તમે પ્રાર્થના કરો કે ધ્યાન ધરો છો ત્યારે તમારા મગજમાં શું થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નાર્નિયા નામની સાહિત્યિક રચના માટે વિખ્યાત બ્રિટિશ લેખક સી એલ લેવિસને એક શબ્દસમૂહનું શ્રેય આપવામાં આવે છે. એ શબ્દસમૂહ ઘણા લોકો માટે પ્રાર્થનાનો અર્થ શું છે તે વર્ણવે છે.
લેવિસે એકવાર કહ્યુ હતું, “હું પ્રાર્થના કરું છું, કારણ કે બીજો વિકલ્પ નથી, કારણ કે હું દુઃખી છું. હું પ્રાર્થના કરું છું કારણ કે હું જાગતો હોઉં કે ઉંઘતો હોઉં, પ્રાર્થના કરવાની લાગણી મારા હૃદયમાંથી સતત વહેતી રહે છે. તેનાથી ભગવાન બદલાતા નથી, એ મને બદલી નાખે છે.”
બીબીસીના વિજ્ઞાન વિષયક કાર્યક્રમ ક્રાઉડસાયન્સનાં શ્રોતા હિલેરી પ્રાર્થના કરે છે અથવા તો ફરવા જાય છે ત્યારે કંઈક આવું જ અનુભવે છે. હિલેરી કહે છે, "હું પ્રાર્થના કરું છું ત્યારે મને ઈશ્વર સાથે જોડાયાનો અનુભવ થાય છે, પરંતુ પ્રાર્થનામાં વૈવિધ્ય હોય છે. તે એક ક્ષણની શાંતિમાં થઈ શકે છે, તે શબ્દહીન હોઈ શકે છે અને ઘણીવાર ચર્ચમાં સમૂહ પ્રાર્થના સ્વરૂપની પણ હોય છે."
હવે તેઓ પ્રાર્થના કરવા બેસે છે ત્યારે તેમના મનમાં સવાલ થાય છે કે "પ્રાર્થના મારા મગજ અને માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે?"
પ્રાર્થના કરતા લોકોના મગજમાં શું થાય છે તે સમજવાનો અને પ્રાર્થના ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલી છે કે કેમ અથવા ધ્યાન કરતા લોકોમાં કે સર્જનાત્મક જીવન જીવતા લોકોમાં તે સહજ હોય છે કે કેમ તે જાણવા ક્રાઉડસાયન્સની ટીમે નિષ્ણાતો સાથે પરામર્શ કરવાનો નિર્ણય કર્યો હતો.
પહેલાં મગજની વાત

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની થોમસ જેફરસન યુનિવર્સિટીની માર્કસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ટિગ્રેટિવ મેડિસિનના રિસર્ચ વિભાગના ડિરેક્ટર એન્ડ્રુ ન્યુબર્ગે તેમના દર્દીઓની માનસિક સુખાકારી પર પ્રાર્થના અને અન્ય ધાર્મિક પ્રથાઓની અસરનો અભ્યાસ કરવા પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
પ્રાર્થના કરતી વ્યક્તિના મગજના એક્ટિવેટ થતા પ્રદેશોને તેમની ટીમ એમઆરઆઈના ઉપયોગ વડે નિહાળી શકે છે.
તેમણે બીબીસીને કહ્યું, "પ્રાર્થના કરવાની એક સામાન્ય રીત એ છે, જેમાં કોઈ વ્યક્તિ તેની આદતના ભાગરૂપે ચોક્કસ પ્રાર્થનાનું વારંવાર પુનરાવર્તન કરે છે. કોઈ વ્યક્તિ આવું કરે ત્યારે સક્રિય થતા તેના મગજના હિસ્સો પૈકીનો એક મગજનો આગળનો ભાગ (ફ્રન્ટલ લોબ) હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ આશ્ચર્યજનક નથી, કારણ કે આપણે કોઈ પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે ફ્રન્ટલ લોબ સક્રિય થતો હોય છે. લોકો"ઊંડી પ્રાર્થના" કરે છે ત્યારે શું થાય છે એ જાણીને ન્યૂબર્ગને આશ્ચર્ય થયું હતું.
