મુસાફરી વખતે ઊલટી, ચક્કર કેમ આવે છે, ન થાય એ માટે શું કરવું?

મોશન સિકનેસમાં ઊબકા, ચકકર અને સામાન્ય અકળામણના લક્ષણો જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોશન સિકનેસમાં ઊબકા, ચકકર અને સામાન્ય અકળામણનાં લક્ષણો જોવાં મળે છે.

પ્લૅન, ટ્રેન કે કાર અથવા બસ મારફતે પ્રવાસ કરવાના વિચાર માત્રથી કેટલાક લોકો બેચેન થઈ જાય છે.

મોશન સિકનેસ તરીકે ઓળખાતી આ સમસ્યા સર્જાવાનો ભય આરામદાયક રજાઓ માણવાનાં તમામ સપનાઓને ચકનાચૂર કરી નાખે છે અને દૈનિક પ્રવાસને દુઃસ્વપ્નમાં પરિવર્તિત કરી દે છે.

મગજ વિરોધાભાસી સંકેતો મેળવે છે ત્યારે મોશન સિકનેસ થાય છે. આપણે શારીરિક રીતે સ્થિર હોઇએ (જેમ કે કાર કે બસમાં બેઠા હોઇએ), પરંતુ હલનચલન થતું હોય (મુસાફરી કરતા હોઇએ) ત્યારે આપણી આંખો શું જુએ છે અને આપણું શરીર શું સમજે છે તેના વિરોધાભાસી સંકેતો મગજને મળે છે.

દાખલા તરીકે, આપણે કારમાં બેઠા હોઈએ અને કાર ચાલતી હોય ત્યારે આપણું શરીર ભૌતિક રીતે સ્થિર હોય છે, પરંતુ આપણી આંખો ગતિશીલ વસ્તુઓને જોઈ શકે છે.

મોશન સિકનેસથી પીડિત લોકો આવા મિશ્ર સંકેતો સામે શારીરિક પ્રતિક્રિયા આપે છે. તેમનામાં ઊબકા, ચકકર અને સામાન્ય અકળામણનાં લક્ષણો જોવાં મળે છે.

કેટલાક લોકોની હાલત એટલી ગંભીર થાય છે કે તેઓ લાંબો પ્રવાસ કરવાનું ટાળે છે. કેટલાક લોકો આ સમસ્યાનો કોઈ ચમત્કારિક ઇલાજ શોધી રહ્યા છે.

વાસ્તવમાં મોશન સિકનેસનું કારણ શું છે અને તેની સારવાર કેવી રીતે કરી શકાય?

મોશન સિકનેસનું કારણ

મુસાફરી દરમિયાન તબિયત કેમ ખરાબ થાય છે
ઇમેજ કૅપ્શન, મુસાફરી દરમિયાન તબિયત કેમ ખરાબ થાય છે?

મોશન સિકનેસ શા માટે થાય છે તે સમજવા માટે, આપણું મગજ, આપણા શરીરમાંથી પ્રાપ્ત થતા સંવેદનાત્મક સંકેતો સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે સમજવું જરૂરી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શરીરની હિલચાલ અને સ્થિતિ વિશેના સંકેતો મગજ આંતરિક કાન (ઇનર ઇયર્સ) તથા સ્નાયુઓ, રજ્જૂઓ તેમજ સાંધાનાં પ્રોપ્રિઓસેપ્ટિવ રિસેપ્ટર્સમાંથી સતત સંવેદનાત્મક સંકેતો મેળવે છે.

ઇનર ઇયર્સ સંતુલનનું કેન્દ્ર છે. તે વેસ્ટિબ્યુલર સિસ્ટમ તરીકે ઓળખાતા નેટવર્કનો ભાગ છે.

આ સિસ્ટમમાં અર્ધ-વર્તુળાકાર કૅનાલ ત્રણ જોડી અને સેક્યુલ તથા યુટ્રિકલ તરીકે ઓળખાતી બે કોથળીનો સમાવેશ થાય છે. તે શરીરની હિલચાલ અને સ્થિતિની માહિતી મગજને મોકલે છે.

