકામાં હોટેલ ક્ષેત્ર પર ખૂબ મોટો પ્રભાવ રહ્યો છે.
સંપૂર્ણ અમેરિકામાં મધ્યમ કદની મોટેલ અને હોટલોમાંથી 60 ટકા હોટલો ભારતીય મૂળના લોકોની માલિકીની છે. તેમાંથી એક તૃતિયાંશ હોટેલો પટેલોની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સમય એવો હતો કે અમેરિકામાં ભારતીયોને નાગરિકતા પણ નહોતી મળી શકતી. એવામાં અમેરિકા પહોંચી જનાર ગુજરાતના પટેલોએ કઈ રીતે માત્ર છેલ્લા પાંચ દાયકાના ગાળામાં સમગ્ર અમેરિકાની હોટલ ઇન્ડસ્ટ્રી પર કબ્જો કરી લીધો? કઈ રીતે તેઓ રાજકીય અને સામાજિક સ્તરે પણ અમેરિકામાં પોતાનો દબદબો સ્થાપિત કરવામાં સફળ થયા?
(નોંધ: અહીં આ લેખમાં મોટેલનો અર્થ પાર્કિંગની સુવિધા ધરાવતી નાનકડી હોટલ, હાઇવે કે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી હોટલ કરવો)

ભયાનક દુષ્કાળે જ્યારે પટેલો પાસેથી બધું છીનવી લીધું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીયોની અમેરિકા પહોંચવાની શરૂઆતની કહાણી 1900ના દાયકાના મધ્યભાગથી શરૂ થાય છે. આ દાયકાની શરૂઆતમાં થોડાઘણા ભારતીયો વિવિધ હેતુસર અમેરિકા ગયા.
પણ 1924ના ઇમિગ્રેશન ઍક્ટ થકી ભારતીયો અને અન્ય એશિયનો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાથી વંચિત રહી ગયા હતા.
પરંતુ પાટીદારોનું અમેરિકાગમન કેવી રીતે શરૂ થયું તેના પાછળ એક લાંબી કહાણી છે.
અમેરિકા સ્થિત પ્રોફેસર પવન ઢિંગરાએ ‘લાઇફ બિહાઇન્ડ ધી લૉબી: ઇન્ડિયન અમેરિકન મોટેલ ઑનર્સ ઍન્ડ ધી અમેરિકન ડ્રીમ’ નામે એક પુસ્તક લખ્યું છે.
તેમણે હોટલ/મોટેલના બિઝનેસ સાથે જોડાયેલા સેંકડો પરિવારોની રૂબરૂમાં મુલાકાત અને ઇન્ટરવ્યૂ કરીને આ પુસ્તક લખ્યું છે.
ઢિંગરા નોંધે છે, "કણબી અને પાટીદાર પટેલો એ સમયમાં ગુજરાતમાં જ્ઞાતિને આધારે ખૂબ પ્રભાવી સમુદાયો ગણાતા હતા. બ્રિટિશરોના સમયમાં તેમણે ખેડૂતો અને જમીનદારો પાસેથી જમીનની આવક, માપણી વગેરેનું કામ કર્યું હતું. અંગ્રેજો તેમને આ કામ સોંપતા હતા અને ગામડાંમાં તેમનો વિશેષ મોભો હતો."
પુસ્તકમાં લખાયું છે કે, "1899 અને 1900માં ગુજરાતમાં આવેલા ભયાનક દુષ્કાળને કારણે લગભગ 13 લાખ લોકો મૃત્યુ પામ્યાં હતાં. ખેતી પાયમાલ થઈ ગઈ હતી અને ભાવવધારો આસમાને પહોંચ્યો હતો. એ સમયમાં સમૃદ્ધ ગણાતા પાટીદારોને આ દુષ્કાળથી સૌથી વધુ ભોગવવું પડ્યું હતું. તેમનાં ઢોરઢાંખર લગભગ નામશેષ થઈ ગયાં હતાં અને તેમના ભાડૂઆત ખેડૂતો તેમને છોડીને ચાલ્યા ગયા. સંપત્તિ ચાર-પાંચ સંતાનો વચ્ચે વહેંચાવાને કારણે તેમની જમીનોમાં પણ ટુકડા થઈ ગયા. દીકરીઓનાં લગ્નમાં અપાતી દહેજનો ભાર પણ તેમના માટે અસહ્ય બન્યો. આ સમસ્યાએ સમગ્ર મધ્યગુજરાતને પ્રભાવિત કર્યું હતું."
