આયુષ્માન ભારત : 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર કેવી રીતે મળશે, કોને નહીં મળે લાભ

આરોગ્ય સેવાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરોગ્ય સેવાની પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે બુધવારે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટિઝન્સને 'આયુષ્માન ભારત' યોજના હેઠળ આવરી લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી.

આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું, "અમે દરેક ભારતીય સુધી કિફાયતી અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્યસેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ."

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, આ યોજનાને કારણે લગભગ સાડા ચાર કરોડ પરિવારના છ કરોડ જેટલા વરિષ્ઠ નાગરિકોને લાભ મળશે.

કૉંગ્રેસ પ્રવક્તાએ સરકારની યોજના વિશે કૅગના તાજેતરના રિપોર્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો પડકાર ફેંક્યો હતો.

આ યોજના શું છે, તેનો લાભ કોને થશે તથા જેમની પાસે પ્રાઇવેટ હૅલ્થ ઇન્સ્યોરન્સ છે, એમનું શું, તેના વિશે જાણીએ.

આયુષ્માન યોજના શું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે સરકાર દરેક ભારતીય સુધી કિફાયતી અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્યસેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ચલાવે છે. જેના અંતર્ગત ગરીબોને પરિવારદીઠ રૂ. પાંચ લાખનું આરોગ્ય વીમાકવચ આપવામાં આવે છે.

કેન્દ્ર સરકારે આ યોજનામાં હવે વરિષ્ઠ નાગરિકોને પણ આવરી લીધા છે જેમાં અલગથી પાંચ લાખ રૂપિયાનું વીમાકવચ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી. ભાજપે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં પોતાના ચૂંટણીઢંઢેરામાં આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના તમામ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાનો વાયદો કર્યો હતો. હવે તેનું અમલીકરણ થઈ રહ્યું છે.

કોને થશે લાભ ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સને આ યોજનાનો લાભ મળશે. આ માટે તેમની આર્થિક કે સામાજિક સ્થિતિને ધ્યાને લેવામાં નહીં આવે. આ યોજના હેઠળ આવરી લેવાયેલા વરિષ્ઠ નાગરિકોને અલગથી કાર્ડ આપવામાં આવશે.

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કૅબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતી વેળાએ કહ્યું હતું, "સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે. પરિવારો સંયુક્તમાંથી એકલ થઈ રહ્યા છે. એવામાં વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કવરેજ માટે તથા તેમની સામાજિકસુરક્ષા માટે આ ખૂબજ મહત્ત્વપૂર્ણ પગલું છે."

હાલમાં જે પરિવારો 'આયુષ્માન ભારત' હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને આવાં કુટુંબોમાં વરિષ્ઠ નાગરિકો હોય તો તેમને અલગથી રૂ. પાંચ લાખનું ટૉપ-અપ કવર મળશે. વૃદ્ધો માટેનું કવરેજ તેમના માટે અલાયદું રહેશે અને આમાંથી પરિવારના 70 વર્ષથી ઓછી ઉંમરના સભ્યોની સારવાર નહીં થઈ શકે.

જો પરિવારમાં એક કરતાં વધુ વરિષ્ઠ નાગરિકો હોય તો રૂ. પાંચ લાખના વધારાના વીમાકવચમાં તેમનો સહિયારો ભાગ રહેશે.

હાલમાં જે પરિવારોને 'આયુષ્માન ભારત યોજના'નું વીમા કવર નથી મળેલું, એવાં કુટુંબોના 70 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન્સને પણ તેનો લાભ થશે.

યોજનામાં સહિયારાનો મતલબ શું?

વીડિયો કૅપ્શન, જરૂરિયાતમંદો માટે અહીં રસ્તા પર જ ચાલે છે ભોજનાલય અને દવાખાનું

આ યોજના હેઠળ આપવામાં આવતું કવરૅજ પરિવાર પર આધારિત છે, એટલે તેને સહિયારું કે શૅયર્ડ રાખવામાં આવ્યું છે.

પરિવારના 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો આ યોજનાનો લાભ સંયુક્ત રીતે લઈ શકશે. વૈષ્ણવે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ યોજના હેઠળ સહિયારાનો મતલબ વરિષ્ઠ નાગરિકો સાથે શૅયર કરવાનો છે.

તેમણે કહ્યું, "ધારો કે કોઈ પરિવારમાં 70 વર્ષથી વધુ ઉંમરના બે સિનિયર સિટિઝન છે, તો રૂ. પાંચ લાખનું કવર આ બંને માટે હશે."

કોને લાભ નહીં મળે?

જે સિનિયર સિટિઝન્સની ઉંમર 70 વર્ષ કરતાં વધુ હોય અને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ (સીજીએચએસ), પૂર્વ સૈનિકોની ઈસીએચએસ, આયુષ્માન કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (સીએપીએફ) જેવી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે, તેઓ પોતાની વર્તમાન યોજના અથવા તો 'એબી પીએમ-જેએવાય'માંથી યોગ્ય લાગે તે વિકલ્પ પસંદ કરી શકે છે.

ક્યાં મળશે સારવાર?

