'પોલીસે ઘરનો દરવાજો તોડ્યો અને મારા પતિને લઈ ગઈ,' સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદનો માહોલ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી
"ગુનેગારો ભાગી ગયા અને નિર્દોષ લોકો ખોટી રીતે ફસાઈ ગયા. અમે હજી ત્રણ મહિના પહેલા જ સાઉથ આફ્રિકાથી આવ્યા છીએ. મારા પતિ ઑટોમોબાઇલ કંપનીમાં મૅનેજરની પોસ્ટ પર છે. અમે શા માટે ખોટું કામ કરીએ?''
સુરતના સૈયદપુરામાં રહેતાં શહેનાઝ શેખના આ શબ્દો છે. તેમના પતિ સાજીદ શેખને ગણેશ પંડાલમાં થયેલા પથ્થરમારામાં આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.
શહેનાઝ શેખનો આક્ષેપ છે કે તેમના પતિ નિર્દોષ છે અને પોલીસે ખોટી રીતે તેમની સામે કાર્યવાહી કરી છે.
તેઓ કહે છે, ''પોલીસ કર્મચારીઓ અચાનક સિવિલ ડ્રેસમાં આવ્યાં અને લાઠીચાર્જ કરવા લાગ્યા હતા. અમે લોકો ગભરાઈ ગયા અને ઘરના દરવાજા બંધ કરી દીધા. જો પોલીસે કહ્યું હોત કે ગભરાશો નહીં અમે પોલીસ છીએ તો અમે પણ તેમને સહયોગ આપ્યો હોત પરંતુ તેઓ દરવાજો તોડી ઘરમાં ઘૂસી ગયા અને મારા પતિને લઈ ગયા. મારા બંને માસૂમ બાળકો હાલ ભયમાં છે.''
આંખોમાં આસું સાથે શહેનાઝ પૂછે છે, ‘‘હું માનું છું કે પોલીસ આપણી સુરક્ષા માટે છે પરંતુ અહીં અમારી સુરક્ષાનું શું?’’
સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર રવિવારે રાત્રે સર્જાયેલા સાંપ્રદાયિક તણાવ બાદ સ્થિતિ હવે થાળે પડવા લાગી છે.
સમગ્ર વિસ્તારમાં દુકાનો અને ઑફિસો ખૂલી ગઈ છે અને લોકો પોતાના કામધંધામાં લાગી ગયા છે. બીબીસીએ સૈયદપુરાની મુલાકાત લીધી હતી અને સ્થાનિકો સાથે વાત કરીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ વિસ્તારમાં વર્ષોથી રહેતા અને સાથે વ્યવસાય કરતા બંને સમુદાયના લોકો એક સુરમાં કહે છે કે જે ઘટના બની તેમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારને કડકમાં કડક સજા થવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અલ-ઈલાફ ઍપાર્ટમેન્ટમાં ગમનો માહોલ

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૈયદપુરા વિસ્તારમાં આવેલા અલ-ઇલાફ ઍપાર્ટમેન્ટમાં પથ્થરમારા બાદથી જ માતમનો માહોલ છે. કૉમ્બિંગ દરમિયાન પોલીસે અલ-ઇલાફમાંથી આઠ લોકોની ધરપકડ કરી છે. રોશન પાર્કમાંથી પણ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અલ-ઇલાફ ઍપાર્ટમેન્ટમાં 32 ફ્લૅટ છે. આસિફ મુનશી દસ વર્ષથી અલ-ઇલાફ ઍપાર્ટમેન્ટના પ્રમુખ છે.
બીબીસી સાથે વાત તેઓ કહે છે, ''365 દિવસ અમારા ઍપાર્ટમેન્ટમાં રાત્રે 10 વાગ્યા પછી તાળું લાગી જાય છે. અહીં રહેતા લોકો નોકરી અને વેપાર સાથે સંકળાયેલા છે. પોલીસે જે પણ લોકોને પકડ્યા છે તેમાંથી એક પણ વ્યક્તિ ગુનેગાર નથી અને તમામ નિર્દોષ છે.''
તેઓ વધુમાં કહે છે કે પોલીસનો સ્ટાફ સાદા ડ્રેસમાં આવ્યો હતો અને એટલે લોકો ગભરાઈ ગયા હતા. કૉમ્બિંગ દરમિયાન પોલીસે ઍપાર્ટમેન્ટમાં પણ ઘણું નુકસાન કર્યું છે. ઘરનાં બારી-બારણાં તોડી નાખ્યાં, ઍપાર્ટમેન્ટમાં લાગેલાં સીસીટીવી કૅમેરાઓ તોડી નાખ્યા અને ડીવીઆર પોતાની સાથે લઈ ગયા.
અલ-ઇલાફ ઍપાર્ટમેન્ટના ફ્લૅટ નંબર 301માં જ્યારે બીબીસીની ટીમ પહોંચી ત્યારે ઘરના બારીના કાચ તૂટેલા જોવા મળ્યા. કાચ તૂટીને ઘરની અંદર પડ્યો હતો અને એક વર્ષની માસુમ બાળકી પણ આ કાચની આજુબાજુ રમી રહી હતી.

