અમરોહાની સ્કૂલમાં મુસ્લિમ બાળકના લંચબૉક્સ બાબતે વિવાદ કેમ? ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, ઉત્તર પ્રદેશના અમરોહાથી
સાત વર્ષના એક બાળક પર ગંભીર આરોપ મૂકતા પ્રિન્સિપાલ અને એકમેકની સાથે સહમત થતા શિક્ષક તથા અનેક બાળકો.
દલીલો કરતાં માતા, બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા પ્રિન્સિપાલ અને માતાને ધકેલીને ઓરડામાંથી બહાર કાઢી મૂકતા અન્ય શિક્ષક.
પશ્ચિમ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની એક ખાનગી સ્કૂલના આ બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ અનેક ગંભીર સવાલ ઊઠી રહ્યા છે.
વાઇરલ વીડિયોમાં અમરોહાની હિલ્ટન સિનિયર સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ અવનીશ શર્મા સાત વર્ષના વિદ્યાર્થી પર “સ્કૂલને બૉમ્બ વડે ફૂંકી મારવાની યોજના બનાવવાનો, ટિફિનમાં નૉન-વેજ ભોજન લાવવાનો અને મંદિરો તોડવાના વિચારના” આરોપ મૂકતા જોવા મળે છે.
તે આરોપોને ફગાવી દેતાં વિદ્યાર્થીના પરિવારે જણાવ્યું હતું કે સ્કૂલમાં તેમના બાળક સાથે ધાર્મિક આધારે ભેદભાવ કરવામાં આવ્યો છે.
આરોપ-પ્રત્યારોપની વચ્ચે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ રચવામાં આવેલી ત્રણ સભ્યોની સમિતિએ આ પ્રકરણની તપાસ કરીને પોતાનો અહેવાલ આપી દીધો છે.
તપાસ સમિતિએ સ્વીકાર્યું છે કે પ્રિન્સિપાલે વિદ્યાર્થી તથા તેમનાં માતા સાથે અનુચિત ભાષાનો ઉપયોગ કર્યો હતો. જોકે, પ્રિન્સિપાલ કે સ્કૂલ સામે અત્યાર સુધી વહીવટીતંત્રે કોઈ દંડાત્મક કાર્યવાહી કરી નથી.
અમરોહાના જિલ્લા શાળા નિરીક્ષક બીપી સિંહે બીબીસીને જણાવ્યું હતું કે સ્કૂલના શૉકોઝ નોટિસ આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન, સ્કૂલ મૅનેજમૅન્ટના અનુરાગ સૈનીએ પ્રિન્સિપાલને શૉકોઝ નોટિસ આપીને સાત દિવસમાં જવાબ માગ્યો છે.
હિલ્ટન સ્કૂલના સ્થાપક સ્વ. મંગલસિંહ સૈની ભાજપ સરકારમાં મંત્રી હતા, પરંતુ તેમના પુત્ર અનુરાગ સૈની થોડા વર્ષો પહેલાં સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા.
સ્કૂલ પર સવાલો ઊઠી રહ્યા છે ત્યારે અનુરાગ સૈનીએ નવમી સપ્ટેમ્બરથી ફરી ભાજપનું સભ્યપદ લીધું છે.
સ્થાનિકો શું કહે છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પ્રકરણમાં સંકળાયેલા વિદ્યાર્થીનું ઘર સ્કૂલથી લગભગ દોઢ કિલોમીટર દૂર આવેલું છે. નાનકડી જગ્યામાં બનાવવામાં આવેલા ત્રણ માળના ઘરની બહાર અનેક સ્થાનિક નેતાઓ બેઠા છે.
ઘરની છત પર બાળકની મમ્મી સાબરા બેગમ પત્રકારો તથા સ્થાનિક નેતાઓથી ઘેરાયેલાં છે. અનેક નેતાઓ બાળકને મળવા ઇચ્છે છે, પરંતુ સાત વર્ષનો એ બાળક માતાના પાલવમાં છુપાઈને રડવા લાગે છે.
માતા તેમને હિંમત આપતાં કહે છે, “કશું નહીં થાય. બધું ઠીક થઈ જશે.”
