રાવણે અપહરણ કરીને સીતાને જ્યાં રાખ્યાં હતાં એ 'અશોકવનમ્' કેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રંજન અરૂણ પ્રસાદ
- પદ, બીબીસી માટે
રામાયણમાં ઉલ્લેખ મુજબ, રાવણે સીતાનું અપહરણ કર્યું એ પછી તેમને અશોક વનમાં રાખ્યાં હતાં. તેને હવે ‘સીતા ઈલિયા’ કહેવામાં આવે છે. શ્રીલંકાની મધ્યમાં આવેલા પર્વતીય પ્રદેશનો ઉલ્લેખ રામાયણમાં અશોક વન તરીકે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
સીતા ઈલિયાને અશોક વન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઊંચા પર્વતીય પ્રદેશમાં નુવારા એલિયાથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે બદુલ્લા રોડ પર આવેલું છે. ત્યાં સીતાદેવીનું મંદિર સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું પણ માનવામાં આવે છે.
નુવારા એલિયાથી બદુલ્લા રોડ તરફ જતી વખતે આ મંદિર રસ્તાની ડાબી બાજુએ આવેલું છે. આ મંદિર અનન્ય છે, કારણ કે તે પર્વતો અને નદીના વહેણ જેવી પ્રાકૃતિક સુંદરતા સાથે સંકળાયેલું છે.
રાવણે સીતાનું અપહરણ કર્યા બાદ તેમનેં લગભગ 11 મહિના સુધી અશોક વનમાં છુપાવી રાખ્યાં હોવાનું માનવામાં આવે છે. સીતાની શોધમાં હનુમાનજી શ્રીલંકા આવ્યા હતા અને અશોક વનમાં મળ્યા હતા. એ જ વિસ્તારમાં આ સીતા દેવી મંદિર આવેલું છે.
સીતાદેવી મંદિરની નજીક એક ખડક પર ‘હનુમાન પદમ’નું પ્રતિક જોઈ શકાય છે. આ સ્થળે સીતાજી અને હનુમાનજીની મૂર્તિઓ બિરાજમાન છે તથા તેની પૂજા પણ કરવામાં આવે છે.
જે ગંગામાં સીતાજીએ સ્નાન કર્યું હોવાનું કહેવાય છે તે મંદિરની નજીક જ છે. મંદિરમાં આવતા ભક્તો આ ગંગામાં સ્નાન કરે છે. મંદિરમાં પ્રવેશતા પહેલાં તેમના હાથ-પગ ધોઈ લે છે.
મંદિરની સામેની પર્વતમાળા હનુમાનજીના આકારને મળતી આવે છે. ભક્તો માને છે કે સંજીવની પર્વત ઊંચકીને લઈ જતી વખતે હનુમાનજી જ્યાં પડી ગયા હતા એ આ હિસ્સો છે.
મંદિરના સંચાલકોના જણાવ્યા અનુસાર, અશોક વનગા તરીકે ઓળખાતા વિસ્તારમાં અશોક વૃક્ષો આજે પણ જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અશોક વૃક્ષો મંદિરની નજીક જ છે. હનુમાનજીને સીતાજી જ્યાં મળ્યાં હોવાનું માનવામાં આવે છે તે મંદિર નજીકની નદીમાં અશોક વૃક્ષો આવેલાં છે.
મંદિરની આસપાસ વાંદરાઓ ફરતા જોવા મળે છે અને ભક્તો માને છે કે એ વાંદરાઓ હનુમાનજીનો અવતાર છે.

મંદિરમાંની મૂર્તિઓ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મંદિરમાં ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણની મૂર્તિઓ છે. અહીં ભગવાન ગણેશ અને હનુમાનજી વગેરેની મૂર્તિઓ પણ જોવા મળે છે.
મંદિરના પૂજારી સુદર્શન શર્માએ જણાવ્યું હતું કે અહીં મળી આવેલી ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણની મૂર્તિઓ સ્વયંભૂ છે.