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
બાળકીનાં માતા કરિશ્મા વાસીદ પોતાનો આક્રોશ ઠાલવતાં કહે છે, ''અમે વેપારી વર્ગના માણસો છીએ. ચૌટા બજારમાં અમારી ફૂટવેરની દુકાન છે. અમે લોકો રાતના દુકાનેથી ઘરે આવ્યા હતા અને આરામ કરતા હતા. સાબિત કરવા માટે અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે.''
''રાત્રે સવા એક વાગ્યે પોલીસ આવી અને બારીના કાચ તોડવા લાગી. ત્યારે મારી છોકરી ત્યાં રમી રહી હતી. મેં ઘરનો દરવાજો ખોલ્યો અને પોલીસે કોઈપણ જાતનો જવાબ આપ્યો નહીં અને મારા પતિ અને નણંદના છોકરાને ઉઠાવીને લઈ ગયા. બે મહિના પહેલા મારા નણંદનો 22 વર્ષનો દીકરો મહમદ રિયાઝ કાનપુરથી અમારા ઘરે અહીં રહેવા આવ્યો હતો.''
તેઓ પ્રશ્ન કરે છે કે, ''અમે શું ગુનો કર્યો છે? શા માટે અમારા જેવા નિર્દોષ લોકોને આમાં સંડોવવામાં આવી રહ્યા છે? ધારાસભ્ય પણ કેમ મુસ્લિમ લોકોને જ ટાર્ગેટ કરે છે?''
કરિશ્મા વાસીદની માફક શહેનાઝ સાજીદ શેખ પણ ફરિયાદ કરી રહ્યા છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે શહેનાઝ એકદમ ગુસ્સામાં હતાં. તેઓ તેમના બંને રડતા પુત્રોને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
તેમનો મોટો પુત્ર 11 વર્ષનો શાહીદ 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને નાનો દીકરો સાયન સાત વર્ષનો છે અને તે બીજા ધોરણમાં ભણે છે.
શહેનાઝ કહે છે, ''મારાં બાળકો સતત પૂછી રહ્યાં છે કે પપ્પાએ શું કર્યું કે તેમને પોલીસ પકડીને લઈ ગઈ? અમે બધા આઘાતમાં છીએ. મારા પતિ સાથે શું થઈ રહ્યું છે તે વિશે અમને કોઈ જ માહિતી નથી.''
ફ્લૅટ નંબર 101માં રહેતા અબુબકરની પણ આવી જ ફરીયાદ છે.
તેઓ કહે છે, ''છેલ્લાં 30 વર્ષથી હું અહીં રહું છું. રાત્રે કાયમ ઍપાર્ટમેન્ટ અને ઘરના દરવાજા બંધ જ હોય છે. આ બબાલ થઈ ત્યારે મેં મારાં પુત્ર અને પુત્રવધુને કહ્યું હતું કે તમે ઘરની અંદર જ રહેજો. મારાં પુત્રવધુ સગર્ભા છે અને એટલા માટે અમે બધા જ ઘરમાં જ હતા.''
''છતાં પોલીસ મારા પુત્રને ઉઠાવીને લઈ ગઈ. હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે તમે સીસીટીવી ફૂટેજ ચૅક કરો અને જે કાયદેસરના આરોપીઓ છે તેમની સામે કાર્યવાહી કરો. નિર્દોષ લોકોને શા માટે હેરાન કરો છો?''
જનજીવન સામાન્ય

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
સુરતના વરિયાવી બજારમાં ગણેશ પંડાલ પર રવિવારે રાત્રે થયેલ પથ્થરમારાની ઘટના બાદ તંગદિલી સર્જાઈ હતી. ઘટનાના બે દિવસ બાદ હાલ આ વિસ્તારમાં જનજીવન સામાન્ય થઈ ગયું છે.
દુકાનો રાબેતા મુજબ ખૂલી ગઈ છે અને રસ્તાઓ પર ફરીથી લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ લોકો હજુ પણ સમગ્ર મામલે ખૂલીને વાત કરતાં નથી.
સાંપ્રદાયિક તણાવ બાદ અહીં દરેક ગલીમાં પોલીસ બંદોબસ્ત જોવા મળે છે. સૈયદપુરા વિસ્તારમાં મોટાભાગનાં રહેણાંક મકાનો કાં તો બંધ હાલતમાં છે અથવા અંદરથી તાળુ છે.
સ્થાનિક લોકો અંદરોઅંદર ઘટનાને લઈને ચર્ચા કરતા જોવા મળ્યા પરંતુ મીડિયા સામે વાત કરતા તેઓ ડર અનુભવી રહ્યા છે. સૈયદપુરા વિસ્તારમાં રહેણાંક મકાનો ઉપરાંત કપડાં, જ્વૅલર્સ, મેડિકલ સ્ટોર, હૉસ્પિટલ અને સ્ટેશનરીની દુકાનો પણ છે.
છેલ્લી ચાર પેઢીથી સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ પારેખ કહે છે, ''અહીંના હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો ખૂબ શાંતિ અને ભાઈચારા સાથે રહેતા આવ્યા છે. બંને કોમના લોકો એકબીજાના પરિવારને મદદરૂપ બને છે પરંતુ જે ઘટના બની અને બાળકોને મોહરા બનાવવાનું કાર્ય થયું તે ખૂબ જ નિંદનીય છે.''
