અમેરિકામાં 'ગન કલ્ચર' કેવી રીતે ફેલાતું ગયું અને ચૂંટણીમાં આ મુદ્દો કેટલો પ્રભાવી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
“ક્યારેક આસપાસમાં બનતી ઘટનાઓને જોઇને, લૂંટના સમાચારો વાંચીને એવું લાગે છે કે મારે પણ સૅફ્ટી માટે ગન રાખવાની જરૂર છે.”
આ શબ્દો વ્યવસાયે નેટવર્ક આર્કિટેક્ટ એવા હાર્દિક નાયકના છે, જેઓ મૂળત: ગુજરાતના મહેસાણાના છે. તેઓ છેલ્લાં 17 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે અને હાલમાં નૉર્થ કૅરોલિનામાં રહે છે.
તેમના શબ્દો અમેરિકામાં વ્યાપ્ત ‘ગન કલ્ચર’ના જાણે કે સાક્ષી છે. જોકે, અમેરિકામાં ‘ગન કલ્ચર’ એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી આ મુદ્દો અમેરિકાના રાજકારણમાં ચર્ચાતો રહે છે.
એવા દાવાઓ પણ થાય છે કે અમેરિકામાં લોકો કરતાં વધુ બંદૂકો છે.
અમેરિકામાં આગામી પાંચમી નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે બંને પક્ષો વિવિધ મુદ્દાઓ લઇને લોકોની સમક્ષ જઈ રહ્યા છે. એવામાં અમે અમેરિકામાં વસતા ભારતીયો સાથે વાત કરીને ‘ગન કલ્ચર’નો મુદ્દો સમજવાનો પ્રયાસ કર્યો હતો.
અમેરિકામાં હિંસા કે લૂંટફાટની કેવી ઘટનાઓ બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં 20 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ભૂપેન્દ્રસિંહ રાઓલ બીબીસી સાથે વાત કરતા તેમની સાથે જ બનેલો કિસ્સો સંભળાવે છે. તેઓ હાલમાં નૉર્થ પેન્સિલ્વેનિયામાં રહે છે અને પહેલાં 10 વર્ષ ન્યૂજર્સીમાં રહેતા હતા.
તેમના પુત્રએ એક કન્વિનિયન્ટ સ્ટોર ખોલ્યો હતો. જેમાં ગ્રોસરી, ડૅરી પ્રૉડક્ટ્સથી લઇને દવાઓ સુધીનો સામાન મળતો હોય છે. ભૂપેન્દ્રસિંહ એ સ્ટોર ચલાવતા હતા.
તેઓ કહે છે, “નાતાલની આસપાસનો સમયગાળો હતો અને કડકડતી ઠંડી પડી રહી હતી. તેમના સ્ટોરમાં નેપાળી ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા અને એ જ સમયે એક શખસ તેમના સ્ટોરની બહાર આંટાફેરા કરી રહ્યો હતો. જેવા ગ્રાહકો બહાર ગયા કે તરત જ તે અંદર આવ્યો અને પહેલા કશું ખરીદી કરવાનું નાટક કર્યું. તેનો આખો ચહેરો ઢંકાયેલો હતો અને માત્ર આંખ જ દેખાતી હતી. થોડી જ વારમાં તેણે બંદૂક કાઢી અને મને કહ્યું કે રજિસ્ટરમાંથી પૈસા કાઢીને મને આપી દો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“એ સમયે હું એકલો હતો અને હું તેની સાથે ઝપાઝપી કરી શકું એવી પરિસ્થિતિમાં ન હતો. મને ગુસ્સો પણ આવતો હતો પરંતુ મેં સંયમ રાખ્યો અને પૈસા આપી દીધા.”
