મહેસાણા: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં કથિત સારવારમાં મૃત્યુ પામનારા લોકોના બોરીસણા ગામમાં કેવો છે માહોલ?

અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ
ઇમેજ કૅપ્શન, અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં હાર્ટ ઑપરેશન બાદ બે દર્દીનાં કથિત મોત થતાં વિવાદ થયો છે
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદથી નજીક આવેલા કલોલ પાસેના બોરીસણા ગામની ગલીઓ 12 નવેમ્બરે સુમસામ ભાસતી હતી. અહીં લોકો ગ્રામ પંચાયત અને બારોટવાસની પાસે બેસેલા જોવા મળ્યા હતા. બોરીસણામાં પ્રસરેલા આ સન્નાટાનું મૂળ અમદાવાદસ્થિત ખ્યાતિ મલ્ટિ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં છે.

બોરીસણામાં મેડિકલ કૅમ્પનું આયોજન કર્યા બાદ ગામની 19 વ્યક્તિઓને બસમાં ભરીને અમદાવાદમાં એસજી હાઈવે પર બોડકદેવ વિસ્તારમાં આવેલી ખ્યાતિ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યાં આયુષ્માન ભારત અથવા પીએમ જેએવાય (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ હૃદયમાં સ્ટૅન્ટ મૂકવા માટેની ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવ્યા બાદ બે વ્યક્તિનાં કથિત રીતે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયાં.

ગામલોકો અને મૃતકોનાં સ્વજનોએ આ ઘટના બાદ હૉસ્પિટલમાં તોડફોડ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસ અને રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે ફરિયાદ અને તપાસના આદેશ આપ્યા છે.

જોકે બોરીસણા ગામના મોટાભાગના લોકો અનુક્રમે 42 વર્ષના મહેશ બારોટ અને 75 વર્ષના નાગજી સેનમાની બે વ્યક્તિઓનાં મોતની જાણ થતાં પોસ્ટમૉર્ટમ પછી એમના મૃતદેહ ગામમાં લાવવા નીકળી ગયા હતા. બોરીસણા ગામની બજાર લગભગ બંધ હતી.

વૉટ્સઍપ

આ ગામમાં કેમ માતમ ફેલાયો છે?

ઘટના બાદથી બોરીસણા ગામમાં શોકનો માહોલ છે

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ઘટના બાદથી બોરીસણા ગામમાં શોકનો માહોલ છે

દેવદિવાળી સારી રીતે ઊજવવામાટે તૈયારી કરી રહેલા બોરીસણા ગામના લોકોનું ગામના મહાદેવના મંદિરમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા આયોજિત મેડિકલ કૅમ્પમાં ચૅકઅપ થયું.

કૅમ્પમાં જેમની પાસે આયુષ્માન કાર્ડ હતું, એવા 19 લોકોને મફત સારવાર કરાવવા અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

દિવાળી પછી અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ તરફથી મેડિકલ સ્ટાફ આવ્યો હતો અને ગામની ભાગોળમાં આવેલા મંદિરમાં રવિવારે કૅમ્પ યોજવા માંગતા હતા.

બોરીસણા ગ્રામ પંચાયતના સભ્ય અમૃત ઠાકોરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “આ ખ્યાતિ હૉસ્પિટલે અહીંના આરોગ્ય અધિકારીની મંજૂરી લીધા વિના જ મેડિકલ કૅમ્પ યોજ્યો હતો. હૉસ્પિટલના સ્ટાફે ગામના લોકોને કહ્યું કે, મોટી ઉંમરના લોકોને હાડકાંના દુ:ખાવા, મણકાના દુ:ખાવાની તકલીફ હોય એમનું વિના મૂલ્યે મેડિકલ ચેકઅપ થશે. રવિવારે ગામના 45 લોકોનું મહાદેવના મંદિરમાં ચેકઅપ થયું હતું.”

તેમણે વધુમાં કહ્યું, “હૉસ્પિટલના સ્ટાફે જેને આંખની તકલીફ હોય કે ઢીંચણના દુ:ખાવાની તકલીફ હોય બધાનો પણ કાર્ડિયોગ્રામ લઈ લીધો હતો. પણ ચેકઅપ પછી દવાઓ જે પ્રિસ્ક્રિપ્શનમાં દવાઓ લખી આપી એમાં ક્યાંય ખ્યાતિ હૉસ્પિટલનું લેટરપેડ નથી કે હૉસ્પિટલના નામનો ઉલ્લેખ સુધ્ધાં નથી.”

