ગણપતિની મૂર્તિ જેનાથી બને તે પીઓપી શું છે અને વિસર્જન બાદ તેનું શું થાય છે

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
- લેેખક, જ્હાનવી મૂળે
- પદ, બીબીસી મરાઠી
ગણેશોત્સવ દરમિયાન તાજેતરમાં જોવા મળ્યું છે કે દર વર્ષે પ્લાસ્ટર ઑફ પેરિસ એટલે કે પીઓપીની બનેલી મૂર્તિની ચર્ચા થાય છે.
આજે પણ ભગવાન ગણેશની મૂર્તિ બનાવવામાં પ્લાસ્ટર ઑફ પેરિસ (પીઓપી)નો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને સાર્વજનિક પંડાલમાં ગણેશની મૂર્તિઓ મોટા ભાગે પીઓપીની બનેલી હોય છે.
તાજેતરમાં આ અંગે એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન બૉમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઝાટકી હતી. થાણેસ્થિત પર્યાવરણ કાર્યકર્તા રોહિત જોશી અને માટીની ગણેશ મૂર્તિઓ બનાવતા નવ કારીગરો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.
કોર્ટે આના પર સુનાવણી કરતા સરકારને ગણેશમંડળો પીઓપીની મૂર્તિઓનો ઉપયોગ ન કરે એ વાત પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો છે. પરંતુ અનેક ગણેશમંડળો પહેલેથી મૂર્તિઓ લાવી ચૂક્યા છે. તેથી ગણેશોત્સવની પૂર્વ સંધ્યાએ ફરી એકવાર પીઓપીની મૂર્તિઓ ચર્ચામાં આવી ગઈ છે.
રોહિત જોશી કહે છે કે, રાજ્યભરમાં લગભગ 1.20 કરોડ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે અને તેમાંથી 80 ટકાથી વધુ મૂર્તિઓ પ્લાસ્ટર ઑફ પેરિસની બનેલી છે.
એકલા મુંબઈને ધ્યાનમાં લેવામાં આવે તો 2023ના મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેટા મુજબ મુંબઈ શહેરમાં લગભગ 12 હજાર ગણેશમંડળો છે. આ ઉપરાંત દર વર્ષે લગભગ બેથી અઢી લાખ ઘરેલુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે.
સ્થાનિક નગરપાલિકાઓ આ મૂર્તિઓના વિસર્જન માટે વિવિધ સ્થળોએ કૃત્રિમ તળાવનો ઉપયોગ કરે છે.
જો કે, પર્યાવરણવાદીઓનું કહેવું છે કે મૂર્તિના વિસર્જન પછી પેદા થતા કીચડ અને તેના પાણીનો યોગ્ય રીતે નિકાલ નથી થતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીઓપી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પીઓપી એટલે પ્લાસ્ટર ઑફ પેરિસ એ એક પ્રકારનો પાઉડર છે. આ પાઉડર ખનિજ જીપ્સમ (કેલ્શિયમ સલ્ફેટ)માંથી તૈયાર કરવામાં આવે છે.
કેટલીય સદીઓથી પ્લાસ્ટર ઑફ પેરિસ અથવા આ પ્રકારની સામગ્રીનો ઉપયોગ બાંધકામમાં, મૂર્તિઓ અથવા રમકડાં બનાવવા અને નકશીકામમાં કરવામાં આવે છે.
હિંદુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન ગણેશની પૂજા ભાદરવા મહિનાની પ્રથમ ચતુર્થી એટલે કે શુક્લ ચતુર્થીએ કરવામાં આવે છે. ગણેશની આ મૂર્તિ માટીની હોવી જોઈએ એવું માનવામાં આવે છે.
પંચાંગ નિર્માતા સોમણ તેની પાછળનું કારણ જણાવતા કહે છે, “ભાદરવા મહિનામાં ખેતરોમાં અનાજ તૈયાર થાય છે. તેથી પૃથ્વી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેથી જ તેને પાર્થિવ પૂજા કહેવામાં આવે છે."
