રસોઈ કરવા કયું તેલ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાય? કયું હૃદયરોગનું જોખમ ઘટાડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેસિકા બ્રાઉન
- પદ, બીબીસી ન્યૂઝ
દરેક તેલ ચરબી અને કૅલરીથી ભરપૂર હોય છે પરંતુ તેની રાસાયણિક સંરચના અને સ્વાસ્થ્ય પર તેની અસર ખૂબ જ અલગ-અલગ થાય છે.
રસોઈ કરવા માટે તેલ એક મહત્ત્વની વસ્તુ છે. જોકે, આ તેલ કેટલું આરોગ્યપ્રદ છે તે વિશે મોટા પ્રમાણમાં વિરોધાભાસી માહિતી છે. બજારમાં સિંગતેલ, નારિયેળ, ઑલિવ, ગ્રીન્સ, કેનોલા, એવોકાડોથી માંડીને તલનાં તેલ સુધી અનેક પ્રકારનાં તેલ ઉપલબ્ધ છે.
આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ અને કયા તેલનો ઉપયોગ ટાળવો જોઈએ.
રસોઈ બનાવવા માટે મળતા તેલનું નામ સામાન્ય રીતે એ ફળો, બીજ, છોડ કે અનાજ પર રાખવામાં આવે છે જેમાંથી ક્રશિંગ અથવા પ્રોસેસિંગ પદ્ધતિઓ મારફતે તેલ કાઢવામાં આવે છે. આ તેલમાં સંતૃપ્ત, મોનોઅનસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચ્યુરેટેડ ચરબીનું પ્રમાણ વધારે હોય છે.
નારિયેળનું તેલ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા એક દાયકામાં નારિયેળ તેલ કે જેમાં 90 ટકા સંતૃપ્ત ચરબી હોય છે તે નવું ટ્રેંડી સુપરફૂડ બની ગયું છે.
નારિયેળના તેલને એક સુપરફૂડરૂપે દર્શાવાઈ રહ્યું છે, કારણ કે આ તેલની શરીરમાં ચરબી રૂપે જમા થવાની શક્યતાઓ ઓછી છે અને તેનો ઊર્જા તરીકે ઉપયોગ થવાની શક્યતા વધારે છે. જોકે હાર્વર્ડ યુનિવર્સિટીના એક મહામારીના નિષ્ણાત નારિયેળ તેલને શુદ્ધ ઝેર ગણાવે છે.
યુકેએ આપેલા દિશાનિર્દેશો પ્રમાણે દરરોજ વધારે પ્રમાણમાં સંતૃપ્ત ચરબીનું સેવન કરવાથી શરીરમાં કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. મહિલાઓએ દરરોજ 20 ગ્રામ અને પુરુષોએ 30 ગ્રામથી વધારે સંતૃપ્ત ચરબીનું સેવન ન કરવું જોઈએ.
ચરબીના બધા અણુઓ ફેટી એસિડની શ્રેણીમાંથી બને છે જે સંતૃપ્ત કે અસંતૃપ્ત બંધો દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફેટી ઍસિડના ત્રણ પ્રકાર છે: લઘુ, મધ્યમ અને લાંબી શ્રેણી. નાનું અને મધ્યમ-શૃંખલાવાળું ફેટી ઍસિડ રક્તપ્રવાહમાં અવશોષિત થાય છે અને ઊર્જાના સ્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ લાંબા-શૃંખલાવાળું ફેટી ઍસિડ યકૃતમાં જાય છે અને લોહીમાં કૉલેસ્ટ્રોલનું સ્તર વધે છે.
મેસેચુસેટ્સમાં ટફ્ટ્સ યુનિવર્સિટીમાં પોષણ વિજ્ઞાન અને પૉલિસીના પ્રોફેસર ઍલિસ લિચેંસ્ટીને કહ્યું, "નારિયેળનું તેલ કેટલાં વર્ષોથી લોકપ્રિય હતું. જ્યારે તેની આરોગ્યપ્રદ અસરો વિશે દાવાઓ કરવામાં આવ્યા હતા."
"જોકે જ્યારે તમે નારિયેળના તેલની તુલના અન્ય તેલ સાથે કરીને અભ્યાસ કરો ત્યારે પરિણામો બતાવે છે નારિયેળના તેલમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધારે છે અને તેની આરોગ્યપ્રદ અસરો વિશે કરવામાં આવેલા દાવાઓને પણ સમર્થન નથી મળતું."