ગામમાં યોજાયેલા આ મેડિકલ કૅમ્પમાં ચેકઅપ કરાવનારા પરંતુ વધુ સારવાર માટે અમદાવાદ નહીં ગયેલા શકરાભાઈ પટેલ સાથે બીબીસીએ વાત કરી. શકરાભાઈ મંદિરની સામે પાન-બીડીની દુકાન ધરાવે છે. તેમના મેડિકલ ચેકઅપના કાગળ બીબીસી એ જોયા ત્યારે તેમાં એક ખૂણામાં નાના અક્ષરે ખ્યાતિ હૉસ્પિટલનું નામ જોવા મળે છે.

ગામમાં હેલ્થ કૅમ્પ વિશેની માહિતી આપતું બેનર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ગામમાં હેલ્થ કૅમ્પ વિશેની માહિતી આપતું બૅનર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શકરાભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “મને ઘણા વખતથી આંખોમાં બળતરા થવાની તકલીફ છે, 79 વર્ષે પણ મને વાંચવાના કે દૂરના ચશ્મા નથી. પણ મેડિકલ કૅમ્પ હતો એટલે હું ત્યાં આંખનું ચેકઅપ કરાવવા ગયો. ત્યાં મારી આંખો તપાસી અને બે ટીંપાં લખી આપ્યાં. ડૉક્ટર બહેને મને પૂછ્યું કે આયુષ્માનકાર્ડ છે. મેં હા પાડી તો મને એક રૂમમાં જઈને કાર્ડિયોગ્રામ કઢાવવાનું કહ્યું.“

તેમણે વધુમાં જણાવ્યું, “મેં તેમને કહ્યું મને આંખમાં બળતરા સિવાય કોઈ તકલીફ નથી, તો પણ મારો કાર્ડિયોગ્રામ કાઢ્યો અને કહ્યું કે કાલે હૉસ્પિટલની બસ આવશે એમાં આયુષ્માનકાર્ડ લઈને આવી જજો એટલે તમારી સારવાર મફતમાં મોટા ડૉક્ટર જોડે થઈ જશે. પણ મને થયું કે આંખોમાં બળે છે તો છાતીની સારવાર શું કામ કરાવવાની? એટલે હું અમદાવાદ ગયો જ નહીં.”

જોકે ડાયાબિટીસનાં દર્દી અને બોરીસણામાં રહેતાં કોકિલાબહેને મેડિકલ કૅમ્પમાં ચેકઅપ કરાવીને અમદાવાદ વધુ સારવાર માટે ગયાં હતાં.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “ગામમાં કૅમ્પ હતો, મને ડાયાબિટીસના કારણે પગમાં વધુ દુખતું હતું, હું મેડિકલ કૅમ્પમાં ગઈ, ત્યારે એમણે મને કહ્યુ કે અમારી હૉસ્પિટલમાં મોટા ડૉક્ટરો છે, એટલે સરકારી હૉસ્પિટલ કરતાં સારી સારવાર મળશે આયુષ્યમાન કાર્ડ હશે તો તમને રહેવા, ખાવા-પીવા અને આવવા-જવાની સુવિધા આપવામાં આવશે. બે દિવસમાં હૉસ્પિટલમાં સારવાર પતે એટલે ઘરે મોકલી આપીશું.”

આ સાંભળીને કોકિલાબહેને અમદાવાદ જવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું “એ લોકોની બસમાં અમને 17 જણાને અહીં લાવ્યા, મને એમ કે ઉંમર થઈ છે, ઘરનું કામ નથી થતું તો સારવાર કરાવી લઈએ તો દેવદિવાળી સુધીમાં સાજા થઈ ઘરે આવી જઈશું.”

ગામના રહીશ અમૃત ઠાકોર અનુસાર ખ્યાતિ હૉસ્પિટલનો સ્ટાફ દિવાળી પહેલાથી આસપાસનાં ગામોમાં મેડિકલ કૅમ્પ કરવા ફરતા હતા.

