ગુજરાતમાં યુવાનોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ચિંતાજનક રીતે કેમ વધી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Dhaval Desai
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
જે ઉંમરે યુવાનો પોતાની કારકિર્દી બનાવીને જીવનમાં સ્થિર થવાના પ્રયાસો કરતાં હોય, ત્યારે અમદાવાદમાં રહેતા 26 વર્ષના ધવલ દેસાઈને પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડી. તેમની બન્ને કિડનીઓ ખરાબ થવાનું કારણ એ હતું કે ધવલ તેમને સતત પરેશાન કરતા માથાના દુ:ખાવા માટે ડૉક્ટરની સલાહ વગર પેઇન કિલરનો ઉપયોગ કરતા હતા
આ માત્ર ધવલ દેસાઈની જ વાત નથી, પરંતુ ડૉકટરો અને કિડની હૉસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર બદલાતી જીવનશૈલીને કારણે યુવાનોમાં કિડની નિષ્ફળ થઈ જવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના 763 યુવાનોએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચૂક્યા છે. આ પ્રમાણ રાજ્યમાં થયેલાં કુલ ટ્રાન્સપ્લાન્ટના 70 ટકાથી વધું છે. બીજા સંખ્યાબંધ યુવાનો ટ્રાન્સપ્લાન્ટેશન માટે કિડની મળવાની રાહ જોઈ રહ્યા છે.
26 વર્ષની ઉંમરે જ ધવલની કિડની કેવી રીતે ખરાબ થઈ

ઇમેજ સ્રોત, IKDRC/FB
હાલ 32 વર્ષના ધવલે 26 વર્ષની ઉમરે જ તેમની બન્ને કિડનીઓ ખરાબ થઈ ગઈ હતી. તેમણે પોતાના કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરતાં કહ્યું, “મને અવારનવાર માથામાં દુ:ખાવાની તકલીફ રહેતી હતી. જેથી હું મેડીકલ સ્ટોરમાંથી પેઇનકિલર લઈ લેતો હતો. માથાના દુખાવા અંગે મેં ક્યારેય કોઈ ડૉક્ટરની સલાહ લીધી નહોતી. બાદમાં મને ખબર પડી કે મારું બ્લડપ્રેશર સતત ઊંચું રહેવાને કારણે મને માથું દુખતું હતું.”
તેમણે વધુમાં જણાવ્યું, “વધારે પડતી પેઇન કિલર અને તમાકુ ખાવાની આદત તથા જંક ફુડ ખાવાની આદત પણ હતી. મારી આ કુટેવોને કારણે મારી બન્ને કિડની 26 વર્ષની ઉંમરે જ ખરાબ થઈ ગઈ હતી.”
ધવલની જેમ જ હાલ માત્ર એક કિડની સાથે જીવતા 38 વર્ષના પાર્થ કોરિંગાએ પણ 30 વર્ષની ઉંમરે બન્ને કિડની નિષ્ફળ જતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડી હતી.
પાર્થે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “મારી કિડની ખરાબ થઈ હોવાના મને કોઈ લક્ષણો દેખાયાં નહોતાં. હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. અમારી ઑફીસમાં રૂટીન હેલ્થ ચેક-અપ વખતે બ્લડટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં મારું હિમોગ્લોબીન ખૂબ જ ઓછું આવ્યું હતું. ત્યાર બાદ મેં મારો બોડી પ્રોફાઇલ કરાવ્યો હતો. જેમાં ક્રિએટિનીન વધારે આવ્યું હતું. અમારા ફેમિલી ફિઝિશિયને મને નેફ્રોલૉજિસ્ટની સલાહ લેવાનું કહ્યું હતું.”
“જોકે, શરૂઆતમાં મેં 6 મહિના હર્બલ દવા લીધી હતી. એ હર્બલ દવાથી મારી તબિયતમાં કોઈ સુધારો થયો નહોતો. અમે નેફ્રોલૉજિસ્ટ પાસે ગયા ખબર પડી કે મારી બન્ને કીડની ખરાબ થઈ ગઈ છે. મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવું પડશે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'યુવાનોમાં કિડની નિષ્ફળ જવાની બીમારી ચિંતાનો વિષય'

ઇમેજ સ્રોત, Parth Koringa
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુવાનોમાં વધી રહેલી કિડનીની બીમારીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની જરૂર વધી રહી છે. ડૉ. પ્રાંજલ મોદી ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઇસ ચાન્સેલર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડીસીઝ ઍન્ડ રીસર્ચ સૅન્ટર (આઈકેડીઆરસી)ના ડાયરેક્ટર પણ છે.