મોટા ભાગનાં નિયંત્રિત પરીક્ષણોના પરિણામ દર્શાવે છે કે નારિયેળનું તેલ શરીરમાં હાનિકારક કૉલેસ્ટ્રોલ અને ઓછા ઘનત્વવાળા લિપોપ્રોટિનના (એલડીએલ) સ્તરમાં વધારો કરે છે જે હૃદયરોગ માટે જવાબદાર છે. જોકે, આ તેલ શરીર માટે લાભદાયી કૉલેસ્ટ્રોલ અને વધારે ઘનત્વવાળા લિપોપ્રોટીનનું (એચડીએલ) પ્રમાણ પણ વધારે છે, જે લોહીના પ્રવાહમાંથી એલડીએલને હટાવે છે.
જોકે 2023માં કરવામાં આવેલાં નિયંત્રિત પરીક્ષણોની સમીક્ષાનું પરિણામ એ છે કે નારિયેળનું તેલ બટરની તુલનામાં એલડીએલ માટે ઓછું હાનિકારક છે પરંતુ સૂરજમુખીના તેલની તુલનામાં નહીં.
વધારે પ્રમાણમાં સંતૃપ્ત ચરબીવાળા ભોજન લેવાથી એચડીએલ કૉલેસ્ટ્રોલની માત્રા વધે છે, કારણ કે તેમાં લોરિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, જેને કારણે લોહીમાં એચડીએલનું પ્રમાણ એલડીએલ કરતાં વધારે છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે વર્જિનિયામાં જૉર્જ મેસન યુનિવર્સિટીમાં પોષણ અને ખાદ્ય અભ્યાસ વિભાગમાં પ્રોફેસર ટેલર વાલેસે કહ્યું કે લોરિક ઍસિડ એટલું આરોગ્યપ્રદ નથી જેટલું કેટલાક લોકો દાવો કરે છે.
આ ઍસિડને C12 ફેટી ઍસિડના રૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે તેનો મતલબ છે કે તેમાં 12 કાર્બન પરમાણુ છે. જે તેને મધ્યમ શ્રેણીના ફેટી ઍસિડની વ્યાખ્યાના છેવાડે મૂકે છે.
વાલેસે કહ્યું, "C12 લાંબી શ્રેણીવાળા ફેટી ઍસિડની જેમ હોય છે જેને મધ્યમ શ્રેણીના ફેટી ઍસિડરૂપે વર્ગીકૃત કરવામાં આવે છે. C12 લગભગ 70 ટકા લાંબી શ્રેણીવાળા ફેટી ઍસિડના રૂપે કામ કરે છે જે યકૃતમાં જાય છે."
લાંબી શ્રેણીવાળું ફેટી ઍસિડ લીવરમાં ચરબીરૂપે જમા થવાની વધારે શક્યતા છે અને સમયની સાથે ફેટી લીવરને લગતી બિન-આલ્કોહોલિક રોગ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
આ કારણે નિષ્ણાતો નારિયેળ તેલની જગ્યાએ એવા તેલને પસંદ કરવાની સલાહ આપે છે જેમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઓછું હોય અને અન્ય પ્રકારની ચરબી વધારે હોય જે વધારે આરોગ્યપ્રદ છે.
આ સાબિત કરે છે કે પૉલીઅનસેચ્યુરેટેડ ચરબી (ઓમેગા 3 અને ઓમેગા 6) અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી શરીરમાં કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે અને જરૂરી ફેટી ઍસિડ અને વિટામિન પ્રદાન કરે છે.
જે અલગ-અલગ પ્રકારના વનસ્પતિ તેલોમાં જોવા મળે છે. જોકે ચોક્કસ પ્રમાણમાં છોડવાઓ અને તેના ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતી તકનીકી પ્રક્રિયા બન્ને પર આધારિત છે.
લિચેંસ્ટીને કહ્યું, "મોટા ભાગના અભ્યાસો પરથી સંકેત મળ્યા છે કે મોનોઅનસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચ્યુરેટેડ ચરબીમાં રહેલા પદાર્થો હૃદયરોગનું જોખમ ઘટાડે છે. આ કારણે જ અનસેચ્યુરેટેડ ચરબીને બદલે મુખ્ય રૂપે વનસ્પતિ તેલ, નટ્સ કે બીજોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે કે જેમાંથી પૉલીઅનસેચ્યુરેટેડ ચરબી હોય."