તેમના મત પ્રમાણે, "સારી વાત એ થઈ કે પોલીસ અને સ્થાનિક આગેવાનોએ મળીને વહેલી તકે માહોલ શાંત પાડ્યો હતો. પોલીસે અસામાજીક તત્વો સામે ત્વરિત કાર્યવાહી કરી છે. હવે અહીંના સ્થાનિક લોકોએ જ ભેગા મળીને આવી ઘટના ફરીથી ન બને તેનું ધ્યાન રાખવું પડશે."
1993થી આ વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા મનીષભાઈ ભૂતવાલાની દુકાનમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમના લોકો કામ કરે છે.
બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, ''વર્ષોથી હું અહીં ધંધો કરી રહ્યો છું અને બંને કોમના લોકો અમારા ગ્રાહકો છે પરંતુ આટલાં વર્ષોમાં અહીં બે કોમ વચ્ચે ક્યારેય ભેદભાવ જોવા મળ્યો નથી. અહીં બધા શાંતિથી રહેતા આવ્યા છે.''
સુરત પોલીસે આરોપો ફગાવ્યા

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
સમગ્ર ઘટનાને લઈ મુસ્લિમ સમુદાય દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય એ માટે માંગણી કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનામાં જે લોકોને આરોપીઓ બનાવ્યા છે તેમના પરિવારએ કરેલા આક્ષેપને લઈ ડીસીપી પિનાકીન પરમારે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે આ ઘટના સંદર્ભે પોલીસ પર લગાવાયેલા તમામ આરોપો નકાર્યા છે.
તેમણે જણાવ્યું, "જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય છે ત્યારે આરોપીઓ નિર્દોષ હોવાનું તેમનો પરિવાર કહેતો હોય છે, પરંતુ હાલ આ આરોપીઓની રિમાન્ડ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તપાસ દરમિયાન જે પણ હકીકત સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી થશે."
મંગળવારે જમિયત ઉલ્મા-એ-હિંદ – સુરતના પદાધિકારીઓએ સયુંકત પોલીસ કમિશનર વબાંગ જમીર અને કલેકટરને મળ્યા હતા.
રજૂઆતમાં જમિયત ઉલ્મા-એ-હિંદે કહ્યું કે બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અનેક નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન થયું છે.
જમિયતે ઉલ્મા એ હિંદ - સુરતના જનરલ સેક્રેટરી મુફ્તી ઇમરાન મેમણે બીબીસીને જણાવ્યું, ''રાજકીય દબાણમાં આવીને પોલીસે માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને અડધી રાત્રે મુસ્લિમ યુવાનોને ઘરમાંથી ઉઠાવી લઈ ગયેલ છે. જેમાં ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયેલ છે. તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખુબ જ દુઃખની લાગણી અનુભવે છે.''
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાતના મહામંત્રી નિલેશ અકબરીએ દાવો કર્યો કે ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના એક આગતરું કાવતરું હતું. લોકોએ પહેલેથી જ ઘરમાં પથ્થરોનો સંગ્રહ કરી રાખ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE
સુરતના સૈયદપુરામાં ગત તારીખ આઠમી સપ્ટેમ્બરના રોજ રીક્ષામાં આવેલા છ સગીરોએ ગણપતિ મંડપ પર પથ્થર મારો કર્યા બાદ આ વિસ્તારમાં કોમી શાંતિ ડહોળાઈ હતી. સૈયદપુરા પોલીસ ચોકી બહાર લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું, આ ટોળાં પર પથ્થરમારો થયો અને રોષે ભરાયેલા કેટલાક લોકોએ વાહનો સળગાવ્યા હતા.
નવ વાગે બનેલી ઘટના બાદ મોડી રાત્રે પરિસ્થિતિ વધુ ઉગ્ર બનતા સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને શહેરના પોલીસ કર્મીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ટીયરગૅસનાં શૅલ્સ છોડ્યાં હતાં. આ કાર્યવાહી દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા હતા.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા અને હિંસા ફેલાવનાર તમામ લોકો સામે કોઈપણ બાંધ છોડ કર્યા વગર કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી આપી હતી.
આ સમગ્ર પ્રકરણમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરનાર છ બાળકોની પોલીસે તરત જ અટકાયત કરી હતી, અને પથ્થરમારો કરનાર શખ્સોને પકડવા પોલીસે આખી રાત કૉમ્બિંગ કર્યું હતું, અને અન્ય 27 લોકોની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115 (1), 189, 190, 191 (2), 324 (4) અને 121 (1) મુજબ ગુનો દાખલ કરી તમામની ઘરપકડ કરી હતી. આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા છ સગીરોની બાળ સુધાર કેન્દ્રમાં મોકલી આપ્યા હતા.
હાલ આ તમામ બાળકોની જામીન અરજી મંજૂર થતા તેમને તેમનાં માતાપિતાને સોંપવામાં આવ્યા છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