આઈકેડીઆરસીએ ગુજરાતની એક માત્ર સરકારી કિડની ટ્રાન્સપ્લાન્ટ હૉસ્પિટલ છે. તેમજ સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO) નું સૅન્ટર પણ છે.
ડૉ. પ્રાંજલ મોદી સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી. તેમણે કહ્યું “બદલાતી જતી જીવનશૈલીના કારણે યુવાનોમાં કિડનીની બીમારીમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે. પહેલાં મોટી ઉંમરના લોકોની કિડની નિષ્ફળ જતી જોવા મળતી હતી, પરંતુ હવે યુવાનોમાં પણ બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે.”
એમણે આંકડા આપતાં જણાવ્યું હતું કે આઈકેડીઆરસીમાં વર્ષ 2021 થી 2023 દરમિયાન 1046 દર્દીઓની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જેમાંથી 763 દર્દીઓની ઉમર 40 વર્ષ કરતાં ઓછી છે. આ આંકડા પ્રમાણે આ સમયગાળામાં થયેલાં કુલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં યુવાનોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ 70 કરતાં વધું છે.
ડૉ. મોદી કહે છે, “યુવાનોમાં વધતી જતી કિડની ફેલ્યોરની બીમારી ખરેખર ચિંતાનો વિષય છે. જીવનશૈલીમાં સુધારો લાવીને જ આ બીમારીથી બચી શકાય છે. 283 દર્દીઓની ઉંમર 40 વર્ષથી વધુ છે. ‘ક્રૉનિક કિડની ફેલ્યોર’નાં ઘણાં કારણો હોવાથી ક્યારેક ચોક્કસ કારણ જાણી શકાતું નથી.”
ધવલ દેસાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવે હવે 8 વર્ષ થઈ ગયાં છે. હાલ તેઓ સ્વસ્થ્ય જીવન જીવી રહ્યા છે. અલબત્ત તેઓ શરીરને શ્રમ પડે તેવું કામ કરી શકતા નથી. તેમજ તેમણે ઇન્ફેક્શનથી બચવા માટે સતત માસ્ક પહેરી રાખવું પડે છે. તેઓ ભીડભાડથી દૂર રહે છે.
ધવલે પોતાના માથાના દુખાવાને સામાન્ય દુખાવો ઘણી લેતા પોતાની કિડની ગુમાવવાનો વારો આવ્યો. કિડનીની બીમારી થવાનાં કારણો વિશે વાત કરતાં નેફ્રોલૉજિસ્ટ ઉમેશ ગોધાણી કહે છે “ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની બીમારીઓ કિડની ખરાબ થવા પાછળ જવાબદાર હોય છે. લોકોની જીવનશૈલીમાં આવેલા બદલાવને કારણે નાની ઉંમરમાં જ ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓ થવા લાગી છે. કેટલાક કિસ્સામાં લોકો બ્લડપ્રેશર અને ડાયાબિટીસનું ચેક-અપ કરાવતાં નથી કે દવા પણ નિયમિત લેતા નથી. 40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ નિયમિત રૂટિન ચેકઅપ કરાવવું જોઈએ.”
ધવલ દેસાઈએ વધુમાં જણાવ્યું, “બીમારી આવ્યા બાદ હું જિંદગીનું મહત્ત્વ સમજ્યો છું. બહારનું ખાવાનું સદંતર બંધ કરી દીધું છે. નિયમિત પૂરતી ઊંઘ લઉં છું અને જમવાનો સમય નિયમિત કરી દીધો છે. તમાકુ ખાવાની બંધ કરી દીધી છે. હવે હું લોકોને પણ કિડનીની બીમારી અંગે સમજ આપું છું. કોઈ પણ બીમારી લાગે તો મેડીકલ સ્ટોરમાંથી દવા ન લેવી જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લેવી જોઈએ.”
જોકે પાર્થે કહ્યા અનુસાર તેમને કોઈ જ વ્યસન નહોતું. તેમણે આર્યુવેદિક ફાર્મસીમાં માસ્ટર્સ ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. તે નિયમિત જીવન જીવતા હતા અને તેમને તમાકુ કે પેઇન કિલર ખાવા જેવી કોઈ આદત પણ નહોતી. તેમ છતાં તેમને આ બીમારી કેમ થઈ તેનું કારણ તેઓ સમજી શકતા નથી.
