જ્યાં હજારો કિલો સોના-ચાંદીનાં આભૂષણો મળ્યાં હતાં તે જગન્નાથ પુરી મંદિરના રત્નભંડારનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સંદીપ સાહૂ
- પદ, ભુવનેશ્વરથી બીબીસી હિન્દી માટે
પુરીના વિશ્વવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરના રત્નભંડારમાં રાખવામાં આવેલા કિંમતી અલંકારોની ગણતરીની પ્રક્રિયા 46 વર્ષ બાદ 14 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. આવી ગણતરી છેલ્લે 1978માં કરવામાં આવી હતી.
રત્નભંડારના દરવાજા 1978 પછી ડિસેમ્બર 1982 અને જુલાઈ 1985માં જરૂર ખોલવામાં આવ્યા હતા. તે આભૂષણોની ગણતરી માટે નહીં, પરંતુ શ્રી જગન્નાથ માટે જરૂરી કેટલાંક આભૂષણ કાઢવાં તથા તેના સમારકામ માટે ખોલવામાં આવ્યા હતા.
નિર્ધારિત શુભ મુહૂર્ત અનુસાર, સોમવારે બપોરે બરાબર 1.28 વાગ્યે 11 સભ્યોની એક ટીમ જરૂરી ઉપકરણો સાથે રત્નભંડારમાં દાખલ થઈ હતી.
તેમાં ઓડિશા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ વિશ્વનાથ રથના અધ્યક્ષપદે રાજ્ય સરકારે બનાવેલી સમિતિના બે સભ્યો ઉપરાંત જિલ્લા તથા મંદિર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને સેવાદારોના પ્રતિનિધિઓ સામેલ હતા.
આ ટીમ સાંજે લગભગ પાંચ વાગ્યે રત્નભંડારમાંથી બહાર આવી પછી શ્રી જગન્નાથ મંદિરના મુખ્ય વહીવટદાર ડૉ. અરવિંદ પાઢીએ પત્રકારોને જણાવ્યું હતું કે આજે માત્ર બહારના રત્નભંડારમાં જમા થયેલાં આભૂષણોને મંદિરની અંદર બનાવવામાં આવેલા સ્ટ્રૉંગ રૂમમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યાં છે તેમજ તેને સીલ કરીને ચાવી જિલ્લા વહીવટીતંત્રને હવાલે કરવામાં આવી છે.
મંદિરના મુખ્ય વહીવટદારે શું કહ્યું?

ઇમેજ સ્રોત, BISWARANJAN MISHRA
ડૉ. અરવિંદ પાઢીએ જણાવ્યું હતું કે જિલ્લા ટ્રેઝરીમાં રાખવામાં આવેલી ચાવી વડે રત્નભંડાર પરનાં ત્રણ તાળાં ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ખુલ્યાં ન હતાં.
એ પછી રાજ્ય સરકારના નિયમ અનુસાર મંદિર વહીવટીતંત્રે તાળાં તોડ્યાં હતાં.
વહીવટીતંત્રને રત્નભંડારમાંથી અનેક પેટીઓ અને કબાટ મળી આવ્યા હતા, પરંતુ બહુ મોડું થઈ ગયું હોવાથી અને રવિવારે જ બધાં આભૂષણોને સ્થાનાંતરિત કરવાનું શક્ય ન હોવાથી એ ખોલવામાં આવ્યા ન હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. પાઢીએ કહ્યું હતું, "સોમવારે મહાપ્રભુની બાહુડા યાત્રા (વાપસી) છે. તેને સફળ રીતે સંપન્ન કરાવવામાં જિલ્લા અને મંદિર વહીવટીતંત્રની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેથી અમને રાજ્ય સરકાર સાથે ચર્ચા-વિચારણા પછી અંદરના રત્નભંડારને ખોલવામાં અને ત્યાંથી તમામ આભૂષણો કામચલાઉ સ્ટ્રૉંગ રૂમમાં લાવવામાં એક વધુ દિવસ થશે."
અંદરના રત્નભંડારમાં સૌથી કિંમતી આભૂષણો રાખવામાં આવે છે, જ્યારે રથયાત્રા અને બીજા મહત્ત્વના પ્રસંગોએ ઉપયોગમાં લેવાતાં આભૂષણો જ બહારના રત્નભંડારમાં રાખવામાં આવે છે.
અંદરના રત્નભંડારમાંના તમામ આભૂષણોને સ્થાનાંતરિત કર્યા પછી બધાનું સમારકામ કરવામાં આવશે.