આ બધાની વચ્ચે નેતા બાળકને વારંવાર સવાલ કરે છે ત્યારે તે એટલું જ કહે છે, “હું તો માત્ર સોયાબીન (વડી)ની બિરયાની લઈને ગયો હતો.”
આટલું કહીને બાળક મૌન થઈ જાય છે. સ્થાનિક નેતાઓ માતા તથા બાળક સાથે ફોટો પડાવે છે અને જતાં જતાં કહે છે, “ડરશો નહીં. અમે બધા તમારી સાથે છીએ.”
આ ઘટનાને કારણે સ્થાનિક મુસ્લિમ સમુદાયમાં આક્રોશ છે. પરિવારના ખબરઅંતર પૂછવા આવેલા બે યુવા મુસલમાન કહે છે, “અમરોહા મુસ્લિમોના બાહુલ્યવાળું શહેર છે. અહીં એક મુસલમાન બાળકે આવી યાતનામાંથી પસાર થવું પડતું હોય તો મુસલમાનોની વસ્તી ઓછી હશે ત્યાં શું થતું હશે તેનું અનુમાન કરી શકાય.”
યુવાઓ કહે છે, “અમરોહાની સ્કૂલમાં એક બાળક સાથે થયેલા અન્યાયને સહન કરવામાં આવશે નહીં.”
માતા શું કહે છે?
સાબરા બેગમનાં ત્રણ સંતાનો હિલ્ટન સિનિયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. મોટો દીકરો છઠ્ઠા ધોરણમાં છે. વાઇરલ વીડિયોમાં જોવા મળતો દીકરો ત્રીજા ધોરણમાં છે અને સૌથી નાની દીકરી પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.
સાબરા બેગમ કહે છે, “એ દિવસે હું તેને લેવા સ્કૂલે ગઈ ત્યારે તેનો ચહેરો લાલ હતો. એ કશું કહેતો ન હતો. તેને એક ઓરડામાં પૂરી રાખવામાં આવ્યો હતો. મેં સ્કૂલ ટીચર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કશું જણાવ્યું નહીં.”
સાબરા બેગમના કહેવા મુજબ, જે વીડિયો ક્લાસમાં રેકૉર્ડ કરવામાં આવ્યો છે તે બીજી સપ્ટેમ્બરનો છે. પ્રિન્સિપાલ અને તેમની વચ્ચેની ચર્ચાનો વીડિયો ત્રીજી સપ્ટેમ્બરે સવારનો છે.
સાબરા કહે છે, “મારા બાળક સાથે બનેલી ઘટના બાબતે મેં પ્રિન્સિપાલને સવાલ કર્યા ત્યારે તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને મારા બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.”
સાબરાના કહેવા મુજબ, તેમણે તેમના બાળક સાથે ક્લાસમાં પ્રિન્સિપાલની પૂછપરછનો વીડિયો જોયો ત્યારે હેબતાઈ ગયાં હતાં.
તેઓ ગુસ્સાભેર કહે છે, “કોઈ બાળક પર આવા આરોપ કેવી રીતે મૂકી શકાય? કોઈ આટલા નાના બાળકને આવા સવાલ કઈ રીતે કરી શકે?”
બારમા ધોરણ સુધી ભણેલાં સાબરા તેમનાં સંતાનો મોટાં થયાં પછી ફરીથી અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ એક પ્રાઇવેટ સંસ્થામાં નર્સિંગનો અભ્યાસ કરી રહ્યાં છે.
નર્સ બનવાની તૈયારી કરતાં સાબરા તેમના દીકરાને ડૉક્ટર બનાવવા ઇચ્છે છે.
તેઓ કહે છે, “મારા દીકરાને મોટો થઈને ડૉક્ટર બનવું છે. તેથી જ અમે ત્રણેય બાળકોને મોંઘી અંગ્રેજી સ્કૂલમાં ભણાવી રહ્યા છીએ. અમારી માટે ફી ભરવાનું આસાન ન હોવા છતાં અમે હિંમત કરી છે, પરંતુ સ્કૂલમાં મારા બાળક પર આવા ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. મારા બાળકોનો અભ્યાસ અટકી ગયો છે.”