જોકે ડૉક્ટરના કહેવા અનુસાર જો યુરિન ઇન્ફેક્શન (પેશાબની નળીમાં કે ઉત્સર્જન તંત્રમાં બીજે ક્યાંય ચેપ લાગ્યો) હોય તેને કારણે પણ કિડની ખરાબ થઈ શકે છે.
ડૉ ગોધાણી કહે છે, “કિડનીની બીમારીમાં મોટાભાગના કિસ્સાઓમાં શરૂઆતમાં કોઈ લક્ષણો પણ દેખાતાં નથી. કોઈ કારણોસર રૂટિન ચેકઅપ કરાવ્યું હોય અને તેમાં કિડનીની બીમારી હોવાનું ધ્યાને આવ્યું હોય તેવા કેસ પણ અમારી પાસે આવે છે.”
ધવલ દેસાઈને તેમના પિતાની કિડની મૅચ થઈ હતી, પરંતુ તેમને હૃદયની બીમારી હોવાથી તેમની કિડની ન લેવાની ડૉક્ટરે સલાહ આપી હતી. ત્યારબાદ તેમનાં ફોઈએ તેમને કિડની આપીને નવું જીવન આપ્યું છે. જ્યારે પાર્થને તેમના પિતાએ કિડની દાન કરી હતી.
કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ પાર્થે ફાર્મા કંપનીની નોકરી કાયમ માટે છોડી દીધી છે. તેઓ હવે અમદાવાદ છોડીને પોતાના વતન રાજકોટમાં સ્થાયી થઈ ગયા છે.
ડૉક્ટરની સલાહ વગર હર્બલ પ્રોડક્ટનો ઉપયોગ પણ ખતરનાક

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ડૉ. ગોધાણીના કહ્યા અનુસાર બજારમાં મળતી હર્બલ પ્રોડક્ટ્સનું કોઈપણ ડૉક્ટર કે જાણકારના નિરિક્ષણ અને માર્ગદર્શન વિના જ સેવન કરવાથી પણ કિડની પર તેની આડઅસર થઈ શકે છે.
તેમણે કહ્યું, “અમારી પાસે કેટલાક કિસ્સા આવે છે, જેમાં લોકોએ બજારમાં મળતી હર્બલ પ્રોડક્ટના ઉપયોગને કારણે કિડની ફેલ્યોર થઈ હોય. જો તમારે કોઈ આર્યુવેદિક પ્રોડક્ટ વાપરવી હોય તો પણ આર્યુવેદિક ડૉક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ જ વાપરવી જોઈએ.”
કિડની નિષ્ફળ જવાના સંકેતો શું છે?

ઇમેજ સ્રોત, Umesh Godani
ડૉ. મોદી અને ડૉ. ગોધાણી સાથે વાત કરતાં જાણવા મળેલા કીડની નિષ્ફળ જવાનાં લક્ષણોમાં
- તાવ આવવો
- સતત માથામાં દુ:ખાવો
- પગમાં સોજા આવવા
- શ્વાસ ચડવો
- શરીરમાં નબળાઇ આવવી
- ઊલટી-ઊબકા આવવાં
- ખેંચ આવવી
- ત્વચાના રંગમાં ફેરફાર થવો
- કમરમાં એડીમાં દુ:ખાવો
- સ્નાયુઓ ખેંચાવા
- ઓછું દેખાવું
- પેશાબ ઓછો આવવો કે ન આવવો
કિડનીને નુકશાન થતાં કેવી રીતે બચાવી શકાય?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- વહેલાં ઊંઘી જવું અને વહેલાં જાગવું, પૂરતી ઊંઘ લેવી
- દિવસમાં એક કલાક શારીરિક કસરત માટે ફાળવવો
- જમવામાં મીઠું ઓછુ ખાવું
- ઘરનું બનેલું સાદું ભોજન જમવુ અને ભૂખ કરતાં ઓછું જમવું
- અઠવાડીયામાં એક દિવસ આંતરડાને આરામ આપવો, જેમાં માત્ર એક સમય જ જમવું અને ફરાળ વગરનો ઉપવાસ કરવો
- જંક ફુડ ખાવાનું ટાળવું
- બજારમાં મળતાં વેફર અને બીજા પડિકાવાળા નાસ્તા ન જ ખાવા
- ઍનર્જી, સોફ્ટ ડ્રિંક ખૂબ જ હાનિકારક છે, બાળકોને પણ તે ન જ પીવા દેવાં
કિડનીને નિષ્ફળ જતી અટકાવી શકાય

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર પ્રાંજલ મોદી કહે છે, કિડની બે પ્રકારે નિષ્ફળ જઈ શકે છે. ઍક્યુટ કિડની ફેલ્યોર અને ક્રૉનિક કિડની ફેલ્યોર.