તેમના ઘરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલા તેમના પરિચિતની ઘરે બનેલી ઘટનાને યાદ કરતાં હાર્દિક નાયક કહે છે, “રાત્રે સાડા અગિયાર વાગ્યે લૂંટારાઓ તેમના ઘરનું પાછળનું બારણું તોડીને અંદર ઘૂસી ગયા અને તેમનાં પત્નીને ગનપૉઇન્ટ પર રાખીને પતિને બળજબરીપૂર્વક તેમની જ માલિકીની કારમાં બેસાડ્યા અને એટીએમ સુધી લઈ ગયા. એટીએમ સુધી લઇ જઇને પૈસા તેમની પાસે ઉપાડાવી લીધા. ત્યારબાદ એ કાર હંકારીને તેઓ લઈ ગયા અને દૂર જઇને સળગાવી દીધી. આ પ્રકારની લૂંટની ઘટનાઓ બનતી હોય છે.”
અશોક પટેલ છેલ્લાં 14 વર્ષથી ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા છે અને ક્રિકેટ ઍકેડમી ચલાવે છે. તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, “નાની-મોટી ઘટનાઓ બનતી રહેતી હોય છે, પરંતુ તેનો મતલબ એ નથી કે અહીં લૂંટફાટનો માહોલ છે. સામાન્ય રીતે ન્યૂ યૉર્ક, વૉશિંગટન ડીસી, શિકાગો જેવા મોટા શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ વધારે બનતી હોય છે. એ સિવાય અંતરિયાળ વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે.”
આવી ઘટનાઓથી બચવા લોકો શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં લૂંટફાટ અને ચોરીની ઘટનાઓથી બચવા માટે અને ઇમર્જન્સી આસિસ્ટન્સ માટે 911 નંબર જાહેર કરવામાં આવેલો છે જેનાથી તમે તરત જ ઇમર્જન્સી પરિસ્થિતિમાં મદદ મેળવી શકો છો. એ સિવાય પણ અનેક પ્રકારની સિક્યૉરિટી સિસ્ટમ્સ છે.
ભૂપેન્દ્રસિંહ તેમની સાથે બનેલા લૂંટના કિસ્સાથી અમેરિકાની સિક્યૉરિટી સિસ્ટમ વિશે પણ સમજાવે છે.
તેઓ કહે છે, “સ્ટોરમાં જ્યાં રજિસ્ટર હોય, તેની નીચે જ એક પૅનિક બટન મૂકેલું હોય છે. લૂંટ કરવા આવતા લોકોને પણ એ વાતની ખબર હોય છે કે પૅનિક બટન દબાવ્યાની ચાર જ મિનિટમાં પોલીસ આવી જશે. એટલે ચોર પાસે લૂંટીને ભાગવા માટે ચાર મિનિટ જ હોય છે.”
તેમના કહ્યા અનુસાર, “મોટાભાગના સ્ટોર્સમાં આ પ્રકારની સિક્યૉરિટી સિસ્ટમ લગાવેલી હોય છે. જે સિક્યૉરિટી કંપની મારફત સીધી સ્થાનિક પોલીસ સાથે જોડાયેલી હોય છે. એ સિવાય સ્ટોરનો દરવાજો ખોલો અથવા તો તોડીને અંદર જાઓ અને પછી જો 40થી 60 સૅકન્ડમાં તમે તમારો પાસવર્ડ ઍન્ટર ન કરો તો જોરજોરથી ઍલાર્મ વાગવા માંડે છે. એટલે મારી જ દુકાનમાં હું ઍન્ટર થાઉં અને પછી જો પાસવર્ડ લગાવતાં ભૂલી જાઉં તો તરત જ પોલીસ આવી જાય.”
તેમનું કહેવું છે કે, “હવે તો લોકો પોતાની દુકાનમાં જ બૅઝબોલનાં ધોકા અને ગન રાખતાં થઈ ગયા છે. હુમલો કરવા આવનાર વ્યક્તિ પર પણ હુમલો થયાના અને હુમલાખોરને દુકાનદારે જ ગોળી માર્યાના કિસ્સાઓ બન્યા છે.”
હાર્દિક નાયક કહે છે, “અહીં ઘરમાં પણ સિક્યૉરિટી સિસ્ટમ લગાવીને રાખવી પડે છે. આ સિસ્ટમમાં ઘરમાં અલગ-અલગ જગ્યાએ સેન્સર, બારી-બારણાં પર સેન્સર, સીસીટીવી કૅમેરા અને ફૉનમાં નોટિફિકેશન-ઍલર્ટની સુવિધા હોય છે. આ સિસ્ટમની 30થી 40 ડૉલર પ્રતિ મહિનાની ફી હોય છે અને મોટાભાગના ઘરોમાં લોકો તે લગાવીને જ રાખતા હોય છે.”