મુસલમાન હોવાને કારણે પોતાના સંતાનો સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામા આવ્યો હોવાનું સાબરા પણ માને છે.
તેઓ કહે છે, “આ હિંદુ-મુસલમાનનો મામલો ન હોય તો પ્રિન્સિપાલ આવી રીતે વાત કેમ કરે છે? તેનો સ્પષ્ટ અર્થ છે કે તેઓ પોતે હિંદુ-મુસલમાન કરી રહ્યા છે.”
પ્રિન્સિપાલ શું કહે છે?

અવનીશ શર્માને પૂછ્યું કે વાઇરલ વીડિયોમાં તેઓ એ બાળક સાથે જેવો વ્યવહાર કરતા જોવા મળે છે એ બાબતે તેઓ હવે શું વિચારે છે?
તેમણે કહ્યું, “દુઃખ અને અફસોસ એ વાતનો છે કે વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે તે સંપૂર્ણ ઘટનાક્રમ નથી. વાઇરલ વીડિયો ઍડિટેડ અને ટ્રિમ્ડ છે. મેં બાળકને ક્યારેય ‘આતંકવાદી’ કહ્યો નથી.”
અવનીશ શર્મા બાળકના પરિવારના તમામ આક્ષેપોને ફગાવી દેતાં જણાવે છે કે તેઓ વિદ્યાર્થીઓ વચ્ચે ધર્મના આધારે ભેદભાવ કરતા નથી.
શર્માનું કહેવું છે કે તેઓ છેલ્લાં 25 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત્ છે અને છેલ્લાં 12 વર્ષથી આ સ્કૂલના પ્રિન્સિપાલ છે.
અવનીશ શર્મા કહે છે, “હું હિંદુ છું, હિંદુવાદી પણ છું, પરંતુ કોઈની સાથે ભેદભાવ નહીં, પ્રેમભાવ રાખું છું. હું કોઈ ભેદભાવ કરતો હોત કે સ્કૂલમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોત તો સ્કૂલના 40 ટકા વિદ્યાર્થીઓ મુસલમાન ન હોત.”
અલબત્ત, આ સ્કૂલ જ્યાં આવેલી છે તે મુસ્લિમ બાહુલ્યવાળો વિસ્તાર છે.
અવનીશ શર્માના જણાવ્યા મુજબ, આ અગાઉ સ્કૂલ પર આવા આરોપો ક્યારેય લાગ્યા નથી અને બાકીના તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલથી સંતુષ્ટ છે.
સ્કૂલે તપાસ સમિતિ સમક્ષ મુસ્લિમ વિદ્યાર્થીઓના એક ડઝનથી વધુ વાલીઓને પણ રજૂ કર્યા હતા. એ વાલીઓએ જણાવ્યું હતું કે તેમનાં સંતાનો સાથે સ્કૂલમાં ક્યારેય દુર્વ્યવહાર થયો નથી.
વિવાદનું કારણ જણાવતાં અવનીશ શર્મા કહે છે કે બાળકના વર્ગના અનેક વિદ્યાર્થીઓના વાલીઓની ફરિયાદ હતી કે તે છોકરો નૉન-વેજ ટિફિન લઈને સ્કૂલે આવે છે અને ક્લાસના બાળકોને મુસલમાન બનાવવાની વાતો કરે છે.
અવનીશ કહે છે, “એ ફરિયાદોની તપાસ કરવા હું ક્લાસમાં ગયો હતો અને બાકીનાં બાળકોએ આરોપોની પુષ્ટિ કરી હતી. ક્લાસનાં મોટાં ભાગનાં બાળકોએ કહ્યું હતું કે તે વિદ્યાર્થી આ પ્રકારની વાતો કરે છે.”
અવનીશ શર્માની આ વાતનો પ્રતિભાવ આપતાં વિદ્યાર્થીની માતા સાબરા બેગમ જણાવે છે કે તેમનો દીકરો સ્કૂલમાં ક્યારેય નૉન-વેજ ભોજન લઈને ગયો નથી.
