ગુજરાતમાંથી નામશેષ થવાને આરે આવેલા ઘોરાડ પક્ષીને રાજસ્થાનમાં કેવી રીતે નવજીવન મળ્યું?

ઇમેજ સ્રોત, Desert National Park
- લેેખક, ચેરિલાન મોલાન
- પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ
ગત મહિને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ પક્ષી (ઘોરાડ) અંગે એક બહુ સારા સમાચાર આવ્યા. આ પક્ષી ભારતમાં લુપ્ત થવાની અણી પર છે. રાજસ્થાનના વન્યજીવ અધિકારીઓએ કૃત્રિમ ગર્ભાધાન દ્વારા પહેલી વખત એક બચ્ચું પેદા કરવામાં સફળતા મેળવી છે.
જેસલમેર શહેરના બેમાંથી એક બ્રીડિંગ કેન્દ્રમાં એક એકલા નર પુખ્ત પક્ષીને સંવનન વગર શુક્રાણુ પેદા કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યું. તેના દ્વારા લગભગ 200 કિમી દૂર બીજા એક કેન્દ્રમાં એક પુખ્ત વયની માદાને ગર્ભવતી કરવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે આ બહુ મોટી સફળતા છે કારણ કે તેનાથી સ્પર્મ બૅન્ક બનાવવાની સંભાવના ખુલી ગઈ છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં રહેઠાણ ગુમાવવાના કારણે તથા ગેરકાયદે શિકાર અને ઓવરહેડ વીજળીની લાઇન સાથે ટકરાવાના કારણે ઘોરાડની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. 1960ના દાયકામાં તેની સંખ્યા 1000થી વધુ હતી, જે હવે ઘટીને 150ની આસપાસ રહી ગઈ છે.
તેમાંથી મોટા ભાગના જેસલમેરમાં જોવા મળે છે. તેથી સંરક્ષણ કાર્યકર્તાઓનું કહેવું છે કે શહેરમાં પક્ષીઓના આવાસનું રક્ષણ કરવું જોઈએ. પરંતુ આ જમીન રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન કરતી કંપનીઓ માટે મહત્ત્વની સંપત્તિ છે. તેના કારણે સત્તાવાળાઓ સામે પક્ષીના સંરક્ષણ અંગે એક પડકાર પેદા થયો છે.
એક સમયે આ પક્ષી 11 રાજ્યોમાં જોવા મળતું હતું

ઇમેજ સ્રોત, Radheshyam Pemani Bishnoi
સંરક્ષણ ઇકોલૉજિસ્ટ સુમિત ડૂકિયા લગભગ એક દાયકાથી આ પક્ષી પર સંશોધન કરે છે. તેઓ કહે છે કે, ભલે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર જેટલું જાણીતું ન હોય, પરંતુ તે એટલું જ પ્રભાવશાળી છે. આ વિશાળ પક્ષીનું વજન 15 કિલોથી લઈને 18 કિલો સુધી હોઈ શકે છે, અને ભારતમાં ઊડતા સૌથી મોટા પક્ષીઓમાં તે સામેલ છે.
એક સમયે દેશમાં તે બહુ મોટી સંખ્યામાં હતા અને ઓછાંમાં ઓછાં 11 રાજ્યોમાં મળી આવતાં હતાં. પરંતુ હવે તેની વસતી માત્ર રાજસ્થાન પૂરતી સીમિત છે. બહુ ઓછી સંખ્યામાં આ પક્ષી કર્ણાટક અને ગુજરાતમાં પણ જોવા મળે છે.
આ એક શરમાળ પક્ષી છે જે ઉંદર, સાપ અને બીજા જીવજંતુઓનો શિકાર કરીને ફૂડ ચેઈન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે રાજસ્થાનનું રાજ્ય પક્ષી પણ છે અને સ્થાનિક લોકો તેને 'ગોડાવણ' તરીકે ઓળખે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ હવે માનવીના હસ્તક્ષેપના કારણે આ પક્ષી માટે જોખમ પેદા થયું છે અને તે નામશેષ થવાના આરે છે.
ઘોરાડની આસપાસ જોવાની દૃષ્ટિ સારી છે, પરંતુ સામે જોવાની દૃષ્ટિ નબળી છે. તેના કારણે તેઓ ઊડતી વખતે વીજળીની લાઇનની બહુ નજીક પહોંચી જાય ત્યાં સુધી તેમને અંદાજ નથી આવતો. પોતાના મોટા કદના કારણે તેઓ અચાનક દિશા બદલી શકતાં નથી અને વીજળીના કેબલ સાથે ટકરાઈને મૃત્યુ પામે છે.
ડૂકિયાએ જણાવ્યું કે, "આ પક્ષી પોતાનો મોટા ભાગનો સમય જમીન પર વિતાવે છે, જેના કારણે તેની દૃષ્ટિ આ રીતે વિકસિત થઈ છે. તે પોતાના ઈંડાં જમીન પર મૂકે છે, તેનો કોઈ માળો હોતો નથી કે બીજું કોઈ રક્ષણ પણ નથી હોતું. માત્ર માતાની નજર સામે ઈંડું રહે છે. તેના કારણે કદાચ સાઈડમાં જોવાની દૃષ્ટિ સારી છે, પણ સામે જોવાની દૃષ્ટિ નબળી હોય છે."
'જીવનકાળમાં માત્ર 4થી 5 ઈંડાં આપે'