દર્દી અને દાક્તરની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પરિવારમાં એકથી વધુ વરિષ્ઠ નાગરિકો હોય તો તેમણે પાંચ લાખનું વીમાકવચ શૅર કરવું પડશે (પ્રતીકાત્મક તસવીર )

નેશનલ હૅલ્થ ઑથૉરિટીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ યોજના દેશભરમાં લાગુ છે, છતાં હાલમાં દિલ્હી, ઓડિશા કે પશ્ચિમ બંગાળમાં એક પણ આયુષ્માન ભારત કાર્ડ અપાયું નથી.

આ કૅશલેસ યોજના છે. દર્દીની સારવારનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપાડે છે. દર્દી ચાહે તો સરકારી અથવા માન્યતાપ્રાપ્ત ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ શકે છે.

પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય તો?

જે સિનિયર સિટિઝન્સે ખાનગી વીમા કંપનીઓ પાસેથી આરોગ્યલક્ષી વીમો લીધો હોય, તેમના વિશે પણ સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

સરકારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ખાનગી આરોગ્યવીમો લીધો હોય કે રાજ્ય સરકારની વીમા યોજના હેઠળ આવરી લેવાયેલા પૂર્વ કર્મચારીઓ પણ એબી પીએમ-જેએવાય હેઠળ લાભ લઈ શકશે.

યોજના માટે કરવી પડશે અરજી

કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બહુ જલદી આ યોજનાની શરૂઆત થઈ જશે. તેમણે વરિષ્ઠ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આના માટે આવેદન કરે.

તેમણે કહ્યું કે, "આ બહુ જ મોટો કાર્યક્રમ છે. આના માટે 3,437 કરોડ રૂપિયા જેટલી પ્રારંભિક રકમ ફાળવવામાં આવી છે. આ ડિમાન્ડ બૅઝ્ડ સ્કીમ છે. ડિમાંડ વધશે એ પ્રમાણે આગળ વધીશું."

યોજના માટે કરવી પડશે અરજી

અશ્વિની વૈષ્ણવની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બહુ મોટી સ્કીમ છે અને લોકોએ આનો લાભ લેવા માટે આવેદન કરવું જોઈએ.

દેશના અનેક મોટા ડૉક્ટર્સે આ સ્કીમનું સ્વાગત કર્યું છે પણ કૉંગ્રેસે ગાલની સ્કીમ વિશે સીએજીના રિપોર્ટ પર પણ ધ્યાન આપવાનું કહ્યું છે.

પરંતુ કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે, "સીએજીનો રિપોર્ટ જુઓ કે અત્યાર સુધી કોને આ લાભ મળી રહ્યો છે. કેટલો મળી રહ્યો છે, કેટલો ગોટાળો થઈ રહ્યો છે. સરકાર પહેલાં તેની પર તો પોતાનો પક્ષ રજૂ કરે. આ નારા આપવા, યોજનાઓ વિશે નિવેદનો કરવાંથી યોજનાઓ લાગુ થઈ જતી નથી."

દિલ્હી ગંગારામ હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ મોહસિન વલી અનુસાર આ એક સારી સ્કીમ છે. તેઓ કહે છે કે, "દેશમાં વસતી પ્રમાણે હૉસ્પિટલોમાં દરદીઓનો ધસારાને કારણે ભારણ રહે છે."

"આ સ્કીમમા સરકારી હૉસ્પિટલ તો સારવાર કરે જ છે, પ્રાઇવેટ હૉસ્પિટલોને નિર્દેશ છે, તેઓ ઉલ્લંઘન ન કરી શકે. મુદ્દો ક્લેઇમ સેટલમેન્ટનો છે અને સરકાર તેને સુધારવામાં લાગી છે અને સમયની સાથે પ્રક્રિયા એવી બનશે કે જેમાં દરદીઓ પરેશાન નહીં થાય."

તેમણે કહ્યું કે, "પડકાર જાગરૂકતાનો પણ છે. જો કોઈને એ ખબર ન હોય તે તેમની સમસ્યાનું સમાધાન ક્યાં થશે તો તકલીફ થશે. લોકોએ આ વાતનું ધ્યાન રાખવું પડશે. સરકારી હૉસ્પિટલોમાં દરદીઓની લાંબી કતારને જોઈને લોકો ગભરાય છે એટલે પ્રાઇવેટ હૉસ્પિટલ જતા હોય છે."

ત્યારે ડી વાય પાટીલ મેડિકલ કૉલેજ પૂણેના અમેરિટસ પ્રોફેસર ડૉક્ટર અમિતાભ બેનરજીએ કહ્યું કે, "આ સ્કીમમાં બહુ સારી રીતે ડેમોગ્રાફી અને સાર્વજનિક આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓ અનુસાર યોગ્ય આયોજન નથી થયું. ભારત યુવાનોનો દેશ છે. હેલ્થ ઇકૉનૉમીના સિદ્ધાંત અનુસાર યુવાનોને આ યોજના અંતર્ગત લાવવા પડશે જેમની સામે હજુ લાંબુ જીવન છે."

તેમણે કહ્યું કે, "70 વર્ષથી વધુ ઉંમરમાં જે સારવાર હોય છે તે ઘણી મોંઘી હોય છે ને તેના માટે પાંચ લાખ રૂપિયાની રકમ પર્યાપ્ત નથી. યોજનાઓ ગરીબો માટે હતી, હવે 70 વર્ષથી વધુ ઉંમરના અમીર લોકો પણ આ યોજનામાં આવરી લેવાશે જે પોતાની સારવાર કરાવી શકવા સક્ષમ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.