બ્રિટનનાં આ મહિલા સાંસદે બાંગ્લાદેશની હાલત પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું હિંદુઓ પર અત્યાચાર અયોગ્ય – ન્યૂઝ અપડેટ

બ્રિટનનાં આ મહિલા સાંસદે બાંગ્લાદેશની હાલત પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું હિંદુઓ પર અત્યાચાર અયોગ્ય – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીનાં સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશની હાલત પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ મામલે વિદેશ મંત્રાલયને એક પત્ર લખ્યો છે.

બ્રિટનનાં પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે ઍક્સ પર પોસ્ટ કર્યું, "બાંગ્લાદેશમાં હાલત ચિંતાજનક છે. ધાર્મિક આઝાદીનું રક્ષણ થવું જોઈએ. હિંદુઓની હત્યા અને તેમના પર થઈ રહેલા અત્યાચાર અયોગ્ય છે. તેને રોકવા જોઈએ."

"બ્રિટનની સરકાર બાંગ્લાદેશમાં સ્થિરતા લાવવામાં અને એક એવા ભવિષ્યના નિર્માણ માટે, જેમાં ધાર્મિક આઝાદી સુરક્ષિત હોય અને હિંદુ સુરક્ષિત રહે, પોતાના પ્રભાવનો ઉપયોગ કરે."

ઈરાનમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો મામલે ખામેનેઈએ ટ્રમ્પને શું કહ્યું?

ઈરાનમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો મામલે ખામેનેઈએ ટ્રમ્પને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈએ દેશમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનો પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે પ્રદર્શનકારીઓને 'બદમાશોનો સમૂહ' ગણાવ્યા છે.

નૅશનલ ટીવી પર એક સંબોધનમાં, ખામેનેઈએ કહ્યું, "તહેરાન તથા અન્ય જગ્યાએ બદમાશોનો એક સમૂહ રસ્તા પર ઉતર્યો છે. તેમણે માત્ર અમેરિકાના રાષ્ટ્રપતિને ખુશ કરવા માટે પોતાના જ દેશને નુકસાન પહોંચાડ્યું."

"આવું એટલા માટે કારણકે તેમણે (ટ્રમ્પે) કહ્યું હતું કે તેઓ પ્રદર્શનકારીઓ તથા દેશને નુકસાન પહોંચાડનારાનું સમર્થન કરે છે. જો તેઓ યોગ્ય છે તો તેમણે દેશ ચલાવવો જોઈએ."

ખામેનેઈએ વધુમાં કહ્યું કે ટ્રમ્પના હાથ "12 દિવસના યુદ્ધ (ઇઝરાયલ) દરમિયાન શહીદ થયેલા એક હજારથી વધુ ઈરાનીઓની હત્યાથી રંગાયેલા છે."

"કેટલાક અનુભવહીન અને બેપરવાહ લોકો તેમના પર ભરોસો કરે છે અને તેમની ઇચ્છા પ્રમાણે કામ કરે છે."

ઈરાનમાં કેટલાક દિવસોથી સરકાર સામે પ્રદર્શનો થઈ રહ્યાં છે. જેની શરૂઆત 28મી ડિસેમ્બર, 2025થી તહેરાનમાં થઈ હતી. આ દિવસે સેંકડો દુકાનદાર અને કારોબારી રસ્તા પર ઉતર્યા હતા.

'પીએમ મોદીએ ટ્રેડ ડીલ મામલે ટ્રમ્પને ફોન ન કર્યો' તેવા અમેરિકાના વાણિજ્ય સચિવના દાવા મામલે વિદેશ મંત્રાલયે શું કહ્યું?

'પીએમ મોદીએ ટ્રેડ ડીલ મામલે ટ્રમ્પને ફોન ન કર્યો' તેવા અમેરિકાના વાણિજ્ય સચિવના દાવા મામલે વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારતે શુક્રવારે અમેરિકાના વાણિજ્ય સચિવ હૉવર્ડ લટનિકના એ દાવાને ફગાવ્યો છે કે ભારત-અમેરિકા વચ્ચેની વેપાર સમજૂતિ એટલે માટે ન થઈ શકી કારણકે પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી વાતચીત ન કરી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વર્ષ 2025માં આઠ વખત વાતચીત થઈ છે.