અર્ધ-વર્તુળાકાર કૅનાલમાં એક પ્રવાહી હોય છે, જે તમે માથું ફેરવો તે મુજબ હિલચાલ કરે છે. તેઓ માથાની નીચે-ઉપર કે આજુબાજુ થવા જેવી હિલચાલની દિશાઓ શોધી કાઢે છે.

જો તમારી આંખો એક વસ્તુ જોતી હોય, તમારા સ્નાયુઓ બીજું કંઈક અનુભવતા હોય અને તમારા ઇનર ઇયર્સ કશુંક ભળતું જ અનુભવતા હોય તો તમારા મગજને મિશ્ર સંદેશાઓ મળે છે. આ સંવેદનાત્મક અસંગતતા મોશન સિકનેસમાં પરિણમે છે.

દાખલા તરીકે, તમે એ કાર કે બસમાં સવારી કરી રહ્યા છો. વસ્તુઓ તમારી નજરમાં આવે છે અને પછી દૃષ્ટિ બહાર થઈ જાય છે. તે આંખોને તમારા મગજને સંદેશો મોકલવા પ્રોત્સાહિત કરે છે કે તમે આગળ વધી રહ્યા છો.

બીજી તરફ તમારા ઇનર ઇયર્સ અને સ્નાયુઓ તથા સાંધાઓ એમ સમજે છે કે તમે બેઠેલા છો. તેથી સ્થિર છો. આથી મગજને વિરોધાભાસી સંદેશો મળે છે.

તેનાથી વિપરીત સ્થિતિ પ્લૅન કે વહાણમાં સર્જાઈ શકે છે. તમારા ઇનર ઇયર્સ અને સ્નાયુઓ હિલચાલ શોધી કાઢે છે, પરંતુ ક્ષિતિજ સ્થિર દેખાય છે. તેથી એક ઇન્દ્રિય હિલચાલને સમજે છે અને બીજી સમજતી નથી.

તેના પરિણામે ઊબકા, માથાનો દુખાવો, સામાન્ય અકળામણ અને દિશાહિનતાનો અનુભવ થાય છે.

મોશન સિકનેસનાં લક્ષણો

મુસાફરીમાં તબિયત બગડી જવાના શું કારણો છે

મોશન સિકનેસ વિવિધ લક્ષણોનું કારણ બને છે.

તેની શરૂઆત સામાન્ય રીતે ધીમે-ધીમે થાય છે અને તેને ઉત્તેજિત કરનાર હિલચાલને શમાવવામાં ન આવે તો તે વકરે છે.

તેના લક્ષણોમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.

  • ચક્કર આવવા, માથું એકદમ હલકું થયાની લાગણી, અસંતુલન અથવા બધું ફરતું લાગવું.
  • ઊબકા
  • ઊલટી
  • માથાનો દુખાવો
  • નિસ્તેજ ત્વચા
  • પરસેવો
  • થાક

સામાન્ય રીતે આ લક્ષણો વીસેક મિનિટમાં અદૃશ્ય થઈ જાય છે અથવા પરિસ્થિતિ પૂર્વવત થઈ જાય છે.

જોકે, ગંભીર લક્ષણોના નિરાકરણમાં 24 કલાક જેટલો સમય લાગી શકે છે.

કોને-કોને મોશન સિકનેસ થઈ શકે?

મુસાફરી દરમિયાન તબિયત કેમ બગડે છે
ઇમેજ કૅપ્શન, મુસાફરી દરમિયાન તબિયત કેમ બગડે છે

કોઈ પણ વ્યક્તિને મોશન સિકનેસની સમસ્યા સર્જાઈ શકે છે, પરંતુ બેથી બાર વર્ષની વયનાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને માઇગ્રેનથી પીડાતા લોકોને મોશન સિકનેસ થવાની શક્યતા વધારે હોય છે.

