ઓડિશામાં વિમાનનું ક્રૅશ લૅન્ડિંગ, છ લોકો ઈજાગ્રસ્ત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે, ઓડિશાના વાણિજ્ય અને પરિવહન મંત્રી બીબી જેનાએ જણાવ્યું છે કે શનિવારે રાઉરકેલા પાસે એક ખાનગી ઍરલાઇનના એક નાના વિમાનની ક્રૅશ લૅન્ડિંગમાં ઓછામાં ઓછા છ લોકો ઘાયલ થયા છે.
મંત્રી પ્રમાણે, આ લોકોને નાની-મોટી ઈજા થઈ છે અને તેમની હાલત સ્થિર છે. તેમણે જણાવ્યું કે આ વિમાન એ-1 શ્રેણીનું 9-સીટર વિમાન છે.
પીટીઆઇ પ્રમાણે, વિમાનમાં છ મુસાફરો હતા. આ ઘટના રાઉરકેલાથી દસ કિલોમીટર દૂર જલદા વિસ્તારની છે.
બીજૂ પટનાયક આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના નિદેશક પ્રસન્ન પ્રધાને કહ્યું, "આ વિમાન ભુવનેશ્વરથી રાઉરકેલા જઈ રહ્યું હતું, રાઉરકેલાથી દસ કિમી પહેલાં તેની ક્રૅશ લૅન્ડિંગ થઈ. વિમાનમાં ચાર મુસાફરો અને બે ક્રૂ મેમ્બર હતા. તમામ સુરક્ષિત છે."
પાકિસ્તાન : હિંદુ યુવકની હત્યા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના સિંધ પ્રાંતના બદીન જિલ્લાના તલહાર વિસ્તારમાં 'પીરૂ લાશારી' ગામમાં એક વગદાર વ્યક્તિે ક્ષુલ્લક બાબતમાં એક હિંદુ મજૂર કૈલાશ કોલ્હીની ગોળી મારીને હત્યા કરી નાખી.
આ હત્યાના વિરોધમાં કૈલાશના પરિવારજનો સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કૈલાશ કોલ્હીનાં પત્ની લખી કોલ્હીએ કહ્યું, "અમે આરોપીઓની ધરપકડ થાય એવું ઇચ્છીએ છીએ. પોલીસ એક અઠવાડિયાથી વાયદા કરી રહી છે, પરંતુ તેમણે વાયદો પૂરો નથી કર્યો."
લખી કોલ્હીએ બીબીસી ઉર્દૂ સાથે વાત કરતાં આરોપ લગાવ્યો કે એક જમીનમાલિકે કૈલાશને ઝૂંપડું બનાવવાની મનાઈ કરી, તેમને ધમકાવ્યા અને બાદમાં ગોળી મારી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે લખી ત્યાં પહોંચ્યાં તો કૈલાશ જમીન પર નિશ્ચેતન અવસ્થામાં પડ્યા હતા, તેમને હૉસ્પિટલ ખસેડાયા, પરંતુ કૈલાશનું મૃત્યુ થયું.
કૈલાશ પાંચ બાળકોના પિતા હતા અને તેમનાં આઠ ભાઈબહેન છે.
કૈલાશના પિતા ચેતને બીબીસીને જણાવ્યું કે, "એસએસપીએ આશ્વાસન આપ્યું છે કે આરોપીઓની 24 કલાકમાં જ ધરપકડ કરી લેવાશે, પરંતુ વિરોધ પ્રદર્શનને ત્રણ દિવસ થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી કોઈની ધરપકડ નથી કરાઈ."
તેમની માગ છે કે આરોપીઓની ધરપકડ કરીને પરિવારને ન્યાય અપાવવામાં આવે.
એસએસપી કમર જસકાનીએ જણાવ્યું કે કૈલાશ ચાર એકર જમીન પર ખેડૂત તરીકે કામ કરતા હતા.
તેમના અનુસાર, ઘટનાના દિવસે આરોપીઓએ કૈલાશને ત્યાં ઝૂંપડું બનાવવાથી રોક્યા, કારણ કે એ જમીન તેમની હતી. આ જ વાતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ગોળીબારમાં કૈલાશનું મૃત્યુ થઈ ગયું.

ઇમેજ સ્રોત, Getty Images
એસએસપી જસકાની અનુસાર, પોલીસ આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડી રહી છે, પરંતુ તેમના કોઈ સગડ નથી મળ્યા.
તેમને આશા છે કે આગામી બે દિવસમાં આરોપીઓને પકડી લેવાશે.
ફરિયાદ પવન કોલ્હીએ કહ્યું છે કે, "કૈલાશ સરફરાજની જમીન પર કામ કરતો હતો. બાદમાં એ એજાઝ નામની એક વ્યક્તિને ત્યાં કામ કરવા લાગ્યો. 4 જાન્યુઆરીના રોજ કૈલાશ, વિષ્ણુ અને ગોવિંદ ભીંડીના પાક માટે ઝૂંપડું બનાવી રહ્યો હતો, ત્યારે જ સાંજે લગભગ 4.30 વાગ્યે સરફરાઝે આવીને કહ્યું કે 'તેં મારું કામ છોડી દીધું છે અને એજાઝ માટે કામ કરવા લાગ્યો છે, અહીં ઝૂંપડું ન બનાવ.'"
આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.
આ દરમિયાન, સિંધ સરકારના પ્રવક્તા સુખદેવ હિમનાનીએ કૈલાશની "ક્રૂર હત્યા"ની કઠોર નિંદા કરી અને તેને "બર્બર અને હૃદયવિદારક ઘટના" ગણાવી.
તેમણે આશ્વાસન આપ્યું કે સિંધ સરકારે ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને એજન્સીઓને "પારદર્શી અને ત્વરિત તપાસ કરવા અને ગુનેગારને શક્ય તેટલી વહેલા ધરપકડ કરવાનો" નિર્દેશ આપ્યો છે.
સચીન તેંડુલકરે ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગ સાથે જોડાવા વિશે શું કહ્યું

ઇમેજ સ્રોત, @sachin_rt
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રિમિયર લીગની (આઈએસપીએલ) ત્રીજી સિઝન અંગે વિખ્યાત ક્રિકેટર સચીન તેંડુલકરે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા તેંડુલકરે કહ્યું, "ભારતીય રમતોને પ્રોત્સાહન આપી શકાય એ માટે હું આઈએસપીએલ સાથે જોડાયો છે. ભારતીય રમતોને પ્રોત્સાહન મળવું જોઈએ, ચાહે તે કોઈ પણ રમત કેમ ન હોય."
"મેં અગાઉ પણ કહ્યું છે કે આપણો દેશ એક રમતને પસંદ કરે છે. એવામાં આ બધાં પગલાં એવા છે, જેને યુવા જુએ છે તથા આઈએસપીએલનો ભાગ બનવા માંગે છે, જે સારા અણસાર આપે છે."
સચીને કહ્યું, "મેં આવું જ વિચાર્યું હતું એટલે આ લીગ સાથે જોડાવાનો નિર્ણય ખૂબ જ સરળ રહ્યો હતો. સાથે મળીને આપણે રમતને એક ચળવળ બનાવી શકીએ છીએ તથા આની પાછળનો વિચાર પણ એ જ છે."
આઈએસપીએલ 10-10 ઓવરની ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જે ટેનિસ બૉલ સાથે રમવામાં આવે છે.
આ સિઝનની પહેલી મૅચ શુક્રવારે 'મુંબઈ માઝી' તથા 'શ્રીનગર કે વીર' વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈની ટીમે શ્રીનગરની ટીમને 13 રને પરાજય આપ્યો હતો.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિશે ટ્રમ્પે શું કહ્યું અને ફાઇટર જેટ અંગે શું દાવો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ઇતિહાસના સૌથી મોટા દાવેદાર ગણાવ્યા છે. તેમણે ફરી એક વાર દાવો કર્યો હતો કે તેમણે ભારત-પાકિસ્તાન સહિત આઠ યુદ્ધ રોકાવ્યાં છે.
ટ્રમ્પે કહ્યું, "મેં આઠ યુદ્ધ બંધ કરાવ્યાં છે. એમાંથી અમુક તો ચાલુ થવામાં જ હતાં. જેમ કે ભારત અને પાકિસ્તાનના કિસ્સામાં અગાઉથી જ આઠ જેટ ઉડાવી દેવાયાં હતાં. મેં તેને ન્યૂક્લિયર હથિયારો વગર તત્કાળ શાંત કરાવી દીધું."
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નોબેલ શાંતિ પુરસ્કારના હક્કદાર ગણાવતા કહ્યું, "મને ઇતિહાસમાં મારા સિવાય એવું કોઈ નથી દેખાતું કે જેને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. કોઈએ આટલાં બધાં યુદ્ધ ખતમ નથી કરાવ્યાં."
ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાને અમેરિકા આવીને સાર્વજનિક નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન અને ભારતના એક કરોડ લોકોના જીવ બચાવ્યા, કારણ કે જો યુદ્ધ થયું હોત, તો તેણે ખૂબ જ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હોત.
ખામેનેઈએ કહ્યું : ટ્રમ્પને રાજી કરવા ઉપદ્રવીઓ ઈરાનમાં પ્રદર્શન કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Office of the Iranian Supreme Leader/WANA (West Asia News Agency)
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું કહેવું છે કે સરકારવિરોધી પ્રદર્શનકારીઓ એ વાસ્તવમાં ઉપદ્રવીઓ છે તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રાજી કરવા પ્રયાસ કરી રહ્યા છે.
ખામેનેઈએ સરકારવિરોધી પ્રદર્શનકારીઓને "હુલ્લડખોરો" અને "બદમાશોનું ટોળું" પણ કહ્યા હતા. ખામેનેઈએ કહ્યું હતું કે આ લોકો માત્ર "અમેરિકાના રાષ્ટ્રપતિને રાજી કરવા"ના પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ પ્રદર્શનકારીઓનું સમર્થન કરે છે. સાથે જ ઈરાનને ચેતવણી આપી હતી કે જો પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં, તો અમેરિકા દ્વારા ઈરાનની ઉપર "જોરદાર હુમલા" કરવામાં આવશે.