તેમણે કહ્યું, "વ્યક્તિને લાગે કે તે સંપૂર્ણપણે પ્રાર્થનામય થઈ ગઈ છે ત્યારે ફ્રન્ટલ લોબની પ્રવૃત્તિમાં ખરેખર ઘટાડો થાય છે. આવું ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિને લાગે છે કે એ અનુભવ ઉત્પન્ન કરનાર નથી, પરંતુ તેને કોઈ અગમ્ય અનુભૂતિ થઈ રહી છે."
ન્યૂબર્ગને જાણવા મળ્યું હતું કે ઊંડી પ્રાર્થનાને કારણે મગજના પાછલા હિસ્સામાં (પેરિએટલ લોબ) ગતિવિધિ ઘટી જાય છે. આ પ્રદેશ શરીર પાસેથી સંવેદનકારી માહિતી પ્રાપ્ત કરે છે અને તેનું કલ્પનાચિત્ર બનાવે છે.
ન્યૂબર્ગના જણાવ્યા મુજબ, પેરિએટલ લોબમાંની ઘટેલી ગતિવિધિ, ઊંડી પ્રાર્થના કરતા લોકોને થતી પારલૌકિકતાની અનુભૂતિને દર્શાવી શકે છે."આ ક્ષેત્રમાં ગતિવિધિ ઘટવાની સાથે આપણે વ્યક્તિગતતાની ભાવના ગૂમાવી દઈએ છીએ અને કશાક સાથે સંધાનની, જોડાણની લાગણી અનુભવીએ છીએ."
શ્રદ્ધાનો મુદ્દો?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હિલેરીના મતાનુસાર ન્યૂબર્ગની સ્પષ્ટતા અર્થપૂર્ણ છે અને તેઓ પ્રાર્થના કરે છે ત્યારે તેમને જે અનુભૂતિ થાય છે તેને સંબદ્ધ છે. હિલેરી કહે છે, “મને લાગે છે કે વ્યક્તિગતતાની લાગણી ગુમાવવાને, હું ચિંતનશીલ પ્રાર્થના કરતી હોઉં ત્યારે ઈશ્વર સાથે અનુભવાતા જોડાણ સાથે સંબંધ છે.”
જોકે, પ્રાર્થના એક અત્યંત વ્યક્તિગત અનુભવ છે. હિલેરીને તે અનુભવ બેસીને કે પ્રકૃતિમાં ટહેલતાં થઈ શકતો હોય તો અન્ય લોકો માટે તે સંપૂર્ણ મૌન કે મંત્રાચ્ચારના માધ્યમથી ઈશ્વર સાથે થતો સંવાદ હોઈ શકે છે.
પ્રાર્થના જેવો જ, પરંતુ કોઈ ધાર્મિક આધાર ન ધરાવતો બીજો અભ્યાસ ઊંડી આસ્થા ધરાવતા લોકોમાં સમાન અસર પેદા કરી શકે?
મેડિટેશન અને માઈન્ડફુલનેસ પ્રેક્ટીસિસના નિષ્ણાત ટેસ્સા વાટે હજારો લોકો સાથે કામ કર્યું છે. તેઓ માને છે કે આ સ્થિતિ વર્તમાન અને આપણે જે સંવેદના અનુભવીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રાપ્ત કરી શકાય છે.
ટેસ્સા વાટ કહે છે, "મને લાગે છે કે પ્રાર્થના અને માઈન્ડફૂલનેસ બંને વ્યક્તિને શાંત કરવામાં મદદ કરે છે, જેથી તેમની પાસે પોતાના માટે વધારે સમય રહે અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય પણ થાય."
નર્વસ સિસ્ટમ બે અલગ-અલગ સ્વાયત પ્રણાલીઓથી બનેલી હોય છે, જે શરીરના મોટાભાગના ઓટોમેટિક પ્રતિસાદને નિયંત્રિત કરે છે.
સિમ્પેથેટિક સિસ્ટમ, શરીરે કોઈ જોખમ સામે ત્વરિત પ્રતિક્રિયા આપવી જરૂરી હોય તે એટલે કે "ફાઇટ કે ફ્લાઈટ" પ્રતિભાવ તરીકે ઓળખાતી બાબતોને નિયંત્રિત કરે છે. બીજી તરફ શરીરના આરામ તથા પાચન કાર્યોને પેરાસિમ્પેથેટિક સિસ્ટમ નિયંત્રિત કરે છે.