ઉદાહરણરૂપે એક અવલોકન સંબંધી અભ્યાસ પ્રમાણે સંતૃપ્ત ચરબીને ઑલિવ તેલ સાથે બદલવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. બટર, માર્જરીન, મેયોનીઝ કે ડેરી ચરબીને બદલે ઑલિવ તેલનો ઉપયોગ કરવાથી આ જોખમ પાંચથી સાત ટકા ઘટી જાય છે.
2021ના વસ્તી-આધારિત વિશ્લેષણમાં લોકોના સ્વાસ્થ્યની તુલનાં 15 વર્ષોમાં તેમનાં બટર, માર્જરીન, મકાઈનાં તેલ, કેનોલા અને ઑલિવ તેલના વપરાશની તુલના કરવામાં આવી તો પરિણામ મળ્યું કે બટર અને માર્જરીનનો ઉપયોગની સરખામણીમાં તેલ સાથે ભોજન બનાવવું વધુ આરોગ્યવર્ધક છે.
ઑલિવ ઑઇલ ખરેખર હૃદયના આરોગ્ય માટે સારું?

ઇમેજ સ્રોત, Getty Images
બૉસ્ટનમાં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે આવેલી ટીએચ ચાન સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના પોષણ વિભાગમાં વૈજ્ઞાનિક અને સંશોધનના લેખક માર્ટા ગુઆશ-ફેરેએ 24 વર્ષમાં એક લાખથી વધારે લોકોના સ્વાસ્થ્ય અને આહારનું વિશ્લેષણ કર્યું અને જાણ્યું કે જે લોકો ઑલિવ તેલનો ઉપયોગ કરે છે તેમને હૃદયરોગનું જોખમ અન્ય તેલના વપરાશ કરતાં લોકોની તુલનામાં 15 ટકા ઓછું છે.
ઑલિવ તેલના સ્વાસ્થ્ય લાભોનું શ્રેય આંશિકરૂપે તેમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટી ઍસિડને જાય છે જેમાં વિટામિન અને ખનીજ હોય છે અને છોડવામાંથી મળતા સૂક્ષ્મ પોષકતત્ત્વ પૉલીફેનોલ્સ પણ છે.
ગુઆશ-ફેરે કહ્યું, "જોકે આ વાત માત્ર ભોજનમાં ઑલિવ ઑઇલને સામેલ કરવા વિશે નથી પરંતુ અન્ય ઓછી આરોગ્યપ્રદ ચરબીની જગ્યાએ ઑલિવ તેલના ઉપયોગ કરવાની છે."
ઑલિવ ઑઇલ બનાવવા માટે ઑલિવને કચડીને અને તેના રસમાંથી તેલને અલગ કરવામાં આવે છે. ઑલિવ તેલ વનસ્પતિ તેલોમાં સૌથી આરોગ્યપ્રદ હોવાનું માનવામાં આવે છે.
સંશોધનોમાં જાણવા મળ્યું છે કે ઑલિવ તેલ હૃદયરોગ અને ટાઇપ 2 ડાયાબિટીસને રોકવા માટે ફાયદાકારક બની શકે છે.
2023માં થયેલા અભ્યાસોની સમીક્ષામાં પુરાવા મળ્યા છે કે ઑલિવ તેલ અલ્ઝાઇમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગોના વિકાસના જોખમને પણ સુધારી શકે છે. આ ઉપરાંત ચિંતા અને હતાશાનાં લક્ષણોમાં મદદ કરી શકે છે, અને આપણા આંતરડાના માઇક્રોબાયોમાં પણ ફેરફાર લાવી શકે છે.
પરંતુ સંશોધકોએ કહ્યું છે કે આ સંબંધોની અંતર્ગત પદ્ધતિઓ સમજાવવા માટે પુરાવાનો અભાવ છે.
સ્પેનમાં આવેલી યુનિવર્સિટી ઑફ વેલેન્સિયામાં પ્રિવેન્ટિવ મેડિસિન ઍન્ડ પબ્લિક હેલ્થ વિભાગના પ્રોફેસર ફ્રાંસિસ્કો બારબાએ કહ્યું, "ઑલિવ તેલમાં રહેલા મોનોઅનસેચ્યુરેટેડ ફેટી ઍસિડ અને અન્ય સંયોજનો બિનચેપી રોગોને રોકવામાં મદદ કરે છે. કોઈ ખાસ મિકેનિઝમ દ્વારા નહીં, પરંતુ આપણા શરીરને તેમની જરૂર છે."