ખામેનેઈએ પ્રદર્શનકારીઓ ઉપર સરકારી ઇમારતોને નુકસાન પહોંચાડવાના આરોપ પણ મૂક્યા હતા.
હાલમાં ઈરાનમાં જે પ્રદર્શન થઈ રહ્યાં છે, તે તાજેતરનાં અનેક વર્ષોનાં મોટાં તોફાનોમાંથી એક બની રહ્યાં છે. જેમાં ઓછામાં ઓછા 48 પ્રદર્શનકારી તથા 14 સુરક્ષાકર્મી મૃત્યુ પામ્યા છે.
ગત 13 દિવસથી (શુક્રવારની સ્થિતિ પ્રમાણે) ઈરાનમાં સરકારવિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે અને ઈરાનમાંથી 'ઇસ્લામિક રિપબ્લિક'ને ખતમ કરવાની માંગ થવા લાગી છે. જ્યારે કેટલાક લોકો રાજાશાહીને ફરીથી બહાલ કરવાની માગ કરી રહ્યા છે. સાથે જ ઈરાનમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
'સીએમ તરીકે નહીં ટીએમસી અધ્યક્ષ તરીકે ગઈ હતી'

ઇમેજ સ્રોત, ANI
ઈડીએ શુક્રવારે આઇપૅક નામની સંસ્થાની કોલકતા ઑફિસ તથા તેના ડાયરેક્ટર પ્રતીક જૈનનાં ઘરે દરોડા પાડ્યા છે. આ દરમિયાન અણધારી ઘટના ઘટી હતી.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી દરોડાની કાર્યવાહી દરમિયાન પહોંચી ગયાં હતાં અને એક લીલી ફાઇલ સાથે બહાર આવ્યાં હતાં.
ઈડીનું કહેવું છે કે વર્ષ 2020માં થયેલા કોલસાની દાણચોરી સંદર્ભે તેણે આ કાર્યવાહી કરી છે.
જ્યારે મમતાનો દાવો છે કે ભાજપ ઈડીની મદદથી ટીએમસીની ચૂંટણી વ્યૂહરચના ચોરવા માગે છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી તરીકે નહીં, પરંતુ ટીએમસીનાં અધ્યક્ષ તરીકે ત્યાં ગયાં હતાં.
પશ્ચિમ બંગાળમાં મુખ્ય વિપક્ષ ભાજપનું કહેવું છે કે મમતા બેનરજી ગોટાળાબાજ લોકોને બચાવી રહ્યાં છે.
ઈડીનું કહેવું છે કે મમતા બેનરજીએ પોતાની પાર્ટીની (તૃણમૂલ કૉંગ્રેસ) હાર્ડ ડિસ્ક, આંતરિક ડૉક્યુમેન્ટ્સ અને સંવેદનશીલ ડેટા જપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આઈ-પૅક પર દરોડા વખતે દખલગીરી કરવા બદલ ઈડીએ શુક્રવારે કલકત્તા હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 28 પન્નાની અરજીમાં ઇડીએ આ મામલે મમતા બેનરજી, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બીજા લોકો સામે સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
આ સમયે અદાલત ખીચોખીચ ભરેલી હતી. ત્યારે બેન્ચે સુનાવણી થઈ શકે તેમ નથી, એવું કારણ જણાવીને આ કેસને તા. 14 જાન્યુઆરી ઉપર મોકૂફ રાખ્યો હતો.
'ભારત-ઈયુ વેપારકરાર થાય એમ જર્મની ઇચ્છે છે'

ઇમેજ સ્રોત, ANI
ભારતના આમંત્રણ ઉપર જર્મનીના ચાન્સેલર ફિડ્રિખ મર્ત્જ તા. 12મી અને 13મી જાન્યુઆરીના ભારતનો પ્રવાસ ખેડવાના છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ દરમિયાન તેમની સાથે અમદાવાદ અને બેંગ્લુરુમાં બેઠક કરશે.
જર્મન ચાન્સેલરના આગમન પૂર્વે ભારત ખાતે જર્મનીના રાજદૂત ફિલિપ ઍકરમૅને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરી હતી.
ઍમ્બેસેડર ઍકમેને કહ્યું, "ભારત અને જર્મની વચ્ચેના વેપારી તથા ઔદ્યોગિક સંબંધોમાં આ એફટીએ ગૅમ-ચેન્જર સાબિત થશે."
તેમણે ઉમેર્યું હતું કે 'ભારત એ જર્મનીનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન આ ભાગીદારી પ્રગાઢ બની છે. સંરક્ષણક્ષેત્રે પણ આ ભાગીદારી પ્રગાઢ બની છે.'
બંને દેશના નેતાઓ વચ્ચે રોકાણ, ટૅકનૉલૉજી, શિક્ષણ તથા સ્કીલ ક્ષેત્રે ચર્ચા થાય તેવી શક્યતા છે. હાલ જર્મનીમાં લગભગ 60 હજાર ભારતીય વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
નોંધનીય છે કે વર્ષ 2025માં ભારત અને જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારીને 25 વર્ષ પૂર્ણ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