અમેરિકામાં ગનની ખરીદી કરવી કેટલી સહેલી છે?

ઇમેજ સ્રોત, publichealth.jhu.edu
ન્યૂયૉર્ક ટાઇમ્સ પ્રમાણે, અમેરિકામાં ગનની ખરીદી કરવી એ અતિશય સરળ છે. તમે દોષિત ગુનેગાર છો કે નહીં તેના માટે બૅકગ્રાઉન્ડ ચેક થાય અને ઇમિગ્રેશન સ્ટેટસ તથા ઘરેલૂ હિંસા માટેનું ચેકિંગ થાય, અને તમને તરત જ બંદૂક મળી જાય.
જોકે, ઘણા રાજ્યોમાં અલગ પ્રકારના નિયંત્રણો પણ છે. જેમ કે વેઇટિંગ પીરિયડ, વધુ સઘન બૅકગ્રાઉન્ડ ચેક વગેરે.
તેમ છતાં પણ એવો અંદાજ છે કે અંદાજે 33 ટકા લોકો બૅકગ્રાઉન્ડ ચેક વગર જ બંદૂકની ખરીદી કરી લે છે. જ્યારે પ્રાઇવેટ વેચાણકર્તાઓ પાસેથી લોકો બંદૂકની ખરીદી કરે છે ત્યારે આ નિયમો લાગુ પડતા નથી.
અમેરિકાના અલગ-અલગ રાજ્યોમાં બંદૂક રાખવા અંગેના નિયમો અલગ-અલગ છે.
ભૂપેન્દ્રસિંહ કહે છે કે, “અમારે ત્યાં તો વૉલમાર્ટના સ્ટોરમાં પણ આસાનીથી ગન મળે છે. પૅન્સિલ્વેનિયામાં જો તમારે બંદૂક બહાર કમરે લટકાવીને રાખવા માટે જોઇતી હોય તો આસાનીથી મળી જાય છે. જ્યારે તમારે સંતાડીને રાખવા માટે જોઇતી હોય તો થોડું તમારું પ્રૉફાઇલ અને ડૉક્યુમેન્ટ્સ ચેકિંગ થાય છે અને પછી મળે છે. જિલ્લાવાર પણ ગનના લાયસન્સ મળે છે. કોઈ વ્યક્તિને અમુક રાજ્યમાં ગન વાપરવાનું લાયસન્સ હોય, પણ એ બીજા કોઈ રાજ્યમાં ન વાપરી શકે એવું પણ બને. મંજૂરી માટે પણ અલગ-અલગ નિયમો છે. ”
‘સક્રિય ગન લૉબીનું સરકાર પર નિયંત્રણ’

ન્યૂયૉર્ક સ્થિત લેખક અજય પંચાલે બીબીસી સાથે આ મુદ્દે વિસ્તારથી વાતચીત કરી હતી. તેઓ છેલ્લાં 35 વર્ષથી અમેરિકામાં રહે છે અને અમેરિકાના રાજકારણ અને ચૂંટણીપ્રક્રિયાના જાણકાર છે.
તેઓ કહે છે, “અમેરિકી બંધારણના બીજા સુધારા પ્રમાણે અમેરિકાના તમામ નાગરિકોને હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવેલો છે અને જરૂર પડે તો સરકાર નાગરિકોનો પણ કટોકટીની પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકે છે.”
અમેરિકી રાજકારણમાં પણ આ મુદ્દો સતત ચર્ચાતો રહ્યો છે.
અજય પંચાલ કહે છે કે, “અમેરિકામાં સમયની સાથેસાથે એક ‘ગન લૉબી’ પ્રભાવી બની ગઈ છે. આ લૉબીમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ સહિત ગન રિટેઇલર્સ પણ સામેલ છે. આ લૉબીનું સરકાર પર પણ અપ્રત્યક્ષ રીતે નિયંત્રણ અને પ્રભાવ છે, જેથી આ મુદ્દે કોઈ મોટા બદલાવો લાવવા ખૂબ અઘરા છે. અમેરિકાનો દરેક કૉંગ્રેસમેન પણ આ મુદ્દાની તરફેણમાં અને વિરોધમાં એમ સ્પષ્ટ વિચારો ધરાવે છે.”