"શાસ્ત્રોમાં કહેવાયું છે કે ખેતરોમાં જઈને ત્યાંની માટીનું પૂજન કરીને ત્યાં જ વિસર્જન કરી દેવું જોઈએ. પરંતુ દરેક વ્યક્તિ મૂર્તિ બનાવી શકતી નથી. તેથી સમય વીતવાની સાથે મૂર્તિપૂજકો પાસેથી મૂર્તિઓ લઈને ઘરે લઈ જઈને ત્યાં સ્થાપિત કરીને તેની પૂજા કરવાની પ્રથા પ્રચલિત થઈ."
ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં મુખ્ય રૂપથી માટીનો ઉપયોગ થતો હતો. તેના બદલે પીઓપીનો ઉપયોગ ક્યારથી શરૂ થયો તેની કોઈ નક્કર માહિતી નથી. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં પીઓપીની મૂર્તિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
પીઓપીની મૂર્તિઓ વધુ આકર્ષક બને છે. પીઓપીની મૂર્તિ બનાવતા કુણાલ પાટીલ કહે છે કે, "આ મૂર્તિ બનાવવી પ્રમાણમાં સરળ હોય છે અને સરળતાથી મોટા પ્રમાણમાં બનાવી શકાય છે." તેમની મૂર્તિની દુકાન રાયગઢ જિલ્લાના પેનમાં છે જે ગણેશની મૂર્તિઓ માટે પ્રખ્યાત જગ્યા છે.
કુણાલ પાટીલ કહે છે, “માટીની મૂર્તિઓની સરખામણીમાં પીઓપીની મૂર્તિઓ વધુ ટકાઉ હોય છે, તેથી લાંબી મુસાફરી દરમિયાન તે તૂટી જવાનું જોખમ ઓછું હોય છે. તેથી જ તેનો ઉપયોગ મોટા કદની મૂર્તિઓ બનાવવા માટે થતો હતો. આ મૂર્તિઓ માટીની મૂર્તિઓ કરતાં સસ્તી પડે છે.”
પીઓપી અને જળપ્રદૂષણ

ઇમેજ સ્રોત, Sharad Badhe/BBC
તેના સમર્થકો દાવો કરે છે કે પીઓપી કુદરતી ખનિજોમાંથી બનાવવામાં આવે છે અને તેની પર્યાવરણ પર વધુ અસર થતી નથી. પરંતુ મૂર્તિના વિસર્જન દરમિયાન પીઓપીનો મોટો જથ્થો પાણીમાં ભળી જાય છે.
વર્ષ 2007માં આઈઆઈટી મુંબઈના સેન્ટર ફૉર એન્વાયર્નમેન્ટલ સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે આ પીઓપીમાં હાજર સલ્ફેટ પાણીના કુદરતી સ્ત્રોતોને નુકસાન કરી રહ્યું છે.
અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીઓપીને પાણીમાં ઓગળવામાં લાંબો સમય લાગે અને જળચર જીવોને પણ અસર કરે છે.
તેથી 2008માં બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે પહેલી વખત પીઓપીની ગણેશની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો અને સરકારને મૂર્તિઓ તથા તેનું વિસર્જન કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શિકા ઘડવાનો આદેશ આપ્યો હતો.
જોકે, આ પ્રતિબંધ તરત જ અમલમાં આવ્યો ન હતો અને વારંવાર મુલતવી રાખવામાં આવ્યો હતો અથવા મામલો કોર્ટમાં ગયો હતો.
2010માં સૅન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ગણેશ મૂર્તિઓના વિસર્જન અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી.
ત્યારબાદ 2012માં પ્રતિબંધનો મામલો ફરીથી હાઈકોર્ટમાં ગયો હતો. 2020માં પણ પ્લાસ્ટર ઑફ પેરિસ ગણેશની મૂર્તિઓ, ખાસ કરીને તેમના વિસર્જન પર પ્રતિબંધ યથાવત્ રહ્યો.
મે, 2020માં સૅન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આદેશ જારી કર્યો કે કોઈ પણ ભગવાનની મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઑફ પેરિસનો ઉપયોગ નહીં કરી શકાય.
મૂર્તિ બનાવનારાઓની દલીલો સાંભળ્યા પછી કોર્ટે આદેશ આપ્યો કે તે સમયે તૈયાર કરાયેલી મૂર્તિઓ વેચી શકાશે, પરંતુ તળાવ કે નદીમાં તેનું વિસર્જન નહીં કરી શકાય.