ટેસ્સા વાટ કહે છે, "તેનો અર્થ એ થાય કે માઈન્ડફુલનેસનો અભ્યાસ કરીને તમે ફ્લાઈટ કે ફાઈટ પ્રતિક્રિયાને શાંત કરવાનું શીખી શકો છો. તમે તમારી લાગણીને નિયંત્રિત કરવામાં વધુ કુશળ બની શકો છો."
ઈશ્વર સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
કેલિફોર્નિયાની વેસ્ટમોન્ટ કોલેજ ખાતે સમાજશાસ્ત્રી તરીકે કાર્યરત સંશોધક બ્લૅક વિક્ટર કેન્ટે બીબીસીને જણાવ્યું હતું કે ધાર્મિક માહોલમાં ઉછરેલા કેટલાક લોકોનો ઈશ્વર સાથેનો સંબંધ તેમની આસપાસના અન્ય લોકો સાથેના ભાવનાત્મક સંબંધને દર્શાવતો હોય છે.
તેમણે કહ્યું, "પ્રાર્થના લાભદાયક હોઈ શકે છે, પરંતુ ખાસ કરીને તમે ઈશ્વર સાથે કઈ રીતે કનેક્ટ થાઓ છો તેના સંદર્ભમાં બીજા અનેક પરિબળોનો વિચાર કરવો પડે."
બ્લૅક વિક્ટર કેન્ટ એક પાદરી હતા અને હવે લોકોના જીવન પર ધર્મના પ્રભાવનો અભ્યાસ કરે છે.
તેમના કહેવા મુજબ, "બીજા પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ હોય એવા વાતાવરણમાંથી તમે આવતા હો તો પ્રાર્થના કરવાનું તમારા માટે નિશ્ચિત રીતે વધારે મુશ્કેલ હશે."
બ્લૅક જે વાત કરે છે તેને સમજવા માટે આપણે મનોવિજ્ઞાનની ઍટેચમેન્ટ થીયરીને સમજવી પડશે. એ થીયરી મુજબ, માણસને જીવનના પ્રારંભિક વર્ષોમાં તેનો ઉછેર કરનારા લોકો સાથે જેવો સંબંધ હોય છે તે ભવિષ્યમાં તેઓ કેવા સંબંધ કેળવશે તેને પરિભાષિત કરતો હોય છે.
આ સિદ્ધાંત એવું પણ જણાવે છે કે બાળપણમાં તમારો ઉછેર ભરોસાપાત્ર વ્યક્તિએ કર્યો હોય તો વયસ્ક થાઓ ત્યારે તમે સલામત સંબંધ સ્થાપી શકો છો, પરંતુ બ્લેકની માફક તમારો ઉછેર અસલામત વાતાવરણમાં થયો હોય તો મોટા થઈને વિશ્વાસપૂર્ણ સંબંધ સ્થાપવાનું મુશ્કેલ બનશે. શ્રદ્ધાના વિકાસ માટે વિશ્વાસ નિશ્ચિત રીતે મહત્વનો હોય છે. આ કારણે કેટલાક લોકો માટે ઈશ્વર સાથે સંબંધ સ્થાપવાનું બહુ મુશ્કેલ બની રહે છે અને તેઓ બહુ ધાર્મિક વાતાવરણમાં રહેતા હોય તો સંબંધ ન સ્થાપી શકવા બદલ ખુદને દોષી માને તે શક્ય છે.
બ્લૅક કહે છે, "મને પ્રાર્થના કરવી જોખમી અને અનિશ્ચિતતાભર્યું લાગે છે."
બ્લૅક પોતાને એક બહુ ચિંતિત વ્યક્તિ ગણાવે છે. તેમણે પાદરી તરીકેની કારકિર્દી દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કર્યો છે, તેમને એવું લાગતું હતું કે તેઓ યોગ્ય રીતે પ્રાર્થના કરતા નથી.