અમેરિકી નાગરિકોમાં પણ આ મુદ્દે સ્પષ્ટ ભાગ જોવા મળે છે.
તેઓ કહે છે, “પરંપરાગત રીતે રિપબ્લિકન્સ હથિયારો રાખવાના અધિકારોની તરફેણ કરતાં જોવા મળે છે જ્યારે ડેમૉક્રેટ્સ આ મુદ્દે પ્રતિબંધની માગ કરતાં હોય છે અથવા વિરોધ કરતાં જોવા મળે છે. વંશીય રીતે જોઇએ તો પણ શ્વેત સમુદાય એવું ઇચ્છે છે કે આ અધિકારો જળવાઈ રહે, જ્યારે ઇમિગ્રન્ટ્સ અને અશ્વેત સમુદાયના લોકો તેના પર પ્રતિબંધ ઇચ્છે છે. આ અમેરિકી પ્રજાનો સામાન્ય મત છે.”
રાજ્યોની વાત કરીએ તો એમાં પણ અમુક રાજ્યના લોકો માને છે કે ગન રાખવી એ તેમનો અધિકાર છે અને તે કોઈ છીનવી ન શકે.
તેઓ કહે છે, “રાજ્યવાર જોઇએ તો અમેરિકાના દક્ષિણી પ્રાંતોમાં બંદૂક રાખવાના અધિકારને ખૂબ સમર્થન મળે છે. ટૅક્સાસમાં તો એવું મનાય છે કે તમામ લોકો પાસે ગન છે. એ જ રીતે પશ્ચિમી રાજ્યોમાં ખૂબ જંગલવિસ્તાર આવેલો છે. અહીં એવું મનાય છે કે જો તમારી પાસે બંદૂક નથી તો તમે સુરક્ષિત નથી.”
અમેરિકામાં ‘ગન કલ્ચર’ કઈ રીતે વિકસિત થયું?

ઇમેજ સ્રોત, The University of North Carolina Press
સામાન્ય રીતે વિશ્લેષકો તેને અમેરિકાના બંધારણમાં કરવામાં આવેલા દ્વિતીય સુધારા સાથે જોડે છે જે 15 ડિસેમ્બર,1791ના રોજ કરવામાં આવ્યો હતો. આ સુધારા પ્રમાણે દરેક અમેરિકન નાગરિકને પોતાના રક્ષણ માટે હથિયાર રાખવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
અજય પંચાલ આ મુદ્દાને સમજાવતા કહે છે કે, “યુરોપિયન્સ જ્યારે અહીં આવ્યા એ સમયગાળામાં અહીં ખૂબ જંગલવિસ્તારો હતા. અહીં જમીન મેળવવા કે પોતાની જમીનનું રક્ષણ કરવા માટે શસ્ત્ર હોવું જરૂરી હતું. એ સમયમાં સલામતીના કારણોસર લોકો શસ્ત્ર રાખતા હતા. પછી ધીરેધીરે સુધારો આવતો ગયો પણ ગન રાખવાનું બંધ ન થયું, હન્ટિંગ અને ગન રાખવાનો શોખ વધતો ગયો. અને પછી તો હથિયારો રાખવા એ બંધારણીય અધિકાર બની ગયો.”
‘ગન કન્ટ્રી: ગન કૅપિટલિઝમ, કલ્ચર ઍન્ડ કન્ટ્રોલ ઇન કૉલ્ડ વોર અમેરિકા’ નામના પુસ્તકમાં ઍન્ડ્રૂ સી. મૅક્એવિટ લખે છે, “બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં અઢળક માત્રામાં બંદૂકોની જાણે કે ખેપો આવવા લાગી. લાખોની સંખ્યામાં ખૂબ ઓછાં વપરાયેલાં હથિયારો વિશ્વભરમાંથી આવીને અમેરિકાનાં ગોડાઉનોમાં ધૂળ ખાવાં લાગ્યાં.”