ઑલિવ ઑઇલ એ મેડિટેરેનિયન આહારનો પર્યાય છે, જે ફળો, શાકભાજી અને કઠોળમાં સમૃદ્ધ છે અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઓછું છે અને તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોવા છતાં હૃદયરોગનું જોખમ ઓછું છે.
ગુઆશ-ફેરે કહ્યું, "જે વસ્તુ મેડિટેરેનિયન આહારને અન્ય પ્રકારના સ્વસ્થ આહારોથી અલગ કરે છે તે છે ઑલિવ ઑઇલ. આ સિવાયની વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી અને મેવા અન્ય આહારનો પણ હિસ્સો છે."
જોકે, કેટલાંક સંશોધનો થકી જાણવા મળ્યું છે કે આ સ્વાસ્થ્ય લાભ ઑલિવ ઑઇલને બદલે ભોજનના અન્ય ઘટકોને કારણે પણ થઈ શકે છે. પુરાવાઓની સમીક્ષા કરતા પરિણામ મળ્યું કે મેડિટેરેનિયન આહારથી અલગ ઑલિવ ઑઇલનો એકમાત્ર ફાયદો એ છે કે શરીરમાં એચડીએલ કૉલેસ્ટ્રોલના સ્તરને તે વધારે છે.
સંશોધકોએ સમીક્ષા કરી જેમાં ઑલિવ ઑઇલનો ઉપયોગ કરીને તેની અસર જાણવા માટે આ સંશોધનમાં ભાગ લેનાર લોકોના આહારમાં ફેરફાર કરવામાં આવ્યો. આ સંશોધનને અંતે જાણવા મળ્યું કે પશ્ચિમી આહારની તુલનામાં મેડિટેરેનિયન આહારમાં ગ્લુકોઝનું સ્તર ઓછું અને એલડીએલનું સ્તર વધારે હતું.
આ આહારમાં વધારે પૉલીફેનૉલનું પ્રમાણ ધરાવતા ઑલિવ ઑઇલને સામેલ કરવાથી એચડીએલનું પ્રમાણ વધી ગયું.
જોકે, મેડિટેરેનિયન આહાર લીધા પછી ઑલિવ ઑઇલનો ઉપયોગ કરવાથી ગ્લુકોઝના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. જો ગ્લુકોઝનું સ્તર એકદમ વધી જાય તો ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ સંશોધનોમાં ઑલિવ ઑઇલના વિવિધ પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો. જોકે કેટલાંક સંશોધનોમાં જોવા મળ્યું કે ઍકસ્ટ્રા વર્જિન ઑલિવ તેલનો ઉપયોગ આરોગ્યપ્રદ છે જે હૃદયરોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે.
ઍકસ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ ઍન્ટીઑક્સિડેન્ટ અને વિટામિન-ઈથી ભરપૂર હોય છે અને સંશોધકોએ જણાવ્યું કે તે એલડીએલ કૉલેસ્ટ્રોલથી સારી રીતે બચાવે છે.
તેલ કાઢવામાં આવ્યા પછી અન્ય પ્રકારના ઑલિવ ઑઇલ પર પ્રક્રિયા કરવામાં આવે છે જે તેમના કેટલાક પોષક ગુણધર્મોને ઘટાડે છે.
જોકે, ઍક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલનો સ્મોક પૉઇન્ટ ઓછો છે, એટલે કે તે નીચા તાપમાને ધુમાડો છોડવાનું શરૂ કરે છે. તાજેતરનાં વર્ષોમાં ચિંતા ઊભી થઈ છે કે તેનાથી હાનિકારક સંયોજનો છૂટી શકે છે અને તેના કેટલાક ફાયદાઓ ગરમ થવાની પ્રક્રિયા સાથે ખોવાઈ જાય છે.
બારબાએ કહ્યું, "ઍકસ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ ખાસ કરીને ત્યારે ફાયદાકારક છે જ્યારે તેને ગરમ ન કરવામાં આવે. જોકે, તેને ગરમ કરવામાં આવે તો પણ તેમાં મોનોસેચ્યુરેટેડ ફેટી ઍસિડનું પ્રમાણ વધારે છે."
2023માં કરવામાં આવેલી 34 અભ્યાસોની સમીક્ષાના પુરાવા દર્શાવે છે કે ઍકસ્ટ્રા વર્જિન ઑલિવ તેલ બ્લડપ્રેશર અને એલડીએલ ઘટાડવામાં અને એચડીએલ, ગ્લુકોઝનું સ્તર અને વજન નિયંત્રણમાં સુધારો કરવા માટે વધારે માત્રામાં ચરબી ધરાવતા અન્ય ખોરાક કરતાં વધુ સારું છે.
11 વર્ષ સુધી 12,000 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં પછી જાણવા મળ્યું છે કે દરરોજ 1.5 ચમચી વર્જિન ઑલિવ ઑઇલનું સેવન કરવાથી મૃત્યુનું જોખમ એક તૃતીયાંશ અને હૃદયરોગથી મૃત્યુનું જોખમ અડધું ઘટી જાય છે.
જોકે ઑલિવ ઑઇલના કિસ્સામાં આવું ન હતું, કારણ કે આ એક વસ્તી અભ્યાસ હતો, સંશોધકો કારણ અને અસરને સંપૂર્ણપણે અલગ કરી શકતા નથી.
તાજેતરના અભ્યાસોએ દર્શાવ્યું છે કે ઍકસ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ રસોઈ માટે સલામત છે. સંશોધકોએ ઍક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલને મૉનિટર કરવા માટે શ્રેણીબદ્ધ પ્રયોગો હાથ ધર્યા, કારણ કે તેને ફ્રાઇંગ પેનમાં 120C (248F) અને 170C (338F) પર વિવિધ સમયગાળા માટે રાંધવામાં આવે છે.
તેમણે જોયું કે સમય નહીં પરંતુ તાપમાન તેલની પોલિફીનોલ સામગ્રી પર થોડી અસર કરે છે.
યુરોપિયન ફૂડ સેફ્ટી ઑથૉરિટીએ 2011માં તારણ કાઢ્યું હતું કે ઑલિવ ઑઇલના ઉત્પાદકો દાવો કરી શકે છે કે તે ઑક્સિડેટિવ તણાવ ઘટાડે છે અને કોષો અને એલડીએલ કૉલેસ્ટ્રોલને ઑક્સિડેટિવ નુકસાનથી રક્ષણ આપે છે, જે વૃદ્ધ કોષોને અસર કરી શકે છે.
પ્રયોગ હાથ ધરનારા સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે રસોઈ માટે વપરાતું ઍક્સ્ટ્રા વર્જિન ઑલિવ ઑઇલ હજુ પણ સ્વાસ્થ્ય દાવાની માર્ગદર્શિકાને પૂર્ણ કરે છે.
લિચેંસ્ટીને કહ્યું કે ઑલિવ ઑઇલમાં મોનોઅનસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચ્યુરેટેડ ફેટથી ભરપૂર છે. તે સિવાય અન્ય કોઈ અપેક્ષિત વિશિષ્ટ ગુણધર્મો નથી.
તલનું તેલ

ઇમેજ સ્રોત, Getty Images
તલનું તેલ શેકેલા અથવા કાચા તલમાંથી મેળવવામાં આવે છે, જે વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે.
તલના તેલની આપણા સ્વાસ્થ્ય પરની અસરો અંગેના અભ્યાસોની 2020ની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે તે અમુક બાયોમાર્કરને (આપણા લોહીમાંના સ્તરો જે અમુક રોગો થવાનું જોખમ દર્શાવે છે) સુધારી શકે છે.
જોકે, આ વિશે પુરાવા ઓછા છે અને વધુ અભ્યાસની જરૂર છે.
એવોકાડો તેલ

ઇમેજ સ્રોત, Getty Images
તેલ માર્કેટ માટે પ્રમાણમાં નવું એવોકાડો તેલમાં ફાયટોકેમિકલ્સ અને ઓલિક ઍસિડનું પ્રમાણ વધારે છે. તેને ઑલિવ ઑઇલ જેવી ઠંડા નિષ્કર્ષણની પદ્ધતિનો ઉપયોગ કરીને ફળમાંથી મેળવી શકાય છે જેને કારણે છોડમાં મળતા વધુ તંદુરસ્ત રસાયણો અકબંધ રહે છે.
સંશોધકોએ 2019ના લેખમાં જણાવ્યું છે કે, એવોકાડો તેલને કયા તાપમાને અને કેટલા સમય માટે સંગ્રહિત કરવામાં આવે છે તેના આધારે તેને ઑલિવ તેલનો સારો વિકલ્પ ગણી શકાય.
આ માટે આંશિક રીતે તેના એન્ટિઑકિસડન્ટ અને ફિનોલ સામગ્રીનું પ્રમાણ જવાબદાર છે. સંશોધકો કહે છે કે તે ઑલિવ તેલ સાથે ખૂબ સમાન પ્રોફાઇલ ધરાવે છે.
