ગુજરાત : 200 વર્ષ પહેલાં તરણેતરનો કેમ શરૂ કરાયો હતો અને તેનો ઇતિહાસ શું છે?

તરણેતરનો મેળો

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, તરણેતરનો મેળો
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

હું તો ગઈ'તી મેળે

મન મળી ગયું મેળામાં

હૈયું હણાઈ ને ગયું તણાઈ

જોબનના રેલામાં, મેળામાં... મેળામાં...

આમ તો ગુજરાતના કોઈપણ લોકમેળા માટે આ વાત સાચી છે, જ્યાં યુવાનો ભેગા થાય અને હૈયાં મળી જતાં વાત આગળ વધે, પરંતુ તરણેતરના મેળા માટે આ વાત વિશેષ સાચી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન ખાતે આ મેળો યોજાય છે. લોકમેળાના કેન્દ્રમાં ત્રણ નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જેમના નામ પરથી આ વિસ્તાર અને મેળાનાં નામ ઊતરી આવ્યાં છે.

આ લોકમેળામાં યુવક-યુવતીઓ તેમનો પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય, આંખો મળે એટલે સ્વયંવરમાં જન્મજનમાંતરના કૉલ અપાય જતા. સમયની સાથે મેળાના સ્વરૂપમાં પરિવર્તન આવતું રહ્યું છે.

અહીં ભરાતું વિશિષ્ટ બજાર સાળી અને બનેવીના સંબંધમાં એક અલગ આયામ ઉમેરે છે.

સ્થાનિકોમાં ભાદરવા સુદ પાંચમના દિવસે અહીંના કુંડમાં સ્નાન કરવાની તથા પૂર્વજો માટે વિધિ કરવાની માન્યતા રહેલી છે.

ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે.

આ મેળો 200 વર્ષ પહેલાં શરૂ થયો હતો ત્યારબાદ તેમાં અનેક પરિવર્તનો આવ્યાં છે.

'ચાલો તરણેતર, ભાળશો ત્યાં પરણેતર'

તરણેતરનો મેળો

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, તરણેતરનો મેળો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તરણેતરના મેળામાં અલગ-અલગ સમાજનાં યુવક-યુવતીઓ તેમના સમાજનો પરંપરાગત પહેરવેશ પહેરીને સામેલ થાય છે. પરિણીત અને અપરિણીત યુવક-યુવતીઓ પણ તેમના પહેરવેશને આધારે ઓળખાય જતાં.

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ઇતિહાસના ઍસોસિયેટ પ્રોફેસર ડૉ. કુમારપાળ પરમારના કહેવા પ્રમાણે,

"છેલ્લાં લગભગ 200-250 વર્ષથી મેળો યોજાતો હોવાનું મનાય છે, પરંતુ તેના વિશે ચોક્કસ તારીખ કે માહિતી નથી મળતી."

"તરણેતરનો મેળો સ્વયંવર જેવો હતો, જેમાં યુવતી પહેરવેશ, દેખાવ, કદકાઠીને આધારે યુવકને પસંદ કરે. યુવતી છત્રી ખોલીને મેળામાં ઘુમતા યુવકની પાસે આવીને ઊભી રહી જાય. જો પરિવારજનોની મંજૂરી મળે તો ઔપચારિક રીતે લગ્નવિધિ થાય અન્યથા યુવક-યુવતી અન્યત્ર જઈને સંસાર માંડે."

તરણેતરના મેળામાં સામેલ થવા માટે યુવકો સોળ સળિયા વાળી છત્રીને આભલાં, બટનિયાં, ભરત, ટિક્કી, રૂમાલ, લટકણિયાંથી શણગારે છે. છત્રીની ટોચ ઉપર પોપટ, ગાય, વૃક્ષ, મોર, હાથી, ઘોડા વગેરે જેવાં આકર્ષણો પણ ઉમેરે છે. મેળા માટે કહેવાતું કે 'ચાલો તરણેતર, ભાળશો ત્યાં પરણેતર.'

વર્ષ 1978થી તરણેતરના મેળાના આયોજન સાથે સંકળાયેલા રામકુભાઈ ખાચરના કહેવા પ્રમાણે, "આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ તે તો ચોક્કસપણે કહી ન શકાય, પરંતુ શરૂઆત તળપદા કોળી સમાજના યુવકોએ તેને પ્રચલિત કરી છે."