પુસ્તકમાં લખાયું છે કે,“ મુઠ્ઠીભર અમેરિકી આર્મ્સ ડીલરોએ મળીને, ખાસ કરીને સેમ્યુઅલ કમિન્સ નામના ડીલરે આ સેકન્ડ હૅન્ડ હથિયારો અમેરિકા લાવવાની યોજના બનાવી હતી. આઇઝનહૉવરના નેતૃત્ત્વવાળી સરકારે પણ જાણે કે આંખ મીંચી દીધી અને વિચાર્યું કે સામ્યવાદી વિદ્રોહીઓના હાથમાં આ હથિયારો જાય એના કરતાં અમેરિકા આવે તો વધું સારું. આમ, યુરોપનાં આ સેકન્ડ-હૅન્ડ હથિયારો પાણીના ભાવે અમેરિકાની બજારોમાં પ્રવેશી ગયાં અને વેચાવાં લાગ્યાં.”
જ્યાં સુધી અમેરિકાના નીતિનિર્માતાઓને હથિયારો પર નિયંત્રણ બનાવવાનું સૂઝે તે પહેલાં તો ‘ગન-કલ્ચર’ એક હકીકત બની ચૂક્યું હતું.
મૅક્એવિટ લખે છે, “ધીમેધીમે 1960ના દાયકામાં વિશ્વમાં કૉલ્ડ-વોરની પરિસ્થિતિ અને અમેરિકામાં નાગરિક અધિકારોની ચળવળ શરૂ થઈ. આ સમયગાળા દરમિયાન ગન લૉબીના સમર્થકોએ લોકોને ભડકાવ્યા હતા કે અમેરિકાને બહારના દેશોમાંથી ષડયંત્રો રચતા સામ્યવાદીઓ જ નહીં પરંતુ દેશમાં રહીને આમ કરતાં લોકોથી પણ ખતરો છે અને આ ડરને કારણે ગન-કલ્ચરનો વધુ ફેલાવો થયો. 1968માં રૉબર્ટ ઍફ. કૅનેડીની હત્યા થઈ. 1960 અને 1970ના દાયકાના તંગ વાતાવરણે અમેરિકામાં ન માત્ર વધુને વધુ ગન-વપરાશકર્તાઓને જન્મ આપ્યો, પરંતુ એ સાથે જ ઍન્ટિ-ગન ઍક્ટિવિસ્ટ્સની પણ લહેર ઊભી કરી.”
પુસ્તક એ વાતની પુષ્ટિ કરે છે કે અમેરિકામાં ગન કલ્ચરનો ઉદ્ભવ પાછળ માત્ર બંધારણનો દ્વિતીય સુધારો જ જવાબદાર નથી પરંતુ ભયના આધાર પર કરવામાં આવેલું ઍગ્રેસિવ માર્કેટિંગ, મર્દાનગી અને સ્વરક્ષણ પણ જવાબદાર છે. ઐતિહાસિક ઘટનાઓ, સામાજિક વિચારસરણી, રાજકારણ અને આર્થિક હિતોએ આ બાબતોને બળ આપ્યું અને ‘ગન કલ્ચર’ એ અમેરિકા સાથે વણાઈ ગયું.
અમેરિકાએ ગન-કલ્ચર પર લગામ કસવા શું કર્યું?

જોકે, હથિયારોની ખરીદીનો મળેલો અધિકાર એ અમુક અંશે નિયંત્રિત પણ કરવામાં આવેલો છે.
અમેરિકાની કૉંગ્રેસ અને રાજ્યની સરકારો પાસે તેના પર લગામ કસવાની સત્તા છે. દેશની સુપ્રીમ કોર્ટે પણ અમુક હથિયારો પર નિયંત્રણો મૂક્યાં છે. જેમ કે છુપાવીને રાખવામાં આવતા હથિયારો, ડબલ બેરલ શોટગન વગેરે ચોક્કસ પ્રકારનાં હથિયારો પર નિયંત્રણો મૂકેલાં છે. અમુક લોકોને પણ ચિન્હિત કરવામાં આવેલા છે જેને કોઇપણ પ્રકારનાં હથિયારો વેચી શકાતાં નથી.