ડૉ. અરવિંદ પાઢીએ સ્પષ્ટતા કરી હતી કે રત્નભંડારની સલામતી સૌથી વધુ મહત્ત્વની છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વિભાગ દ્વારા અંદરના રત્નભંડારનું સમારકામ કરવામાં આવશે એ પછી જ અસ્થાયી સ્ટ્રૉંગ રૂમમાં રાખવામાં આવેલાં આભૂષણોને પાછા અંદર લાવવામાં આવશે તેમજ તેની ફરીથી ગણતરી કરવામાં આવશે.
ગણતરીની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે, એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે એ માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.
46 વર્ષ પહેલાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, BISWARANJAN MSIHRA
એ વખતે આ પ્રક્રિયા 13 મે, 1978થી શરૂ થઈ હતી અને 23 જુલાઈ, 1978 સુધી એટલે કે 70 દિવસ ચાલી હતી.
તેમ છતાં એ પ્રક્રિયા સંપૂર્ણ થઈ ન હતી, કારણ કે ગણતરી માટે તિરુપતિ મંદિર સહિતના બહારથી બોલાવવામાં આવેલા અલંકાર નિષ્ણાતો રત્નભંડારમાંનાં અનેક આભૂષણોનું સાચું આકલન કરી શક્યા ન હતા.
જે આભૂષણોની ઓળખ તથા ગણતરી કરી શકાઈ હતી તે પણ ઓછાં ચોંકાવનારાં ન હતાં.
રત્નભંડારમાંથી કુલ 747 પ્રકારનાં આભૂષણો મળ્યાં હતાં. તેમાં 12,838 તોલા સોનાના ઘરેણાં અને 22,153 તોલા ચાંદીના અલંકારો ઉપરાંત અનેક હીરા, ઝવેરાત સહિતનાં અનેક બહુમૂલ્ય આભૂષણો પણ હતાં.
આ ઘરેણાં પાછલી અનેક સદીઓમાં પ્રભુ જગન્નાથના ભક્ત રાજા-મહારાજાઓએ દાનમાં આપ્યા હતા અથવા તો ઓડિશાના રાજઘરાણાઓને અન્ય રાજ્યો સાથેના યુદ્ધમાં વિજય પછી મળ્યાં હતાં.
આ મૂલ્યવાન આભૂષણોને લૂંટવા માટે પંદરમી સદીથી માંડીને અઢારમી સદી વચ્ચે મંદિર પર ઓછામાં ઓછા 15 વખત આક્રમણ કરવામાં આવ્યું હતું. છેલ્લું આક્રમણ બંગાળના એક તત્કાલીન સેનાપતિ મોહમ્મદ તકી ખાને 1731માં કર્યું હતું.
તે આક્રમણોમાં અનેક મૂલ્યવાન અલંકાર લૂંટી જવાયાં હતાં. તેમ છતાં રત્નભંડારની મજબૂત તથા જટિલ સલામતી વ્યવસ્થાને કારણે મોટાભાગના હીરા-ઝવેરાત સલામત રહ્યાં હતાં.
રત્નભંડારમાં હીરા, મોતી, સુવર્ણ અને અનેક બહુમૂલ્ય રત્નોથી બનેલાં અસંખ્ય આભૂષણો છે તથા તેનું મૂલ્ય કરોડો રૂપિયાનું છે, એવું માનવામાં આવે છે.
જાણકારોને જણાવ્યા મુજબ, ડિજિટલ ટેકનૉલૉજીમાં થયેલી પ્રગતિને કારણે આ વખતે ગણતરીમાં બહુ સમય નહીં લાગે, પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગશે, એ કહેવું અત્યારે મુશ્કેલ છે.
રત્નભંડાર માટે બનાવવામાં આવેલી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ વિશ્વનાથ રથે જણાવ્યું હતું કે તમામ આભૂષણોની ગણતરી કરવાની સાથે તેના ધોરણો નક્કી કરવામાં આવશે. એ પછી તેનો ડિજિટલ કેટલોગ બનાવવામાં આવશે અને 1978માં નોંધાયેલી યાદીમાંની તમામ જ્વેલરી ઉપલબ્ધ છે કે કેમ તેની તુલના કરવામાં આવશે.
દર ત્રણ વર્ષે ઇન્વેટરીની જોગવાઈ

ઇમેજ સ્રોત, ANI
શ્રી મંદિર ઍક્ટ – 1960 મારફત રાજ્ય સરકારે મંદિરના વ્યવસ્થાપનની જવાબદારી સંભાળી હતી. અગાઉ આ જવાબદારી પુરીના ગજપતિ મહારાજની હતી.
આ કાયદામાં દર ત્રણ વર્ષે રત્નભંડાર ખોલીને તેમાં જમા આભૂષણોની ઇન્વેન્ટરી બનાવવાની જોગવાઈ છે. તેમ છતાં છેલ્લાં 46 વર્ષ દરમિયાન કોઈ રાજ્ય સરકારે રત્નભંડાર ખોલવાની પહેલ કેમ કરી ન હતી, તેનો જવાબ કોઈની પાસે નથી.