આમ, પટેલો સામે પેદા થયેલા આર્થિક પડકારોમાંથી બહાર નીકળવા તેમણે ‘આઉટ ઑફ બૉક્સ’ વિચારવાનું શરૂ કર્યું.
વાયા આફ્રિકા, બ્રિટન થઈ અંતે અમેરિકામાં ઠરીઠામ થયા

ઇમેજ સ્રોત, Stanford University Press
આઝાદી પહેલાં કે પછી તરત પણ આર્થિક રીતે ગુજરાતની સ્થિતિ એટલી સમૃદ્ધ ન હતી, અને ખેડૂતોની સ્થિતિ તો વધુ કપરી હતી. મોટાભાગના પટેલો ખેતી પર નિર્ભર હતા.
પુસ્તકમાં લખાયું છે કે, "અનેક ગુજરાતીઓએ કેન્યા, તન્ઝાનિયા, યુગાન્ડા જેવા પૂર્વ આફ્રિકી દેશો તરફ પ્રયાણ કર્યું, જ્યાં પણ બ્રિટનનું રાજ હતું. અનેક ભણેલગણેલ ગુજરાતીઓએ બ્રિટિશ સરકારના નોકરિયાત તરીકે એ દેશોમાં દાયકાઓ સુધી કામ કર્યું."
1960 અને 70ના ગાળામાં આફ્રિકી દેશો પણ બ્રિટિશ આધિપત્યમાંથી આઝાદ થયા. કેન્યા જેવા દેશોમાં તો રીતસર ગુજરાતી મૂળના લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને બહારના લોકો માટે આફ્રિકી દેશોમાં શિક્ષણ લેવું કે ધંધો ખોલવો પણ અશક્ય બન્યો એવી પરિસ્થિતિ થઈ. અનેક જગ્યાએ ભારતીયોના કામ પર પ્રતિબંધ મૂકાવાનો શરૂ થયો.
ઢિંગરા લખે છે, "અમુક ભારતીયોએ અમેરિકા જવાનું શરૂ કર્યું. જ્યારે ઘણા લોકો બ્રિટન ભણી ગયા પરંતુ થોડાં જ વર્ષોમાં ત્યાંના ‘ભેદભાવ’થી ત્રાસીને તેઓ ફરીથી અમેરિકા આવ્યા."
પરંતુ 1946માં લ્યુસી સેલર ઍક્ટે ભારતીયો માટે અમેરિકા આવવાના દરવાજા ખોલ્યા અને 1965 પછી તો ભારતથી અમેરિકા ભણી જબરદસ્ત માઇગ્રેશન શરૂ થયું.
ઢિંગરા પ્રમાણે, "1965માં આવેલા ઇમિગ્રેશન અને નૅશનાલિટી ઍક્ટે એશિયન લોકોના લિમિટેડ ક્વોટા પરથી પ્રતિબંધ હઠાવી લીધો અને 1965 પછી તો પરિવાર સહિત અમેરિકા જવું શક્ય બન્યું. કારણ કે લ્યુસી-સેલર ઍક્ટથી ભારતીયો નેચરલ સિટિઝન્સ બન્યા અને નેચરલ સિટિઝન્સ તરીકે તેમણે અન્ય લોકોને પણ સ્પોન્સર કર્યા. આ રીતે હારમાળા રચાઈ અને એક પછી એક ભારતીય, ખાસ કરીને ગુજરાતી પરિવારો આવતા ગયા."
અનાયાસે જ હોટલોના ધંધામાં પ્રવેશ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂયૉર્ક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકામાં હોટલ ખરીદનાર પહેલા ભારતીય એ ગેરકાયદે અમેરિકા આવેલા કાનજીભાઈ દેસાઈ હતા.
બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું અને અમેરિકા તથા જાપાન વચ્ચેના સંબંધો તંગ હતા. ત્યારે એક જાપાનીઝ અમેરિકનને સાનફ્રાન્સિસ્કોમાં આવેલી પોતાની ગૉલ્ડફીલ્ડ હોટલ ખાલી કરવી પડી હતી. અને કાનજીભાઈએ 1940માં જેમતેમ કરીને એ હોટલ ખરીદી લીધી.
‘લાઇફ બિહાઇન્ડ ધી લૉબી’ પુસ્તકમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, "કાનજીભાઈની કહાણીથી પ્રેરણા લઈને ઘણા ગુજરાતીઓ અમેરિકા ગયા અને તેમણે પણ આ જ ધંધામાં ઝંપલાવવાનું નક્કી કર્યું."
"40 અને 50ના દાયકામાં અમેરિકા ગયેલા અનેક મજૂરો પણ કાનજીભાઈની હોટલમાં ઊતર્યા અને તેમના થકી હોટલ ઇન્ડસ્ટ્રીમાં તેમને અલગ-અલગ નોકરીઓ મળી."
ધીરેધીરે ભણવા આવતા વિદ્યાર્થીઓ પણ આ ઇન્ડસ્ટ્રીમાં જ નોકરી મેળવવા લાગ્યા.
"પટેલોએ પહેલાં સ્લમ વિસ્તારોની નજીકમાં આવેલી નાની મોટેલો ખરીદવાનું શરૂ કર્યું. થોડા સમય પછી એકસાથે અમેરિકામાં યુરોપિયન હોટેલિયર્સે પોતાનો ધંધો સંકેલવાનું શરૂ કર્યું."
"એમાંથી પણ ઘણી હોટલ સસ્તા દરે ભારતીયો ખરીદવામાં સફળ થયા. તેમણે પોતે જ પરિવાર સહિત હોટલોમાં કામ કરવાનું શરૂ કર્યું. કેટલાય પરિવારો માટે તો હોટલ જ તેમનું ઘર હતું."
ઢિંગરા તેમના પુસ્તકમાં નોંધે છે કે, "1960-70ના ગાળામાં તો માત્ર ભારતીયોની માલિકીની 60-70 નાની હોટલ જ હતી."
"ઇન્ડસ્ટ્રીમાં આવેલા મંદીના માહોલ દરમિયાન ભારતીયોએ બંધ પડવાની હોય એવી અઢળક હોટલો ખરીદી અને તેને રિનોવેટ કરીને વધુ કિંમતે વેચી પણ દીધી. તેમાં તેમણે ઘણી કમાણી કરી અને પછી તેઓ ધીરેધીરે ફ્રેન્ચાઇઝી હોટલોને પણ ખરીદવામાં સફળ થવા લાગ્યા. તેઓ બંધ થવાને આરે પહોંચેલી હોટલોને પણ ખરીદી લેતા અને તેમને ફ્રેન્ચાઇઝી મળે એટલી લાયક બનાવવા તેને અપગ્રેડ કરતા."
આમ, કરતાં કરતાં નાની મોટેલોથી શરૂ કરીને કારોબાર આજે લક્ઝરી હોટલો સુધી વિસ્તર્યો છે.
હાલની મોટેલ ઇન્ડસ્ટ્રીમાં ચરોતર, કડવા, લેઉઆ તથા મતિયા પટેલો મોટા પ્રમાણમાં છે. એ સિવાય ભક્તા, દેસાઈ, નાયક અને શાહ અટક ધરાવતા ગુજરાતીઓનો પણ આ ધંધામાં વિશેષ પ્રભાવ છે.
વંશીય ટિપ્પણીઓ, ભેદભાવ સામે લડાઈ

ઇમેજ સ્રોત, ck patel
વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ અને હાલમાં અમેરિકામાં 11 હોટલો ધરાવતા હોટેલિયર સીકે પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.
તેઓ મૂળ ગુજરાતના ગાંધીનગર પાસેના શાહપુરના વતની છે.