"પહેલાં તે ખરા અર્થમાં સ્વયંવર હતો, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી માતાપિતા દ્વારા સંબંધ નક્કી થઈ જાય એ પછી યુવક છત્રી લઈને મેળામાં પહોંચે અને યુવતી તેની નીચે આવી જાય એ રીતે પરંપરા પાળે છે."

"અગાઉ નાની ઉંમરમાં લગ્ન નક્કી થઈ જતાં, પરંતુ જેની સાથે સંબંધ નક્કી થયો હોય એ એકબીજાને ઓળખતા ન હોય. આવા સમયે છોકરો તેના મિત્રો કે પરિવારના ભાઈઓ સાથે મેળામાં આવે, જ્યારે યુવતી તેની ભાભીઓ, સખીઓ કે બહેનો સાથે મેળામાં આવે. પોતે કેવાં કપડાં પહેરીને મેળામાં આવશે, એનો સંદેશ અગાઉથી જ વાગ્દતા સુધી પહોંચાડી દે. આમ મેળામાં તેમનો મેળાપ થતો."

તરણેતરના મેળામાં એક બજાર 'બનેવીના બજાર' તરીકે ઓળખાતું, જેમાં યુવતીઓ કે બાળકીઓ ખરીદી કરતી. ખાચરના કહેવા પ્રમાણે, "મેળામાંથી ખરીદી કરવા માટે બનેવી તેની સાળીને પૈસા આપે એવી પરંપરા ખરી, પરંતુ કોઈ અલગ બજાર જેવું રહ્યું નથી."

પહેરવેશમાં તાજેતરનાં વર્ષોમાં શર્ટ-પૅન્ટ અને જીન્સ-ટીશર્ટનું ચલણ વધ્યું હોવાનું પણ રામકુભાઈ ખાચર અવલોકે છે.

મેળાનાં બદલાતાં સ્વરૂપ

તરણેતરનો મેળો

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, તરણેતરનો મેળો તેની રંગબેરંગી છત્રીને કારણે ઓળખાય છે

રમકડાં, ફજેત ફાળકો, મોતનો કૂવો, ચકડોળ, કટલરીની હાટડીઓ, લાકડીઓ, પરંપરાગત વસ્ત્રો, ચા-પાણી, ખાણી-પીણીના સ્ટૉલ વગેરે જેવાં નિયમિત આકર્ષણો તરણેતરના મેળામાં પણ જોવા મળે છે. અહીં લેવાતાં ટિટોડો, હુડો, ત્રણ તાળીરાસ, દાંડિયારાસ, મટકીરાસ, મટકી સાથે હિંચ પણ મેળાનાં આકર્ષણો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સરકારના કૃષિ, આરોગ્ય, પશુસંવર્ધન, સિંચાઈ, સામાજિક ન્યાય વગેરે મંત્રાલયો સ્ટૉલ નાખીને અલગ-અલગ મુદ્દે જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે અથવા તો મેળાના આયોજનમાં મદદરૂપ થાય છે.

રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયની પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના રહીશો માટે વેશભૂષા, છત્રી સજાવટ, પરંપરાગત ભરત ગૂંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક-ડમરુ સાથે ગાયન, વાંસળી, પાવો, જોડિયા પાવા, રાવણહથ્થા સાથે ગાયન, ભવાઈ, બહુરૂપી, લાકડી ફેરવવી, હુડો, લોકનૃત્ય, મોરલી, શરણાઈ અને ઢોલ જેવી અલગ-અલગ 24 પ્રકારની પારંપરિક સ્પર્ધાઓ યોજવામાં આવે છે.

રામકુભાઈ ખાચરના કહેવા પ્રમાણે, "પહેલાં સ્થાનિકો દ્વારા બળદગાડા સ્પર્ધા અને ઘોડાદોડ વગેરે માટે ઇનામ આપવામાં આવતાં. વર્ષ 1981માં ગુજરાત સરકાર દ્વારા મેળામાં સુવિધાઓ વધારવા માટે રૂ. 25 લાખ જેવી રકમ ફાળવી હતી. એ પછી આ મેળો દેશદેશાવરમાં ખૂબ જ લોકપ્રિય થયો. હાલ લગભગ ત્રણ કિલોમીટર જેટલા લાંબા અને પહોળા વિસ્તારમાં તેનું આયોજન થાય છે. રાવટીઓમાં ચોવીસેય કલાક ભજનકિર્તન ચાલતાં રહે."