બીજી તરફ અવનીશ શર્મા જણાવે છે કે સીબીએસઈ કે કોઈ સ્ટેટ બોર્ડ અથવા કોઈ યુનિવર્સિટીના નિયમ મુજબ ક્યા પ્રકારનું ભોજન લાવવામાં આવે કે કયા પ્રકારનું લાવવામાં ન આવે, એ બાબતે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ હિલ્ટન સ્કૂલે પોતાનો નિયમ બનાવીને નૉન-વેજ ભોજન લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
અવનીશ શર્મા કહે છે, “બાળક પોતાના ઘરમાં જે ખાય છે એ તેની પસંદ છે, પરંતુ અમારી સ્કૂલના પોતાના નિયમ છે, જેનો વાલીઓએ સ્વીકાર પણ કર્યો છે.”
કાયદો શું કહે છે?

જોકે, સુપ્રીમ કોર્ટના વકીલ સંજય હેગડે કહે છે, “સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ વ્યક્તિ શું પહેરે છે, શું ખાય છે, કોને પ્રેમ કરે છે તે તેનો મૂળભૂત અધિકાર છે. બાળકોને પણ તે અધિકાર છે. સ્કૂલનો નિયમ હોય કે અહીં નૉન-વેજ ભોજન ન લાવી શકાય તો તેને પડકારી શકાય છે.”
સંજય હેગડેના કહેવા મુજબ, “સ્કૂલનો કોઈ નિયમ હોય તો તેમાં એવો નિયમ પણ હોવો જોઈએ કે કોઈ નૉન-વેજ ખાવાનું લઈ આવશે તો તેને ચોક્કસ સજા થશે, દંડ થશે, પરંતુ સ્કૂલમાંથી કાઢી મૂકવાની વાત એક કલંક સમાન છે. બાળકના માનસિક વિકાસ માટે તે યોગ્ય નથી.”
સંજય હેગડે દલીલ કરે છે કે જે ઘટના બની છે તે બાળકના કે સ્કૂલના હિતમાં નથી.
તેઓ કહે છે, “આવા આરોપ મૂકવા કે મૂકાવવા તે અન્યાય છે. તેનાથી સ્કૂલમાં સદભાવના બગડે છે. એ બાબતે કોઈ કાર્યવાહી થવી જોઈએ. સીબીએસઈના નિયમ મુજબ, તે ઇચ્છે તો સ્કૂલની માન્યતા રદ્દ પણ કરી શકે છે.”
અમરોહા જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દ

અમરોહા શહેર મિશ્ર વસ્તી ધરાવતું શહેર છે અને અહીં સાંપ્રદાયિક સૌહાર્દ પ્રવર્તે છે. તેનું ઉદાહરણ આપતાં અમરોહાની જે એસ હિંદુ કૉલેજના નિવૃત્ત પ્રોફેસર મહેશ શરણ જણાવે છે કે આજુબાજુના જિલ્લાઓમાં ભલે કોમી હુલ્લડ થયાં હોય, પરંતુ અમરોહા કાયમ શાંતિપૂર્ણ રહ્યું છે.
મહેશ શરણ કહે છે, “શિક્ષક માટે તમામ વિદ્યાર્થીઓ એકસમાન હોય છે. ભલે તે હિંદુ હોય, મુસલમાન હોય કે અન્ય કોઈ હોય. આ પ્રકારની ઘટનાઓ અભદ્ર છે. તેનાથી જે વાતાવરણ સર્જાઈ રહ્યું છે તે બાળકો અને સમાજને જડમૂળથી ઊખેડી નાખવાનું છે.”
તેઓ ઉમેરે છે, “આ અત્યંત ગંભીર ઘટના છે. સ્થાનિક વહીવટીતંત્રે તેને ગંભીર ગણવી જોઈએ અને એવાં પગલાં લેવા જોઈએ કે ભવિષ્યમાં કોઈ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી સાથે આવું ન થાય.”