વર્ષ 1974માં જ્યારે અભ્યાસાર્થે અમેરિકા ગયા ત્યારે સીકે પટેલ તેમના પરિવારમાંથી વિદેશ જનારી પ્રથમ વ્યક્તિ હતા.
વાત માંડતા તેઓ કહે છે, "એ સમયે માત્ર આઠ ડૉલર લઈને હું અમેરિકા જવા નીકળી ગયો હતો. ત્યાં જઈને ભણવા સાથે કામ કર્યું, મિત્રો પાસેથી મદદ લીધી અને પહેલી શરૂઆત ભાગીદારીમાં એક ગ્રોસરી સ્ટોર ચલાવવાથી કરી."
તેઓ કહે છે, "સૌથી પહેલી મોટેલ મેં કૅલિફૉર્નિયાના સિટી ઑફ ડરોટીમાં ખરીદી હતી. એ મોટેલ 20 રૂમની હતી. ત્યાં મોટાભાગના લોકો અઠવાડિક પેમેન્ટ કરીને રહેતા હતા. પરંતુ એ નાની મોટેલોમાં શરૂઆતમાં અતિશય મહેનત કરવી પડે."
"એ સમયમાં લોકો એ પણ વિચારતા રહેતા કે કઈ રીતે ઓછા પૈસામાં મોટેલ ખરીદી શકાય અને રિનોવેટ કરીને વધુ પૈસામાં વેચી શકાય. ત્યારે આ પ્રકારનો ટ્રૅન્ડ હતો."
ઢિંગરા તેમના પુસ્તકમાં નોંધે છે તેમ, "શરૂઆતમાં અતિશય ઓછા બજેટવાળી અનેક મોટેલો વેશ્યાવૃત્તિ, ડ્રગ ડિલિંગ અને અન્ય ગુનાઓનું કેન્દ્ર હોય તેવી છબી ઊભી થઈ હતી. મહિલા મોટેલ સંચાલકોને તેમના રોજબરોજના કામમાં ગ્રાહકોની ગેરવર્તૂણૂંક અને તોછડાઈનો ભોગ પણ બનવું પડતું."
"એક સમયે તો પટેલ મોટેલ્સની છબી એ રીતે ખરડાઈ ગઈ હતી કે અનેક સ્થાનિક અખબારોમાં અને વાતચીતોમાં તેના માટે ‘સ્મેલિંગ લાઇક કરી’ જેવા શબ્દો વાપરવામાં આવતા હતા."
"તેના માટે ગંદી, ખરાબ રીતે મૅનેજ કરવામાં આવતી અને ‘બિનભરોસાપાત્ર વિદેશીઓ દ્વારા ચલાવવામાં આવતી મોટેલો’ જેવા શબ્દો પણ વાપરવામાં આવતા હતા. એ સિવાય તેમને સ્થાનિકો તરફથી વંશીય ટિપ્પણીઓનો પણ રોજિંદા જીવનમાં સામનો કરવો પડતો હતો."
ભેદભાવો સામે લડવા પોતાનું સંગઠન રચ્યું

ઇમેજ સ્રોત, CK Patel
સીકે પટેલ પોતાની સાથે જ બનેલી ઘટનાથી ભેદભાવોનું ઉદાહરણ આપે છે.
તેઓ કહે છે, "એ સમયે સ્પષ્ટ રીતે ત્યાંના સ્થાનિક લોકોમાં અમારા પ્રત્યે ઇર્ષ્યા અને ભેદભાવ જોવા મળતા હતા. 80ના દાયકામાં મેં દરિયાકિનારે હિલ્ટન બ્રાન્ડની હોટલ બાંધવાની પરમિશન માગી હતી."
"પરંતુ મારી અરજીને પ્લાનિંગ કમિશને નકારી દીધી હતી. ત્યારબાદ અમે સિટી કાઉન્સિલમાં ગયા પણ ત્યાંથી અરજી નકારી દેવાઈ. ત્યારબાદ અમે મંજૂરી માટે સ્થાનિક કોર્ટમાં ગયા."