એક અભ્યાસમાં 13 લોકોએ એવોકાડો બટર અથવા તેલ (ખાસ કરીને હાસ એવોકાડો) ધરાવતો ઉચ્ચ ચરબીવાળો નાસ્તો ખાધો. સંશોધકોએ પછી તેમના લોહીનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે જેઓ તેલનું સેવન કરે છે તેઓ ચરબીયુક્ત નાસ્તાની અસરોથી વધુ સુરક્ષિત હતા., કારણ કે તેમની પાસે કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય સંબંધિત વધુ સારા માર્કર હતા
આ અભ્યાસ હાર્ટ ઍટેક, સ્ટ્રૉક, ડાયાબિટીસ, ઇન્સ્યુલિન પ્રતિકાર અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગના જોખમમાં ઘટાડો સાથે જોડાયેલો છે.
જોકે, આ એક ખૂબ જ નાનો અભ્યાસ છે અને તે તેના પ્રકારનો એકમાત્ર અભ્યાસ છે જે દર્શાવે છે કે એવોકાડો તેલ કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડી શકે છે.
ઘણા અભ્યાસો દર્શાવે છે કે એવોકાડો એક આરોગ્યપ્રદ તેલનો વિકલ્પ છે. સંશોધકોએ દલીલ કરી છે કે તેલની ગુણવત્તા એવોકાડો કેટલું પાકેલું છે અને તેમાંથી તેલ કેવી રીતે કાઢવામાં આવે છે તેના પર આધાર રાખે છે.
કેનોલાનું તેલ

ઇમેજ સ્રોત, Getty Images
કેનોલા તેલને કેનોલા નામના તેજસ્વી પીળા ફૂલમાંથી બનાવામાં આવે છે, જેમાં સંતૃપ્ત ચરબીનું નીચું સ્તર છે જ્યારે ઑલિક ઍસિડ સહિત મોનોઅનસેચ્યુરેટેડ અને પૉલીઅનસેચ્યુરેટેડ ચરબીનું ઉચ્ચ સ્તર છે.
કેનોલા તેલના સ્વાસ્થ્ય લાભો પરના અભ્યાસોની સમીક્ષા કરતા જાણવા મળ્યું કે તે કૉલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે અને અન્ય ઉચ્ચ ચરબીવાળા ખોરાકની તુલનામાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. એકંદરે તે આપણા આહારમાં સકારાત્મક યોગદાન આપી શકે છે.
જોકે વૈજ્ઞાનિકોએ 2017માં ઉંદરોને કેનોલા તેલથી ભરપૂર ખોરાક ખવડાવ્યો અને તારણ કાઢ્યું કે જે ઉંદરોએ કેનોલા તેલનું સેવન કર્યું તેનું વજન અન્ય ઉંદરોના પ્રમાણમાં વધારે હતું.
આ ઉપરાંત તેમની યાદશક્તિ પણ ઘટી ગઈ. આ આમ આ તારણો અન્ય અભ્યાસોને સમર્થન આપતાં નથી જે દર્શાવે છે કે કેનોલા તેલનો નિયમિત વપરાશ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે.
પુરાવાઓ સંતૃપ્ત ચરબીને બદલે ઑલિવ તેલ અને અન્ય વનસ્પતિ તેલના ઉપયોગને સમર્થન આપે છે, પરંતુ એકંદરે તેલના ઉપયોગને ઓછો કરવાની સલાહ આપે છે.
"આ પુરાવાઓનો સંદેશ તેલનો વપરાશ વધારવાનો નથી, કારણ કે આપણને લાગે છે કે તે આપણા માટે સારું છે, કારણ કે તે ફક્ત ઘણી બધી કૅલરી ઉમેરે છે," તેમણે કહ્યું.
"એક વાર આપણે સંતૃપ્ત ચરબીમાંથી અસંતૃપ્ત ફેટી ઍસિડમાં સંતુલન બદલીએ, પછી આપણે પોતાની પસંદગીના તેલનો ઉપયોગ કરી શકીએ."
(આ અહેવાલ 4 સપ્ટેમ્બર, 2020ના રોજ પ્રકાશિત થયો હતો. તાજેતરના સંશોધનનો સમાવેશ કરવા માટે તેને 27 ફેબ્રુઆરી, 2024ના રોજ અપડેટ કરવામાં આવ્યો છે.)