બ્લૅક ઉમેરે છે, "હું માનું છું કે ધાર્મિક મેળાવડામાં આવું બહુ બને છે અને એ કારણે તેમને એવું લાગે છે કે તેઓ કશું ખોટું કરી રહ્યા છે અથવા ઈશ્વર તેમનાથી નારાજ છે." તેઓ પ્રાર્થના કરે છે અને જુએ છે કે તેમની આજુબાજુના લોકોને પ્રાર્થનાથી જે પરિણામ મળે છે એ તેમને મળતું નથી.
ભગવાન સાથેનો અસલામતીભર્યો સંબંધ હાનિકારક હોઈ શકે છે ત્યારે બ્લેક જણાવે છે કે અસલામતી ક્યાંથી આવે છે તે સમજવાથી મદદ મળી શકે. એ જોડાણને સાયકોથેરપી દ્વારા સુધારી શકાય છે અને તે સમગ્ર માનસિક સ્વાસ્થ્ય માટે લાભકારક પૂરવાર થઈ શકે.
પ્રાર્થના અને સર્જન

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂરોસાયન્ટિસ્ટ ઍન્ડ્ર્યુ ન્યૂબર્ગે બીબીસીને જણાવ્યું હતું કે મગજની એમઆરઆઈ ઈમેજીસ ઊંડી પ્રાર્થના જેવી લાગે એવી ક્ષણો પણ આવતી હોવાનું તેમના સંશોધનમાં જાણવા મળ્યું હતું.
ન્યૂબર્ગે કહ્યું, "અત્યંત પ્રશિક્ષિત સંગીતકારો વિશે બહુ રસપ્રદ અભ્યાસો થયા છે. તેઓ ઈમ્પ્રોવાઈઝ કરે ત્યારે તેમના ફ્રન્ટલ લોબની પ્રવૃત્તિ ધીમી પડી જાય છે અને ભગવાન પોતાના સુધી પહોંચી રહ્યું છે એવું માનતા લોકોની માફક સંગીત પણ તેમના સુધી પહોંચતું હોય એં લાગે છે."
તેઓ ઉમેરે છે, "ઘણા લોકો માટે સર્જનાત્મકતા એક ગહન આધ્યાત્મિક અભ્યાસ હોઈ શકે છે, પછી ભલે તેઓ ધાર્મિક હોય કે ન હોય. મને લાગે છે કે તે એકમેકની સાથે સંકળાયેલું છે, કારણ કે મગજ માત્ર ધર્મ માટેનો જ અલાયદો પ્રદેશ નથી."
ન્યૂબર્ગના કહેવા મુજબ, ભગવાન સાથે સંવાદ કરવાનો હોય કે સંગીતકાર બીથોવનને નવમી સંગીતરચના સાંભળવાની હોય, આપણા મગજમાંના ભાવનાત્મક કેન્દ્રો પારલૌકિક અનુભવથી ઉત્તેજિત થતાં હોય છે.
"ધાર્મિક અને આધ્યાત્મિક પ્રથાઓ ઉપરાંત, મનુષ્ય કરોડો વર્ષોથી પ્રાર્થના કરતો રહ્યો છે અને તે રાજકીય પરિવર્તનો તથા સાંસ્કૃતિક પરંપરાથી પર છે એ વાતને ધ્યાનમાં લેતાં પ્રાર્થના કેટલી અસરકારક છે, તે પૂરવાર થઈ ગયું છે."
નિષ્ણાતોની વાત સાંભળ્યા પછી હિલેરીએ બીબીસીને જણાવ્યું હતું કે હવે તેઓ પોતાના અનુભવોને તથા તે એકમેકની સાથે કેવી રીતે સંકળાયેલા છે તે વધારે સારી રીતે સમજી શકે છે.
હિલેરીએ કહ્યું હતું, "હું સમજી શકું છું કે આ તમામ અલગ-અલગ ગતિવિધિઓ વિશેનો મારો અનુભવ એકસમાન પરંતુ અલગ છે. તેથી હું પ્રાર્થના કરું છું ત્યારે મારું કનેક્શન ઈશ્વર સાથે થાય છે, પરંતુ હું ગાઉં છું અને એવો જ અનુભવ કરું છું ત્યારે એ સંગીત સાથેનું જોડાણ હોય છે."
"હું કહી શકું કે હું ઈશ્વર સાથે વાત કરતી હોઉં અને ગાયક મંડળી સાથે ગાતી હોઉં ત્યારે મને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે."