"ત્યાં કોર્ટમાં પણ તમામ સુનાવણીમાં લગભગ 500 લોકો હાજર રહીને અમારો વિરોધ કરવા આવતા. સ્થાનિકોનું કહેવું હતું કે હોટલ બાંધવાથી અમારા ઘરને મળતો દરિયાકિનારાનો વ્યૂ ઢંકાઈ જશે."
પણ સીકે પટેલ કહે છે, "અંતે નિયત સમયગાળા કરતાં 30 દિવસ વિલંબથી જજે ચુકાદો આપ્યો પણ અમને હોટલ બાંધવાની મંજૂરી મળી. આ ચુકાદાની નોંધ સ્થાનિક અખબારોમાં પહેલા પાને લેવાઈ હતી."
ત્યારબાદ 1988માં સીકે પટેલે અમેરિકામાં દરિયાકિનારે હિલ્ટન બ્રાન્ડની હોટલ બાંધવાનો રેકૉર્ડ સર્જ્યો. તેમનો દાવો છે કે હિલ્ટન બ્રાન્ડની અમેરિકામાં હોટલ બાંધનારા તેઓ પ્રથમ ભારતીય હતા.
જોકે ભેદભાવો અને વિરોધનો સિલસિલો અટક્યો ન હતો. તેમાંથી જ એક એવા સંગઠનનો જન્મ થવાનો હતો જે ભવિષ્યમાં વિશ્વભરમાં તેની ખ્યાતિ સ્થાપિત કરવાનું હતું.
સીકે પટેલ કહે છે, "એરિઝોનાના એક અખબારમાં એક લેખ લખાયો હતો જેનું ટાઇટલ હતું, ‘ઇન્ડિયન્સ આર બિયરર્સ ઑફ ચીપ હોટેલ્સ’. આ લેખમાં એવું પણ લખવામાં આવેલું હતું કે ભારતીયોની હોટલો વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સ માટે જાણીતી છે."
"આ એક છબી ખરડવાનો અને જનરલાઇઝેશનનો પ્રયાસ હતો. આથી, અમે આ ઘટના બાદ લોકોને સંગઠિત કરવાના ઉદ્દેશ્યથી ઍસોસિયેશન રચવાનું નક્કી કર્યું. અમે સાઉથ કૅલિફૉર્નિયા હોટલ-મોટેલ ઍસોસિયેશન સ્થાપ્યું. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ આવા એક-બે સંગઠનો બન્યાં હતાં અને એ જ આગળ જઈને AAHOA બન્યાં."
સીકે પટેલ પોતાને AAHOAના સ્થાપક સભ્યોમાંના એક ગણાવે છે અને કહે છે કે, "એ સંસ્થા તો અમારું નાક છે."
તેમનો દાવો છે કે અમેરિકાની લગભગ 57 ટકા હોટલો ભારતીયોની માલિકી હેઠળ છે.
બીબીસી તેમના આ દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ નથી કરી શક્યું.
જબરદસ્ત સફળતા પાછળની કહાણી

ઇમેજ સ્રોત, Nixan Patel
પટેલોની સફળતાની કહાણીમાં મહત્ત્વની બાબત એ છે કે તેમાંની મોટાભાગની વ્યક્તિઓને ન તો હોટલ ચલાવવાનો કે ન તો ધંધો કરવાનો અનુભવ હતો.
મોટેલમાલિકોના કન્વેન્શનમાં ભૂતૂપર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, સ્ટીવ ફૉર્બ્સ જેવા નેતાઓ અને ઉદ્યોગપતિઓએ પણ આવીને સંબોધન કર્યું છે. જે દર્શાવે છે કે આ સમૂહનો દબદબો કેટલો વધ્યો છે.
પવન ઢિંગરા તેમના પુસ્તકમાં નોંધે છે કે, "તેઓ જેટલા મોટેલમાલિકોને મળ્યા તેમના બિઝનેસ કલ્ચરમાં મહાત્મા ગાંધીની આત્મનિર્ભરતા અને સાદાઈના ગુણો દેખાતા હતા."