રસપ્રદ વાત એ છે કે નાનાં બાળકોને ક્યારેય મોશન સિકનેસ થતી નથી. યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સ્ટર, લંડનના ઍપ્લાઈડ સાયકૉલૉજીના પ્રોફેસર જ્હોન ગોલ્ડિંગના કહેવા મુજબ, તેનું કારણ એ છે કે નાનાં બાળકોનું મગજ આંખો તથા કાન વચ્ચેનાં સહસંબંધ અને ગતિને નોંધવામાં તેમની ભૂમિકા સાથે સુસંગત હોતું નથી.

મોશન સિકનેસમાં જીનેટિક્સ પણ ભૂમિકા ભજવે છે. પ્રોફેસર ગોલ્ડિંગના જણાવ્યા મુજબ, મોશન સિકનેસથી પીડાતા 65 ટકા લોકોને આ સ્થિતિ વારસામાં મળી હોય છે.

આ લક્ષણોમાં ઘટાડો કેવી રીતે કરવો?

મુસાફરીમાં અસ્વસ્થ થવાની તકલીફ હોય તો શું કરવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

મોશન સિકનેસને રોકવામાં મદદરૂપ થાય તેવી કેટલીક ટીપ્સ અહીં આપી છે.

મુસાફરી પહેલાં નીચેની બાબતો ટાળવી જોઈએ.

  • પેટ ભરીને ભોજન અથવા મસાલેદાર ખોરાક ન લેવો જોઈએ.
  • કૅફીન અને આલ્કોહૉલનું સેવન મર્યાદિત કરવું જોઈએ
  • પૂરતી ઊંઘ લેવી જોઈએ

મુસાફરી દરમિયાન નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • તમારી સીટની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ. કારમાં આગળની સીટમાં આગળ, બોટમાં વચ્ચે બેસવું જોઈએ, જ્યારે ટ્રેનમાં આગળની તરફની વિન્ડો સીટ પસંદ કરવી જોઈએ.
  • ક્ષિતિજ તરફ જોવું જોઈએ.
  • માથાનું અચાનક હલનચલન ટાળવું જોઈએ.
  • શક્ય હોય તો તાજી હવા મળે એટલા માટે બારી ખુલ્લી રાખવી જોઈએ.
  • વાંચવાનું નહીં, ફિલ્મ જોવાની નહીં અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનો નહીં.
  • તમારી જાતને સંગીત સાંભળવા જેવી બાબતોમાં વ્યસ્ત રાખવી જોઈએ.
  • આંખો બંધ રાખવી જોઈએ.
  • પુષ્કળ પાણી પીવું જોઈએ.

આદુની ભૂમિકા

આદુની ભૂમિકા શું હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આદુની ભૂમિકા શું હોય છે

કેટલાક અભ્યાસો સૂચવે છે કે એક ટૅબ્લેટ સ્વરૂપે આદુ, બિસ્કીટ કે ચા લેવામાં આવે તો ઊલટી અને ચક્કરમાં ફાયદો થાય છે.

અલબત, પ્રોફેસર ગોલ્ડિંગ એવું જણાવે છે કે આ સંદર્ભે અભ્યાસોમાં મતમતાંતર છે.

તેમના જણાવ્યા મુજબ, આદુ ઉપયોગી હોય તો શક્ય છે કે “તેના સક્રિય ઘટકો આંતરડાને શાંત કરવામાં મદદ કરતા હોય. તેથી તે મોશન સિકનેસને સીધી રીતે અટકાવતું નથી, પરંતુ તેનાથી તમને સારું લાગે છે.”

નિયંત્રિત શ્વાસોશ્વાસ

શ્વાસોશ્વાસ

ઇમેજ સ્રોત, Getty Images

નિયંત્રિત શ્વાસોશ્વાસ એટલે સ્થિર અથવા સામાન્ય ગતિએ શ્વાસ લેવાની પ્રક્રિયા.

પ્રોફેસર ગોલ્ડિંગ સૂચવે છે કે સ્થિર શ્વાસોશ્વાસની અસર અડધી મોશન સિકનેસ વિરોધી ટૅબ્લેટ લેવા જેટલી અસરકારક હોય છે. તે પણ મફતમાં અને કોઈ આડઅસર વિના.