વિદેશ મંત્રાલયની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં તેમણે કહ્યું, "અમારા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે 2025માં આઠ વખત ફોન પર વાતચીત થઈ છે. જેમાં અમારી વ્યાપક સહયોગ પર બંને નેતાઓએ વાતચીત કરી છે."

અમેરિકાના વાણિજ્ય સચિવ હૉવર્ડ લટનિકની ટિપ્પણીને લઈને રણધીર જયસ્વાલે કહ્યું, "અમે આ ટિપ્પણીઓને જોઈ છે. ભારત અને અમેરિકા ગત વર્ષ 13 ફેબ્રુઆરીથી જ એ દ્વિપક્ષીય વ્યાપાર સમજૂતિ પર વાતચીત કરવા પ્રતિબધ્ધ હતાં."

"ત્યારથી બંને પક્ષોએ એક સંતુલિત અને પરસ્પર લાભકારી વ્યાપારિક સમજૂતિ પર પહોંચવા માટે ઘણા દોરની વાતચીત કરી છે. ઘણા પ્રસંગે અમે સમજૂતિની નજીક પહોચ્યા છે."

"રિપોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓમાં આ ચર્ચાનું જે વિવરણ આપવામાં આવ્યું છે, તે યોગ્ય નથી. અમે બે પૂરક અર્થવ્યવસ્થાઓ વચ્ચે પરસ્પર લાભકારી વ્યાપાર સમજૂતિમાં રૂચિ ધરાવીએ છીએ અને તેને સંપન્ન કરવાની આશા વ્યક્ત કરીએ છીએ."

અમેરિકાના 500% ટેરિફ અંગેના બિલ પર શું કહ્યું ભારતીય વિદેશ મંત્રાલયે?

અમેરિકાના 500% ટેરિફ અંગેના બિલ પર શું કહ્યું ભારતીય વિદેશ મંત્રાલયે? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

રશિયા પાસેથી ઑઇલ ખરીદનારા દેશો પર 500 ટકા ટેરિફ લગાવનારા અમેરિકાના નવા બિલ પર ભારતીય વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.

ભારતના વિદેશ મંત્રાલયની સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં અમેરિકાના આ નવા બિલને લઈને સવાલ કરવામાં આવ્યો.

તેના પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જવાબ આપ્યો, "જે બિલની તમે વાત કરો છો, જે પ્રસ્તાવિત બિલ છે અને તેના વિશે અમને જાણકારી છે."

તેમણે એમ પણ કહ્યું કે તેના પર ધ્યાન અપાઈ રહ્યું છે.

રણધીર જયસ્વાલે કહ્યું, "જ્યાં સુધી ઊર્જા સ્રોતોનો સવાલ છે, તમને જાણ છે કે અમારું શું વલણ છે. આ સંદર્ભમાં, જેમ તમે જાણો છો, જે અમારો એપ્રોચ હોય છે, તે પ્રમાણે વૈશ્વિક બજારમાં શું પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખવામાં આવે છે, સાથે જે અમારા 1.4 અબજ લોકો છે, તેમને કઈ રીતે સસ્તી ઊર્જા આપી શકાય, તે બંને બાબતો પર અમારી રણનીતિ નક્કી થાય છે."

ટીએમસી સાંસદોને હિરાસતમાં લેવા બદલ મમતા બેનરજી શું બોલ્યાં?

ટીએમસી સાંસદોને હિરાસતમાં લેવા બદલ મમતા બેનરજી શું બોલ્યાં? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસ અધ્યક્ષા મમતા બેનરજીએ દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહની ઑફિસ બહાર પોતાના સાંસદો પર કરવામાં આવેલી પોલીસની કાર્યવાહીની નિંદા કરી છે.

સીએમ મમતા બેનરજીએ ઍક્સ પર પોસ્ટ કરતાં લખ્યું છે, "હું મારા સાંસદો સાથે કરવામાં આવેલા શરમજનક અને અસ્વીકાર્ય વ્યવહારની ઘોર નિંદા કરું છું."

"ગૃહ મંત્રીની ઑફિસ બહાર વિરોધપ્રદર્શન કરવાના પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા બદલ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સડકો પર ઘસેડવા કાયદો લાગુ કરવાની પ્રક્રિયા નથી, પરંતુ ઘમંડ છે. આ લોકતંત્ર છે. ભાજપની ખાનગી સંપત્તિ નહીં."