1968માં અમેરિકામાં ગન કન્ટ્રોલ ઍક્ટ લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ અઢાર વર્ષથી નીચેના લોકો, દોષિત જાહેર થયેલા અપરાધીઓ, માનસિક રીતે વિકલાંગ લોકો, સેનામાંથી હાંકી કઢાયેલા લોકો વગેરે કોઈ હથિયારો ન ખરીદી શકે તેવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ 1993માં ‘બ્રૅડી હૅન્ડગન વાયલન્સ પ્રીવેન્શન ઍક્ટ’ લાવવામાં આવ્યો. આ કાયદા હેઠળ જેમની પાસે લાયસન્સ ન હોય તેવા લોકો જ્યારે હથિયારોની ખરીદી કરે ત્યારે તેમનું ફરજિયાત બૅકગ્રાઉન્ડ ચેક કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.
મૅક્એવિટ પોતાના પુસ્તકમાં 1968ના કાયદાને મળેલી અસફળતા અંગે લખે છે, “સમસ્યા એ ગુનેગારોની ન હતી, પરંતુ આટલી મોટી સંખ્યામાં બંદૂકો હોવી એ હતી. અતિશય માત્રામાં ગનનું ઉપલબ્ધ હોવું એ જ કદાચ એનું કારણ હતું.”
આંકડાઓ શું કહે છે?
પ્યૂ રિસર્ચ સેન્ટરે જૂન, 2023માં એક સર્વે કર્યો હતો. તેના પ્રમાણે...
- અમેરિકામાં દર 10માંથી 4 લોકોનાં ઘરોમાં બંદૂક છે અને 32 ટકા લોકો પાસે પર્સનલ બંદૂક છે.
- સર્વેમાં ભાગ લીધેલા લોકોમાં બંદૂક હોય તેવા પુરુષો 40 ટકા હતા, જ્યારે મહિલાઓનું પ્રમાણ 25 ટકા હતું.
- 45% રિપબ્લિકન્સ પાસે પોતાની બંદૂક છે જ્યારે 20 ટકા ડેમૉક્રેટ્સ પાસે પોતાની બંદૂક છે.
- સૌથી વધુ બંદૂક રાખનારા અમેરિકાના નાગરિકોમાં શ્વેત નાગરિકો પહેલા ક્રમે આવે છે. 34 ટકા શ્વેત નાગરિકો પાસે, 24 ટકા અશ્વેત નાગરિકો પાસે જ્યારે 10 ટકા એશિયન અમેરિકન નાગરિકો પાસે પોતાની બંદૂક હતી.
- 61 ટકા અમેરિકનોનું માનવું છે કે દેશમાં બંદૂક મેળવવી એ અતિશય સહેલું કામ છે.
- જોકે, લગભગ 58 ટકા અમેરિકનો માને છે કે દેશમાં ગન પર વધુ કડક નિયંત્રણ કરનારા કાયદાઓની જરૂર છે. જો પક્ષ પ્રમાણે જોઇએ તો 28 ટકા રિપબ્લિકન્સ જ એવું ઇચ્છે છે કે કડક કાયદાઓ હોવા જોઇએ, જ્યારે તેની સરખામણીએ 86 ટકા ડેમૉક્રેટ્સ બંદૂક પર કડક કાયદાઓ ઇચ્છે છે.
- જોકે, અમેરિકાના લોકો તેના અધિકારની બાબતમાં ખૂબ સંવેદનશીલ દેખાય છે. 51 ટકા લોકો એવું માને છે કે આ હથિયારો રાખવાનો અધિકાર યથાવત્ રહેવો જોઇએ. જ્યારે 48 ટકા લોકો ઇચ્છે છે કે તેના પર નિયંત્રણ આવવું જોઇએ.
- અંદાજે અડધોઅડધ અમેરિકાના લોકો (49%) માને છે કે બંદૂકથી થતી હિંસા એ મોટી સમસ્યા છે.