ગુજરાત સરકારની પુસ્તિકામાં આપવામાં આવેલી માહિતી (પેજ 11) પ્રમાણે, વર્ષ 2008થી પશુસંવર્ધન હરિફાઈ યોજાય છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓનું ખરીદવેચાણ થાય છે. આ સિવાય પશુઓના સંવર્ધન વિશે પણ માહિતી આપવામાં આવે છે.

વર્ષ 2024માં તરણેતર ખાતે 19મી ગ્રામીણ ઑલિમ્પિક યોજાઈ. કબડ્ડી, ઘોડાદોડ, બળદગાડા દોડ, હુતુતુ, ખોખો, કુસ્તી, દોરડા ખેંચવા,લાડવા ખાવા જેવી પરંપરાગત હરિફાઈઓ યોજાય છે.

પ્રિતમ તળાવ પાસે વાસુકી મંદિર, પાપનાશન કુંડ, સૂર્યમંદિર વગેરે તરણેતરની આસપાસનાં પ્રવાસનનાં આકર્ષણો છે.

તરણેતરનું ત્રિનેત્રેશ્વર મંદિર કોણે બંધાવ્યું?

'તરણેતરનું મંદિર મંડોવરરહિત નાગરા શૈલીનું'

ઇમેજ સ્રોત, @CollectorSRN

ઇમેજ કૅપ્શન, 'તરણેતરનું મંદિર મંડોવરરહિત નાગરાશૈલીનું'

પરંપરાગત રીતે ચોથના દિવસે પાળિયાદના મંદિરેથી 52 ગજની ધજા આવે અને એ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરને ચઢે.

સૌરાષ્ટ્ર વિસ્તારના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરનારા અંગ્રેજ સૈન્યઅધિકારી જૅમ્સ વૉટ્સન 'બૉમ્બે ગૅઝેટિયર'ના ભાગરૂપે 'સ્ટૅટસ્ટિકલ ઍકાઉન્ટ ઑફ જૂનાગઢ' નામના પુસ્તકમાં (વર્ષ 1884, પેજ 119-120) લખે છે કે વર્ષ 1811માં ગાયકવાડના દીવાને મંદિરનું સમારકામ કરાવડાવ્યું હતું. એ પહેલાંનું મંદિર જૂનાગઢના શાસક રા'નવઘણના સમયમાં (વર્ષ 1265) બાંધવામાં આવ્યું હતું. કચ્છના અંજારથી આવેલા ભગવાનનાથનો અહીં નિવાસ હતો અને તેઓ માત્ર દૂધ લેતા.

વૉટ્સન તેમના પુસ્તકમાં લખે છે કે આસો મહિનામાં બે દિવસ માટે મેળો ભરાય છે, જેમાં એક હજાર જેટલા લોકો એકઠાં થાય છે.

હેન્રી કૉસેન્સ તેમના પુસ્તક 'સોમનાથ ઍન્ડ અધર મિડવૅઇલ ટૅમ્પલ્સ'માં (1931, પેજ 46-52) આ સિવાય વર્ષ 1690માં ગુજરાતના સુબેદાર સુજાત ખાનની ઝાલાવાડમાં 'મુલ્કગિરિ' દરમિયાન અહીંનાં મંદિરો તોડવામાં આવ્યાં હોવાનું લખે છે.

હૅન્રીએ તેમના પુસ્તકની અનુસૂચિમાં વર્ષ 1890માં ત્રિનેત્ર મંદિરની તસવીર પ્રકાશિત કરી છે, જેમાં મંડપ અને શિખર મેળ વગર જોડાયેલાં હોવાનું અવલોકે છે. પુસ્તકમાં વર્ષ 1898માં સ્થાનિક રાજાના કહેવાથી જૂની ઇમારત તોડી પાડવામાં આવી હતી અને તેના સ્થાને નવનિર્માણ હાથ ધરવામાં આવ્યું હોવાનું પણ હૅન્રી નોંધે છે.

ગુજરાતમાં મંદિરનિર્માણ માટે વિખ્યાત સોમપુરા સમાજના કારીગરો દ્વારા આ મંદિરનું કામ કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશમાં અનેક મંદિરનું નિર્માણકાર્ય કરનારા રાજેશ સોમપુરાના કહેવા પ્રમાણે, "તરણેતરનું મૂળ જૂનું મંદિર 10મી સદીમાં મિહિર ભોજ દ્વારા બાંધવામાં આવ્યું હતું."