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, ગામના રહીશ અમૃત ઠાકોર અનુસાર ખ્યાતિ હૉસ્પિટલનો સ્ટાફ દિવાળી પહેલાથી જ આસપાસનાં ગામોમાં મેડિકલ કૅમ્પ કરવા ફરતો હતો

અમદાવાદ પહોંચ્યા પછી તેમની સાથે શું થયું તે વિશે વાત કરતાં કોકિલાબહેને કહ્યું, “અહીં હૉસ્પિટલમાં આવ્યા. લોહીના નમૂના લીધા અને છાતીમાં વાયર ભરાયા અને રિપોર્ટ કાઢ્યો. લીટા લીટા વાળો રિપોર્ટ (કાર્ડિયોગ્રામ) બતાવીને કહ્યું કે તમારા હૃદયના ધબકારા વધુ છે એટલે સારવાર કરવી પડશે એમ કહીને હાથમાં બધી મોટી સોયો ભરાવી અને દવા આપી. મને ઘભરામણ થવા લાગી હતી, પણ ડૉકટરે કોઈ દવા આપી નહોતી, ત્યાં તો રાતે ખબર પડી કે અમારા ગામના નાગજી સેનમાં, અને બારોટભાઈ ગુજરી ગયા.”

કોકિલાબહેનની સાથે જ ખ્યાતિ હૉસ્પિટલમાં આવેલા બોરીસણાનાં આનંદીબહેન પટેલને કમર, ઘૂંટણમાં અને ખભામાં દુ:ખાવાની ફરિયાદ હતી. પરંતુ તેમને જણાવવામાં આવ્યું કે તેમને હૃદયમાં કોઈ તકલીફને કારણે પૂરતું લોહી પહોંચતું નથી.

આનંદીબહેને કહ્યું, ”ઘડપણે હાડકાંના દુખાવા મટે એટલે બધાની જોડે હું પણ દવાખાને આવી, મને દુ:ખાવો હાડકાનો હતો અને જુદા જુદા રિપોર્ટ કાઢ્યા પછી કહ્યું કે હૃદયની તકલીફને કારણે લોહી પહોંચતું નથી એટલે આ દુખાવો થાય છે. એમ કહીને ઇન્જેક્શન આપી દીધા મને છાતીમાં શ્વાસ રૂંધાતો હોય એવું લાગ્યું અને ઊબકા આવતા હતા, પણ કોઈ દવા આપી નહીં. અમને પછી ખબર પડી કે અમારી સાથે આવેલા અમારા ગામના બે લોકો ગુજરી ગયા છે. ત્યારથી ડૉક્ટરો ગુમ થઈ ગયા છે.”

હૉસ્પિટલમાં સારવાર લેનારા કોઈ દર્દી પાસે એમને શું સારવાર અપાઈ અને શું દવા અપાઈ એની ફાઇલ જપ્ત કરી લેવામાં આવી છે. પરંતુ આ બંને દર્દીએ દેખાડેલાં બે કાર્ડમાંથી એક કાર્ડ 11 નવેમ્બરે 12:16 કલાકે બન્યું હતું, અને બીજું કાર્ડ 12:53 કલાકે બન્યું હતું, બંનેમાં લાભાર્થી તરીકે પીએમજેએવાય યોજના હેઠળ સારવાર થઈ રહી હોવાનો ઉલ્લેખ છે.

ગામ કેવું છે?

બે લોકોના મૃત્યુ થવાની ઘટનાને કારણે ગામમાં આક્રોશ છે

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, બે લોકોનાં મૃત્યુ થવાની ઘટનાને કારણે ગામમાં આક્રોશ છે

ગામના ભૂતપૂર્વ સરપંચ નાનુજી ઠાકોર અને પંચાયતના સભ્ય અમૃત ઠાકોર અમદાવાદ ખાનગી હૉસ્પિટલમાં મૃત્યુ પામેલાં લોકોના અંતિમ સંસ્કાર ગામમાં થાય તેની વ્યવસ્થા માટે અમદાવાદથી પરત પહોંચ્યા હતા.

અમૃત ઠાકોરે કહ્યું, “આ ખ્યાતિ હૉસ્પિટલના લોકો દિવાળી પહેલાથી અમારી આસપાસનાં ગામોમાં મેડિકલ કૅમ્પ કરવા ફરતા હતા, પણ એમને ખાતરી આપી નહતી. આ દિવાળીના સમયમાં ગામના મંદિરે બેઠેલા વડીલોને મેડિકલ કૅમ્પ કરવાનું કહ્યું એટલે અમે ગામના મંદિરમાં કૅમ્પ કરવાની મંજૂરી આપી હતી.”