તૃણમૂલ કૉંગ્રેસે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઑફિસ બહાર પ્રદર્શન કર્યું હતું. જેમાં ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન તથા મહુઆ મોઇત્રાને પોલીસે હિરાસતમાં લીધાં હતાં.

મમતા બેનરજીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું, "લોકતંત્ર, સત્તામાં બેઠેલા લોકોની સુવિધા પ્રમાણે નથી ચાલતું. જ્યારે ભાજપના નેતા વિરોધ કરે છે, તો તેઓ રેડ કાર્પેટ તથા ખાસ સુવિધાઓની આશા રાખે છે. જ્યારે વિપક્ષી સાંસદ અવાજ ઉઠાવે છે, તો તેમને ઘસેડવામાં આવે છે. હિરાસતમાં લેવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે."

તેમણે લખ્યું કે કોઈ સરકાર, કોઈ પાર્ટી કે કોઈ ગૃહ મંત્રી એ નક્કી નહીં કરી શકે કે લોકતંત્રમાં સન્માનનો હકદાર કોણ છે.

કોલંબિયાના રાષ્ટ્રપતિએ અમેરિકા વિશે શું કહ્યું?

કોલંબિયાના રાષ્ટ્રપતિએ અમેરિકા વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ બીબીસીને કહ્યું છે કે તેમને લાગે છે કે કોલંબિયા સામે અમેરિકાની સૈન્ય કાર્યવાહીનું 'અસલી જોખમ' છે.

પેટ્રોએ કહ્યું કે 'અમેરિકા અન્ય દેશોને અમેરિકી સામ્રાજ્યનો ભાગ' માને છે. વેનેઝુએલા પર અમેરિકાની સેનાની કાર્યવાહી બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોલંબિયાને સૈન્ય કાર્યવાહીની ધમકી આપી હતી.

રાષ્ટ્રપતિ પેટ્રોએ કહ્યું છે કે 'અમેરિકા દુનિયા પર હાવી થવાને લઈને દુનિયાથી અલગ પડવાનું જોખમ' ઉઠાવી રહ્યું છે.

તેમણે અમરિકાના ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઈસીઈ)ના એજન્ટ પર નાઝી બ્રિગેડ માફક કામ કરવાનો આરોપ પણ લગાવ્યો.

તેમણે કહ્યું, "ટ્રમ્પે આઈસીઈના ઑપરેશન્સને વધારી દીધું છે. જેને પ્રશાસન અપરાધ અને ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા પ્રવાસી પર કાર્યવાહી ગણાવે છે."

બીબીસીએ પેટ્રોના નિવેદન પર વ્હાઇટ હાઉસની પ્રતિક્રિયા માગી છે.

વેનેઝુએલા પર અમેરિકાના હમલા અને નિકોલસ માદુરોને પકડ્યા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોલંબિયાને લક્ષ્યાંક કરનારા સેન્ય અભિયાનની વાત સાંભળીને તેમને 'સારું' લાગે છે.

અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફથી થયેલા ફાયદા ગણાવ્યા

ડોનાલ્ડ ટ્રમ્પ, ટેરિફ, અમેરિકાની વેપારખાધ, સુપ્રીમ કોર્ટમાં ટેરિફ અંગે સુનાવણી, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર ઇન્ટરનેશનલ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ ઉપર લખ્યું છે કે ટેરિફને કારણે દેશની 'વેપારખાધ'માં સતત ઘટાડો થઈ રહ્યો છે.

તેમણે લખ્યું, "બ્રેકિંગ ન્યૂઝ : આજે બહાર પાડવામાં આવેલા આંકડા પરથી માલૂમ પડે છે કે અમેરિકાની વેપારખાધ વર્ષ 2009 પછી સૌથી નીચેના સ્તરે છે તથા તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ શાનદાર આંકડા અને આપણા દેશની અભૂતપૂર્વ સફળતા ટેરિફનું સીધું પરિણામ છે."

ટ્રમ્પે લખ્યું કે ટેરિફને કારણે અમેરિકાનાં અર્થતંત્ર તથા રાષ્ટ્રીય સુરક્ષાને બચાવી શકાયાં છે.

"મને આશા છે કે દેશને બચાવનારી આ ઐતિહાસિક સિદ્ધિથી સુપ્રીમ કોર્ટ વાકેફ છે."

