લોકોને દાઢે વળગેલી એ વાનગી, જે પ્રથમ કોણે બનાવી એના માટે કોર્ટ કેસ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તમારા હિન્સોન
- પદ, બીબીસી ટ્રાવેલ
વિશ્વભરમાં લોકપ્રિય વાનગી બટર ચિકન હવે દેશની બે સૌથી જૂની રેસ્ટોરાં વચ્ચેના કાયદાકીય લડાઈના કેન્દ્રમાં છે.
એ દિલ્હીમાં ગરમ, બફારાવાળો દિવસ હતો અને અગ્રસેનકી બાવડી નામની સુંદર વાવની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં ગુલાટીમાં વેઇટર્સ ગ્રાહકોના ધસારાને પહોંચી વળવાના પ્રયાસ કરતા હતા. એ ગ્રાહકો પૈકીના મોટા ભાગના અહીં રેસ્ટોરાંની વિખ્યાત વાનગી બટર ચિકનનો સ્વાદ માણવા આવ્યા હતા.
હું ત્યાં પહોંચી તેના થોડા સમય પછી શ્વેત યુનિફૉર્મધારી ઓફ્ફ-ડ્યુટી શેફની ત્રિપુટીએ ટેબલ પર બેસીને બટર ચિકનની પ્લેટ્સનો ઑર્ડર આપ્યો હતો. ગુલાટીની એ સૌથી પ્રખ્યાત વાનગી નજીકના ઑફિસના કર્મચારીઓ તથા કેટલાક જર્મન પ્રવાસીઓએ પણ મેનુ પર નજર નાખ્યા વિના તરત ઑર્ડર કરી હતી.
વિધિની વક્રતા એ છે કે રેસ્ટોરાં અને સમારંભોમાં સૌથી વધુ પીરસવામાં આવતા બટર ચિકનનો એક એવી ઘટના સાથે ગાઢ સંબંધ છે, તેણે ભારતના બે હિસ્સામાં વહેંચી નાખ્યું છે. બટર ચિકન હવે ભારતની બે સૌથી જૂની રેસ્ટોરાં વચ્ચે ચાલતી કાયદાકીય લડાઈનું કેન્દ્ર બની ગયું છે.
બટર ચિકનનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
પહેલાં ટૂંકમાં ઇતિહાસ જાણી લઈએ. 1947માં ભારતના ક્રૂર વિભાજન પહેલાં મોખાસિંહ નામની એક વ્યક્તિ (હવે પાકિસ્તાનના) પેશાવર શહેરમાં મોતીમહેલ નામની એક રેસ્ટોરાં ચલાવતી હતી.
વિભાજન પછી મોખાસિંહ દિલ્હી આવી ગયા હતા અને તેઓ પેશાવરમાં જે ત્રણ લોકો સાથે કામ કરતા હતા તેમની સાથે મળીને એક રેસ્ટોરાં શરૂ કરી હતી. એ ત્રણ લોકો કુંદનલાલ ગુજરાલ, તેમના પિતરાઈ ભાઈ કુંદનલાલ જગ્ગી અને ઠાકુરદાસ માગો હતા.
પેશાવર ખાતેની પોતાની રેસ્ટોરાંમાં પહેલી વાર બનાવેલી વાનગી તેમણે દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં પીરસવાનું શરૂ કર્યું હતું. એ વાનગી બચેલા તંદૂરી ચિકનમાં ટામેટાંની ગ્રેવી, પુષ્કળ પ્રમાણમાં માખણ અને કૉમન પાકિસ્તાની મસાલા નાખીને બનાવવામાં આવે છે.
બટર ચિકન દિલ્હીમાં તત્કાળ લોકપ્રિય થઈ ગયું હતું. સરકારી પ્રધાનો અને (પ્રથમ ભારતીય વડા પ્રધાન જવાહરલાલ નેહરુ સહિતના) રાષ્ટ્રાધ્યક્ષો આ વાનગીનો સ્વાદ માણવા રેસ્ટોરાંમાં આવતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાનગીને સરકારી ભોજન સમારંભોમાં નિયમિત રીતે પીરસવામાં આવતી હતી, પરંતુ ગુજરાલના મૃત્યુ પછી આર્થિક મુશ્કેલીને કારણે મોતીમહેલ વેચી નાખવાની ફરજ પડી હતી.