આ મુદ્દે જોરદાર રાજકારણ

બીજી તરફ આ ઘટનાને મુદ્દે શહેરમાં રાજકારણે પણ વેગ પકડ્યો છે. વિદ્યાર્થીને મળવા પહોંચેલા અસદુદ્દીન ઓવૈસીના પક્ષના નેતા કહે છે, “અમારો પક્ષ આ ઘટના બાબતે યોગ્ય સ્તરે સવાલ કરશે.”
નગીનાના સંસદસભ્ય ચંદ્રશેખર આઝાદના પક્ષના કાર્યકરોએ જિલ્લા વડામથકે આ મુદ્દે વિરોધપ્રદર્શન કર્યું હતું અને પ્રિન્સિપાલને બરતરફ કરવાની માગણી સાથેનું આવેદનપત્ર એસડીએમને આપ્યું હતું.
પીડિત વિદ્યાર્થીના પરિવારે પોલીસ ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધવામાં આવ્યો નથી. આ ઘટનાને શિક્ષણ વિભાગનો મામલો ગણાવીને એસએસપી કુંવર અનુપમસિંહ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાથી બચતા રહે છે.
જિલ્લા શાળા નિરીક્ષક બીવી સિંહ કહે છે, “અમે તપાસ કરીને અહેવાલ ટોચના અધિકારીઓને સોંપી દીધો છે. આગળની કાર્યવાહી તેમણે કરવાની છે.”
આ મામલો બાળ અધિકાર સાથે પણ જોડાયેલો છે. બીબીસીએ નેશનલ કમિશન ફૉર પ્રૉટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સને પૂછ્યું હતું કે પંચે આ ઘટનાની નોંધ લીધી છે કે કેમ. જોકે, હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
વૉલેન્ટિયર્સ અગૅન્સ્ટ હેટના સંયોજક ડૉ. મેરાજ હુસૈન કહે છે, “આ મામલે અત્યાર સુધીમાં એફઆઈઆર નોંધાઈ જવી જોઇતી હતી અને પ્રિન્સિપાલની ધરપકડ થવી જોઈતી હતી.”
તેઓ ઉમેરે છે, “પ્રિન્સિપાલને પોતાનો પક્ષ કોર્ટમાં રજૂ કરવાની તક મળી હોત, પરંતુ વહીવટીતંત્રે હજુ સુધી કોઈ પગલાં લીધાં નથી. લઘુમતી પંચ અને ચિલ્ડ્રન્સ કમિશને પણ આ ઘટનાની નોંધ લેવી જોઈતી હતી, પરંતુ હજુ સુધી આવું થયું નથી.”
ડૉ. મેરાજ હુસૈન કહે છે, “આ બાળક મુસ્લિમને બદલે હિંદુ હોત તો ઉત્તર પ્રદેશ સરકારે આ મામલે પગલાં લીધાં હોત. આ કોઈ ધાર્મિક મુદ્દો નથી. આ એક વિદ્યાર્થીના અધિકારનો પ્રશ્ન છે, પરંતુ વિદ્યાર્થીના અધિકારોનું રક્ષણ કરવા અને સંબંધિત શિક્ષકોને સજા કરવા અત્યાર સુધી કોઈ આગળ આવ્યું નથી.”
વિદ્યાર્થીનાં માતા સાબરા બેગમ હવે કાયદાકીય લડાઈની તૈયારી કરી રહ્યાં છે. તેઓ કહે છે, “વહીવટીતંત્ર મારા બાળક સાથે ન્યાય નહીં કરે તો હું કોર્ટમાં જઈશ. જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટમાં પણ જઈશ. હવે આ માત્ર મારા બાળકનો નહીં, પરંતુ સ્કૂલે જતા દરેક બાળકનો પ્રશ્ન છે.”
આ બધાની વચ્ચે સાબરા બેગમનો સાત વર્ષનો દીકરો આઘાતમાં છે અને પૂછે છે કે તેનો અભ્યાસ ક્યારે શરૂ થશે?
તેમના અન્ય બે ભાંડુનું સ્કૂલ જવાનું પણ બંધ થઈ ગયું છે.
(પૂરક માહિતીઃ સ્થાનિક પત્રકાર તારિક અઝીમ)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













