સૌથી અઘરી પરીક્ષા જેમાં વિદ્યાર્થીઓ 8 કલાક સુધી પેપર લખે છે, પરંતુ એમાં એવું શું પૂછાય છે?

સુનંગ, દક્ષિણ કોરિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રશેલ લી
    • પદ, બીબીસી ન્યૂઝ

આઠ કલાક, પાંચ પરીક્ષા, ચાર વિરામ, એક દિવસ અને એક તક.

સુનંગ એ એવી પરીક્ષા છે, જે દક્ષિણ કોરિયાના યુવાઓના જીવનમાં પરિવર્તન લાવે છે.

આ પરીક્ષા યુવાઓની યુનિવર્સિટી નક્કી કરે છે અને તેના પરિણામની અસર ભાવિ નોકરી, આવક તથા સંબંધો પર સુદ્ધાં થઈ શકે છે.

આ પરીક્ષા પાસ કરવી તે એક સંસ્કાર છે અને આ પરીક્ષા વખતે આખો દેશ સ્થિર થઈ જાય છે.

સુનંગ એટલે કે દક્ષિણ કોરિયાની આ કુખ્યાત કૉલેજ સ્કૉલૅસ્ટિક ઍબિલિટી ટૅસ્ટનું આયોજન દર વર્ષે નવેમ્બરમાં એક વખત થાય છે. આ વર્ષે તે 14 નવેમ્બરે યોજાવાની છે. વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા તેમની ક્ષમતા દર્શાવવાની તક છે.

આ વર્ષે સુનંગ ટેસ્ટની તૈયારી કરી રહેલા કેટલાક દક્ષિણ કોરિયન વિદ્યાર્થીઓ સાથે બીબીસીએ વાત કરી હતી. આ સઘન, બૅક-ટુ-બૅક પરીક્ષાનો સામનો કરવા માટે તેમણે તેમની સર્વાઇવલ ટિપ્સ અને ગેમ પ્લાન બીબીસી સાથે શેર કર્યા હતા.

‘સુનંગ મારી દિનચર્ચાના કેન્દ્રમાં હોય છે’

સુનંગ, દક્ષિણ કોરિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હ્યુ-મિન-હ્વાંગ અને તેમના મિત્રો દરરોજ એ જ ભોજન ખાય છે જે તેમને પરીક્ષાના દિવસે તેઓ લેશે.

સુનંગ ટેસ્ટ આઠ કલાક ચાલે છે. તેમાં દરેક વિષય વચ્ચે 20 મિનિટનો વિરામ અને લંચ માટે 50 મિનિટનો સમય હોય છે. દરેક વિષયની પરીક્ષા લગભગ 80થી 107 મિનિટ ચાલે છે. આ માટે તીવ્ર એકાગ્રતા જાળવવી જરૂરી હોય છે.

19 વર્ષનો હ્યુન-મીન હવાંગ જણાવે છે કે તેના કેટલાક દોસ્તો સુનંગ ટેસ્ટની તૈયારી કરતા હોય ત્યારથી જે ભોજન કરતા હોય એ જ ભોજન પરીક્ષામાં લંચબ્રેક વખતે કરે છે, જેથી તેનું સારી રીતે પાચન થાય. પરીક્ષાર્થીઓમાં આ સર્વસામાન્ય બાબત છે. બધા પરીક્ષાર્થીઓએ ટેસ્ટના દિવસે પોતપોતાનું લંચ બોક્સ સાથે લાવવાનું હોય છે.

કાચો ખોરાક, મસાલેદાર વાનગીઓ અને બ્રેડ કે નૂડલ્સ જેવી લોટમાંથી બનતી વાનગીઓ ખાવાનું ટાળવાની સલાહ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સુનંગ ટેસ્ટ આપતા વિદ્યાર્થીઓએ શું ખાવું અને શું ખાવાનું ટાળવું તેની ટિપ્સની આપ-લે પરીક્ષાર્થીઓનાં માતા-પિતા ઑનલાઇન ઍક્ઝામ કૉમ્યુનિટીમાં કરતાં રહે છે. પ્રોટીનયુક્ત આહાર મહત્ત્વનો હોય છે. સુનંગ પરીક્ષાર્થી માટેના સંતુલિત લંચ બૉક્સમાં ચોખા, બેક્ડ માછલી, ચિકન બ્રેસ્ટ, શાકભાજી અને ગરમ સૂપ જેવી સામગ્રીઓનો સમાવેશ હોય છે.

હવાંગ કહે છે, “સુનંગ રૂટિનની ટેવ પાડવા માટે મારા કેટલાક દોસ્તો ચોક્કસ સમયે ઊંઘી જાય અને જાગી જાય છે. એકાગ્રતા કેળવી શકાય એટલા માટે શરીરને આરામ આપવો જરૂરી હોય છે.”

વીડિયો કૅપ્શન, 15થી 20 વિદ્યાર્થીનીઓથી શરૂ થયેલી શાળા અત્યાર સુધીમાં હજારો છોકરીઓને શિક્ષણ આપી ચૂકી છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કુદરતી હાજતની જરૂરિયાતથી પણ પરીક્ષાર્થીઓ વિચલિત થઈ શકતા નથી.

પરીક્ષા આપતી વખતે બાથરૂમ જવાનો વિકલ્પ હોતો નથી, કારણ કે પરીક્ષા ખંડમાં ઝડપથી ફરી પ્રવેશવું મુશ્કેલ હોય છે. હવાંગ જણાવે છે કે અસંખ્ય મોક ટેસ્ટ્સ અને 20 મિનિટના વિરામ પછી કુદરતી હાજતને કેવી રીતે નિયંત્રિત કરવી એ તેણે શીખી લીધું છે.

20 વર્ષની કંગ જુન-હી વધુ એકવાર સુનંગ ટેસ્ટ આપી રહ્યો છે. આ વર્ષે તેણે પોતાની જાતને સુનંગ માટે સમર્પિત કરી દીધી છે. સેકન્ડ ટાઇમર તરીકે કંગ જુન-હી તેની દિનચર્ચા વધારે શિસ્તબદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે.

કંગ જુન-હી કબૂલે છે, “ગયા વખતે ટેસ્ટ આપી ત્યારે મારી દિનચર્ચા હોવી જોઈએ તેવી ન હતી.”

તેના જણાવ્યા મુજબ, એ હવે સુનંગ દિનચર્ચા માટે “સંપૂર્ણપણે પ્રતિબદ્ધ” છે. તેમાં દરરોજ સવારે સાડા છ વાગ્યે જાગીને મુખ્ય વિષયોની મોક ટેસ્ટ્સનો સમાવેશ થાય છે. “તે સુનંગના વાસ્તવિક શેડ્યુલની જેમ જ બનાવવામાં આવી છે.”

કંગ જુન-હી ગયા વર્ષની સુનંગના પોતાના પરિણામથી ખુશ ન હતો અને તેના મિત્રવર્તુળમાં એકમાત્ર એવી વ્યક્તિ છે, જે આ વર્ષે ફરીથી સુનંગ આપી રહી છે. તેના જણાવ્યા મુજબ, એકલા પડી જવું મુશ્કેલ છે, કારણ કે તેના દોસ્તો પહેલાથી જ યુનિવર્સિટી જીવનનો આનંદ માણી રહ્યા છે. તેમ છતાં કંગ જુન-હી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા કટિબદ્ધ છે.

એ કહે છે, “પોતાનાં લક્ષ્યોને કેવી રીતે હાંસલ કરવા તે સુનંગ માટેની તૈયારીમાંથી શીખવા મળે છે.”

મોક ટેસ્ટ્સ પરીક્ષાર્થીઓને મદદરૂપ

સુનંગ, દક્ષિણ કોરિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, કાંગનું કહેવું છે કે આ પરીક્ષા દક્ષિણ કોરિયાના યુવાનોનું જીવન બદલી શકે છે

સુનંગના પરીક્ષાર્થીઓ માટે મોક ટેસ્ટ્સ અત્યંત મહત્ત્વની હોય છે. દર વર્ષે ત્રણ મોક ટેસ્ટ્સ યોજાય છે અને વિદ્યાર્થીઓ ખાનગી ઍકેડમી દ્વારા લેવામાં આવતી વધારાની મોક ટેસ્ટ્સ પણ આપી શકે છે.

યુ-જંગ કાંગના કહેવા મુજબ, આ રીતે સુનંગના રૂટિનમાં ગોઠવાઈ જવાથી બહુ મદદ મળે છે.

યુ-જંગ કાંગ કહે છે, “શરૂઆતમાં હું લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રીત કરી શકતી નહોતી, પરંતુ સારી રીતે ધ્યાન કેવી રીતે કેન્દ્રીત કરવું તે મેં થોડી મોક ટેસ્ટ્સ પછી શીખી લીધું છે.” યુ-જંગ કાંગ તેની જાતને સતત કહેતી રહે છેઃ જરાય નર્વસ થવાનું નથી.

સોલના ગંગનમની એક ‘ક્રેમ સ્કૂલ’માં કાંગ અભ્યાસ કરે છે. આ ક્રેમ સ્કૂલ દક્ષિણ કોરિયામાં લોકપ્રિય છે અને યુવાઓને સુનંગ માટેની તૈયારીમાં મદદ કરે છે.

આજુબાજુના કેફેની બારીઓમાં ગૂડ લકનાં ચિહ્નો જોવા મળે છે અને તે છેલ્લી મિનિટનું રિવિઝન કરતાં વિદ્યાર્થીઓથી ભરેલા છે.

કોરિયામાંના અનેક લોકોની માફક હોમસ્કૂલર યુ-જંગ કાંગ પણ સુનંગની તૈયારી માટે પ્રતિબદ્ધ છે. તે માને છે કે “તમારા ભવિષ્યને સુનિશ્ચિત કરવાનો એકમાત્ર માર્ગ શિક્ષણ છે.”

પરીક્ષાના પરિણામ પર ઘણી બધી બાબતોનો આધાર હોય છે. તેનાથી તમારો સામાજિક દરજ્જો અને લોકોનો તમારા પ્રત્યેનો દૃષ્ટિકોણ નક્કી થાય છે. તે રોમેન્ટિક સંબંધમાં પણ એક મહત્ત્વનું પરિબળ હોય છે. તમે યોગ્ય પાર્ટનર છો કે નહીં તે આ પરિણામ નક્કી કરે છે.

સુનંગ, દક્ષિણ કોરિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે જરૂરી સ્ટેમિના, મોમેન્ટમ અને સ્વયં પર નિયંત્રણ વિશે સમજાવે છે

સુનંગમાં પાંચ ફરજિયાત વિષયો – કોરિયન, ગણિત, અંગ્રેજી, કોરિયન ઇતિહાસ અને સોશિયલ સ્ટડીઝ અથવા વિજ્ઞાન સમાવિષ્ટ હોય છે. ફ્રેન્ચ, ચાઇનીઝ, જાપાનીઝ, રશિયન અથવા અરબી ભાષાની વધારાની વૈકલ્પિક લૅંગ્વેજ ઍક્ઝામ્સ આપી શકાય છે.

હાઇસ્કૂલના જુનિયર તરીકે સોંગ-વોન લી પણ આ વર્ષે સુનંગ ટેસ્ટ આપી રહ્યો છે. તે સ્ટેમિના, ગતિ જાળવી રાખવાના અને આત્મવિશ્વાસના મહત્ત્વ પર ભાર મૂકે છે.

એ કહે છે, “મારું સૂચન છે કે કોરિયન મોક ટેસ્ટ્સ વહેલી સવારે લેવી જોઈએ.” તે પરીક્ષા શરૂ થવાના ચોક્કસ સમયથી શરૂઆત કરે છે, કારણ કે સારી શરૂઆત મહત્ત્વની છે એવું તે માને છે.

સોંગ-વોન લી કહે છે, “પહેલી જ ટેસ્ટમાં ગડબડ કરી છે એવું તમને લાગે તો તેની અસર એ પછીની ટેસ્ટ્સમાં થવાની મોટી શક્યતા છે.”

ભોજન લીધા પછી પણ ફોક્સ જાળવી રાખવા પર તે ભાર મૂકે છે.

“બપોરના ભોજન પછી અંગ્રેજીની પરીક્ષા આપવાની હોય છે. તેમાં લિસનિંગ સૅક્શનનો સમાવેશ થાય છે. તેથી તમને ઊંઘ ન આવી જાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.”

19 વર્ષની વયના લોકો માટે જીવનમાં પરિવર્તનનો દિવસ

સુનંગ, દક્ષિણ કોરિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ક્રેમ શાળાના શિક્ષક રોહ

ક્રેમ સ્કૂલના વિદ્યાર્થી જોંગ-હો રોહ વિદ્યાર્થીઓનાં વિવિધ જૂથો સાથે કામ કરે છે. તેમાં ફરીથી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓથી માંડીને અત્યંત સ્પર્ધાત્મક હોય તેવા વિદ્યાર્થીઓ અને અભ્યાસ માટે ગ્રામ્ય વિસ્તારમાંથી સોલ આવેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

રોહ સમજાવે છે, “પરીક્ષાર્થી માટે તેનું આત્મસન્માન સૌથી મહત્ત્વનું છે. પરીક્ષાના દિવસે તેમણે તેમની જાતમાં અને તેમણે આપેલા જવાબોમાં ભરોસો રાખવો જરૂરી છે. પરીક્ષા ખંડમાં ગયા પછી કોઈ તેમની મદદ કરી શકતું નથી.”

સુનંગ ટેસ્ટ્સ સુધી દિનચર્ચા જાળવી રાખવાની જરૂરિયાત પર રોહ પણ ભાર મૂકે છે અને પરીક્ષા શરૂ થવાના સવારના 8.40ના સમયને દિવસનો સૌથી અસરકારક સમય બનાવવા પ્રોત્સાહિત કરે છે.

સુનંગ ટેસ્ટ આપતા પરીક્ષાર્થીઓને સમગ્ર દેશનો ટેકો હોય છે. પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે એટલા માટે પોલીસ અધિકારીઓ, અગ્નિશામકો અને ઍમ્બુલન્સ વહેલી સવારથી જ તૈયાર હોય છે.

પરીક્ષાના દિવસે ટ્રાફિક હળવો કરવા માટે કોરિયામાં ઘણી કંપનીઓ કામદારોને મોડેથી કામ પર આવવાની સલાહ આપે છે. શેરબજાર પણ મોડાં ખુલે છે.

સુનંગ, દક્ષિણ કોરિયા, પરીક્ષા, વિદ્યાર્થીઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પરીક્ષાકેન્દ્રની બહાર પરીક્ષા આપતા સીનીયર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી રહેલા જુનિયર્સ

વિદ્યાર્થીઓ ઇંગ્લિશ લિસનિંગ ટેસ્ટ આપવાના હોય ત્યારે 35 મિનિટ સુધી આકાશમાં વિમાનો ઊડતાં નથી.

કેટલીક શાળાઓ બંધ રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ ટેસ્ટ સેન્ટર્સ તરીકે કરવામાં આવે છે, જ્યારે નાની વયના અન્ય વિદ્યાર્થીઓ તેમના સીનિયર્સને ડ્રમબિટ્સ અને સૂત્રોચ્ચાર વડે પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો બહાર રાહ જુએ છે.

આઠ કલાક લાંબી, કઠીન પરીક્ષા દરમિયાન પોતાની ઊર્જા જાળવી રાખવા બાબતે ચિંતિત પરીક્ષાર્થીઓને શિક્ષક રોહ કેટલીક અંતિમ સલાહ આપે છે.

તેઓ સૂચવે છે, “હું કાયમ કહું છું ઘરની બહાર નીકળો અને ચાલવા જાઓ.”

“પરીક્ષા કેન્દ્રમાં પોતાની જગ્યા પર બેઠા પછી પોતે શું શીખ્યા છે તેની સમીક્ષા કરવી મહત્ત્વપૂર્ણ છે, એવું પરીક્ષાર્થીઓને લાગે છે, પરંતુ હું કહીશ કે થોડું ચાલો. પરીક્ષા કેન્દ્રમાં થોડું ચાલવામાં કશું ખોટું નથી. તેનાથી તમને જાગૃત રહેશો.”

“ખાસ કરીને લંચ પછી અંગ્રેજીની પરીક્ષા વેળાએ તમને ઊંઘ આવતી હોવાનો અનુભવ થઈ શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.