અમદાવાદ: ખ્યાતિ હૉસ્પિટલમાં કથિત રીતે સારવાર દરમિયાન દર્દીઓનાં મૃત્યુ થતાં પરિવારજનો શું બોલ્યા?
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં હાર્ટ ઑપરેશન બાદ બે દર્દીનાં કથિત મોત થતાં વિવાદ થયો છે. દર્દીઓનાં સંબંધીઓનો આક્ષેપ છે કે તેમને જાણ કર્યા વગર ઑપરેશન કરવામાં આવ્યું હતું. દરદીઓનાં મોત થતાં પરિવારજનો અને સંબંધીઓએ હૉસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને તોડફોડ કરી હતી.
સંબંધીઓએ હૉસ્પિટલમાં તોડફોડ પણ કરી હોવાના અહેવાલ છે. મામલો સામે આવ્યા બાદ હૉસ્પિટલના ચૅરમૅન અને ડાયરેક્ટર સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાલ સંપર્કવિહોણા થઈ ગયા છે.
ઘટના સામે આવ્યા બાદ પોલીસ અને અધિકારીઓની ટીમે હૉસ્પિટલની મુલાકાત લઈને તપાસ આદરી છે. મંગળવારે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હૉસ્પિટલ જઈને દરદીઓની મુલાકાત લીધી હતી. તેમણે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
તેમણે જણાવ્યું, "બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં હતાં. જરૂરિયાતમંદ લોકો આ કૅમ્પમાં ગયા હતા."
આ હૉસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી હતી. હૉસ્પિટલ દ્વારા એવું પણ કહેવાયું હતું કે તેમને બસ દ્વારા અમદાવાદ ખાતેની તેમની હૉસ્પિટલમાં લઈ જવાશે.
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સમાં કરેલી પોસ્ટ મારફતે જણાવ્યું, "અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્યની ઍન્ટિ-ફ્રૉડ યુનિટને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હૉસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરીને જરૂરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઍક્સ પર તેમણે લખ્યું, "કડીના સાત દર્દીઓની ઍન્જિયોપ્લાસ્ટી કરતા બેનાં મૃત્યુ. પાંચ દર્દીઓ આઈસીયુમાં હોવાના દુઃખદ સમાચાર છે. કડીના બોરીસણા ગામમાં હેલ્થ કૅમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની ઍન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી."
ખ્યાતિ હૉસ્પિટલ સામે અગાઉ પણ દર્દી સાથે બેદરકારી દાખવી હોવાના આરોપો થયા છે. સાલ 2022માં પણ ત્રણ દર્દીઓને સ્ટેન્ટ મુક્યા બાદ એકનું મૃત્યુ થયું હતું.
શક્તિસિંહ ગોહિલે આ મામલે ગંભીર આરોપ લગાવતા ઍક્સ પર લખ્યું, "આ હૉસ્પિટલ સરકારી યોજનાના દુરુપયોગ માટે કુખ્યાત છે. જ્યારે 2022માં એક દર્દીનું મોત થયું હતું ત્યારે જો સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોત અને આ હૉસ્પિટલ બંધ કરાવી દીધી હોત તો આજે કડીના નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત."
દાખલ થયેલા દર્દીઓ સાથે બીબીસી સહયોગી ભાર્ગવ પરીખે વાત કરી હતી.
દર્દીઓ પૈકી એક કોકિલાબહેન પટેલ કહે છે કે, “બોરીસણા ગામમાં આ લોકોએ 10 તારીખે કૅમ્પ કર્યો હતો. મારા પગમાં થોડી તકલીફ છે અને ડાયાબિટીસ છે. આ લોકો મને બસ લઇને લેવા માટે આવ્યા અને કહ્યું કે તમારા પગમાં જે તકલીફ છે તેનું અમે સંપૂર્ણ ચેકઅપ કરીને ઇલાજ કરાવીશું એવું કહ્યું.”
તેમનું કહેવું છે કે તેમને લેવા માટે ખ્યાતિ હૉસ્પિટલની બસ આવી હતી.
કોકિલાબહેન કહે છે, “તેમણે મારા હ્રદયમાં પણ તકલીફ છે એમ કહીને ઍન્જિયોપ્લાસ્ટી કરી દીધી અને PMJAY યોજના હેઠળ તેમણે આમ કર્યું.”
અન્ય એક દર્દી આનંદીબહેન પટેલનું કહેવું છે કે, તેમને ઢીંચણ, કમર અને ખભાનો દુ:ખાવો હતો અને તેમને હ્રદયની કોઈ તકલીફ ન હતી.
તેમના પરિવારજનોનું કહેવું છે કે ગઇકાલે બપોરે ગભરામણ થવા લાગી અને ડૉક્ટરે કોઈ દવા પણ આપી નથી.
મૃતક નાગરભાઈ સેનમાના પુત્ર ભરત સેનમા કહે છે કે, “ગરીબ માણસોનું કોઈ સાંભળતું નથી. અમે ખેતમજૂર છીએ. આ લોકોએ ગામમાં કૅમ્પ યોજ્યો હતો. મારા પિતાને થોડી જ તકલીફ હતી અને તેમનું મૃત્યુ થઈ ગયું.”
તેઓ કહે છે, “મને સરકાર પર કોઈ ભરોસો નથી અને ભગવાન જ હવે આ ડૉક્ટરોનો ન્યાય કરશે.”
જોકે, હૉસ્પિટલના સંચાલકોએ દર્દીની સારવાર મામલે કોઈ બેદરકારી દાખવી હોવાના આરોપોને ફગાવ્યા છે. હૉસ્પિટલના સંચાલકોનું એમ પણ કહેવું છે કે જે દર્દીઓનાં મૃત્યુ થયાં છે તે બદલ તેમને ખેદ છે અને તેઓ પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યા છે.
ખ્યાતિ હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. રાજેન્દ્ર ખંભાતેએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમારો આશય સેવાનો જ હતો. કોઈ બેદરકારી દાખવવામાં આવી નથી. કોઈ દર્દીનું મોત થાય તેમ અમે શા માટે ઇચ્છીએ? અમે તો સારું કરવા માગતા હતા. પરંતુ જે થયું તે દુ:ખદ છે. મૃતક દર્દીઓના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના છે."
બીબીસી ગુજરાતીએ તેમને એ આરોપ વિેશે પૂછ્યું કે દર્દીઓની જાણ બહાર તેમની ઍન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી કે કેમ?
ડૉ. રાજેન્દ્ર ખંભાતેએ જવાબમાં જણાવ્યું, "અમે તેમને જણાવ્યું હતું અને તેમની મરજીથી જ સારવાર કરવામાં આવી છે. કૅમ્પમાંથી 19 દર્દીઓને હૉસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતા. તે પૈકી 12 દર્દીઓને જવા દેવામાં આવ્યા. સાત દર્દીઓને સારવાર કરવી પડી. પાંચ સાજા છે પરંતુ બેનાં કમનસીબે મોત થયાં. જરૂરિયાતમંદોની સારવાર કરવી એ અમારી સામાજીક જવાબદારી છે અને તેના ભાગરૂપે અમે આ કામ કરીએ છીએ. તેમાં અઢળક પૈસાનો ખર્ચો થાય છે."
તેમણે એમ પણ કહ્યું કે હાલ મામલો પોલીસ તપાસ હેઠળ છે અને અમે તપાસમાં સહયોગ આપી રહ્યા છીએ. તેમણે હૉસ્પિટલમાં થયેલી તોડફોડની ઘટના પર પણ અફસોસ વ્યક્ત કર્યો.

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