"મૂળ પાલીતાણાના ઓઘડભાઈના નેતૃત્વમાં સોમપુરા કારીગરો દ્વારા વર્ષ 1898માં મંદિરનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અસલ મંદિર જેવું જ દેવાલય બનાવવા માટે પ્રયત્ન થયો હતો. છતાં મંદિરનાં પગથિયાં અને વરંડાએ બદલાયેલા સમયની છાપ ધરાવે છે. નાગરાશૈલીના મંદિરની વિશિષ્ટતા એ છે કે તે મંડોવરરહિત છે."

મંદિરમાં ગર્ભગૃહમાં પીઠની ઉપર ચણવામાં આવતો અલંકૃત ભાગ મંડોવર તરીકે ઓળખાય છે, જેની રચના અનેકવિધ સમતલ થરો દ્વારા થતી હોય છે. મંદિરમાં બે શિવલિંગ છે, જેમાં મોટું પ્રાચીન છે, જ્યારે નાનું જીર્ણોદ્ધાર વખતે સ્થાપિત કરવામાં આવ્યું હતું.

'સ્વાગતમ્ ગુજરાત'માં રજની વ્યાસ (પેજ 192) લખે છે કે લખતરના રાજવી કરણસિંહએ તેમનાં કુંવરીની સ્મૃતિમાં વર્ષ 1902માં આ મંદિર બંધાવ્યું હતું. હાલમાં મંદિર ઉપરાંત શિવ, બ્રહ્મા અને વિષ્ણુ કુંડ ભારતીય પુરાતત્વીય વિભાગ દ્વારા સંરક્ષિત છે.

શ્રદ્ધા અને પરંપરા

તરણેતરના મેળામાં આયોજિત બળદગાડા દોડની સ્પર્ધા

ઇમેજ સ્રોત, narendramodi.in

ઇમેજ કૅપ્શન, તરણેતરના મેળામાં યોજાતી બળદગાડા દોડની સ્પર્ધા

રાજ્ય સરકાર દ્વારા 'ગુજરાતના લોકોત્સવો અને મેળા'ના નામથી પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં (પેજ 10-11) ઉપર તરણેતરના મેળા વિશે ઉલ્લેખ છે. જેમાં સ્કંદપુરાણને ટાંકતા હિંદુ માન્યતાનો ઉલ્લેખ થયેલો છે, જે મુજબ:

ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે 1001 કમળ ચઢાવવાનાં હતાં, પરંતુ છેવટે એક કમળ ખૂટ્યું. વિષ્ણુનું એક નામ 'કમલનયન' છે, એટલે તેમણે પોતાની આંખને કમળ તરીકે ચઢાવી, જેથી તે 'ત્રિનેત્રેશ્વર' કે ત્રણ નેત્રવાળા મહાદેવ તરીકે ઓળખાયા. પ્રસન્ન થઈને શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું.

જોકે, આ મુદ્દે વાદ રહ્યો છે. અન્ય એક માન્યતા પ્રમાણે, ભગવાન વિષ્ણુએ વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે શિવની તપસ્યા કરી હતી અને ત્યાં કમળ ખૂટતા જમણું નેત્ર ચઢાવ્યું હતું. વિષ્ણુની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે તેમને સુદર્શન ચક્ર આપ્યું. આ ઘટનાના અનુસંધાને કારતક સુદ 14ને 'વૈકુંઠ ચતુર્દશી' તરીકે ઓળખાય છે. (ઇન્ડિયન ઍન્સાક્લૉપીડિયા, વૉલ્યુમ-1, 3904)

રાજ્ય સરકારના ઉપરોક્ત પુસ્તકમાં અન્ય એક દંતકથા ટાંકવામાં આવી છે, જે મુજબ આ વિસ્તારમાં પાંચ ઋષિઓના આશ્રમ હતા, જેમણે મંદિરની ફરતે કુંડમાં તપશ્ચર્યા કરી અને ગંગાજીને અહીં પધારવા આહ્વાન કર્યું, જેથી હરિદ્વાર, ઋષિકેશ કે અન્ય ગંગાકિનારે જઈ શકે તેમ ન હોય, તેઓ અહીં સ્નાન કરે અને અસ્થિવિસર્જન કરી શકે.

આ માન્યતાને કારણે ભાદરવા સુદ પાંચ એટલે કે 'ઋષિ પાંચમ'ના રોજ લોકો મંદિરની ફરતેના કુંડમાં પિત્તૃઓના અસ્થિવિસર્જન માટે તરણેતર આવે છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.