ધુમ્મસ એટલે શું, કયા પાક માટે તે ફાયદાકારક અને કયા માટે જોખમી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી
ભારતમાં શિયાળામાં ધુમ્મસના કારણે જનજીવન પર વ્યાપક અસર પડે છે. ધુમ્મસના કારણે વાતાવરણ ધૂંધળું થવાથી ટ્રેનો અને વિમાનો મોડાં પડે છે, તથા ઘણીવાર વાહન અકસ્માતો પણ થાય છે.
ખાસ કરીને ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે લોકોના આરોગ્ય અને કૃષિ પર અલગ-અલગ અસરો જોવા મળતી હોય છે.
ગુજરાતમાં ધુમ્મસ સર્જાય તો તેની કેવી અસર પડે છે? ધુમ્મસ ખરેખર શું છે? ઉપરાંત તેની ગુજરાતના પાક અને લોકોના આરોગ્ય પર કેવી અસર પડતી હોય છે?
આ બાબતે બીબીસી ગુજરાતીએ વિવિધ નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે.
ધુમ્મસ શું હોય છે અને કેવી રીતે સર્જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે, એક કિલોમીટરથી ઓછી દૃશ્યતાને ધુમ્મસ કહેવામાં આવે છે, એમ વર્લ્ડ મિટિયૉરૉલૉજીકલ ઑર્ગેનાઇઝેશનની વેબસાઇટ જણાવે છે .
શિયાળામાં તાપમાન ઓછું હોવાથી, જમીનમાં ભેજ ધીમે-ધીમે વધે છે, અને જ્યારે હવા ઝાકળ બિંદુ સુધી પહોંચે છે, એટલે કે ઠંડી પડે છે, ત્યારે તે નાનાં પાણીનાં ટીપાંમાં ફેરવાય છે.
જ્યારે આ પાણીના કણો હવામાં તરતા રહે છે ત્યારે ધુમ્મસ બને છે. ઝાકળ પણ આ જ પ્રક્રિયા દ્વારા બને છે, પરંતુ તેની ઘનતા પ્રમાણમાં ઓછી હોય છે. પરિણામે, દૃશ્યતા થોડી વધારે હોય છે. જો દૃશ્યતા એક કિલોમીટરથી વધુ હોય, તો તેને ઝાકળ ગણવામાં આવે છે.
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના પ્રોફેસર ધીમંત વઘાસિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "ધુમ્મસમાં નાનાં પાણીનાં ડ્રૉપલેટ્સ હોય છે. હવામાં તે ફરતાં રહેતાં હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ જણાવે છે કે, "નીચું તાપમાન જવાને કારણે ધુમ્મસ સર્જાતું હોય છે. તેને એક નાનું વાદળ પણ ઘણી શકાય છે. જે જમીનથી 2.5 કિલોમીટર સુધી હોય શકે છે, તેથી તેને નજીકનાં વાદળો પણ ગણી શકીએ છીએ."
ધુમ્મસ અને ફૉગમાં શું ફરક હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર વઘાસિયા જણાવે છે કે, "જ્યારે ગરમ પવનો અને ઠંડા પવનો ભેગા થાય ત્યારે, ઍડવૅક્શન જોવા મળતું હોય છે."
"ધુમ્મસ સાથે અન્ય કોઈ રજકણો વૉટર ડ્રૉપલેટ્સની સાથે જોડાતાં હોય છે. ત્યારે તે વિઝિબીલિટી પર પણ અસર કરે છે."
"ફૉગ માત્ર વૉટર ડ્રૉપલેટ્સ હોય છે પાણીનાં નાનાં ટીપાં હોય છે જ્યારે, તેની સાથે કોઈ રજકણ જોડાય ત્યારે તે સ્મૉગ બની જાય છે."
તેઓ કહે છે કે, "ફૉગ દિવસમાં 10કે 11 વાગે પણ જોવા મળી શકે છે ત્યારે, ઝાકળ (મિસ્ટ) તે સૂર્યોદય પછી જોવા મળતી નથી."
ધુમ્મસનો બીજો પ્રકાર રેડિયેશન ફૉગ છે, જે સામાન્ય રીતે પરોઢિયે ઘટ્ટ થાય છે અને સૂર્યપ્રકાશમાં ઝડપથી ઓગળી જાય છે. તે ફેબ્રુઆરી અને માર્ચમાં વધુ સામાન્ય છે.