”લગભગ 3100 લોકોની વસતી ધરાવતા આ ગામમાં લોકો મોટાભાગે ખેતી કરે છે. આ ઉપરાંત નજીકમાં આવેલા કડી અને ખાત્રજ કે કલોલની ફૅક્ટરીઓમાં કામ કરે છે, એટલે ગામ આર્થિક સધ્ધર નથી. એ સંજોગોમાં આ હૉસ્પિટલે વડીલોને ભોળવી મફત સારવારના નામે લઈ જઈને એમના પરિવારજનોની જાણ બહાર ઍન્જિયોપ્લાસ્ટી કરી દીધી એમાં બે લોકોનાં મોત થયાં છે.”

આ ગામના ભૂતપૂર્વ સરપંચ નાનુજી ઠાકોર બે લોકોનાં મૃત્યુ થવાની ઘટનાને કારણે ગામમાં આક્રોશ હોવાનું જણાવે છે.

તેમણે કહ્યું, “આ બે મોતને કારણે ગામમાં ભારે આક્રોશ છે, સોમવારે બે લોકોનાં અવસાન થયા ત્યારે માત્ર એમનાં સગાંને જાણ કરી હતી કે એમના સ્વજનોની હાલત ખરાબ છે. એટલે એ લોકો ત્યાં ગયા પણ ગામમાં જ્યારે 19 જણાને અમદાવાદમાં દાખલ કર્યાની આ વાતની ખબર પડી, એ લોકોનાં સગાં અને ગામના અન્ય લોકો પણ હૉસ્પિટલ પર પહોંચી ગયા હતા.”

તેમણે વધુમાં જણાવ્યું, “ત્યાં બીજા પાંચ લોકો આઈસીયુમાં હોવાની જાણ થતાં એમનાં સગાં ઉશ્કેરાઈ ગયાં હતાં. ડૉક્ટરે ઉડાઉ જવાબ આપતાં ઘર્ષણ થયું હતું. આ સમાચાર મળતાં અમે પરિસ્થિતિ વણસે નહીં એટલે અમદાવાદ જઈને સ્થિતિ કાબૂમાં લાવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયાં હતું. ગામમાં આ વર્ષે દેવદિવાળી નહીં ઉજવાય.”

શું કહે છે મૃતકના પરિવારજનો?

મુકેશભાઈના કાકા બળદેવભાઈ બારોટ

ઇમેજ સ્રોત, KETAN PATEL

ઇમેજ કૅપ્શન, મુકેશભાઈના કાકા બળદેવભાઈ બારોટ

બોરીસણા ગામના 42 વર્ષના મહેશ બારોટનું આ ઘટનામાં અવસાન થયું છે. ગામના બારોટવાસમાં આવેલા મુકેશભાઈના ઘરની બહાર એમના કાકા બળદેવભાઈ બારોટ પરિવારજનો સાથે બેઠા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું, “મહેશભાઈ ચાર કિલોમીટર સાઇકલ ચલાવીને પ્લાસ્ટિકની ફૅક્ટરીમાં કામ કરવા જતા હતા. તેમનાં માતાપિતા નાનપણમાં ગુજરી ગયા છે. અમે એને ગરીબીમાં મોટો કર્યો છે, એ ઘરેથી માત્ર મેડિકલ ચેકઅપ કરાવવા ગયો હતો અને એમાં એનું મોત થયું છે. અમારા આખાય બારોટવાસમાં એ લોકોનો પ્રિય હતો એટલે ગામના લોકોએ શોક પાળી દેવદિવાળી નહીં મનાવવાનું નક્કી કર્યું છે.”

અન્ય મૃતક નાગજીભાઈ સેનમાના પુત્ર ભરત સેનમા તેમના પિતાનો મૃતદેહ લેવા અમદાવાદમાં હતા ત્યારે તેમણે બીબીસીને જણાવ્યું, “મારા પિતા ખેતમજૂરી કરતા હતા, એમને કોઈ રોગ નહોતો. ઉંમરને કારણે ધીમે ધીમે કામ કરતા હતા પણ આ મેડિકલ કૅમ્પમાં કહ્યું કે 60 વર્ષ થયા છે તો બૉડી ચેકઅપ કરાવી લો એટલે અહીં આવ્યા. ગામડાંના લોકોને મફત સારવારનું કહો એટલે આવી જ જાય પણ ડૉક્ટરો આ પ્રધાનમંત્રીની યોજનામાં પાંચ લાખ રૂપિયામાંથી સારવાર કરવાનું કહીને વચ્ચેથી રૂપિયા લઈ લે છે.”

શું કહે છે પોલીસ, સરકાર અને મેડિકો લીગલ ઍક્સ્પર્ટ?