રામાયણમાં કહેવાયું છે કે "મેં સીતાને જોયાં છે." તેથી આ સ્થળે અંજનેયે સીતાજીને સૌપ્રથમ વખત જોયા હોવાનું કહેવાય છે. અશોક વનમાં સીતાજીને શોધતી વખતે પહેલીવાર જોયાં હતાં એ સ્થળ ‘કંડેન’ નામે જાણીતું છે.
સુદર્શન શર્માએ કહ્યું હતું, "અહીં હનુમાનજીના પગની છાપ છે. હનુમાનજી સીતાજીને મળ્યા ત્યારે તેમણે આ સ્થળે તેમના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. તેથી અહીં વિશ્વરૂપ પગલાં છે."
પવિત્ર ગંગા
સુદર્શન શર્માના કહેવા મુજબ, "જ્યાં ગંગા આવેલી છે તે જગ્યાને પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. સીતાજીએ આ ગંગામાં સ્નાન કર્યું હોવાનું માનવામાં આવે છે. તેથી આ નદીને આજે સીતાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ગંગાને ‘સીતા પવિત્રી ગંગા’ કહેવામાં આવે છે."
અશોક વૃક્ષો
અશોક વૃક્ષો અહીં સીતાજીની હાજરીના પુરાવા તરીકે ઊભા છે. તે એક મહાન સિદ્ધિ છે, એમ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું.
મૂલા વિરત્તુ
અશોક વનમાંની તમામ મૂર્તિઓને સ્વયંભૂ મૂર્તિ માનવામાં આવે છે. અગાઉ જણાવ્યું તેમ આ મૂર્તિઓમાં ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
બીજી મૂર્તિઓ અન્ય મંદિરોમાં સ્થાપિત છે, પરંતુ આ મંદિરમાં બે મૂર્તિ છે. એક પ્રતિષ્ઠા મૂર્તિ છે અને બીજી સ્વયંભૂ મૂર્તિ છે, એમ સુદર્શન શર્માએ જણાવ્યું હતું.
ભારતમાંથી આવતા યાત્રાળુઓ

સ્થાનિક ભક્તો ઉપરાંત વિદેશી ભક્તો પણ સીતા દેવી મંદિરના દર્શને આવે છે. તેમાં મોટાભાગના ભારતીયો હોય છે. એમાં પણ ઉત્તર ભારતીયોની સંખ્યા મોટી હોય છે.
મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તોએ મંદિર વિશેના તેમના મંતવ્ય બીબીસી સાથે શેર કર્યાં હતાં.
એ પૈકીના એકે કહ્યું હતું, "અમે ભગવાન રામ, સીતાજી અને હનુમાનજી વિશે ઘણું સાંભળ્યું છે. અમે રામાયણ તથા સુંદર કાંડનો અભ્યાસ કર્યો છે. શ્રીલંકા જઈને અશોક વનની મુલાકાત લેવાની ઇચ્છા મને બાળપણથી હતી. હવે એ સપનું સાકાર થયું છે."
ભારતના રોનુ મહત્તાએ કહ્યું હતું, "મેં હમણાં જ અશોક વન જોયું. અહીં બહુ સારી સકારાત્મક ઊર્જા છે. હું અહીં આવ્યો તેને અડધો કલાક થયો, પરંતુ અહીંથી જવાનું મન નથી થતું. અમે હનુમાનજીના ચરણને પ્રણામ કર્યાં. અમારી આંખોમાંથી આંસુ સરી પડ્યાં. અમે ભગવાન રામ, સીતાજી અને હનુમાનજીને પણ પ્રણામ કર્યાં."