"જોકે અન્ય કારણો પણ છે. તેમની સાથે થઈ રહેલા ભેદભાવો સામે લડવાને બદલે તેમણે મધ્યમમાર્ગી રસ્તો પસંદ કર્યો. સંપૂર્ણ રીતે આર્થિક, વંશીય, જાતિગત અને સાંસ્કૃતિક અસમાનતાને સંપૂર્ણપણે નાથવાને બદલે તેમણે તે માહોલની અંદર રહીને જ કામ કરવાનું અને અતિશય મહેનત કરવાનું સ્વીકાર્યું."
સીકે પટેલ કહે છે, "એકબીજાને સપોર્ટ કરવો અને સંગઠિત થઈને કામ કરવું એ આ સફળતા મળવાનું મુખ્ય કારણ છે."
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને કૅનેડા-અમેરિકામાં અનેક સામાજિક સંગઠનો સાથે કામ કરી ચૂકેલા નિક્સન પટેલ સાથે પણ બીબીસીએ વાત કરી હતી.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ હાલમાં વિદ્યાર્થીઓથી લઈને મોટેલના વ્યવસાયીઓ સુધી દરેક જગ્યાએ અમેરિકા અને કૅનેડામાં આગળ વધવા માગતા પટેલ સમુદાયના લોકોને મદદ કરે છે.
તેઓ કહે છે, "પાટીદાર સમાજના લોકો મોટેલનું લોકેશન પસંદ કરવામાં પાવરધા છે. કસ્ટમર સર્વિસ એ તેમના લોહીમાં છે. તેઓ 18-18 કલાક મહેનત કરવા માટે ટેવાયેલા છે. ઘણી નાની મોટેલોમાં ઇન-હાઉસ સર્વિસીઝ પણ તેઓ પોતે જ આપતા હોય છે."
"કેટલીય જગ્યાએ એવું પણ બનેલું છે કે આખો પરિવાર જ ધંધામાં કામે લાગી જાય અને અતિશય મહેનત કરે. આ રીતે તેમણે લેબર કૉસ્ટ પણ બચાવી અને બચત પણ કરી હોવાના દાખલા છે."
નિક્સન પટેલનું કહેવું છે કે આ પટેલોને મળેલી આ સફળતા પાછળ સંઘભાવના અને પારિવારિક સંપનો મોટો ફાળો છે. તેઓ ન માત્ર પટેલો, પણ અન્ય ગુજરાતીઓને પણ મદદ કરે છે.
કેટલું મોટું છે ‘પટેલ મોટેલ’નું સામ્રાજ્ય?

ઇમેજ સ્રોત, AAHOA.com
એવું નહોતું કે અહીં આવનારા લોકો આ ધંધામાં ઝંપલાવવા કે હોટલ બનાવવાના લક્ષ્ય સાથે આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો અકસ્માતે જ હોટેલિયર્સ બની ગયા હતા. પરંતુ આજે તેમના અમેરિકામાં જ જન્મેલા અને અતિશય ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરેલાં સંતાનો આ સંસ્થા અને હોટલો ચલાવે છે.
આ વર્ષે યોજાયેલા એએએચઓએના વાર્ષિક કન્વેન્શનમાં 26 વર્ષીય મિરાજ પટેલ તેના સૌથી યુવા ચૅરમૅન બન્યા હતા.
તેમણે તેમના સંબોધનમાં કહ્યું હતું કે, "36 હજાર પ્રૉપર્ટીઝ, 11 લાખથી વધુ લોકોને રોજગારી આપતી હોટલ અને મોટેલમાલિકોની આ સૌથી મોટી સંસ્થા એ ‘અમેરિકન ડ્રીમ’નો જાણે કે પર્યાય છે."
તેમણે પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “મારા જેવા બીજી પેઢીના હોટેલિયરનાં માતાપિતા કે દાદાદાદી આ દેશમાં આવ્યા હતા અને તેમણે અમારા માટે જબરદસ્ત પાયો નાખ્યો. હવે અમે એ પાયા પર એટલું મજબૂત સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે કે જેવું ક્યાંય જોવા ન મળે. "
આજે આ સંસ્થા દાવો કરે છે કે તેના સભ્યો અમેરિકાની 60 ટકા જેટલી હોટલોના માલિક છે.