કોર્ટની ખંડપીઠે અરજદારોને કોર્ટમાં લેખિત સોગંદનામુ દાખલ કરવા પણ કહ્યું જેમાં લખેલું હોય કે મૂર્તિકારો કોઈ પણ દેવતાની પીઓપીની મૂર્તિઓ બનાવવાનું બંધ કરશે. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ તેનો અમલ નથી થયો. બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે ગણેશની મૂર્તિઓ બનાવવા માટે મૂર્તિકારો હજુ પણ પીઓપીનો જ ઉપયોગ કરી રહ્યા છે.
કોર્ટે કહ્યું કે, “પીઓપીની મૂર્તિઓ બનાવનારાઓને રોકવા માટે કોઈ પણ કાર્યવાહી કે દંડ નથી. તમારે થોડી સજા અથવા કમસે કમ દંડ તો લાદવો પડશે, નહીતર આ ચાલુ જ રહેશે. અમે એમ નથી કહેતા કે મૂર્તિ બનાવનારાઓને જેલમાં પૂરી દો, પરંતુ થોડો તો દંડ વસૂલવો જોઈએ," કોર્ટે એમ પણ કહ્યું કે આ કલાકારની આજીવિકાનો પણ પ્રશ્ન છે.
કોર્ટે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અન્ય હિસ્સેદારોને આ મામલે તેમની દલીલો રજૂ કરવા માટે સમય આપ્યો છે અને આ સંદર્ભમાં આગામી સુનાવણી 21 ઑક્ટોબરે હાથ ધરવામાં આવશે.
પરંતુ તે પહેલાં ગણપતિનું વિસર્જન થશે અને કુદરતી જળસ્ત્રોતો પર તેની અસર ન થાય તેની સરકારે કાળજી રાખવી પડશે.
કૃત્રિમ તળાવમાં વિસર્જનથી પર્યાવરણને નુકસાન થાય?

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન છેલ્લાં કેટલાંક વર્ષોમાં લોકોમાં જાગૃતિ વધી છે અને લોકો પીઓપીને બદલે માટીની મૂર્તિઓ ખરીદવા તરફ આકર્ષાઈ રહ્યા છે.
કેટલાક લોકોએ સરળ વિકલ્પો શોધી કાઢ્યા છે. જેમ કે ઘરે જ સાદી માટીના ગણેશ બનાવવા, તેને બગીચામાં વિસર્જિત કરવા, નાનકડી મૂર્તિ સ્થાપિત કરવી, ધાતુની મૂર્તિ સ્થાપિત કરવી અથવા દર વર્ષે તે જ મૂર્તિને ફરીથી શણગારવી, વગેરે. પરંતુ આવા લોકોની સંખ્યા ઓછી છે.
ઘણા ભક્તો કહે છે કે અમે જ્યારે મૂર્તિ લેવા જઈએ છીએ ત્યારે ખબર નથી પડતી કે કઈ મૂર્તિ માટીની છે અને કઈ પીઓપીની છે.
તેમજ કેટલાક લોકો મૂર્તિનું વિસર્જન ઘરની ટાંકીમાં કરે છે અને પછી આ પાણીનું શું કરવું તે પ્રશ્ન ઊભો થાય છે.
કુદરતી સામગ્રીમાંથી બનેલી મૂર્તિઓ પરનાં રંગો અને સજાવટ પણ પર્યાવરણ માટે હાનિકારક હોઈ શકે છે. તેથી આવી મૂર્તિઓનું નદી-નાળામાં વિસર્જન કરવાથી માનવી અને પ્રાણીઓના શરીરમાં ઝેરી તત્ત્વો પ્રવેશી શકે છે.
તેથી બૉમ્બે કોર્ટની બેન્ચે વર્ષ 2021માં સ્પષ્ટ કર્યું કે સ્થાનિક વહીવટી તંત્ર અને સરકારે આ મૂર્તિઓને કુદરતી સ્ત્રોતોમાં વિસર્જન કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવાની જરૂર છે.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક જગ્યાએ ગણેશની મૂર્તિઓને દાન પણ કરવામાં આવે છે. જો કે, તેનાથી એકત્ર કરાયેલી સેંકડો મૂર્તિઓનું શું કરવું તેવો પ્રશ્ન ઊભો થાય છે.