રત્નભંડાર સંબંધી અનેક કિવદંતીઓ અને અંધવિશ્વાસ તેનું કારણ હોઈ શકે છે.
અનેક સેવાદારોનું કહેવું છે કે રત્નભંડારની અંદર ઝેરીલા સાપ છે, જે આભૂષણોનું રક્ષણ કરે છે. છેલ્લે 1978માં રત્નભંડાર ખોલવામાં આવ્યો તેના થોડા મહિના પછી જ જનતા પાર્ટીની તત્કાલીન સરકારનું પતન થયું હતું. એ પછી કેટલાક નેતાઓ તેને રત્નભંડાર ખોલવા સાથે સાંકળવા લાગ્યા હતા. એ પછી સત્તા પર આવેલી સરકારો આ દિશામાં પહેલ કરવાનું ટાળતી રહી હોવાનું કારણ આ જ છે.
2018માં નિષ્ફળ પ્રયાસ
જોકે, તત્કાલીન નવીન પટનાયક સરકારે 2018માં રત્નભંડાર ખોલવાની પહેલ કરી હતી, પરંતુ તે રત્નભંડારના માળખાની ચકાસણી માટે હતી, અલંકારોની ઇન્વેન્ટરી બનાવવા માટે નહીં.
અહીં નોંધવું જોઈએ કે રત્નભંડારની હાલત બહુ નાજુક હોવાનું એએસઆઈએ 2018માં જ સ્પષ્ટ કરી દીધું હતું. અનેક જગ્યાએથી પાણી પડતું હતું અને દીવાલો પર જીર્ણશીર્ણ થઈ ગઈ હતી. તેથી તેનું સમારકામ કરવું અત્યંત જરૂરી હતું. અન્યથા રત્નભંડાર ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા હતી.
ઓડિશા હાઈકોર્ટના આદેશ અનુસાર, રાજ્ય સરકારે રત્નભંડારની ચકાસણી કરવા માટે 2018માં એક ટીમ બનાવી હતી, પરંતુ એ સમિતિના સભ્યો અંદર જઈ શક્યા ન હતા, કારણ કે જે ચાવી સાથે ટીમ અંદર ગઈ હતી તેનાથી અંદરના રત્નભંડારમાંનાં તાળાં ખૂલ્યાં ન હતાં. સમિતિ માત્ર બહારથી ટોર્ચ લાઇટ મારફત ઢાંચાનું આકલન કરીને પાછી આવી ગઈ હતી.
એ દિવસથી આ મામલો હાઈકોર્ટમાં વિચારાધીન હતો. હાઈકોર્ટે ગયા માર્ચમાં આપેલા આદેશ અનુસાર, તત્કાલીન નવીન પટનાયક સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ જસ્ટિસ અરિજીત પસાયતના અધ્યક્ષપદે એક સમિતિ બનાવી હતી. તે સમિતિ રત્નભંડારના સમારકામની સાથે તેમાં રાખવામાં આવેલાં આભૂષણોની ગણતરી કરવાની હતી, પરંતુ ચૂંટણી પછી રાજ્યમાં બનેલી મોહન માઝીના નેતૃત્વ હેઠળની સરકારે જૂની સમિતિને વિખેરીને જસ્ટિસ રથના અધ્યક્ષપદે નવી સમિતિ બનાવી હતી.
રાજકીય મુદ્દો

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં રત્નભંડારની ખોવાયેલી ચાવી એક મુખ્ય મુદ્દો બની હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પ્રચાર દરમિયાન લગભગ દરેક ચૂંટણી સભામાં આ મુદ્દે નવીન પટનાયક સરકારને ભીંસમાં લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તો નવીન પટનાયકના માનીતા વી કે પાંડિયનનું નામ લીધા વિના ત્યાં સુધી કહ્યું હતું કે "ચાવી ક્યાંક તામિલનાડુ તો નથી પહોંચી ગઈને." (પાંડિયન તામિલનાડુના છે)
તેમનો આશય એ હતો કે નવીન પટનાયક સરકારના કાર્યકાળમાં રત્નભંડારમાંથી અનેક આભૂષણ ગાયબ કરી દેવામાં આવ્યાં છે, પરંત નવીન પટનાયક સરકાર આ આરોપોનો કોઈ સંતોષકારક જવાબ આપી શકી ન હતી.
ભારતીય જનતા પાર્ટીએ તેના ચૂંટણી વચન અનુસાર રત્નભંડારના દરવાજા ખોલાવી તો દીધા છે, પરંતુ 1978માં બનાવવામાં આવેલી ઇન્વેન્ટરી મુજબના આભૂષણ સલામત છે કે નહીં તે જોવાનું બાકી છે.