શ્વાચ્છોશ્વાસ મગજનું ધ્યાન અન્યત્ર દોરે છે અને ઊબકાની લાગણીને વશ પણ કરે છે.

ઍક્યુપ્રેશર અને રિસ્ટબૅન્ડ્સ

ઍક્યુપ્રેશર પૉઈન્ટ્સ પર દબાણ લાવવાથી આ પદ્ધતિ કામ કરતી હોવાનું માનવામાં આવે છે.

જોકે, મોટાભાગના અભ્યાસો સૂચવે છે કે મોટાભાગના લોકો માટે તે અસરકારક નથી.

દવાઓ કેટલી ઉપયોગી

મોશન સિકનેસ વિરોધી દવાઓ મોશન સિકનેસના લક્ષણો મટાડવાને બદલે તેને અટકાવવાનું કામ કરે છે. જેમ કે, આવી કોઈ પણ દવા સામાન્ય રીતે તમે મુસાફરી શરૂ કરો તેના 30થી 60 મિનિટ પહેલાં લેવાની હોય છે, જેથી તે તમારા રક્તપ્રવાહમાં ભળી જાય.

પ્રોફેસર ગોલ્ડિંગ સમજાવે છે કે મોશન સિકનેસને કારણે ગેસ્ટ્રિક સ્ટેસીસનું કારણ બને છે. તેમાં પેટ તેમાંની સામગ્રીને આંતરડાંમાં ખાલી કરવામાં વધુ સમય લે છે. તેથી તમે બીમાર હો ત્યારે ગોળી લો તો તે શોષાતી નથી. એ કારણે તે ઓછી અસરકારક સાબિત થાય છે.

બીજી તરફ, મોશન સિકનેસ વિરોધી પેચીસ ગોળીઓ કરતાં વધારે ધીમેથી કામ કરે છે, કારણ કે તેમાંની દવા ત્વચા દ્વારા શોષાય છે. તેથી તેને પ્રવાસ શરૂ કરવાના 10 કલાક પહેલાં લેવાં પડે છે.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસની સલાહ મુજબ, પુખ્ત વયના લોકો અને 10થી વધુ વર્ષની ઉંમરનાં બાળકો પેચીસ લઈ શકે છે.

મોશન સિકનેસ અને ચક્કર આવવા વચ્ચેનો તફાવત

મોશન સિકનેસ અને ચક્કર આવવા (વર્ટિગો) વચ્ચેનો તફાવત સમજવાનું મુશ્કેલ હોય છે, કારણ કે બન્નેનાં લક્ષણો સમાન હોય છે. બન્નેમાં ચક્કર, ઊબકા અને ઊલટી જેવાં લક્ષણો જોવાં મળે છે.

જોકે, આ બન્ને વચ્ચે ઘણા વિશિષ્ટ તફાવત છે.

  • તમે વાહનમાં પ્રવાસ કરતા હો કે ન કરતા હો તો પણ વર્ટિગોનો અનુભવ થઈ શકે છે. તમે સૂતા હો તો પણ તે થઈ શકે છે.
  • વર્ટિગોમાં જોરદાર ચક્કર આવવાનો અનુભવ થતો હોય છે. તમે તમારું મસ્તક હલાવો ત્યારે તે થઈ શકે છે.
  • સામાન્ય રીતે તે ટૂંકા ગાળા માટે હોય છે અને અનેક સેકન્ડ્સ સુધી ચાલે છે.
  • તે વૃદ્ધોમાં વધારે જોવા મળે છે.
  • તે સામાન્ય રીતે ઇનર ઇયર્સમાંના પ્રવાહીની સમસ્યાઓ પર કેન્દ્રિત હોય છે. એ પ્રવાહી સંતુલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મોશન સિકનેસનાં લક્ષણોને મૅનેજ કરવા માટે તૈયાર રહેવું અને તેના નિવારણની યોજના બનાવી રાખવી કાયમ ઉત્તમ હોય છે.

કેટલાક પીડિતો કહે છે તેમ, મોશન સિકનેસની માંદગીને તમારા જીવન પર ક્યારેય સવાર થવા દેવી ન જોઈએ.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.