ગામના ભૂતપૂર્વ સરપંચ નાનુજી ઠાકોર
ઇમેજ કૅપ્શન, ગામના ભૂતપૂર્વ સરપંચ નાનુજી ઠાકોર

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ ઑફિસર ભાવિન સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમે ગામના લોકો પાસેથી ફરિયાદ લીધી છે અને હૉસ્પિટલના મૅનેજમેન્ટનો ટેલિફોનિક સંપર્ક કરી તમામ વિગતો મેળવી રહ્યા છીએ. દર્દીના સગાની સહમતી હતી કે કેમ? ઑપરેશનની કેટલી જરૂરિયાત હતી? કયા ડૉકટરે શું કાર્યવાહી કરી છે એના પ્રિસ્ક્રિપ્શન અને રિપોર્ટ ચકાસવામાં આવશે. આ ચકાસણી કરી એક રિપોર્ટ તાત્કાલિક તૈયાર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ”આ હૉસ્પિટલ 2021થી આયુષ્માન કાર્ડ અને મુખ્ય મંત્રી અમૃતમ(મા) કાર્ડ હેઠળ આવરી લેવાઈ હતી. સરકારી નિયમ મુજબ કેટલાં ઑપરેશનો થયાં છે, અને કયાં ધારાધોરણથી થયાં છે એ તમામ પાસાંને ચકાસવાં માટે આદેશ આપી દેવાયા છે.

આ કેસમાં હજુ ઑપરેશનના ક્લેમ રજૂ નથી થયા. તમામ કેસની સ્ક્રૂટિની કરવાના આદેશ આપી દીધા છે, અને એમના જેટલા ક્લેમ પેન્ડિંગ છે, અને ભૂતકાળનાં તમામ ઑપરેશનોના ક્લેમની સ્ક્રૂટિની કરવામાં આવી રહી છે. મેડિકલ ટીમ બંને મૃતકોનાં પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને સારવારની ચકાસણી કરી રહી છે. એ ઝડપથી આવી જશે એ આવતા જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.”

આરોગ્યમંત્રીએ સરકાર સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ્સ માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બનાવવામાં આવશે તેમ બુધવારે જણાવ્યું હતું.

મેડિકલ કૅમ્પ દરમિયાન દર્દીનું કેસ પેપર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, મેડિકલ કૅમ્પ દરમિયાન દર્દીનું કેસ પેપર

આ કેસની તપાસ કરી રહેલાં સૅક્ટર વનનાં ઇન્ચાર્જ ડીસીપી નીતા ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “હાલ અમે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, મેડિકલ ઍક્સ્પર્ટની ટીમની મદદ લેવાઈ રહી છે. પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ અને મેડિકલ ઍક્સ્પર્ટના રિપોર્ટ બાદ મેડિકલ બેદરકારીનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.”

મેડિકલ બેદરકારી અને સારવાર દરમિયાન ડૉક્ટરો દ્વારા થતી ભૂલો સંદર્ભના કાનૂની કેસો લડવા માટે પોતાની સ્પેશિયાલિટી મેડિકલ પ્રૅક્ટિસ છોડીને વકીલાત કરતાં મેડિકોલીગલ ઍક્સ્પર્ટ ડૉ. મુકેશ જોશીએ બીબીસી ગુજરાતીને કહ્યું, “સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે મેડિકલ નૅગ્લિજન્સનો ગુનો દાખલ કરતાં પહેલાં મેડિકલ કમિટીનો રિપોર્ટ જરૂરી છે. એ રિપોર્ટને આધારે જ તબીબી બેદરકારીમાં ક્રિમિનલ કેસ દાખલ થાય છે, અને ત્યારબાદ ચાર્જશીટ બને છે. આવા કિસ્સાઓમાં કાનૂની પ્રક્રિયા લાંબી હોવાથી દર્દીઓને ઝડપથી ન્યાય મળવાનું મુશ્કેલ બને છે.”

તેમણે વધુમાં કહ્યું “જોકે, સુપ્રીમ કોર્ટે મેડિકલ નૅગ્લિજન્સને ક્રિમિનલ ગુનો ગણવા માટે તાત્કાલિક કાયદો બનાવવા માટે સરકારને નિર્દેશ કર્યો કર્યો છે, પરંતુ હજી સુધી એનો અમલ થયો નથી એટલે આવા કેસમાં હાલની પ્રક્રિયામાં રહેલી છટકબારીનો ઉપયોગ કરવો ડૉક્ટરો માટે આસાન હોય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.