એએએચઓએના કુલ 20 હજારથી વધુ હોટલ માલિકો તેના સભ્યો છે અને તેમની માલિકી હેઠળ 37,190 હોટલો છે અને તેના હેઠળ 33 લાખ રૂમ આવે છે.
એએએચઓએની વેબસાઇટ પર ટાંકવામાં આવેલા સંશોધનના અહેવાલ અનુસાર, આ સંસ્થાના સભ્યો તેની હોટલો થકી અમેરિકામાં દસ લાખ લોકોને રોજગારી આપી રહ્યા છે. અમેરિકાની જીડીપીમાં તેનો ફાળો 371.4 અબજ ડૉલર છે.
અમેરિકાના અરકેન્સાસ અને ઑક્લાહોમાની 89.4 ટકા હોટલો જ્યારે ટેક્સાસ અને લુઇસિયાના રાજ્યની 88.9 ટકા હોટલોના માલિક આ સંસ્થાના સભ્યો છે. અમેરિકાનાં તમામ રાજ્યોમાં ઓછામાં ઓછી 30 ટકા હોટલોના માલિક આ સંસ્થાના સભ્યો છે. ટેક્સાસની કુલ 5621 હોટલોની માલિકી તેમની પાસે છે.
ન માત્ર મિડલ ક્લાસ કે ઇકૉનૉમી ક્લાસની, પરંતુ આજની તારીખે લક્ઝરી હોટલોના સૅક્શનમાં પણ અમેરિકાની 40 ટકા હોટેલોની માલિકી તેમની પાસે છે. જ્યારે ઇકૉનૉમી ક્લાસની તો લગભગ 66 ટકા હોટલોની માલિકી ભારતીયો પાસે છે.
આ સંસ્થાના પણ ટોચના પાંચ અધિકારીઓમાંથી ચાર પટેલ છે. જ્યારે તેના 23માંથી 16 રિજનલ ડાયરેક્ટર્સ પણ પટેલ સમુદાયમાંથી આવે છે.
ઢિંગરાના પુસ્તકમાં નોંધવામાં આવ્યું છે કે, "મોટાભાગના મોટેલમાલિકો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પટેલો છે અને હવે તમામ પ્રકારની મોટેલોની માલિકી ધરાવે છે. જેમાં લૉ બજેટ મોટેલ, લૉઅર-મિડલ બજેટ, મિડલ બજેટ મોટેલ, હાયર મિડલ બજેટ મોટેલ, અને હાયર બજેટ મોટેલનો સમાવેશ થાય છે."
"લોઅર બજેટ મોટેલમાં કમ્ફર્ટ ઇન, ડૅઝ ઇન, ઇકૉનૉલૉજ, નાઇટ્સ ઇન, સ્લીપ ઇન, સુપર એઇટ, ટ્રાવેલૉજ જેવી બ્રાન્ડ સમાવિષ્ટ છે. મિડલ બજેટ મોટેલમાં બેસ્ટ વૅસ્ટર્ન, કન્ટ્રી ઇન ઍન્ડ સ્યુટ્સ, હૅમ્પ્ટન ઇન, હૉલિડે ઇન ગણવામાં આવે છે. જ્યારે હાયર ઍન્ડ લક્ઝરી હૉટલમાં કોર્ટયાર્ડ બાય મેરિઓટ અને હિલ્ટન જેવી પ્રતિષ્ઠિત હોટલોની માલિકી પટેલો પાસે છે."
મોટેલ અને હોટેલ માલિકોની રાજકીય પહોંચ કેટલી?
નિક્સન પટેલ કહે છે, "પટેલોના ઉદારભાવને કારણે રાજકીય-સામાજિક સંબંધો પણ વધુ મજબૂત થયા. ગુજરાતી ડાયસ્પૉરાની સંખ્યા વધવાને કારણે ભેદભાવો અને સ્થાનિક લોકોની સંકીર્ણતા પણ દૂર થઈ છે અને સ્વીકાર્યતા વધી છે. સાથેસાથે નવી પેઢીએ અતિ ઉચ્ચશિક્ષણ પણ પ્રાપ્ત કર્યું છે."
