રાજકોટ ડિમોલિશન : 'ગુંડાઓ હોય તો માત્ર તેમનાં ઘર તોડો, બધાને શું કામ હેરાન કરો છો'
સોમવારે રાજકોટમાં દિવસની શરૂઆત સામાન્ય કરતાં વહેલી થઈ ગઈ. સૂર્યોદય પહેલાં જ શહેરના દક્ષિણ-પૂર્વ ભાગમાં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં ઘોંઘાટ કરતાં 63 જેસીબી, સાત હિટાચી મશીન્સ, ટ્રૅક્ટરથી ચાલતા 50 બ્રેકર, 42 ગૅસ કટર, 14 ડમ્પર ટ્રક અને 50 ટ્રૅક્ટર-ટ્રેલરો જંગલેશ્વરમાં આવી ગયાં. પોલીસદળોના રક્ષણમાં આ મશીનોએ આ વિસ્તારમાં આજી અને ખોખડદડી નદીઓના કાંઠેથી તેમ જ જંગલેશ્વરના વિવિધ રસ્તાઓ પરથી કથિત દબાણો દૂર કરવાં માટે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ડિમોલિશન ડ્રાઇવ્ઝમાં ગણના પામે તેવા અભિયાનની શરૂઆત કરી દીધી.
રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તારના રસ્તા પરનાં કથિત દબાણો તેમ જ આજી અને ખોખડદડી નદીના પટ અને કાંઠા પર કથિત અનધિકૃત રીતે ચણવામાં આવેલાં મકાનોને પાડી નાખવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ સોમવારે શરૂ કરેલું અભિયાન મંગળવારે પણ યથાવત્ રહ્યું હતું.
દિવસ દરમિયાન મહાનગરપાલિકાએ આ વિસ્તારનાં વધું 385 મકાનોને જમીનદોસ્ત કર્યાં હતાં, બે દિવસ દરમિયાન તોડી પડાયેલાં આ પ્રકારનાં મકાનોની સંખ્યા હવે વધીને 1,504 થઈ ગઈ છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ કહ્યું કે બુધવારે કથિત દબાણો પૈકીના બાકી રહેલાં પાંચ ઢાંચા પણ તોડી પાડવામાં આવશે અને આ વિસ્તારમાં તોડી પડાયેલાં બધાં જ મકાનોનો કાટમાળ હઠાવી દેવામાં આવશે.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે કાટમાળ હઠી ગયા પછી ખુલ્લી કરાયેલી જમીન ઉપર નવા રસ્તાનાં કામનું ખાતમૂહુર્ત ક્યારે કરવું તે બાબતે મહાનગરપાલિકા બુધવાર સાંજે અંતિમ નિર્ણય કરશે, સાથે જ ઉમેર્યું કે આ કામગીરી 'યુદ્ધના ધોર' હાથ ધરાશે.
અસરગ્રસ્ત પરિવારોની માંગણી છે કે તેઓ દાયકાઓથી આ મકાનોમાં રહેતા હતા અને આરએમસી તોડી પડાયેલાં મકાનોની જગ્યાએ તેમને વૈકલ્પિક રહેઠાણો આપે.
વીડિયો : ગોપાલ કટેશિયા અને બિપીન ટંકારિયા
ઍડિટ : અવધ જાની

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