ગુજરાતમાં ધુમ્મસની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મોસમ સેવામાં પ્રાધ્યાપક વી. ડી. વોરા ટૅકનિકલ ઑફિસર પણ છે.
તેઓ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "ધુમ્મસ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં સામાન્ય રીતે દરિયા પરથી આવતા વાયવ્યના પવનો, જે ભેજ અને ઠંડી લાવે છે. તે આખરે ધુમ્મસમાં રૂપાંતરિત થાય છે."
પ્રોફેસર ધીમંત વઘાસિયા જણાવે છે કે, "ઉત્તર ભારતમાં જોવા મળતું ધુમ્મસ અને ગુજરાતમાં જોવા મળતાં ધુમ્મસમાં ફરક છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જોઇએ ઉત્તર ભારતના પ્રમાણમાં તેટલું સ્થિર વાતાવરણ જોવા નથી મળતું."
"દરિયાકાંઠાના વિસ્તારોના કારણે પણ સૌરાષ્ટ્રમાં ધુમ્મસનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. ઉત્તર ભારતમાં સ્થિર વાતાવરણ હોવાથી ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળે છે."
ધુમ્મસ ગુજરાતના કયા પાકો પર અસર કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રોફેસર વી. ડી. વોરા જણાવે છે કે, "ચણાના પાક માટે ધુમ્મસ ફાયદાકારક છે પણ જીરું જેવા પાકો માટે ધુમ્મસ નુકસાનકારક સાબિત થાય છે. ધુમ્મસમાં ભેજના કારણે ચણાને ફાયદો થતો હોય છે."
તેમના કહેવા મુજબ "જીરુંના પાકમાં ધુમ્મસ નુકસાન કરે છે, કેરીના પાકને નુકસાન કરે છે. આના માટે દવાઓ, ધુમાડો, ચોક્કસ પિયતનો ઉપયોગ કરી શકાય છે."
પ્રો. વઘાસિયા જણાવે છે કે "વાતાવરણ ઠંડુ રહે તે માટે પાકમાં પિયત આપીએ તો પાકની આજુબાજુનું માઇક્રો-ક્લાયમેન્ટનું તાપમાન નીચું જતું નથી. પિયત આપવાની તાપમાન વધતુ હોય છે અને તેનાથી પાકને ઠંડીથી રક્ષણ મળી રહે છે."
ધુમ્મસની ફેફસાં પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદથી પલ્મૉનૉલૉજિસ્ટ ડૉ. અવકાશ પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "અમદાવાદ જેવાં પ્રદૂષિત શહેરોમાં ધુમ્મસ માત્ર પાણી નથી, તે આપણાં ફેફસાં માટે ખતરનાક ઝેર બનતું જાય છે."
ડૉ. અવકાશ પટેલ જણાવે છે કે, "ધુમ્મસની હવા ઠંડી હોય છે, 100% ભેજવાળી હોય છે, જ્યારે આવી હવા આપણે અચાનક અંદર લઈએ છીએ ત્યારે શ્વાસની નળીઓ અચાનક ઠંડી થાય છે. શરીરની નસો સંકોચાય છે. જેને આપણે બ્રૉન્કોસ્પેઝમ કહીએ છીએ. ઉપરાંત સ્વસ્થ માણસને પણ છાતીમાં દબાણ, ખાંસી, થોડી ગુંગળામણ થઈ શકે છે."
તેઓ જણાવે છે કે, "અસ્થમા અને સીઓપીડી- ક્રૉનિક અવરોધક પલ્મૉનરી ડિસીઝ (COPD) ધરાવતા દર્દીઓમાં આ સંકોચન બહુ જ તીવ્ર બને છે, શ્વાસ બહુ જ ટૂંકો પડે. ઘણીવાર દર્દીને હૉસ્પિટલ દાખલ કરવાની પણ ફરજ પડી શકે છે."
ધુમ્મસ અને પ્રદૂષણનું જોડાણ કેટલું ખતરનાક?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રો. ધીમંત વઘાસિયા જણાવે છે કે, "ધુમ્મસ સાથે ઔદ્યોગિક વિસ્તારો જે હવામાં પ્રદૂષકો હોય તે જ્યારે ધુમ્મસ સાથે જોડાય છે તો વધુ હાનિકારક સાબિત થાય છે, જેના કારણે કૃત્રિમ વરસાદનું પણ જોખમ વધે છે."