AAHOAના રાજકીય અને સામાજિક વર્ચસ્વ અંગે વાત કરતાં તેઓ કહે છે, "આ સંસ્થાની પણ ગવર્મેન્ટ અફેયર્સ કમિટી અને વૉશિંગ્ટન ડીસીમાં પૉલિટિકલ ઍક્શન કમિટી છે. તેના થકી તેણે પોતાનો એક અલગ અવાજ ઊભો કર્યો છે. બંને મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓ પોતપોતાના માધ્યમથી AAHOA થકી પટેલ સમુદાયનું સમર્થન પણ માગે છે. સ્થાનિક સેનેટ ઇલેક્શનમાં પણ નેતાઓ સમર્થન માગતા હોય છે. પૉલિટિકલ ઍક્શન કમિટી એ ફંડ-રેઇઝિંગ અને ફંડ ડૉનેશન પણ કરે છે.”
અહીં ઉલ્લેખનીય છે કે, મે, 1998ના રોજ AAHOAએ પોતાની પૉલિટિકલ ઍક્શન કમિટીના નિર્માણનો પ્રસ્તાવ ફેડરલ ઇલેક્શન કમિટીને આપ્યો હતો.
સૌપ્રથમ 2004ની ચૂંટણી દરમિયાન તેણે ભારતીય મૂળના કૉંગ્રેસમૅન બોબી જિંદાલને 4 હજાર ડૉલર તથા સેનેટર હૅરી રેઇડને હજાર ડૉલરનું ફંડ આપ્યું હતું.
ધીરેધીરે આ ફંડ આપવાનું ચલણ વધતું ગયું અને સંસ્થાની વેબસાઇટ પર કરવામાં આવેલા દાવા પ્રમાણે છેલ્લે તેનો આંકડો 10 લાખ ડૉલર હતો. સંસ્થાનું કહેવું છે કે, “તે વિવિધ પક્ષો અને બૅકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારો કે જેઓ હૉસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોને સમજે છે, અને સરકારમાં જઈને નાના ધંધાદારોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે, તેવા લોકોને ચૂંટણીમાં સમર્થન આપે છે.”
સંસ્થાએ તેની વેબસાઇટ પર સ્પષ્ટ લખ્યું છે કે તે બંને પક્ષોના નેતાઓને તેમની સમર્થતા, યોગ્યતા અને સુસંગતતા જોઈને સમર્થન આપે છે અને કોઈ એક પક્ષનું સમર્થન કરતી નથી.
2023માં જ્યારે વિવિધ ઉમેદવારો અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઝુકાવી રહ્યા હતા ત્યારે ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને પણ AAHOAએ પોતાના પ્રેસિડેન્શિયલ કૅન્ડિડેટ ફોરમમાં આમંત્રિત કર્યા હતા.
AAHOAના 1998-99ના ચૅરમૅન મુકેશ પટેલને વર્ષ 2000માં તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને વ્હાઇટ હાઉસના એશિયન અમેરિકન અને પેસિફિક આઇલૅન્ડર્સ ઍડવાઇઝરી કમિશનના સભ્ય નીમ્યા હતા.
સમય સાથે આવેલા પરિવર્તની વાત કરતાં સીકે પટેલ કહે છે, "ધીરેધીરે સ્થાનિક લોકોને એ સમજાવા લાગ્યું કે ભારતીય મૂળના લોકો અતિશય મહેનતુ છે અને અમેરિકન સમાજને ભારરૂપ થવાને બદલે તેઓ મદદરૂપ થઈ રહ્યા છે. એ રીતે ધીરેધીરે ઇમેજ બદલાતી ગઈ અને તેઓ અમને માન-સન્માનની દૃષ્ટિએ જોતા થયા."
તેઓ કહે છે કે, "હાલની પરિસ્થિતિ તો એવી છે કે અમને બંને પક્ષના લોકો એપ્રોચ કરે છે અને સમર્થન માગે છે."
નિક્સન પટેલનો દાવો છે કે હવે તો ધીમેધીમે કૅનેડામાં પણ પટેલોનો મોટેલ બિઝનેસ વિકસી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