ઇન્સ્ટિટ્યુટ ઑફ હેલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવેલ્યુએશને કરેલા સ્મૉલ આર્મ્સ સર્વે પ્રમાણે દર 100 અમેરિકન નાગરિકોએ 120 બંદૂક છે. જ્યારે વિશ્વમાં તેના પછી બીજો નંબર કૅનેડાનો આવે છે, જ્યાં દર 100 નાગરિકોએ 34 બંદૂક છે.
જ્હૉન હૉપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઑફ પબ્લિક હૅલ્થના સેન્ટર ફૉર ગન વાયલન્સ સોલ્યુશન્સના રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં અમેરિકામાં કુલ 48204 લોકોનો જીવ બંદૂક અને અન્ય હથિયારોથી ગયો છે. જેમાંથી 27032 લોકોએ આપઘાત કર્યો હતો, જ્યારે 19651 લોકોની હત્યા થઈ હતી.
આ રિપોર્ટ અનુસાર, 2022માં અમેરિકામાં દરરોજ 132 લોકોનું, અને દર 11 મિનિટે એક વ્યક્તિનું બંદૂક આધારિત હિંસાથી મોત થયું હતું.
અમેરિકામાં ભારતીયો પર થયેલા હુમલાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ગન કલ્ચર સાથે જોડાયેલા અનેક કલંકિત કિસ્સાઓ અમેરિકાના ઇતિહાસમાં જોવા મળે છે.
2017માં લાસ વેગાસમાં 91 હાર્વેસ્ટ મ્યુઝિક ફેસ્ટિવલમાં 64 વર્ષીય સ્ટીફન પેડોકે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળાબારમાં 60 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 413 લોકો ઘાયલ થયા હતા.
2012માં કનેક્ટિકટમાં આવેલી સેન્ડી હૂક ઍલિમેન્ટરી સ્કૂલમાં થયેલા ફાયરિંગમાં 20 વર્ષના ઍડમ લાન્ઝાએ 26 લોકોની હત્યા કરી હતી, જેમાં 20 બાળકો હતાં.
આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ન્યૂજર્સીના એડિસનમાં ત્રણ બુકાનીધારીઓએ સ્થાનિક પટેલ બ્રધર્સ સ્ટોર્સના માલિકના દીકરા પર જાહેરમાં કારમાંથી ઊતરતા વખતે હુમલો કર્યો હતો અને વૈભવી કાર પચાવી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો.
આ વર્ષે એપ્રિલ મહિના સુધીમાં જ કુલ 11 ભારતીય વિદ્યાર્થીઓનાં અમેરિકામાં મૃત્યુ થયાં છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં હજુ સ્પષ્ટ નથી કે તેમનું મોત કેવી રીતે થયું, તો કેટલાક કિસ્સાઓમાં ગોળી વાગવાનો ઉલ્લેખ છે.
અમેરિકામાં ભારતીયો પર હુમલાઓ અને હત્યા મામલે વ્હાઇટ હાઉસે પણ આ વર્ષે નિવેદન આપવું પડ્યું હતું. વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યૉરિટી કમ્યુનિકેશન ઍડવાઇઝર જ્હૉન કિર્બીએ કહ્યું હતું કે, “હિંસામાં કોઈ અપવાદ ન હોઈ શકે. વંશીયતા, જાતિ કે ધર્મ કોઇપણને આધારે થતા હુમલાઓ અમેરિકામાં સ્વીકાર્ય નથી.”
બંને પક્ષોએ આ ચૂંટણીમાં શું વાયદાઓ કર્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણી પહેલાં બંને પાર્ટીઓએ પોતપોતાના વાયદાઓ (મેનિફેસ્ટો) જાહેર કર્યા છે. જેને અમેરિકામાં પોલિસી પ્લૅટફૉર્મ કહે છે.