વિજયવાડાથી આવેલા મદન કુમારે કહ્યું હતું, "અમે અશોક વનની મુલાકાત માટે આવ્યા છીએ. આ એ સ્થળ છે, જ્યાં સીતાજીએ ભગવાન રામની એક વર્ષ સુધી રાહ જોઈ હતી. અમે ભાગ્યશાળી છીએ કે આ સ્થાનની મુલાકાત લેવા મળી. અમને લાગે છે કે સીતાજીએ અમને આશીર્વાદ આપ્યા છે. તેમણે વનમાં દાનવોની વચ્ચે મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કર્યો અને તેઓ સ્ત્રીઓ માટે આદર્શ મહિલા બન્યાં."
તેમણે ઉમેર્યું હતું, "જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે, પરંતુ સીતાજીની જેમ બહાદુર બનીને જીવનમાં આગળ વધવું જોઈએ. અમે સદભાગી છીએ કે આ સ્થળની મુલાકાતે આવી શક્યા, જ્યાં હનુમાનજી દૂરથી આવ્યા હતા અને ભગવાન રામને સીતાજીની હાલત વિશે જાણ કરી હતી."
આંધ્ર પ્રદેશના ગંગાધરે પણ સીતા દેવી મંદિર વિશેનો પોતાનો અભિપ્રાય આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે અશોક વનમાં સીતાજીને જે સ્થળે રાખવામાં આવ્યાં હતાં ત્યાં મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં જ હનુમાનજી સીતાજીને મળ્યા હતા. અહીંની નદીમાં સીતાજીએ સ્નાન કર્યું હતું. નદીનું પાણી બહુ ઠંડુ છે. આ સ્થળ અદ્ભુત છે.
અયોધ્યા રામમંદિર માટે સીતાદેવી મંદિરની શિલા

અયોધ્યામાં બનાવવામાં આવેલા રામમંદિર માટે અહીંના સીતાદેવી મંદિરમાંથી એક પથ્થર મોકલવામાં આવ્યો હતો. સંસદસભ્ય અને સીતાદેવી મંદિરના વડા વી. રાધાક્રિષ્નને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશન મારફત એ પથ્થર અયોધ્યા મોકલ્યો હતો.
વી. રાધાક્રિષ્નને ભારતીય હાઈ કમિશનરને તે પથ્થર 2021ની 18 માર્ચે સોંપ્યો હતો. રાધાક્રિષ્નને કહ્યું હતું કે ભારત અને શ્રીલંકા રામાયણના ઇતિહાસનો હિસ્સો છે. તેથી અહીંથી એક પથ્થર અયોધ્યા મોકલવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે સીતામંદિરના પુનઃનિર્માણનું કામ ભારત સરકારની મદદથી ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું હતું, "પુનઃનિર્માણનું કામ ચાલી રહ્યું છે. મંદિરનો કુંભાભિષેકમ 17 એપ્રિલે, રામનવમીના દિવસે જ થશે. રામાયણના સુંદરકાંડમાં આ સ્થળનું મહત્ત્વ છે. એક મહત્વપૂર્ણ મંદિર હોવાને કારણે અહીં ભારતીયો વધુ આવે છે. મંદિરના કુંભાભિષેકમમાં આવવાનું આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યું છે."
ઇતિહાસના પ્રાધ્યાપકોની દલીલ

શ્રીલંકાના ઇતિહાસના પ્રોફેસરોનું માનવું છે કે નુવારા ઈલિયામાં આવેલું આ સ્થળ સીતાને અશોક વનમાં કેદમાં રાખવામાં આવ્યાં હતાં એ સ્થળ માનવામાં આવે છે, પરંતુ પુરાતત્ત્વ વિભાગે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
પૌરાણિક કથાઓ અનુસાર સીતાને આ સ્થળે કેદમાં રાખવામાં આવ્યાં હશે, પરંતુ તેઓ માને છે કે શ્રીલંકામાં બનેલી જે ઘટનાઓનો રામાયણમાં ઉલ્લેખ છે તેના પુરાતત્ત્વીય પુરાવા મળ્યા નથી.