અમેરિકાના કૉમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, ઑક્ટોબર મહિનામાં અમેરિકન સામાન અને સેવાની વેપારખાધ 29 અબજ 40 કરોડ જેટલી હતી, જે ગત મહિને 48 અબજ 10 કરોડ જેટલી હતી.

અમેરિકાના કૉમર્સ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે, ટ્રમ્પ સરકારે ટેરિફ દ્વારા વૈશ્વિક વેપારને નવું સ્વરૂપ આપ્યું છે.

છેલ્લે જૂન-2009માં જે માસિક વેપાર ખાધ નોંધાઈ હતી, તેના કરતાં આ ઓછી છે. આ ગાળા દરમિયાન અમેરિકાની આયાત ઘટી હતી અને નિકાસ સુદૃઢ રહી હતી, જેના કારણે વેપારખાધ ઘટી હતી.

જોકે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સોના તથા ફાર્માસ્યુટિકલ્સના વેપારમાં હંગામી ઉતારચઢાવને કારણે આ ટ્રૅન્ડ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે લાદેલા ટેરિફ અંગે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેના ઉપર આગામી દિવસોમાં ચુકાદો આવવાની શક્યતા છે.

રશિયાએ મૅરિનેરા જહાજને પકડવા અંગે પ્રતિક્રિયા આપી

રશિયાની પ્રતિક્રિયા, મૅરિનેરા જહાજને પકડવામાં આવ્યું, વેનેઝુએલાનું ક્રૂડઑઇલ, અમેરિકા દ્વારા ઓપરેશન, અમેરિકાએ બે જહાજ પકડ્યા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

રશિયાના વિદેશ મંત્રાલયે મૅરિનેરા જહાજ પકડવા અંગે પ્રતિક્રિયા આપી છે. અમેરિકાનું કહેવું છે કે તેણે વેનેઝુએલા સાથે સંબંધિત બે તેલ ટૅન્કર જપ્ત કર્યાં છે.

રશિયાનાં વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર લખ્યું, "અમે અમેરિકાને અપીલ કરીએ છીએ કે તે દરિયા માટેના કાયદા મુજબ કાર્યરત મૅરિનેરા તથા અન્ય જહાજો સામેની તેની ગેરકાયદેસર કાર્યવાહી તત્કાળ બંધ કરે."

"અમે અમારી માંગનો પુનર્રોચ્ચાર કરીએ છીએ કે અમેરિકા દ્વારા જહાજ ઉપર સવાર રશિયન નાગરિકો સાથે યોગ્ય વ્યવહાર સુનિશ્ચિત કરવામાં આવે."

બે દિવસ પહેલાં એમેરિકાએ કહ્યું હતું કે તેણે વેનેઝુએલા સાથે સંબંધ હોય તેવા બે ઑઇલ ટૅન્કર જપ્ત કર્યાં છે.

જેમાંથી એક ટૅન્કરમાં (જેના વિશે જણાવવામાં આવ્યું હતું કે તેમાં કોઈ ક્રૂડઑઇલ ન હતું) ઉત્તર ઍટલાન્ટિક સાગરમાં (આઇસલૅન્ડ અને બ્રિટનની વચ્ચે) કબજે લેવામાં આવ્યું હતું. મૅરિનેરા નામનાં આ જહજાની ઉપર રશિયન ધ્વજ હતો.

દિલ્હીમાં ડિમૉલિશન બાદ ચાંપતી સુરક્ષા

દિલ્હી, ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ, બીબીસી ગુજરાતી,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ વિસ્તારમાં ગોઠવવામાં આવેલી સુરક્ષાવ્યવસ્થા

દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ફૈઝ-એ-ઇલાહી મસ્જિદ વિસ્તારમાં દબાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો અને પથ્થરમારો થયો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈ લખે છે કે સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં, તે માટે શુક્રવારે સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

તંત્ર દ્વારા ભારે સુરક્ષા વચ્ચે તોડી પડાયેલાં દબાણોનો કાટમાળ હઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તાજેતરની હિંસા સંબંધે પોલીસ દ્વારા 30 શખ્સોની ઓળખ કરી લેવામાં આવી છે, 11 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા હુલ્લડખોરોને ઓળખવા માટે બૉડીકૅમ, સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તથા સોશિયલ મીડિયા ઉપર વાઇરલ વીડિયોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન