એક વર્ષ પહેલાં જ કૅગે કહ્યું હતું કે ગુજરાતમાં PMJAY યોજનામાં હૉસ્પિટલોમાં કેવી ગેરરીતિઓ થાય છે

- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના લોકોની ખોટી રીતે પ્રધાન મંત્ર જન આરોગ્ય યોજના (પીએમજેએવાય - PMJAY) હેઠળ ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી જે દરમિયાન બે લોકોનાં મૃત્યુ થયાં.
સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જે દર્દીઓને હૃદયની ધમનીઓમાં સ્ટેન્ટ મૂકવાની જરૂર નહોતી તેમને પણ સ્ટેન્ટ મૂકીને ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમનું મૃત્યુ થયું.
ભારત સરકાર દ્વારા જરૂરિયાત ધરાવતા દર્દીઓને હૃદય, કિડની, કૅન્સર અને મોટો સારવાર ખર્ચ ધરાવતી અન્ય બીમારી ધરાવતા લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે મળી શકે તે માટે શરૂ કરેલી PMJAY યોજના શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે ખાનગી હૉસ્પિટલો દ્વારા કેવી રીતે PMJAY યોજનાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેની ચર્ચા થઈ રહી છે.
જોકે, PMJAY યોજનામાં હૉસ્પિટલો દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની વાત નવી નથી. ભારત સરકારના તમામ વિભાગોના ખર્ચનું ઑડિટ કરતી સ્વાયત્ત સંસ્થા કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ જેને ટૂંકમાં સીએજી (CAG) અથવા કૅગ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કૅગના વર્ષ 2023માં રજૂ કરવામાં આવેલા ઑડિટ રિપોર્ટમાં PMJAY યોજનામાં સામે આવેલી વિવિધ ગેરરીતિ બાબતે ટિપ્પણી કરવામાં આવી છે.

ખ્યાતિ હૉસ્પિટલને કયા કારણે PMJAY ની યોજનામાં બ્લૅકલિસ્ટ કરવામાં આવી?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
ખ્યાતિ હૉસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટીની જરૂર ન ધરાવતા અને આંખમાં તકલીફ, પગના અને કમરના દુખાવા ધરાવતા દર્દીઓની પણ બિનજરૂરી રીતે હૃદયની સારવાર કરવામાં આવી હોવાનું સરકારના ધ્યાને આવ્યું છે.
આ મામલાની તપાસ માટે સરકારે રચેલી નિષ્ણાતોની કમિટીને પ્રારંભિક તપાસમાં હૉસ્પિટલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું જણાઈ આવતા ખ્યાતિ હૉસ્પિટલને PMJAYની ગાઇડલાઇન અનુસાર કાયમ માટે બ્લૅકલિસ્ટ કરવામાં આવી છે. તેમજ સરકારે હૉસ્પિટલના માલિક તેમજ ઍમ્પેનલ્ડ ડૉક્ટરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે PMJAY અંર્તગત આરોગ્ય વિભાગ દ્વારા ઍન્ટિ ફ્રૉડ યુનિટની રચના કરવામાં આવી છે.
આ યુનિટે એક વર્ષમાં રાજ્યની 95 હૉસ્પિટલમાં મુલાકાત લીધી હતી. જેમાં ગેરરીતિ બદલ PMJAY સાથે જોડાયેલી પાંચ હૉસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
હૉસ્પિટલો કેવી કેવી ગેરરીતિ આચરે છે? કૅગના રિપોર્ટમાં શું ટિપ્પણી છે

ઇમેજ સ્રોત, Getty Images
કૅગના ઑડિટ રિપોર્ટમાં PMJAY યોજનામાં જણાવેલી પ્રક્રિયાઓનું હૉસ્પિટલો દ્વારા યોગ્ય પાલન ન કરવામાં આવતું હોવાની વિવિધ બાબતો વિશે ટિપ્પણી કરવામાં આવી છે.
કૅગ ઑડિટ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગ અલગ 50 હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે હૉસ્પિટલોએ ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.
ઑડિટ રિપોર્ટ પ્રમાણે આ 50 હૉસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2,552 હતી. જેની સામે અલગઅલગ તારીખોમાં 5,217 દરદીઓ સારવાર લઈ રહ્યા હતા.
કૅગે આ મામલે નૅશનલ હૅલ્થ ઑથૉરિટી(NHA)ને જણાવતા ઑથૉરિટીએ એમ જણાવ્યું હતું કે, આ સંખ્યા વધુ હોવા પાછળનું કારણ એક જ દિવસમાં થઈ જતી સારવાર (ડે કૅર) જેવી કે આંખના મોતિયા, ડાયાલિસીસ જેવી બીમારીઓ કે જેમાં હૉસ્પિટલમાં દાખલ થવું પડતું નથી તે હોઈ શકે છે.
જોકે કૅગને મળેલા ડેટાથી જાણવા મળ્યું કે દિવસ દરમિયાન ડે કૅર પ્રોસિજરના કેસો સિવાય પણ 224 કેસોમાં હૉસ્પિટલોમાં તેમની બેડ ક્ષમતા કરતાં વધારે દર્દીઓ હતા.

PMJAY ઍમ્પેનલ્ડ હૉસ્પિટલમાં પેરામેડિકલ અને સપૉર્ટ સ્ટાફ તથા સુવિધાઓનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૉસ્પિટલ ઍમ્પેનલ્ડ ઍન્ડ મૅનેજમેન્ટ (HEM)ની ગાઇડલાઇન અનુસાર PMJAY માં જોડાયેલી હૉસ્પિટલમાં ફાર્મસી, બ્લડ બૅન્ક, લૅબોરેટરી, ડાયાલિસીસ સેન્ટર, પોસ્ટ ઑપરેશન આઈસીયુ કૅર જેવી જરૂરી સપૉર્ટ સિસ્ટમની હંમેશાં પર્યાપ્ત વ્યવસ્થા હોવી જોઈએ.
આ ગાઇડલાઇનનું ગુજરાત હૉસ્પિટલોમાં પૂરતું પાલન ન થતું હોવાનું કૅગે રિપોર્ટમાં નોધ્યું છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાત, મધ્યપ્રદેશ, જમ્મુ કાશ્મિર સહિતનાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નિયમ મુજબ જરૂરી પેરામેડિકલ અને સપૉર્ટ સ્ટાફની સુવિધાઓ જોવા નહોતી મળી.
જેમાં ઑપરેશન થિયેટર, આઈસીયુ કૅર વિથ વૅન્ટિલેટર, ફાર્મસી જેવી જરૂરી વ્યવસ્થાઓ અને ચોવીસેય કલાક ઉપલબ્ધ હોય તેવી ઍમ્બુલન્સ સર્વિસનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં જિલ્લાની સરકારી હૉસ્પિટલ અને સિવિલ ઍમ્પેનલ્ડ હેલ્થકૅર પ્રૉવાઇડર્સ (EHPs)માં આવી માળખાકિય સુવિધાઓની અછત હતી.
સરકારી હૉસ્પિટલમાં જે સ્પેશિયાલિટી બીમારીની સારવારની સુવિધા જ ન હોય તે હૉસ્પિટલ પણ તે બીમારીની સારવાર માટે ઍમ્પેનલ્ડ હતી.
ઍમ્પેનલ્ડ હૉસ્પિટલ જે સ્પેશિયાલિટીની ટ્રીટમેન્ટ માટે ઍમ્પેનલ્ડ ના હોય તેવી સારવાર કરવામાં આવી હોવાનું કૅગના ઑડીટમાં ધ્યાનમાં આવ્યું હતું. કૅગે નોંધ્યુ છે કે હૉસ્પિટલ ભલે મલ્ટિ-સ્પેશિયાલિટી હોય પરંતુ તે હૉસ્પિટલને PMJAY અંર્તગત જે સ્પેશિયાલિટી માટે ઍમ્પેનલ્ડ કરવામાં આવી હોય તે જ સારવાર કરવાની હોય છે.
ઑડિટ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 26માંથી 20 EHCPsમાં નૉન ઍમ્પનલ્ડ સ્પેશિયાલિટી સારવાર કરવામાં આવી હતી. જેનો 38.38 કરોડ રૂપિયા ખર્ચ થયો હતો.
હૉસ્પિટલને જે ટ્રીટમેન્ટની મંજૂરી ન હોય તેવી ટ્રીટમેન્ટ કરાઈ

ઇમેજ સ્રોત, Getty Images
PMJAY અંર્તગત દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયાનું વીમા કવર મળે છે. જેમાં સેકન્ડરી અને ટર્સરી કૅર હૉસ્પિટલાઇઝેશન જરૂરી છે. આઉટ કૅર ટ્રીટમેન્ટ આ સ્કીમમાં સમાવેશ થાય નહીં.
ઑડિટ રિપોર્ટમાં જોવા મળ્યુ કે એક જ દર્દી એક જ સમયે અલગ-અલગ હૉસ્પિટલમાં દાખલ થયેલ હોય. ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ અને પંજાબમાં આ પ્રકારના સૌથી વધુ ક્લેઇમ પાસ થયા છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં 302 હૉસ્પિટલમાં કુલ 21,514 કેસ હતા. આ પ્રકારનો ક્લેઇમ સફળતાપૂર્વક પાસ થવું એ SHA ની ચકાસણી સમયે થયેલી ચૂક દર્શાવે છે.
આ મામલે નૅશનલ હેલ્થ ઑથૉરિટીએ કૅગને ખુલાસો આપ્યો હતો કે નવાં જન્મેલાં બાળકોના જન્મ અને તારીખ અંગે કૉમ્પ્યુટરમાં ડેટા સંકલન ન થવાને કારણે વિગતોમાં વિસંગતતા જોવા મળી રહી છે.
આવા કેસમાં બાળક એક હૉસ્પિટલમાં જન્મ્યું હોય. તેની માતા તે હૉસ્પિટલમાં હોય, પરંતુ તે બાળકને નીઓનૅટલ ટ્રીટમેન્ટ (તાજા જન્મેલા બાળકની સારવાર) માટે માતાના ઓળખ નંબરથી અલગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જેથી એક જ સમયે એક જ દર્દીના એક કરતાં વધુ હૉસ્પિટલમાં હૉસ્પિટલાઇઝેશન જોવા મળ્યા હોઈ શકે.
PMJAY હેઠળ ટ્રીટમેન્ટ દરમિયાન મૃત્યુ પામનારના રૅકોર્ડ નથી

ઇમેજ સ્રોત, Getty Images
PMJAY અંર્તગત સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થાય તો દરેક EHCPs તે દર્દીના કલેઇમની સાથે મૉર્ટાલિટી રિપોર્ટ પણ આપવાનો હોય છે.
સ્ટેટ મૉર્ટાલિટી અને મૉર્બિડિટી કમિટી દ્વારા મૃત્યુ પામનાર દર્દીઓના કેસનું ઑડિટ કરવામાં આવે છે. આ કમિટીને રીપોર્ટના નિરીક્ષણ દરમિયાન કોઈ બેદરકારી જણાય તો કમિટી હૉસ્પિટલ સામે જરૂરી પગલાં લઈ શકે છે. તેમજ જ્યાં સુધી સંતોષકારક જવાબ ન મળે ત્યાં સુધી હૉસ્પિટલે ચુકવણી માટે કરેલા ક્લેઇમની રકમ રોકી શકે છે.
કૅગના રિપોર્ટ અનુસાર ગુજરાત રાજ્યમાં 1547 મૃત્યુના કેસોનો મૉર્ટાલિટી રિપોર્ટનો રૅકૉર્ડ જ સ્ટેટ હેલ્થ ઑથૉરિટી (એસએચએ) પાસે નથી. દર્દીઓનાં મૃત્યુના કેટલા કિસ્સામાં મૉર્ટાલિટી અને મૉર્બિડિટીની કમિટી દ્વારા સમીક્ષા કરવામાં આવી, તે માહિતી પણ એસએચએ પાસે નથી.
કૅગના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા 128 કેસમાં અત્યાર સુધીમાં હૉસ્પિટલ દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી. જેનો 40.03 લાખ રૂપિયાના ક્લેઇમની ચુકવણી હજી બાકી છે.
એક જ દર્દી એક સમયે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
PMJAY અંર્તગત ઍન્ટી ફ્રોડ ગાઇડ પ્રમાણે ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર અને ઑપરેશનલ ગાઇડલાઇન બનાવવા માટે SHA જવાબદાર છે. આ ઍન્ટી ફ્રોડ સેલ ગેરરીતિઓ રોકવા માટે ઍમ્પેનલ્ડ હૉસ્પિટલોમાં સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરે ગેરરીતિ બદલ દંડ કરે છે અને જરૂર જણાય તો હૉસ્પિટલને ડીબાર (સસ્પેન્ડ) પણ કરે છે.
NHA જણાવે છે કે 13 રાજ્યોની 184 હૉસ્પિટલમાં 17.28 કરોડની પેનલ્ટી કરવામાં આવી હતી. આ હૉસ્પિટલોમાં ગુજરાત રાજ્યની હૉસ્પિટલ હોવાનું રીપોર્ટમાં ઉલ્લેખ છે.
ગુજરાત રાજ્યની હૉસ્પિટલોને 72.84 લાખથી રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. તેમાંથી માત્ર 8.33 લાખ રૂપિયાનો દંડ જ વસૂલ કરી શકાયો છે. જ્યારે 64.50 લાખ રૂપિયાનો દંડ હજી પણ વસૂલવાનો બાકી છે.
ગુજરાત, છત્તીસગઢ સહિતના 9 રાજ્યોમાં એસએચએ સ્ટાફની સંખ્યામાં 15 થી 50 ટકા સુધીની અછત જોવા મળી હતી. એનએચએ એ આ વાતને સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે રાજ્યો હ્યુમન રીસોર્સ સ્ટાફ અને ટૅક્નિકલ સ્ટાફ વધારવા માટે પ્રયત્ન કરે છે.
ગુજરાતના એસએચએમાં 80 લોકોની જરૂર છે, તેની સામે 41 લોકોનો સ્ટાફ છે અને 39 લોકોની જગ્યા ખાલી છે. એનએચએ દ્વારા 4 એજન્સી ઍમ્પેનલ્ડ કરવામાં આવી છે જ્યાંથી રાજ્યો સ્ટાફ મેળવી શકે છે.
PMJAYની જાગૃતિ ફેલાવવા માટે ઇન્ફર્મેશન, ઍજ્યુકેશન, કૉમ્યુનિકેશન અને સેલની રચના કરવાની હોય છે. ગુજરાત સહિત સાત રાજ્યોમાં આ સેલની રચના કરવામાં આવી નથી.
ગુજરાત રાજ્યમાં દર્દીઓને ટ્રાન્સ્પૉર્ટેશન ખર્ચ દર્દી દીઠ 300 રૂપિયા આપવામાં આવે છે. તેની નોંધ કરવામાં આવી હતી.
સરકારે કયા પગલાં લેવાની જાહેરાત કરી?

ઇમેજ સ્રોત, Getty Images
ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ કૉંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કૅગના રિપોર્ટમાં PMJAY અર્તગત થયેલી ગેરરીતિઓ અંગે ટિપ્પણી કરતાં કહ્યું, ‘‘આ યોજના અંતર્ગત દર્દી કે તેનાં સગાંને તો ક્યારેય ખબર પડતી જ નથી કે ખરેખર સરકારે તેમના માટે કુલ કેટલી રકમ જે-તે હૉસ્પિટલને ચૂકવી છે.’’
‘‘હું માનું છું કે એક તરફ જો આખી પ્રક્રિયા ઑનલાઇન હોય અને તેમ છતાંય આ પ્રકારની ગેરરીતિ સામે આવી હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે આ આખી પ્રક્રિયામાં સરકારી તંત્ર, જે દર્દીની સારવારને માન્યતા આપે છે, તે લોકો પણ આમાં ક્યાંક સામેલ હોઈ શકે.’’
જોકે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ખ્યાતિ હૉસ્પિટલની ઘટના બાદ સરકારે PMJAYના અસરકારક અમલીકરણ અને આ પ્રકારની ઘટનાઓ ટાળી શકાય તેને ધ્યાનમાં રાખીને સરકારે કરેલા નિર્ણયોની માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજના અંર્તગત પાંચ ઇમર્જન્સી સર્જરીના વ્યવસ્થાગત સુદ્રઢીકરણ માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે.
- પ્રાથમિક તબક્કે કાર્ડિયોવાસ્યુકર સર્જરી સંદર્ભે PMJAY ઍમ્પેનલ્ડ હૉસ્પિટલમાં કાર્ડિયોલૉજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી સ્પેશિયાલિટી બન્ને હોય તો જ કાર્ડિયોલૉજી પૅકેજ માટે માન્યતા (સિવાય કે હાર્ટ ઍટેકના કિસ્સામાં પ્રાઇમરી ઍન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર હોય) આપવામાં આવશે.
- કાર્ડિયોલૉજી સ્પેશિયાલિટી અંતર્ગત ડૉકટરે કામગીરી કરવા માટે ફૂલટાઇમ કાર્ડિયોલૉજિસ્ટ હોવું જરૂરી છે અને ડૉક્ટર પાસે સુપર સ્પેશિયાલિટી કોર્સના ડીએમ /એમસીએચના અભ્યાસ બાદ બે વર્ષનો અનુભવ ફરજિયાત રહેશે.
- કાર્ડિયોલૉજી પૅકેજ માટે કૅથલૅબ ઉપરાંત કાર્ડિયાક ઑપરેશન થિયેટર ફરજિયાત રહેશે.
- વિઝિટિંગ કાર્ડિયોલૉજિસ્ટ અથવા વિઝિટિંગ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જનની સેવાઓ લેતી હૉસ્પિટલોને PMJAY અંતર્ગત માન્યતા મળશે નહીં.
- આ ઉપરાંત ક્લિનિકલ ઍસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ હેઠળ ચોક્કસ પ્રોસિજર માટે સુમાહિતગાર સંમતિની અંગેની ચોક્કસ જોગવાઈઓ દાખલ કરવામાં આવશે.
આ એસઓપી સંદર્ભની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કરવામાં આવશે. આ ઉપરાંત ઇમર્જન્સી સારવાર માટેની પણ એસઓપી તૈયાર કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