કૃત્રિમ તળાવમાં વિસર્જનનો વિકલ્પ ઘણી જગ્યાએ ઘણા સમયથી અમલમાં છે. પરંતુ દરેક જગ્યાએ તેનો અમલ થયો નથી. તેમજ વિસર્જન બાદ આ તળાવમાં પાણી અને માટીનું શું થશે તે પણ એક પ્રશ્ન છે.
મીરા ભાયંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને હર્ષદ દાઘેની આરટીઆઈ અરજીમાં આ માહિતી આપી છે. મૂર્તિઓના વિસર્જન પછી જે કાદવ અને પાણી રહી જાય તેને સમુદ્ર અથવા ખાડીમાં છોડવામાં આવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગયા વર્ષે રોહિત જોશીએ પણ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનને આવી જ વિનંતી કરી હતી. થાણેની ખાડી પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વેટલૅન્ડ છે. છતાં ત્યાં મોટી સંખ્યામાં ગણેશની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું.
18 સપ્ટેમ્બર, 2023ના રોજ રોહિત જોશીની આરટીઆઈ અરજીનો જવાબ આપતા થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ખાડીના કિનારે જ્યાં વિસર્જન થઈ રહ્યું હતું તેની યાદી આપી હતી.
મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે જ્યાં કૃત્રિમ તળાવ છે ત્યાં પાણીને ટ્રીટમેન્ટ કરીને ગટરમાં છોડવામાં આવે છે. આ ઉપરાંત મહાનગરપાલિકાએ માહિતી આપી હતી કે વિસર્જન પછી કૃત્રિમ તળાવમાં જમા થયેલા કાદવને પ્રોસેસ કરીને થાણેની ખાડીમાં છોડવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનને આ વર્ષની સ્થિતિ વિશે પૂછ્યું. મહાનગરપાલિકાના મુખ્ય પર્યાવરણ અધિકારી મનીષા પ્રધાને આ માહિતી આપી છે.
તેમણે કહ્યું, “સીપીસીબી માર્ગદર્શિકા મુજબ કૃત્રિમ તળાવમાં પાણીને અલગ કરવું જોઈએ અને વિસર્જન પછી ત્યાં જમા થયેલા કાદવને અલગ કરવો જોઈએ. અમે મુખ્યત્વે દેશી મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરીએ છીએ. અમે તેમાં બે ફૂટથી વધારે મોટી મૂર્તિઓ સ્વીકારતા નથી.
“ગયા વર્ષે લગભગ 60 ટકા મૂર્તિઓ માટીની બનેલી હતી. વિસર્જન પછી અમે તેમાંથી રડાર દૂર કર્યું અને ટીએમપીના કેટલાક વિસ્તારમાં તાડપત્રી પાથરીને તેને ફેલાવી દીધું.
હાલમાં થાણેમાં 9 વિસર્જન ઘાટ, 15 કૃત્રિમ તળાવો, 10 મૂર્તિ સ્વીકૃતિ કેન્દ્રો, 49 ટેન્ક વિસર્જન પ્રણાલીઓ અને છ ફરતી વિસર્જન વ્યવસ્થા બનાવવામાં આવી છે.
મોટી સાર્વજનિક ગણેશ મૂર્તિઓ વિશે મનીષા કહે છે કે, “કોવિડના સમયમાં ચાર ફૂટની મૂર્તિનો માપદંડ યોગ્ય હતો. કૃત્રિમ તળાવનું કદ એટલું મોટું નથી, તેથી મોટી પીઓપી મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાતું નથી."
"અમે હવે જાહેર સંસ્થાઓને કોર્ટના આદેશ વિશે જાણ કરી છે અને તેમને તેનું પાલન કરવા કહ્યું છે."
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશને આપેલી માહિતી અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરીથી પીઓપીનો ઉપયોગ ન કરવા અંગે ગણેશની મૂર્તિ બનાવનારાઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટમાં પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેમણે આ વખતે મૂર્તિ બનાવનારાઓને 611 ટન માટીનું વિતરણ કર્યું છે. તેમજ બીએમસીએ કોર્ટને કહ્યું હતું કે મૂર્તિ નિર્માતાઓને માટીની મૂર્તિઓ બનાવવા માટે જગ્યા આપવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