ઇમેજ સ્રોત, Desert National Park
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘોરાડની પ્રજનનપદ્ધતિ પણ અનોખી હોય છે. આ પક્ષી એક સમયે માત્ર એક ઈંડું આપે છે અને બે વર્ષ સુધી પોતાના બચ્ચાની માવજત કરે છે.
ડૂકિયા કહે છે કે, "લગભગ ચાર વર્ષની ઉંમરે બચ્ચું પરિપક્વ થાય છે અને 12થી 15 વર્ષ જીવે છે. તેથી તે પોતાના સમગ્ર જીવનમાં માત્ર ચારથી પાંચ ઈંડાં આપે છે. તેમાંથી તેનાં ઘણાં ઈંડાં શિકારીઓ દ્વારા નષ્ટ કરી દેવામાં આવે છે."
સંરક્ષણવાદીઓ કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં જેસલમેરમાં સોલર અને વિન્ડ પાવર ફાર્મના કારણે ઘોરાડના રહેઠાણની જગ્યા ખતમ થઈ ગઈ છે. તેના કારણે ઉડાણ વખતે દુર્ઘટનામાં વધારો થયો છે.
ડૂકિયા કહે છે કે "માનવીની વધતી હાજરીના કારણે ગંદકી વધતી થાય છે, તેનાથી રખડું કૂતરા આવે છે જે આ પક્ષીને મારી નાખે છે અથવા તેના ઈંડાં તોડી નાખે છે."
આ પક્ષીની વસતી વધે તે માટે રાજસ્થાન સરકારે 2018માં સેમ શહેરમાં એક સંરક્ષણ બ્રીડિંગ સેન્ટર ખોલવા માટે કેન્દ્ર સરકાર અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા સાથે સહયોગ કર્યો હતો.
જેસલમેરમાં ફૉરેસ્ટ ઑફિસર આશિષ વ્યાસ કહે છે કે 2022માં રામદેવરા ગામમાં વધુ એક બ્રિડિંગ સેન્ટર ખોલવામાં આવ્યું હતું.
પહેલા પગલાં તરીકે સંશોધનકર્તાઓએ જંગલમાં મળી આવતા મોટા ઈંડાં એકત્ર કર્યા અને તેને ઇનક્યુબેશન સેન્ટરમાં રાખ્યા. તેઓ કહે છે, "હાલમાં બંને કેન્દ્રમાં 45 પક્ષીઓ છે, જેમાંથી 14 અહીં બ્રીડિંગથી પેદાં થયેલાં બચ્ચાં છે. (કૃત્રિમ ગર્ભાધાનથી પેદા થયેલા બચ્ચા સહિત)."
'કુદરતી રહેઠાણ બચશે તો જ ઘોરાડ બચશે'

ઇમેજ સ્રોત, Desert National Park
આ રીતે પક્ષીઓની વસતી વધારીને પછી તેમને જંગલમાં છોડી દેવાની યોજના છે. પરંતુ સંરક્ષણવાદીઓ કહે છે કે આ બોલવામાં જેટલું સરળ લાગે છે, એટલું હકીકતમાં નથી.
કારણ કે આ બ્રીડિંગ કેન્દ્રોમાં પેદા થયેલાં પક્ષીઓએ માનવ સંશોધનકર્તાઓ પર પોતાની છાપ છોડી છે. (બીજા શબ્દોમાં કહીએ તો તેમનો માનવ કેરટેકર સાથે ઘરોબો થઈ ગયો છે.) તેના કારણે જંગલમાં પોતાના બળે ટકી રહેવાની 60થી 70 ટકા જેટલી ક્ષમતા ગુમાવી દીધી છે, તેમ ડૂકિયા જણાવે છે.
"પક્ષીઓને ખવડાવવા અને તેમની સારસંભાળ રાખવા માટે માનવ મદદ જરૂરી છે, પરંતુ તેનાથી તેઓ પોતાની નૈસર્ગિક પ્રકૃતિ ગુમાવી દે છે. પછી તેમને જંગલ માટે સજ્જ કરવા બહુ મુશ્કેલ બનશે. ખાસ કરીને જ્યારે તેમના માટે કોઈ રહેઠાણ જ રહ્યું ન હોય ત્યારે."
રહેઠાણ નષ્ટ થવાના કારણે બીજી એક સમસ્યા પણ પેદા થઈ છે. સંશોધકોએ જોયું કે જે પક્ષીઓ અલગ અલગ રાજ્યોમાં પ્રવાસ કરતા હતા, તેમણે હવે આવા પ્રવાસ લગભગ સાવ બંધ કરી દીધા છે.
જેસલમેરમાં શહેરના પૂર્વ ભાગમાં પોખરણ વિસ્તારમાં અને પશ્ચિમમાં ડેઝર્ટ નેશનલ પાર્કમાં આ પક્ષી જોવા મળે છે, પરંતુ ત્યાં પણ પક્ષીઓનું ક્રોસ માઈગ્રેશન લગભગ અટકી ગયું છે, તેમ ડૂકિયા કહે છે.
શક્ય છે કે ઉડાન વખતે પાવર લાઈન સાથે ટકરાઈ જવાની દુર્ઘટનાઓના કારણે પક્ષીઓએ લાંબા અંતરના પ્રવાસ બંધ કરી દીધા હોય. તેના કારણે અંતઃપ્રજનનનું જોખમ વધી જાય છે. તેથી જન્મજાત ખોડખાંપણ થઈ શકે છે.
તેઓ કહે છે કે, "ઘોરાડને બચાવવાનો એકમાત્ર રસ્તો તેમના કુદરતી રહેઠાણને બચાવવાનો છે."
સુપ્રીમ કોર્ટે આ વર્ષે શું ચુકાદો આપ્યો હતો?