ડેમૉક્રેટિક પક્ષે પોતાના પોલિસી પ્લૅટફૉર્મમાં દાવો કર્યો છે કે, “બાઇડનના કાર્યકાળ દરમિયાન 2023માં હિંસક ગુનાઓનો દર છેલ્લા 50 વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. તેમણે ગન લૉબીને પરાસ્ત કરીને અતિ મહત્ત્વપૂર્ણ ગન સેફ્ટી કાયદાને પાસ કરાવ્યો છે. જેમાં 21 વર્ષથી નીચેના લોકો માટે સઘન બૅકગ્રાઉન્ડ ચેકનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ અંદાજે શાળામાં કાર્ય કરી શકે તેવા 14 હજાર મેન્ટલ હૅલ્થ પ્રોફેશનલ્સ, સાયકોલૉજીસ્ટ્સ, કાઉન્સિલર્સ અને સામાજિક કાર્યકર્તાઓની ભરતી કરવામાં આવશે.”
આ સિવાય ડેમૉક્રેટિક પક્ષ સત્તામાં આવશે તો એક યુનિવર્સલ બૅકગ્રાઉન્ડ ચેકની સિસ્ટમ દાખલ કરવામાં આવશે. ડૅમોક્રેટ્સ ફરીથી હુમલાઓમાં વપરાતાં હથિયારો અને હાઇ કૅપેસિટી મૅગેઝિન્સ પર પણ પ્રતિબંધ મૂકશે તેવો વાયદો કરવામાં આવ્યો છે.
આ સિવાય બ્યૂરો ઑફ આલ્કોહૉલ, ટૉબેકો ઍન્ડ ફાયરઆર્મ્સના તથા એફબીઆઈના બજેટમાં પણ વધારો કરવામાં આવશે તેવો ડેમૉક્રેટિક પક્ષના પ્લૅટફૉર્મમાં દાવો કરવામાં આવ્યો છે.
જ્યારે રિપબ્લિકન પક્ષના પ્લૅટફૉર્મમાં ગન કલ્ચર પર નિયંત્રણ લાવવા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
રિપબ્લિકન પક્ષે તો પોતાના પ્લૅટફૉર્મમાં તેને આડકતરી રીતે અધિકાર ગણાવીને મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો વાયદો કર્યો છે.
ગન કલ્ચરનો વિરોધ કરનારા અને તેની તરફેણ કરનારા લોકોની પણ દલીલો છે, જે ચૂંટણીપ્રચારમાં જોવા મળે છે.
અજય પંચાલ સમજાવે છે, “ગન કલ્ચરનો વિરોધ કરનારા લોકોનું સ્પષ્ટ માનવું છે કે દેશમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની આટલી સુગઠિત વ્યવસ્થા છે તો આપણે હથિયાર રાખવાની શું જરૂર છે? અને અમેરિકાનું ભૌગોલિક સ્થાન જોતાં ક્યો દેશ તેના પર ચઢાઈ કરવા આવશે અને નાગરિકોને હથિયાર હાથમાં લેવાની જરૂર પડશે? જયારે તેના સમર્થનમાં રહેલા લોકોનું સ્પષ્ટ માનવું છે કે આ તેમનો બંધારણીય અધિકાર છે. એ સિવાય બંદૂકના બ્લૅક માર્કેટ ચલાવનારા લોકો તથા ગેરકાયદેસર લાયન્સસિંગનું કામ કરાવતાં લોકો પણ તેની ભરપૂર તરફેણ કરે છે.”
પરંતુ આ મુદ્દાની ચૂંટણીમાં ખરેખર કોઈ અસર થશે ખરી?
અમેરિકાના ન્યૂ મૅક્સિકો સ્થિત લેખક અને પત્રકાર માઇકલ બૅનનાવ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, “હાલમાં તો આ મુદ્દો એટલો મોટો દેખાઈ રહ્યો નથી. આ ચૂંટણીમાં અર્થતંત્ર, મોંઘવારી, ઘરનાં ભાડાં અને કિંમતો, ગર્ભપાત અને ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ અતિશય પ્રબળ રીતે ચૂંટણીપ્રચારમાં છવાયેલા હોવાથી ‘ગન કલ્ચર’નો મુદ્દો જાણે કે ઢંકાઈ ગયો છે. ખરેખર તો એવું લાગે છે કે આ ચૂંટણી માત્ર તમે ટ્રમ્પને ચાહો છો કે ટ્રમ્પને નફરત કરો છો એમ બસ એક જ મુદ્દામાં પરિવર્તિત થઈ ગઈ છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