તેમણે કહ્યું, “ઝાડા થઈ જવાથી ડીહાઇડ્રેશન (શરીરમાંથી પાણી ઘટી જવું), પગપાળા યાત્રા દરમિયાન ઓછું પાણી પીવાથી થતું ડીહાઇડ્રેશન, મેલેરીયા કે ડૅન્ગ્યૂ જેવી બીમારી, અન્ય કોઈ રીતે ચેપ લાગવાને કારણે ઍક્યુટ કિડની ફેલ્યોર થઈ શકે છે.”
ઍક્યુટ કિડની ફેલ્યોર અંગે ડૉ. ઉમેશ ગોધાણી કહે છે, “ઍક્યુટ કિડની ફેલ્યોરની સ્થિતિમાં કિડનીને નિષ્ફળ જતી બચાવી શકાય છે. તે કોઈ બીમારી કે ચેપને કારણે થાય છે. આવા કિસ્સામાં દવાઓ અને જીવનશૈલીમાં બદલાવ લાવીને કિડનીને ફરીથી કામ કરતી કરી શકાય છે. આવા કિસ્સામાં પહેલાં ડાયાલિસીસની જરૂર પડી હોય તો પણ કિડની કાર્યક્ષમતા સુધરી શકે છે.”
ક્રૉનિક કિડની ફેલ્યોર વિશે વાત કરતાં ડૉ. પ્રાંજલ મોદી કહે છે, “ક્રૉનિક કિડની ફેલ્યોરનાં ઘણાં કારણો હોવાથી ક્યારેક ચોક્કસ કારણ જાણી શકાતુ નથી. હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, દવાઓનું વ્યસન, ધુમ્રપાન વધું પડતી પેઇન કિલરનો ઉપયોગ, સ્ટ્રેસ, અપુરતી ઊંઘ, પ્રિઝર્વેટીવ ધરાવતો અને મીઠાનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક, ફાસ્ટફૂડ, અનિયમિત ખાનપાનની આદત વગેરે કારણોસર ક્રૉનિક કિડની ફેલ્યોર થઈ શકે છે.”
ડૉ. ઉમેશ ગોધાણી કહે છે “કિડનીની બીમારી સાઇલન્ટ કિલર છે. શરૂઆતમાં તેનાં કોઈ લક્ષણો દેખાતાં નથી. જો શરૂઆતમાં જ ખબર પડી જાય તો દવાઓ અને તંદુરસ્ત જીવનશૈલીથી જીવી શકાય છે.”
કિડનીનું દાન કોણ અને કેવી રીતે કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
જીવન કિડનીદાતા અને મૃત કિડનીદાતા વિશે માહિતી આપતા ડૉ. પ્રાંજલ મોદી કહે છે, “જીવંત દાતા દ્વારા આપવામાં આવેલાં કિડની અને લીવર એ સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં સમયસર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. જેથી લોકોમાં સર્વાઇવલ (ઑપરેશન બાદ જીવતાં રહેવાનો) રેશિયો વધારે છે. જો કીડનીદાતા યુવાન હોય તો તે લાંબુ ચાલે છે. જો જીવંત દાતા ન મળે તો દર્દીને ડાયાલીસીસ કરવાની જરૂર પડે છે. જો 3 વર્ષ સુધી ડાયાલીસીસ કરવામાં આવે તો લગભગ 60 ટકા લોકો મૃત્યુ પામે છે.”
જીવંત દાતામાં નજીકનાં સગાંસંબધી હોય છે. જેમાં માતાપિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, દાદા-દાદી કે નાના-નાની હોય છે. જો નજીકનાં સગાંમાં કીડની મૅચ ન થતી હોય તો ઍક્સ્ટેન્ડેડ પરિવારમાં કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફુવા પણ કિડની આપી શકે છે. જે માટે રાજ્ય સરકારની સમિતિ પાસેથી મંજૂરી લેવાની હોય છે
મૃત કિડનીદાત અથવા કૅડેવર ડોનર એટલે એવા દાતા જેમને ગંભીર અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હોય અને ડૉક્ટર દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હોય, અને તેમના પરિવાર તરફથી કરવામાં આવેલા અંગદાનથી મળેલી કિડની.
બ્રેઇન ડેડ જાહેર કરાયેલા લોકોના પરિવારને સ્વજન ગુમાવવાનું દુખ તો ચોક્કસ હોય જ, પરંતુ એમનાં અંગદાન કરવાથી 8 લોકોને જીવન આપી શકાય છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