તેઓ કહે છે કે, "સૌથી વધુ ધુમ્મસ ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સર્જાતું હોય છે. વાતાવરણ સ્થિર રહેવાના કારણે આ ધુમ્મસ બને છે. વધારે પડતી અસર તેની વિઝિબિલીટી પર પડે છે. વાહનવ્યવહાર પર તેની ખરાબ અસર પડતી હોય છે."
ડૉ. અવકાશ પટેલ જણાવે છે કે, "ધુમ્મસનાં નાનાં ટીપાં ચીકણાં હોય છે. આ ટીપાં હવામાં રહેલા PM2.5, વાહનોનો ધુમાડો, ઔદ્યોગિક ઝેરી વાયુઓને પોતાની સાથે ચોંટાડી લે છે."
"તેને કારણે આ ઝેરી કણો સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં ફેફસાંમાં ઊંડે સુધી જાય છે અને સીધા ઍલ્વિઓલી (ફેફસાંમાં આવેલી હવાની થેલી) સુધી પહોંચે છે ઉપરાંત લાંબાં સમય સુધી ત્યાં જ રહે છે"
"એટલે ધુમ્મસવાળા દિવસો સામાન્ય સ્મૉગ પણ વધુ નુકસાનકારક બની જાય છે. ધુમ્મસમાં જીવાણુઓ પણ હોય શકે છે."
ધુમ્મસમાં બૅક્ટેરિયા, ફૂગનાં સ્પોર, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ હોઈ શકે છે.
ડૉ. પટેલ કહે છે, "લાંબા સમય સુધી ધુમ્મસ રહે તો શ્વસન ચેપ, બ્રૉન્કાઇટિસ, ન્યુમોનિયાનું જોખમ વધી જાય છે, ખાસ કરીને વૃદ્ધ લોકો, ડાયાબિટીસ ધરાવતા સીઓપીડી (ક્રૉનિક અવરોધક પલ્મૉનરી ડિસીઝ)ના દર્દીઓની મુસીબત વધી જાય છે."
ભેજ ફેફસાં માટે કેમ ખરાબ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. અવકાશ પટેલ કહે છે કે, ઘણા લોકો માનતા હોય છે કે, "સૂકી હવા ખરાબ છે" હા, પરંતુ અતિશય ભેજ પણ એટલો જ ખતરનાક છે.
"ધુમ્મસમાં ફેફસાંમાં મ્યુકસ વધારે બને છે ઉપરાંત હવા અને ઑક્સિજનનો વિનિમય ઘટે છે શ્વાસ લેવામાં ફેફસાંની મહેનત વધી જાય છે," એમ ડૉ. પટેલ જણાવે છે.
"ત્યારે હૃદયના દર્દી, અસ્થમા અને ફેફસાંના જૂના રોગોમાં આ અસર વધુ દેખાય છે."
માસ્ક પહેરવાથી ફાયદો થાય કે નહીં?
ડૉ. અવકાશ પટેલ કહે છે, "સામાન્ય સર્જિકલ માસ્ક થોડું રક્ષણ આપે પરંતુ PM2.5ની સામે તે પૂરતું નથી, N95 માસ્ક વધુ સારું છે, પણ ધુમ્મસમાં તે ભીનું થઈ જાય છે એટલે તેને વારંવાર બદલવું જરૂરી છે."
"તેથી માસ્ક મદદરૂપ છે, પણ સંપૂર્ણ સુરક્ષા નથી. એક અહેવાલ અનુસાર, સૂર્યનાં કિરણો છોડ સુધી પહોંચી શકતા નથી, તેથી પાંદડાંઓમાં પ્રકાશસંશ્લેષણનું પ્રમાણ ઘટે છે. એક તરફ, આના પરિણામે છોડ દ્વારા ખોરાક ઓછો ઉત્પન્ન થાય છે અને છોડને ઓછાં પોષક તત્ત્વો મળે છે. બીજી તરફ, આ જ કારણોસર ઑક્સિજનનું ઉત્પાદન પણ ઘટે છે. આ સમયે, રવિ પાકનું ઉત્પાદન પણ ઘટે છે."
ધુમ્મસવાળા દિવસોમાં સવારની બહારની કસરત ટાળો, અસ્થમા/COPD દર્દી હોવ તો નિયમિત ઇન્હેલર લો અને શક્ય હોય તો N95 માસ્ક પહેરો તેમજ પાણી વધારે પીવો તેવી સલાહ ડૉક્ટરો દ્વારા અપાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