જોકે, પોતાના દાદાએ અને દાદાના દાદાએ જ બટન ચિકનની શોધ કરી છે તેવું માનતા તેમના વંશજોએ બાદમાં એક વધુ રેસ્ટોરાં, મોતીમહેલ ડીલક્સ શરૂ કરી હતી. તેની ફ્રેન્ચાઈઝી હવે સમગ્ર દિલ્હીમાં જોવા મળે છે.
બટર ચિકનને લઈને વિવાદ

ઇમેજ સ્રોત, Tamara Hinson
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અલબત્ત, ગુજરાલના વંશજો જ આ વાનગીમાંથી કમાણી કરવા ઇચ્છતા હતા એવું નથી. 2019માં જગ્ગીના પૌત્રે પણ દરિયાગંજ નામની પ્રતિસ્પર્ધી રેસ્ટોરાં ચેઈનની સ્થાપના કરી હતી. ઘા પર મીઠું ભભરાવતા હોય તેમ તેમની ટેગલાઇનમાં ‘બટર ચિકનના શોધકો દ્વારા’ શબ્દો સામેલ હતા.
મોતીમહેલ ડિલક્સ અને ગુજરાલના પૌત્ર મોનીશે 2024ની શરૂઆતમાં દરિયાગંજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એ દાવો ખોટો છે અને મોનીશના દાદા આ વાનગીના શોધક હોવાના દૃષ્ટિકોણ સંબંધે વળતરની માગણી કરી હતી.
અમિત બગ્ગા દરિયાગંજના સીઈઓ છે અને તેઓ કુંદનલાલ જગ્ગીના પૌત્ર રાઘવ સાથે મળીને દરિયાગંજનું સંચાલન કરે છે.
બગ્ગાને ખાતરી છે કે તેમની રેસ્ટોરાંને ટેગલાઇનનો અધિકાર છે અને તેમના કહેવા મુજબ, તેનો પુરાવો 2018માં તેમને આપવામાં આવેલો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક છે, જે તેમને પૂર્ણ ટેગલાઇન “દરિયાગંજઃ બટર ચિકન અને દાલ મખનીના શોધકો દ્વારા”ના ઉપયોગનો અધિકાર આપે છે. એ ઉપરાંત કરાર પુરવાર કરે છે કે ગુજરાલ અને જગ્ગી જે રેસ્ટોરાંના સહ-માલિકો હતા ત્યાં આ વાનગીની શોધ કરવામાં આવી હતી.
બટર ચિકનનો પહેલો હિસ્સો કોણે બનાવ્યો હતો, તે પુરવાર કરવું લગભગ અશક્ય છે, છતાં બગ્ગા માને છે કે કદાચ તે સહિયારું કામ હતું.
તેમણે કહ્યું હતું, “તેમની પાસે ચંદૂરી ચિકન હતી અને તેનું શું કરવું તેની તેમને ખબર ન હતી. તેથી તેમણે નક્કી કર્યું હશે કે ચાલો, આમાંથી કોઈ વાનગી બનાવીએ. આ રીતે તેમણે તાજાં ટામેટાં, માખણ તથા મસાલાનું મિશ્રણમાં ચિકનમાં ભેળવ્યું અને આ નવી વાનગી પીરસવાનું શરૂ કર્યું. હું કુંદનલાલ જગ્ગીને તેમના અવસાન પહેલાં જ મળ્યો હતો. મેં તેમને પૂછ્યું હતું કે આ વાનગી કેવી રીતે બનાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તે એક અકસ્માત હતો. વાનગી સંયોગવશ બની હતી.”
આ નિશ્ચિત રીતે એક એવી વાનગી છે, જેનો સ્વાદ વિભાજન બાદના ભારતની દાઢે વળગ્યો પછી નાટકીય રીતે વિકસિત થઈ છે. આ વાનગી બાબતે જગ્ગી અને ગુજરાલ વચ્ચેના તાજેતરના વિવાદથી કોને લાભ થશે તે કોઈ જાણતું નથી, પરંતુ મને લાગે છે કે તેના પુનર્જન્મથી તેઓ ખુશ થશે.
ગયા વર્ષે બટર ચિકન કોકટેલ નામની વાનગી બનાવીને મુંબઈના વૂડસાઈડના ઈન રેસ્ટોરાંના મિક્સોલોજિસ્ટ્સ સમાચારોમાં ચમક્યા હતા. બટર ચિકન કોકટેલ વોડકા આધારિત એક મસાલેદાર વાનગી છે, જેને બટર ચિકન જેવી ગ્રેવીમાં બનાવવામાં આવે છે.
દિલ્હીમાં કેટલી રેસ્ટોરાંમાં બટર ચિકન પિત્ઝા ઉપલબ્ધ છે, તેની ગણતરી હું ભૂલી ગઈ છું, પરંતુ શાંગ્રી-લા ઈરોઝના લૉબી કેફેમાં મને બટર ચિકનની મારી મનપસંદ વાનગી મળી. તે એક અદભુત ફ્લેકી બટર ચિકન સમોસાં છે, જે આ બહુ જ લોકપ્રિય વાનગીને વ્યાખ્યાયિત કરે છે.
હોટલના એક્ઝિક્યુટિવ શેફ ગગનદીપસિંહ સાહનીએ કહ્યું હતું, “ટામેટાંનો સ્વાદ ખરેખર મહત્ત્વપૂર્ણ છે.” તેઓ માને છે કે દિલ્હીની આ વાનગીમાં નાવિન્યને અવગણવું ન જોઈએ. તેમણે કહ્યું હતું, “શેફ્સ તેને બગાડવા માગતા નથી, પરંતુ તમે અધિકૃત સ્વાદ જાળવી રાખો તો તેમાં કોઈ નુકસાન નથી.”
બટર ચિકનની શોધ કોણે કરી?

ઇમેજ સ્રોત, Gulati
એ દિવસે મારો આગામી સ્ટૉપ દરિયાગંજની એરોસિટી રેસ્ટારાં હતું. એ રેસ્ટોરાંમાં કળાત્મક રીતે કરવામાં આવેલી ઈંટોની કારીગરી અને લાકડાં તથા પીત્તળથી સભર વિશાળ વિસ્તાર ઇન્ડિયન આર્ટ ડેકોનો સંકેત આપે છે.
આ રેસ્ટોરાંની મુલાકાતે આવેલા પોપસ્ટાર અને રાજકારણીઓના ફોટોગ્રાફ્સથી દીવાલોનું સુશોભન કરવામાં આવ્યું છે. હું ત્યાં એ વાનગી બાબતે જાણવા ઇચ્છુક હતી, જેને કારણે હું અહીં ખેંચાઈ આવી હતી.
દરિયાગંજના બટર ચિકનમાં મેં જે પહેલી ચીજ નોટિસ કરી તે ઘાટી ગ્રેવી હતી. તેમાં સંતોષકારક સ્નિગ્ધતા હતી.
બગ્ગાએ કહ્યું હતું, “1947માં કોઈ બ્લૅન્ડર ન હતાં અને અમારા બટર ચિકનની ટામેટાં ગ્રેવી અસલ જેવી જ છે. આજે મોટા ભાગની બટર ચિકન ડીશ સાથે જે ચટણી પીરસવામાં આવે છે તેના કરતાં એ વધારે ઘાટી છે.”
એ પછી હું મોતીમહેલ ડીલક્સની એક બ્રાન્ચમાં ગઈ હતી. મેં ઑર્ડર કરેલું બટર ચિકન સ્વાદિષ્ટ અને વાઈન-ફ્રેશ ટામેટાંથી માંડીને મરચાની અણધારી તિખાશ સુધીની ફ્લેવર્સથી ભરપૂર હતું. જોકે, ચટણી દરિયાગંજમાં પીરસવામાં આવતી ચટણી કરતાં વધારે નરમ હતી.
હું તેની રેસિપી વિશે વધારે જાણવા ઉત્સુક હતી. મોતીમહેલ ડીલક્સના માલિકો શરૂઆતમાં વાત કરવા તૈયાર થયા હતા, પરંતુ બાદમાં તેમણે ફેરવી તોળ્યું હતું.
આખરે એક પ્રવક્તાએ મને જણાવ્યું હતું કે કોર્ટમાં કેસ ચાલતો હોવાને કારણે કંપનીના કોઈ પણ પાસાં વિશે વાત નહીં કરે તેવું નક્કી કરવામાં આવ્યું છે. હું કશું કરી શકું તેમ ન હતી, પરંતુ મને લાગે છે કે મોતીમહેલ ડીલક્સના માલિકો એક એવો કેસ દાખલ કરવા બદલ અફસોસ કરવા લાગ્યા છે, જે જીતવો અશક્ય છે.
હું આવું વિચારતી હોય તેવી એકમાત્ર વ્યક્તિ નથી. શેફિલ્ડ યુનિવર્સિટીના દક્ષિણ એશિયા અને ફૂડ હિસ્ટરીનાં નિષ્ણાત ડૉ. નેહા વર્માની પણ માને છે કે અસામાન્ય વાનગી પર કોઈ પણ વ્યક્તિ દાવો કરી શકે છે. પોતાની વાનગીને વિભાજન સાથે સાંકળતા લોકો માટે પણ તેમની પાસે બહુ ઓછો સમય હોય છે. (બટર ચિકનને વિભાજન વખતે પહેરેલા કપડે પેશાવર છોડીને દિલ્હી આવેલા હિંદુ પંજાબી શરણાર્થીઓની લવચીક વૃત્તિના પ્રમાણ તરીકે ઘણી વાર વર્ણવવામાં આવે છે)
ડૉ. નેહા વર્માનીએ કહ્યું હતું, “બટર ચિકનમાંનું માખણનું મોટું પ્રમાણ વિભાજન પછીની કરકસરને પ્રતિબિંબિત કરે છે, એ વાત સાંભળીને મને ઘણી વાર આશ્ચર્ય થાય છે.” વર્માની એવું પણ માને છે કે બટર ચિકન જેવી વાનગી એક વ્યક્તિની ઈરાદાપૂર્વકની શોધ હતી, જે અન્યના યોગદાન પર મીંડુ મૂકી દે છે.
તેમણે ઉમેર્યું હતું, “પોતે કોઈ વાનગીની શોધ કરી હોવાનો દાવો કોઈપણ વ્યક્તિ કરી શકે નહીં. ફૂડ હિસ્ટરીમાંથી આપણે કંઈ શીખવાનું હોય તો તે એ છે કે રાંધણકળા અને વાનગીઓ શોધ તથા હસ્તક્ષેપની સતત વિકસતી શ્રેણીનો એક હિસ્સો છે, જેનું નિર્માણ સદીઓના બૌદ્ધિક શ્રમથી જ નહીં, પરંતુ અનામ અગ્રણીઓના માનવીય શ્રમથી પણ થયું છે. એ ઉપરાંત ટ્રાન્સએટલાન્ટિક વિશ્વમાંથી દક્ષિણ એશિયામાં ટામેટાં લાવનાર ટ્રેડ નેટવર્ક્સ ન હોત અને તેને ચાતુર્યવાન લોકોએ અહીં ઉગાડ્યાં ન હોત તો બટર ચિકનનું અસ્તિત્વ જ ન હોત.”
દરમિયાન, દરિયાગંજના બગ્ગા હકારાત્મક બાજુને જોઈ રહ્યા છે.
તેમણે કહ્યું હતું, “પ્રતિપક્ષનો દાવો છે કે તેમના દાદાએ બટર ચિકનની શોધ કરી હતી, પરંતુ કયા ભાગીદારે તેની શોધ કરી હતી એ કોને ખબર છે?” આ કાર્યવાહીની એક હકારાત્મક બાજુ પણ છે, જે દુનિયાભરમાં સમાચારોમાં ચમકી છે.
તેમણે ઉમેર્યું હતું, “બટર ચિકન માટે આ બહુ સારી વાત છે. અમારા વેચાણમાં જંગી વધારો થયો છે અને અમારા ગ્રાહકોને તેની પરવા નથી. કેટલાક લોકો સ્ટોરીને કારણે આવી શકે, પરંતુ બટર ચિકન ખરેખર સ્વાદિષ્ટ નહીં હોય તો તેઓ પાછા આવવાના નથી.”
તે એ વાતનો પુરાવો છે કે તમામ પ્રકારનો પ્રચાર સારી પબ્લિસિટી હોય છે અને દરિયાગંજના મેનુમાં ટૂંક સમયમાં જ બટર ચિકન કોકટેલનો સમાવેશ ટૂંક સમયમાં જ થઈ જશે કે નહીં તે કોને ખબર છે. જોકે, મને શંકા છે કે એવું નહીં થાય.