ઇમેજ સ્રોત, Radheshyam Pemani Bishnoi
પરંતુ સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં આપેલા એક ચુકાદાના કારણે સંરક્ષણવાદીઓ ચિંતિત છે.
કોર્ટે અગાઉનો એક આદેશ રદ કરી દીધો જેમાં રાજસ્થાન અને ગુજરાત સરકારને ઘોરાડના વિસ્તારમાં પાવર લાઇનોને ભૂમિગત કરવા જણાવાયું હતું. આ આદેશથી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાં ઊથલપાથલ મચી ગઈ હતી. તેમનું કહેવું હતું કે આ આદેશનું પાલન કરવામાં તેમને અબજો રૂપિયાનો ખર્ચ થશે અને તેમનો બિઝનેસ જ ખતમ થઈ જશે.
કોર્ટે પોતાના તાજેતરના ચુકાદામાં જણાવ્યું કે લોકોને આબોહવા પરિવર્તનની હાનિકારક અસરમાંથી મુક્ત થવાનો અધિકાર છે અને મોટા ભાગના વીજળીના કેબલને ભૂમિગત કરવા એ નાણાકીય અને ટેકનિકલ દૃષ્ટિએ કંપનીઓ માટે સંભવ ન હોઈ શકે.
કોર્ટે એક સમિતિ રચવા પણ જણાવ્યું જે પાવર લાઈનને ભૂમિગત કરવી વ્યવહારુ છે કે નહીં અને બર્ડ ડાઇવર્ટરનો ઉપયોગ કરી શકાય કે નહીં તેનો અભ્યાસ કરશે. બર્ડ ડાઇવર્ટરમાં રિફ્લેક્ટર હોય છે જે પાવર કેબલ સાથે જોડાયેલા હોય છે અને પક્ષીઓને પાવર લાઈન વિશે એલર્ટ કરે છે.
કંપનીઓએ આ ચુકાદાના વધાવી લીધો, ત્યારે સંરક્ષણવાદીઓ અને કેટલાક કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આ ચુકાદો વાજબી નથી કારણ કે તેમાં એક સારી બાબતને બીજી સારી બાબતની વિરુદ્ધ મૂકવામાં આવી છે.
ઇકોલૉજિસ્ટ દેબાદિત્યો સિંહાએ એક કૉલમમાં લખ્યું હતું, "આ નિર્ણય ક્લાઇમેટ ચેન્જ, જૈવ વિવિધતા અને વિકાસના મુદ્દાની વચ્ચે પરસ્પર કેવી રીતે ક્રિયા થાય છે તેની ખામીયુક્ત સમજણ દર્શાવે છે."
તેમણે કહ્યું કે ભારતમાં ઘણી વધારે વસતી ધરાવતાં શહેરોમાં ભૂમિગત વીજળીની લાઇનો છે. બીજાં રાજ્યોએ ભૂતકાળમાં અન્ય પક્ષીઓની પ્રજાતિઓના રક્ષણ માટે આવા પગલાં લીધાં છે. તેમણે એમ પણ કહ્યું કે વીજળીના કેબલને ભૂમિગત કરવાનું ખર્ચાળ હોય છે, પરંતુ તે કંપનીની કુલ કમાણીનો માત્ર એક અંશ હોવાની શક્યતા છે.
ડૂકિયાનું કહેવું છે કે રિન્યુએબલ એનર્જી કંપનીઓ રાજસ્થાન આવી રહી છે તેનું એક કારણ જમીનની ઓછી કિંમત પણ છે.
તેઓ કહે છે, "રિન્યુએબલ એનર્જી ફાર્મના કારણે લાંબાગાળે રાજ્યની આબોહવા અને પર્યાવરણ પર કેવી અસર થશે તેના વિશે પણ ખાસ સંશોધન નથી થયું."
"તેથી માત્ર પક્ષીનું ભવિષ્ય જ નહીં, પરંતુ માનવીનું ભાવિ પણ અદ્ધરતાલ છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












